ગૃહ મંત્રાલય
કોવિડ-19 સામે લડવા માટે નવી માર્ગદર્શિકા 1 જૂન 2020થી અમલમાં આવશે
કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લૉકડાઉનનો ચુસ્ત અમલ કરવાનો રહેશે, જે રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકાના આધારે નક્કી કરવામાં આવશે
કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર તમામ પ્રવૃત્તિઓને તબક્કાવાર ફરી શરૂ કરવા માટે મંજૂરી અપાશે; અનલૉક- 1
રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી તમામ બિન-આવશ્યક પ્રવૃત્તિઓ માટે લોકોની આવનજાવન પર રાત્રિ કર્ફ્યૂનો અમલ લાગુ રહેશે
Posted On:
30 MAY 2020 7:47PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા આજે કોવિડ-19 સામે લડવા માટે અને કન્ટેઇન્મેન્ટ ઝોનની બહારના વિસ્તારો તબક્કાવાર ફરી ખોલવા અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકા 1 જૂન 2020થી અમલમાં આવશે અને 30 જૂન 2020 સુધી તેનો અમલ ચાલુ રહેશે. ફરી ખોલવા માટેના વર્તમાન તબક્કાના અનલૉક-1 પર ધ્યાન કેન્દ્રિત રહેશે. નવી માર્ગદર્શિકા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વ્યાપર વિચારવિમર્શ કર્યા પછી બહાર પાડવામાં આવી છે.
દેશમાં 24 માર્ચ 2020થી લૉકડાઉનનો ચુસ્ત અમલ લાગુ કરવામાં આવ્યો છે. આવશ્યક પ્રવૃત્તિને બાકાત રાખીને તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ, તબક્કાવાર રીતે અને કોવિડ-19ના ફેલાવાને નિયંત્રણમાં રાખવાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને લૉકડાઉનના પ્રતિબંધોમાં છુટછાટો આપવામાં આવી છે.
નવી માર્ગદર્શિકાની મુખ્ય વિશેષતાઓ
કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લૉકડાઉનના માપદંડોનો ચુસ્ત અમલ ચાલુ જ રહેશે. આના અંગે રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર દ્વારા આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા પર વિચાર કરીને સીમાંકન કરવામાં આવશે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં, ચુસ્ત પરિસીમા નિયંત્રણ જાળવવામાં આવશે અને માત્ર આવશ્યક પ્રવૃત્તિઓને જ મંજૂરી આપવામાં આવશે.
કન્ટેઇન્મેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં અગાઉ પ્રતિબંધિત કરવામાં આવેલી તમામ પ્રવૃત્તિઓને તબક્કાવાર ફરી શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવશે જેમાં આરોગ્ય મંત્રાલય દ્વારા સૂચવવામાં આવેલ પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયા (SOP) નિયત કરવામાં આવશે.
તબક્કો- I (8 જૂન 2020થી ફરી શરૂ કરવા માટે મંજૂરી)
- ધાર્મિક સ્થળો અને જાહેરજનતાને પ્રાર્થના માટેના સ્થળો
- હોટેલો, રેસ્ટોરન્ટ અને અન્ય આતિથ્યની સેવાઓ; અને
- શોપિંગ મોલ.
આરોગ્ય મંત્રાલય દ્વારા સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો/ વિભાગો તેમજ અન્ય હિતધારકો સાથે વિચારવિમર્શ કર્યા પછી ઉપરોક્ત પ્રવૃત્તિઓ માટે SOP બહાર પાડવામાં આવશે જેથી કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે સામાજિક અંતરના માપદંડોનું પાલન સુનિશ્ચિત કરી શકાય.
તબક્કો- II
શાળાઓ, કોલેજો, શૈક્ષણિક/ તાલીમ/ કોચિંગ સંસ્થાઓ વગેરેને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વિચારવિમર્શ કર્યા પછી ફરી ખોલવા માટે મંજૂરી આપવામાં આવશે. રાજ્ય સરકારો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટીતંત્રોને સંસ્થાકીય સ્તરે અને માતાપિતા તેમજ અન્ય હિતધારકો સાથે વિચારવિમર્શ કરવાની સલાહ આપવામાં આવે છે. તમામ લોકોના પ્રતિભાવોના આધારે, આવી સંસ્થાઓને જુલાઇ 2020માં ફરી ખોલવા માટે મંજૂરી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. આ સંસ્થાઓ માટે MoHFW દ્વારા SOP બહાર પાડવામાં આવશે.
સમગ્ર દેશમા મર્યાદિત સંખ્યામાં પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હજુ પણ ચાલુ જ રહેશે
- લોકોની આંતરરાષ્ટ્રીય મુસાફરી;
- મેટ્રો રેલનું પરિચાલન;
- સીનેમા હોલ, જીમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર અને ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને તેના તેવી અન્ય જગ્યાઓ; અને
- સામાજિક/ રાજકીય/ રમતગમત/ મનોરંજન/ શૈક્ષણિક/ સાંસ્કૃતિક/ ધાર્મિક કાર્યક્રમો/ અને અન્ય મોટી સંખ્યામાં લોકો ભેગા થાય તેવા કોઇપણ કાર્યક્રમો અથવા પ્રવૃત્તિઓ.
- ઉપરોક્ત પ્રવૃત્તિઓ ફરી ખોલવા અથવા શરૂ કરવા માટેની તારીખ પરિસ્થિતિનું આકલન કર્યા પછી તબક્કા- IIIમાં જાહેર કરવામાં આવશે.
લોકો અને સામાનની અપ્રતિબંધિત આવનજાવન/ હેરફેર
- આંતરરાજ્ય અને રાજ્યની અંદરના ભાગોમાં લોકો આવનજાવન અને સામાનની હેરફેર પર કોઇ જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. આવી કોઇપણ હેરફેર કે આવનજાવન માટે મંજૂરી/ માન્યતા/ ઇ-મંજૂરી લેવાની જરૂર નથી.
- જોકે, જો રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશો, જાહેર આરોગ્યના કારણોસર અને પરિસ્થિતિના આકલનના આધારે, લોકોની આવનજાવન પર નિયંત્રણ લાવવા માટે પ્રસ્તાવ મૂકશે તો, આવી હિલચાલ પર પ્રતિબંધો મૂકવા અંગે અગાઉથી વ્યાપાક પ્રમાણમાં પ્રચાર કરીને જાણ કરવામાં આવશે અને સંબંધિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.
રાત્રી કરફ્યૂનો અમલ ચાલુ જ રહેશે, જેમાં તમામ બિન-આવશ્યક પ્રવૃત્તિઓ માટે લોકોના આવનજાવન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરીને નવો સમય રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે.
- -19ના વ્યવસ્થાપ માટે રાષ્ટ્રીય દિશાનિર્દેશોનું પાલન કરવાનું સમગ્ર દેશમાં ચાલુ જ રહેશે અને સામાજિક અંતર જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
કન્ટેઇન્મેન્ટ ઝોન બહારની પ્રવૃત્તિઓ અંગેનો નિર્ણય રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવશે
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, પરિસ્થિતિ અંગે તેમના આકલનના આધારે કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓને કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર પણ પ્રતિબંધિત કરી શકે છે જેનો નિર્ણય જરૂરિયાત અનુસાર લેવામાં આવશે.
સંવેદનશીલ લોકો માટે સુરક્ષા
સંવેદનશીલ લોકો એટલે કે, 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, સહ-બીમારી ધરાવતા લોકો, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આવશ્યક જરૂરિયાત અને આરોગ્ય સંબંધિત હેતુ સિવાય ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવે છે.
આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગ
ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી આરોગ્ય સેતુ એપ્લિકેશન કોવિડ-19થી ચેપગ્રસ્ત વ્યક્તિની ઝડપથી ઓળખ કરવા માટે અથવા ચેપ લાગવાનું જોખમ જાણવા માટે એક શક્તિશાળી સાધન છે, આમ આ એપ્લિકેશન કોઇપણ વ્યક્તિ અને સમુદાય માટે એક કવચ તરીકે કામ કરે છે. સલામતી સુનિશ્ચિત કરવાનું ધ્યાનમાં રાખતા, વિવિધ સત્તામંડળો આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે સૌને પ્રોત્સાહિત કરે તેવી સલાહ આપવામાં આવે છે.
MHA દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓ જોવા માટે અહીં ક્લિક કરો
GP/DS
(Release ID: 1628001)
Visitor Counter : 474
Read this release in:
Urdu
,
Hindi
,
Assamese
,
English
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam