નાણા મંત્રાલય

આર્થિક પ્રવૃત્તિમાં વધારો - આર્થિક સંકેતકોમાં સુધારો

ઓછામાં ઓછા નુકસાન સાથે વહેલામાં વહેલી તકે અર્થવ્યવસ્થાની ગાડી ફરી પાટે ચડાવવા માટે સરકાર અને આરબીઆઈ દ્વારા ગણતરીપૂર્વક તાત્કાલિક લેવાયેલાં નીતિવિષયક પગલાં

સરકારના માળખાકીય સુધારા તેમજ સહાયક સામાજિક કલ્યાણનાં પગલાં પ્રત્યેની પ્રતિબદ્ધતા અર્થવ્યવસ્થાને પુનઃ ધમધમતી કરવામાં મદદગાર નીવડશે

તમામ હિતધારકોના સહિયારા પ્રયાસ અને મજબૂત અને ગતિશીલ ભારતીય અર્થવ્યવસ્થાના પુનરુત્થાન માટેના યોગદાનને પગલે આત્મનિર્ભર ભારત માટેનો સંકલ્પ વધુ દ્રઢ બનશે.

Posted On: 23 JUN 2020 12:00PM by PIB Ahmedabad

‘જાન હૈ તો જહાં હૈ’ - લોકોના જીવન બચાવવાની તાત્કાલિક જરૂરિયાતને પગલે ભારતે 24મી માર્ચ, 2020ના રોજથી 21 દિવસ રાષ્ટ્રવ્યાપી કડક લોકડાઉન પાળ્યું, જેથી દેશમાં કોવિડ-19 મહામારીને ફેલાતી પ્રારંભિક તબક્કામાં જ અટકાવી શકાય. લોકડાઉનના ગાળાને કારણે દેશમાં સ્વાસ્થ્ય અને પરીક્ષણના માળખાને વેગ આપવામાં સહાય કરી. સમયસરના ટ્રેસિંગ, સારવાર અને નોંધણીને કારણે વાયરસની લપેટ આવ્યા બાદ સાજા થનારા લોકોની સંખ્યા વધી રહી છે અને આજે દેશમાં કુલ કેસોમાંથી 41 ટકા સક્રિય કેસો છે.

જોકે, લોકડાઉન અને સામાજિક અંતરનાં કડક પગલાંને કારણે અર્થવ્યવસ્થાને ગંભીર ફટકો પડ્યો છે. જીવન ઉગારવાથી ક્રમશઃ આજીવિકા બચાવવા તરફનો વળાંક - ‘જાન ભી જહાં ભી’ લેતાં ભારત પહેલી જૂનથી ‘અનલોક ઈન્ડિયા”ના તબક્કામાં પ્રવેશ્યું છે અને સેવાઓ અને ઉદ્યોગોને તબક્કાવાર ફરી શરૂ કરવા માંડ્યા છે. સરકાર અને આરબીઆઈએ ઓછામાં ઓછા નુકસાને વહેલામાં વહેલી તકે અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડાવવા માટે ટૂંકા ગાળા તેમજ લાંબા ગાળા - બંને પ્રકારનાં તાત્કાલિક લીધેલાં ગણતરીપૂર્વકનાં નીતિવિષયક પગલાં લીધાં છે.

કૃષિ ક્ષેત્ર, ભારતીય અર્થવ્યવસ્થાનો પાયો રહ્યું છે અને ચોમાસું સામાન્ય જવાના અનુમાનને પગલે ભારતીય અર્થવ્યવસ્થાને પુનઃ ધમધમતી બનવામાં સહાય મળશે. આ ક્ષેત્રનો જીડીપીમાં ફાળો ખૂબ મોટો (ઉદ્યોગો અને સેવાઓના સંદર્ભે) ન હોવા છતાં તેના વિકાસને પગલે કૃષિ ઉપર નિર્ભર બહોળી વસ્તી ઉપર અત્યંત સકારાત્મક અસર પડે છે. તાજેતરમાં સરકારે આ ક્ષેત્ર માટે જાહેર કરેલા મહત્ત્વના સુધારાને પગલે કાર્યક્ષમ વેલ્યુ ચેઇન્સ સ્થાપવામાં તેમજ ખેડૂતોને વધુ સારું વળતર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં ઘણી મદદ મળશે.

ભારતીય ઉત્પાદનની લવચિકતા એ બાબત ઉપરથી સાબિત થઈ છે કે બે જ મહિનાના ગાળામાં ભારત પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઈ) ક્ષેત્રે લગભગ શૂન્યમાંથી શરૂ કરીને વિશ્વનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો છે. મે અને જૂન મહિનામાં વીજળી અને બળતણનો વપરાશ, માલસામાનની રાજ્યની અંદર અને રાજ્યો વચ્ચેની હેરફેર, છૂટક નાણાંકીય લેવડદેવડ વધવા જેવાં વાસ્તવિક ગતિવિધિઓનાં ઈન્ડિકેટર્સ દ્વારા આર્થિક પુનરુત્થાનનાં પ્રારંભિક સંકેતો મળવા લાગ્યાં છે.

આર્થિક સંકેતકોમાં સુધારો

કૃષિ

 

  • સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી અગાઉનો વર્ષ 2012-13નો 381.48 લાખ મેટ્રિક ટનનો વિક્રમ તોડીને 16મી જૂન, 2020ના રોજ 382 લાખ મેટ્રિક ટન નોંધાઈ છે. આ ખરીદી પણ કોવિડ-19 મહામારીના કસોટીભર્યા સમયગાળા દરમ્યાન સામાજિક અંતરનાં પ્રતિબંધોનું પાલન કરવાની સાથે નોંધાઈ છે. 42 લાખ ખેડૂતોને તેનો લાભ મળ્યો છે અને ઘઉં માટેના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) પેટે તેમને કુલ રૂા. 73,500 કરોડ ચૂકવાયાં છે.
  • સરકાર દ્વારા ગૌણ વન્ય પેદાશો (એમએફપી)ની લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે 16 રાજ્યોમાં એમએફપી સ્કીમ હેઠળ રૂા. 79.42 કરોડની વિક્રમી ખરીદી કરવામાં આવી છે. કોવિડ-19 મહામારીના આ મુશ્કેલ સમયે આદિવાસીઓના જીવન અને આજીવિકા ખોરવાઈ ગયા છે, ત્યારે સરકાર દ્વારા કરાયેલી આ ખરીદી અત્યંત જરૂરી રામબાણ ઈલાજ સાબિત થયો છે.
  • 19મી જૂનના આંકડા મુજબ ખેડૂતોએ 1.313 કરોડ હેક્ટર્સમાં ખરીફ પાકોનું વાવેતર કર્યું છે, જે પાછલા વર્ષના સમાન ગાળા કરતાં 39 ટકા વધુ છે. તેલીબિયાં, જાડાં ધાન્ય, કઠોળ અને કપાસના વાવેતર હેઠળના વિસ્તારમાં મોટો વધારો જોવા મળ્યો છે.
  • ફર્ટિલાઈઝરનાં વેચાણ મે, 2020માં વાર્ષિક ધોરણે લગભગ 98 ટકા વધ્યાં છે, જે કૃષિ ક્ષેત્રે ભારે તેજીનું પ્રતિબિંબ દર્શાવે છે.

 

મેન્યુફેક્ચરિંગ

  • મે મહિનામાં ભારતનો મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીઝ પીએમઆઈ એપ્રિલની સરખામણીએ અનુક્રમે 30.8 અને 12.6એ ઓછું સંકોચન દર્શાવે છે (એપ્રિલમાં અનુક્રમે 27.4 અને 5.4 હતો).
  • વીજ વપરાશમાં વૃદ્ધિ દરમાં પણ ઓછો ઘટાડો જોવા મળે છે. એપ્રિલમાં (-) 24 ટકા સામે મે મહિનામાં (-) 15.2 ટકા અને જૂનમાં (21મી જૂનના રોજ સુધી) (-) 12.5 ટકા જોવા મળે છે. જૂનમાં વીજ વપરાશ સતત વધી રહ્યો હોવાનું જોવા મળે છે. પહેલા સપ્તાહમાં (-) 19.8 ટકાથી બીજા સપ્તાહમાં (-) 11.2 અને ત્રીજા સપ્તાહમાં (-) 6.2 ટકાનો ઘટાડો નોંધાયો છે.
  • -વે બિલનાં કુલ મૂલ્યાંકનપાત્ર મૂલ્યમાં મે, 2020માં 130 ટકા (રૂા. 8.98 લાખ કરોડ)નો મોટો વધારો જોવા મળ્યો છે, જે એપ્રિલ, 2020માં (રૂા. 3.0 લાખ કરોડ) પાછલા વર્ષ તેમજ લોકડાઉન પહેલાના ગાળાની સરખામણીએ નીચું હતું. પહેલીથી 19મી જૂન દરમ્યાનનાં ઈ-વે બિલ્સનાં મૂલ્ય રૂા. 7.7 લાખ કરોડ છે અને સમગ્ર મહિનાના હજુ 11 દિવસ બાકી છે.
  • દેશમાં વપરાશ અને મેન્યુફેક્ચરિંગની પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ આપતું મહત્ત્વનું ઈન્ડિકેટર પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ છે. આ વપરાશ એપ્રિલમાં 99,37,000 મેટ્રિક ટનથી 47 ટકા વધીને મેમાં 1,46,46,000 મેટ્રિક ટન નોંધાયો છે. તે જ રીતે, વાર્ષિક ધોરણે પેટ્રોલિયમ પેદાશોના વપરાશમાં વૃદ્ધિનો ઘટાડો એપ્રિલમાં (-) 45.7 ટકાથી ઘટીને મેમાં (-) 23.2 ટકા થયો હતો. જૂનમાં અનલોક 1.0ને એક મહિના બાદ પેટ્રોલિયમ પેદાશોના વપરાશમાં હજુ વૃદ્ધિની અપેક્ષા છે.

સેવાઓ

  • રેલવે દ્વારા માલસામાનના પરિવહનનો ટ્રાફિક પાછલા વર્ષ કરતાં ઓછો હોવા છતાં એપ્રિલની સરખામણીએ (6.54 કરોડ ટન), મે મહિનામાં 26 ટકા વધ્યો છે (8.26 કરોડ ટન). જૂન મહિનામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર માલસામાનની હેરફેરમાં વધારાની સાથે સાથે આ ટ્રાફિકમાં વધુ વધારાની ધારણા છે.
  • સરેરાશ દૈનિક ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (ઈલેક્ટ્રોનિક પદ્ધતિએ એકત્ર થતો માર્ગ-કર) એપ્રિલ, 2020માં રૂા. 8.25 કરોડથી ચાર ગણા કરતાં પણ વધુ વધીને મે, 2020માં રૂા. 36.84 કરોડ નોધાયો છે. જૂનના પહેલા ત્રણ સપ્તાહમાં ટોલ કલેક્શન વધુ વધીને રૂા. 49.8 કરોડ નોંધાયું હતું.
  • એનપીસીઆઈ પ્લેટફોર્મ્સ દ્વારા કુલ ડિજિટલ છૂટક નાણાંકીય વ્યવહારો એપ્રિલ, 2020માં રૂા. 6.71 લાખ કરોડથી ઝડપી વધારા સાથે મેમાં રૂા. 9.65 લાખ કરોડ નોંધાયાં હતાં. જૂન મહિનામાં વાસ્તવિક ગતિવિધિઓમાં સતત વૃદ્ધિને પગલે આ ડિજિટલ છૂટક નાણાંકીય વ્યવહારોમાં વધારો પણ ચાલુ રહેશે તેવું અનુમાન છે..

 

નાણાંકીય સૂચકાંકો

  • પર્યાપ્ત તરલતા સુનિશ્ચિત કરવાના આરબીઆઈના પ્રયાસોને કારણે કોર્પોરેટ બોન્ડ્સના પ્રાયવેટ પ્લેસમેન્ટમાં એપ્રિલ મહિનામાં 22 ટકા ઘટાડા (રૂા. 0.54 લાખ કરોડ)ની સરખામણીએ મે મહિનામાં વાર્ષિક ધોરણે 94.1 ટકાનો તીવ્ર વધારો (રૂા. 0.84 લાખ કરોડ) જોવા મળ્યો છે. જૂન મહિનામાં અર્થવ્યવસ્થામાં વધુ તરલતા આવવાને કારણે પ્લેસમેન્ટસમાં વધુ વધારો જોવા મળશે તેવી ધારણા છે.
  • મ્યુચ્યુઅલ ફંડોની એવરેજ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) એપ્રિલ, 2020માં રૂા. 23.5 લાખ કરોડથી 3.2 ટકા વધીને મે, 2020માં રૂા. 24.2 લાખ કરોડ થઈ છે. વાર્ષિક ધોરણે આ ઈન્ડિકેટરની વૃદ્ધિમાં ઘટાડો એપ્રિલમાં (-) 6.9 ટકાથી ઘટીને મેમાં (-) 4.5 ટકા નોધાયો છે.
  • 12મી જૂનના રોજ ભારતની વિદેશી હૂંડિયામણની અનામતો 507.6 અબજ અમેરિકન ડોલર છે, જે ઊંચા સીધાં વિદેશી રોકાણો, પોર્ટફોલિયોમાં ભંડોળ તેમજ તેલના નીચા ભાવને કારણે વૈશ્વિક સ્તરે ઉથલપાથલ સામે મહત્ત્વપૂર્ણ રાહત આપી રહી છે. ભારતમાં સીધાં વિદેશી રોકાણો નાણાં વર્ષ 2019-20માં 73.45 અબજ અમેરિકન ડોલર નોંધાયાં હતાં, જે પાછલા નાણાંકીય વર્ષની સરખામણીએ 18.5 ટકાનો વધારો દર્શાવે છે.

માળખાકીય સુધારા તેમજ સહાયક સામાજિક કલ્યાણનાં પગલાં પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા, અર્થવ્યવસ્થાને પુનઃજીવિત કરવા માટેનાં આવાં સકારાત્મક સંક્તો માટે સહાયક બનશે. તમામ હિતધારકોના સહિયારા પ્રયાસ અને મજબૂત અને ગતિશીલ ભારતીય અર્થવ્યવસ્થાના પુનરુત્થાન માટેના યોગદાનને પગલે આત્મનિર્ભર ભારત માટેનો સંકલ્પ વધુ દ્રઢ બનશે.

 

 

GP/DS



(Release ID: 1633652) Visitor Counter : 337