સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


ICMRના સેરો-સર્વેલન્સ અભ્યાસમાં જાણવા મળ્યું કે, સર્વેમાં આવરી લેવામાં આવેલા લોકોમાંથી માત્ર 0.73% લોકો કોવિડ-19થી ચેપગ્રસ્ત છે

Posted On: 11 JUN 2020 6:48PM by PIB Ahmedabad

ICMR દ્વારા હાથ ધરવામાં આવેલા સેરો-સર્વેલન્સ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સર્વેમાં સમાવી લેવામાં આવેલી કુલ વસ્તીમાંથી માત્ર 0.73% લોકો SARS-CoV-2થી ચેપગ્રસ્ત થયા હોવાના પૂરાવા છે. ICMRના મહાનિદેશક ડૉ. બલરામ ભાર્ગવે આજે મીડિયાને માહિતી આપતી વખતે આમ જણાવ્યું હતું.

ICMR દ્વારા મે 2020માં રાજ્યોના આરોગ્ય વિભાગો, NCDC અને WHO ઇન્ડિયાના સહયોગથી કોવિડ-19 માટે પ્રથમ સેરો-સર્વે કરવામાં આવ્યો હતો. અભ્યાસ 83 જિલ્લામાં કરવામાં આવ્યો હતો જેમાં 28,595 પરિવારો અને 26,400 લોકોને આવરી લેવામાં આવ્યા હતા. અભ્યાસમાં બે ભાગ હોય છે જેમાંથી સામાન્ય જનતામાં SARS-CoV-2થી ચેપગ્રસ્ત હોય તેવા લોકોની સંખ્યા શોધવા માટેની પ્રાથમિક કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. બીજા ભાગ માટે, હોટસ્પોટ શહેરોમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં SARS-CoV-2 થી ચેપગ્રસ્ત લોકોની સંખ્યાનું અનુમાન લગાવવાની કામગીરી હાલમાં પૂર્ણતાની પ્રક્રિયામાં છે.

અભ્યાસમાં એવું પણ સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું હતું કે, લૉકડાઉન દરમિયાન હાથ ધરવામાં આવેલા માપદંડોથી સંક્રમણનો ફેલાવો ઓછો કરવામાં તેમજ કોવિડ-19નો ફેલાવો ઝડપથી આગળ વધતો અંકુશમાં લાવવામાં સફળતા મળી છે. ICMRની ગણતરી અનુસાર ગ્રામીણ વિસ્તારોની સરખામણીએ શહેરી વિસ્તારોમાં બીમારી ફેલાવાનું જોખમ 1.09 ગણું વધારે છે અન શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં તે ફેલાવાનું જોખમ 1.89 ગણું વધારે છે. ચેપના કારણે મૃત્યુદર ખૂબ ઓછો એટલે કે માત્ર 0.08% નોંધાયો છે. આનો મતલબ એવો થાય છે કે, સમય સમયે સૂચવવામાં આવતા કોવિડ સંબંધિત યોગ્ય શિષ્ટાચારનું મોટી સંખ્યામાં જનસમુદાયે ચુસ્ત પાલન કરવાનું ચાલુ રાખવું જોઇએ.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 5,823 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. આથી દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,41,028 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. સાથે દેશમાં દર્દીઓ સાજા થવાનો દર 49.21% નોંધાયો છે. ભારતમાં હાલમાં 1,37,448 સક્રિય કેસો છે જે તમામને સંપૂર્ણ તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હાલમાં, દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય દર્દીઓની સંખ્યા કરતા વધારે છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

GP/DS

 



(Release ID: 1630972) Visitor Counter : 301