સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય દર્દીઓની સંખ્યા કરતા વધી ગઇ

ICMR દ્વારા 50 લાખથી વધુ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું

6 શહેરોમાં કોવિડ-19નું વ્યવસ્થાપન કરવામાં રાજ્યોને મદદરૂપ થવા માટે કેન્દ્રની ટીમો નિયુક્ત કરવામાં આવી

Posted On: 10 JUN 2020 4:20PM by PIB Ahmedabad

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 5,991 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. આથી દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,35,205 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે જ્યારે કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 1,33,632 છે. દેશમાં પહેલી વખત સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસોની સંખ્યા કરતા વધુ નોંધાઇ છે. સાથે દેશમાં દર્દીઓ સાજા થવાનો દર 48.88% નોંધાયો છે.

ઉપરાંત, ICMR દ્વારા અત્યાર સુધીમાં કુલ 50 લાખથી વધુ સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે; આજના દિવસ સુધીમાં કુલ 50,61,332 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં, ICMR દ્વારા 1,45,216 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ચેપગ્રસ્ત લોકોમાં નોવલ કોરોના વાયરસનું નિદાન કરવા માટે ICMR દ્વારા સતત તેમની પરીક્ષણની ક્ષમતા વધારવામાં આવી રહી છે. દેશમાં કોવિડ-19ના પરીક્ષણ માટે સરકારી લેબોરેટરી વધારીને 590 અને ખાનગી લેબોરેટરી વધારીને 233 (કુલ 823 લેબોરેટરી) કરવામાં આવી છે.

મુંબઇ, અમદાવાદ, ચેન્નઇ, કોલકાતા, દિલ્હી અને બેંગલુરુ શહેરમાં કોવિડ-19ના કેસોની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં વધી રહી હોવાથી કોવિડ-19ના નિયંત્રણ માટે લેવામાં આવેલા જાહેર આરોગ્યના પગલાંઓની સમીક્ષા કરવા માટે રાજ્યના આરોગ્ય વિભાગો અને મ્યુનિસિપલ આરોગ્ય અધિકારીઓને ટેકનિકલ સહાય પૂરી પાડવા આશયથી કેન્દ્ર દ્વારા ટીમો નિયુક્ત કરવામાં આવી છે.

ટીમો ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલા શહેરોમાં આગામી એક અઠવાડિયામાં મુલાકાત લેશે અને કોવિડ-19ના નિયંત્રણ માટે લેવામાં આવેલા જાહેર આરોગ્યના વિવિધ પગલાંની સમીક્ષા કરશે. ટીમો દૈનિક પ્રવૃત્તિઓનો અહેવાલ જે તે રાજ્યના આરોગ્ય વિભાગ તેમજ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપશે. જો કોઇપણ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની જરૂર હશે તો મામલે તેઓ જાણ કરશે અને પોતાના અવલોકનોનો અહેવાલ પણ સોંપશે તેમજ તેમની મુલાકાતનું સમાપન કરતા પહેલાં જરૂરી સૂચનો પણ આપશે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

GP/DS



(Release ID: 1630675) Visitor Counter : 318