પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારતીય કૃષિ સંશોધન પરિષદની પ્રગતિની સમીક્ષા કરી

Posted On: 04 JUL 2020 6:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભારતમાં કૃષિ સંશોધન, વિસ્તરણ અને શૈક્ષણિક કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠકમાં કૃષિ, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી, કૃષિ બાબતોના રાજ્યકક્ષાના બંને મંત્રીઓ જોડાયા હતા. વધુમાં પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી વરિષ્ઠ અધિકારીઓ, કૃષિ, પશુપાલન અને ડેરી તથા મસ્ત્ય વિભાગોનો સચિવો પણ તેમાં હાજર રહ્યાં હતાં.

ભારતીય કૃષિ સંશોધન પરિષદના મહાનિદેશક તથા કૃષિ સંશોધન અને વિસ્તરણ વિભાગના સચિવ ડૉ. ત્રિલોચન મહાપાત્રએ વિવિધ પડકારોનો સામનો કરવા માટે પ્રાથમિકતાઓ, કામગીરી અને તૈયારીઓ સંબંધિત વિસ્તૃત માહિતી રજૂ કરી  હતી. વર્ષ 2014થી ICARના વિવિધ કેન્દ્રો ખાતે થયેલા સંશોધનના આધારે, ખેત પાકોની નવી પ્રજાતિઓ (1434), બાગાયતી પાકો (462) અને જળવાયુ પરિવર્તન પ્રતિરોધક (1121) પ્રજાતિઓ વિકસાવવામાં આવી છે. નવી પ્રજાતિઓ વિકસાવવા માટે આણ્વિક સંવર્ધન ટેકનિકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે અનેક પ્રકારની મુશ્કેલીઓ વધુ સહનશીલતા ધરાવે છે. HD 3226 ઘઉં પ્રજાતિ સાત રોગો અને ટામેટાની આર્કઆબેદ પ્રજાતિ ચાર રોગોની સામે પ્રતિરોધકતા ધરાવે છે.

વાણિજ્યિક પ્રકિયાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રકિયાત્મક લક્ષણો ધરાવતી પ્રજાતિઓ જેવી કે આર્કવિશેષ, આર્કઆલિશા અને આર્કયોજી વિકસાવવામાં આવી છે. પ્રધાનમંત્રીએ કૃષિ-જળવાયુ સંબંધિત વિસ્તારોની ચોક્કસ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવેલી પ્રજાતિઓ સંબંધે હાથ ધરાયેલા પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને ખેડૂતોની વધુ સારી આવક સુનિશ્ચિત કરવા માટે ઉત્પાદન અને માર્કેટિંગ સુવિધાઓ વિકસાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.

શેરડીની એક પ્રજાતિ કરણ-4 દ્વારા ખાંડની પ્રાપ્તિમાં વધારો થયો છે અને તેણે ઉત્તરપ્રદેશમાં પારંપારિક રીતે ઉગાડવામાં આવતી પ્રજાતિઓનું સ્થાન લઇ લીધું છે. પ્રધાનમંત્રીએ શેરડી અને અન્ય પાકોમાંથી બાયો ઇથેનોલ વધારવાની પદ્ધતિઓ શોધવાની સંભાવનાઓ પર વિશેષ ભાર મૂક્યો હતો.

'કુપોષણ મુક્ત ભારત'ના પ્રયાસોને જોર આપવા માટે વધારે આર્યન, ઝિંક અને પ્રોટીનના તત્વોથી યુક્ત 70 જૈવ આરક્ષિત પ્રજાતિઓ વિકસાવવામાં આવી છે. દાડમની એક આવી પ્રજાતિ 'ભગવા' છે, જે આર્યન, પોટેશિયમ, વિટામિન સી અને એન્ટી-ઓક્સિડન્ટથી સમૃદ્ધ છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી પોષણ થાળી અને પોષણ બગીચાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 76 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને 450 મોડલ ખેતરોનો સમાવેશ કરીને પાયલોટ પરિયોજનાઓ હાથ ધરવામાં આવી છે. સમતોલિત આહાર સુનિશ્ચિત કરવા માટે આંગણવાડી કાર્યકર્તાઓ અને ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓને પોષણ બગીચાઓમાં પ્રશિક્ષિત કરવામાં આવી રહી છે. પોષણ થાળીમાં ચોખા, સ્થાનિક દાળ, મોસમી ફળ, પાંદડા ધરાવતી શાકભાજીઓ, કંદમૂળ, અન્ય શાકભાજીઓ, દૂધ અને ખાંડ, ગોળ અને તેલ જેવા અન્ય તત્વોનો સમાવેશ થાય છે. 2022 સુધી 100 ન્યૂટ્રી સ્માર્ટ ગામડાંઓનું સર્જન કરવામાં આવનાર છે.

પ્રધાનમંત્રીએ સમૂહ આધારિત અભિગમ ઉપર જૈવિક અને પ્રાકૃતિક કૃષિ પ્રણાલીઓ અપનાવવાની આવશ્યકતા ઉપર ખાસ ભાર મૂક્યો હતો. ICAR દ્વારા ભારતનો ભૂ-સંદર્ભિત જૈવિક કાર્બન નકશો વિકસાવવામાં આવ્યો છે, 88 જૈવ નિયંત્રક ઘટકો અને 22 જૈવ જંતુનાશકોની ઓળખ કરવામાં આવી છે જે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપી શકાય છે.

પ્રધાનમંત્રીએ કૃષિ અને સહાયક ક્ષેત્રોમાં નવાચાર અને ટેકનોલોજીનો ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે સ્ટાર્ટ-અપ અને કૃષિ સાહસિકોને પ્રોત્સાહિત કરવાના નિર્દેશો આપ્યાં હતા. તેમણે ખેડૂતોની માંગ પર માહિતી ઉપલબ્ધ કરાવવામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની જરૂરિયાતોને રેખાંકિત કરી હતી.

તેમણે નિર્દેશ આપ્યો હતો કે ઓળખાયેલી સમસ્યાઓના સમાધાન માટે અને સાધનો તથા ઉપકરણોની ડિઝાઇન સંબંધિત જરૂરિયાતો સંતોષવા માટે વર્ષમાં બે વખત હેકાથોનનું આયોજન કરી શકાય, જે કૃષિ કામદારોમાં મહિલાઓની મોટી સંખ્યાને નજર સમક્ષ રાખીને કૃષિ પ્રવૃતિઓમાં કામનો બોજ હળવો કરી શકે છે.

તેમણે આરોગ્યપ્રદ ખોરાક સુનિશ્ચિત કરવા માટે જુવાર, બાજરી, રાગી અને કેટલાક અન્ય અનાજનો સમાવેશ કરવા સંબંધિત જાગૃતતા ફેલાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.

ગરમ હવાઓ, દુકાળ, ઠંડી હવાઓ, ભારે વરસાદના કારણે પૂર જેવી જળવાયુ સંબંધિત આપત્તિઓના કારણે ભારે નુકસાન સર્જાય છે અને તે કૃષિ આજીવિકા માટે મોટો પડકાર સાબિત થઇ રહી છે. આવી જળવાયુ સંબંધિત આપતિઓથી સર્જાતા નુકસાનથી ખેડૂતોને બચાવવા માટે એકીકૃત કૃષિ પ્રણાલીઓ વિકસાવવામાં આવી છે. ખેડૂતો દ્વારા પેઢીઓથી પેદા કરવામાં આવી રહેલી પારંપારિક પ્રજાતિઓની સહનશીલતા અને અન્ય ગુણોની તપાસ કરાઇ રહી છે.

પાણીનો કાર્યક્ષમ ઉપયોગ વધારવા માટે, પ્રધાનમંત્રીએ જાગૃતતા અને સંપર્ક કાર્યક્રમ હાથ ધરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

પશુઓ, ઘેટા અને બકરીઓની નવી પ્રજાતિઓ વિકસાવવામાં ICARના યોગદાનની સમીક્ષા કરતી વખતે પ્રધાનમંત્રીએ કુતરાઓ અને ઘોડાઓની સ્વદેશી પ્રજાતિઓ ઉપર સંશોધન કરવાની જરૂરિયાત રેખાંકિત કરી હતી. તેમણે નિર્દેશ આપ્યો હતો કે પગ અને મોઢા સંબંધિત બિમારીઓ માટે રસીકરણ પર એક ઝૂંબેશ આધારિત અભિયાન પર ભાર મૂકવામાં આવે.

પ્રધાનમંત્રીએ પોષકીય મૂલ્યને સમજવા માટે ઘાસ અને સ્થાનિક પશુચારા પાકનો અભ્યાસ કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. તેમણે પૌષ્ટિક ઔષધીય પદાર્થોના વ્યાવસાયિક ઉપયોગની સંભાવનાઓ તપાસવા ઉપરાંત જમીન સ્વાસ્થ્ય પર સમુદ્રી નિંદણના ઉપયોગની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.

ICAR દ્વારા ડાંગરના પાકની લણણી બાદ પાક સળગાવવાની સમસ્યાના સમાધાન માટે પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં મેજિક સીડર રજૂ કરવામાં આવ્યું છે. 2016ની સરખામણીમાં 2019માં પાક સળગાવવાની પ્રવૃતિઓમાં 52 ટકાનો ઘટાડો નોંધાયો છે.

પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો હતો કે કૃષિ ઉપકરણોની પહોંચને સરળ બનાવવી જોઇએ અને ખેતરથી બજાર સુધી પરિવહનની સુવિધા સુનિશ્ચિત કરવી જોઇએ. સંબંધમાં કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગે 'કિસાનરથ' એપ રજૂ કરી છે.

પ્રધાનમંત્રીએ ખેડૂતોની માંગ પુરી કરવા માટે કૃષિ શિક્ષણ અને કૃષિ જળવાયુ આવશ્યકતા ઉપર આધારિત સંશોધનની જરૂરિયાતો ઉપર ભાર મૂક્યો હતો. સરકાર ખેડૂતોની આવક વધારવાની સાથે સાથે આંતરરાષ્ટ્રીય માનકોને પૂર્ણ કરવાની દિશામાં પણ કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય ખેડૂતોના પારંપારિક જ્ઞાનની ટેકનોલોજી અને યુવાનોને કૌશલનો લાભ મળવો જોઇએ. સાથે ગ્રામીણ ક્ષેત્રોમાં પરિવર્તન લાવવા માટે ભારતીય કૃષિની સંપૂર્ણ ક્ષમતાઓના ઇષ્ટતમ ઉપયોગ માટે કૃષિ સ્નાતકોનું પણ સમર્થન મળવું જોઇએ.

 

 

GP/DS



(Release ID: 1636614) Visitor Counter : 225