પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગ્રામીણ ભારતમાં આજીવિકાની તકોને વેગવાન બનાવવા માટે પ્રધાનમંત્રી 20 જૂને ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનો પ્રારંભ કરશે


125 દિવસના આ અભિયાનમાં 6 રાજ્યોના 116 જિલ્લામાં વિસ્થાપિત શ્રમિકોને મદદરૂપ થવા માટે મિશન મોડમાં કામ કરવા પર ધ્યાન અપાશે

આ અભિયાન રોજગારીની તકોને વેગ આપવાની સાથે સાથે ટકાઉક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરશે

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત રૂપિયા 50,000 કરોડના મૂલ્યના જાહેર કાર્યો હાથ ધરવામાં આવશે

Posted On: 18 JUN 2020 9:24AM by PIB Ahmedabad

પોતાના વતન રાજ્યોમાં પરત ફરેલા વિસ્થાપિત શ્રમિકો અને ગ્રામીણ લોકોને આજીવિકાની તકો પૂરી પાડવા માટે અને તેમને સશક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનનામથી મોટાપાયે ગ્રામીણ જાહેર કાર્યોની યોજના શરૂ કરવાનો ભારત સરકારે નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 20 જૂન 2020ના રોજ સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો શુભારંભ કરાવશે જેમાં બિહારના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. આ અભિયાનની શરૂઆત બિહારના ખગરિયા જિલ્લાના બેલદૌર બ્લોકના તેલીહર ગામથી કરવામાં આવશે. વધુમાં, પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સંબંધિત મંત્રાલયોના કેન્દ્રીય મંત્રીઓ પણ આ વર્ચ્યુઅલ શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દેશના છ રાજ્યોમાં 116 જિલ્લાના ગામડાઓ સામાન્ય સેવા કેન્દ્રો અને કૃષિ કલ્યાણ કેન્દ્રો દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે જેમાં કોવિડ-19 મહામારીના કારણે નિર્ધારિત કરવામાં આવેલા સામાજિક અંતરના માપદંડોનું ચુસ્ત પાલન કરવામાં આવશે.

125 દિવસ સુધી ચાલનારા આ અભિયાનને મિશન મોડ ધોરણે આગળ વધવારમાં આવશે, જેમાં એક તરફ વિસ્થાપિત શ્રમિકોને કામ પૂરું પાડવાની સાથે સાથે બીજી તરફ, દેશના ગ્રામીણ પ્રાંતોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવા માટે અલગ અલગ પ્રકારના 25 જાહેર કાર્યો હાથ ધરવા માટે પ્રબળતાથી અને પૂરી એકાગ્રતા સાથે આ અભિયાનનો અમલ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત રૂપિયા 50,000 કરોડના મૂલ્યોના કાર્યો હાથ ધરવામાં આવશે.

છ રાજ્યો એટલે કે બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશામાં અન્ય રાજ્યોમાંથી વતન પરત આવેલા 25,000થી વધુ વિસ્થાપિત શ્રમિકો સાથે કુલ 116 જિલ્લાને આ અભિયાન માટે પસંદ કરવામાં આવ્યા છે જેમાં 27 મહત્વાકાંક્ષી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં કુલ વિસ્થાપિત શ્રમિકોમાંથી લગભગ બે તૃત્યાંશ શ્રમિકોને આવરી લેવાશે તેવો અંદાજ છે.

આ અભિયાન ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગો, ખાણકામ, પીવાલાયક પાણી અને સફાઇ, પર્યાવરણ, રેલવે, પેટ્રોલિયમ અને કુદરતી વાયુઓ, નવી અને અક્ષય ઉર્જા, સરહદી માર્ગો, દૂરસંચાર અને કૃષિ એમ 12 અલગ અલગ મંત્રાલયો/ વિભાગો વચ્ચે સંકલિત પ્રયાસોથી આ અભિયાન આગળ ધપાવવામાં આવશે.

 

GP/DS



(Release ID: 1632256) Visitor Counter : 271