PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
17 MAY 2020 6:28PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Date: 17.5.2020
Released at 1900 Hrs
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ડૉ. હર્ષવર્ધન: કોવિડ-19 સામે લડવા માટે શારીરિક અંતર અને વર્તણૂકમાં શિષ્ટાચાર સૌથી ઉત્તમ ‘સામાજિક રસી’ છે; “દર્દીઓનો સાજા થવાનો દર વધીને 37.5% થયો છે અને અત્યાર સુધીમાં 22 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે”
દેશ અત્યારે લૉકડાઉનનો ત્રીજો તબક્કો પૂર્ણ થવાના આરે છે ત્યારે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “છેલ્લા 14 દિવસમાં કેસો બમણા થવાનો દર 11.5 હતો જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં તે સુધરીને 13.6 થયો છે.” તેમણે ઉમેર્યું હતું કે, કોવિડના દર્દીઓનો મૃત્યુદર ઘટીને 3.1% થયો છે જ્યારે સાજા થવાનો દર 37.5% થયો છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, (ગઇકાલ સુધીમાં) કોવિડ-19ના કુલ સક્રિય કેસોમાંથી 3.1% દર્દી ICUમાં, 0.45% દર્દી વેન્ટિલેટર પર અને 2.7% દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે. 17 મે 2020ના રોજની સ્થિતિ અનુસાર દેશમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ કેસની સંખ્યા 90,927 થઇ ગઇ છે જ્યારે સાજા થયેલા દર્દીની સંખ્યા 34,109 થઇ છે. દેશમાં અત્યાર સુધીમાં 2,872 દર્દી મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના વધુ 4,987 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે.
ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, ભારત અત્યારે નવી સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે, વારંવાર સાબુથી ઓછામાં ઓછી વીસ સેકન્ડ સુધી હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઇઝરનો ઉપયોગ કરવો; જાહેર જગ્યાએ ન થુંકવું; કાર્યસ્થળ અને ટેબલટોપ જેવી વારંવાર સ્પર્શમાં આવતી સપાટીનું સેનિટાઇઝેશન કરવું; હંમેશા જાહેર સ્થળે ફેસ કવર પહેરવું જેથી પોતાની જાત ઉપરાંત અન્ય લોકોની સલામતી સુનિશ્ચિત થાય અને શ્વસન સંબંધિત યોગ્ય સ્વચ્છતા જળવાય તે સુનિશ્ચિત કરવું આ બધાનું પાલન આવશ્યક છે. તેમણે જણાવ્યું હતું કે, શારીરિક અંતર આપણા માટે સૌથી અસરકારક સામાજિક રસી છે અને આથી, કોઇપણ અન્ય વ્યક્તિ સાથે સંપર્કમાં આવીએ ત્યારે ‘દો ગજ કી દૂરી’ એટલે કે બે મીટરનું અંતર જળવાઇ રહે અને વર્ચ્યુઅલ મિલનનું આયોજન કરીને પ્રત્યક્ષ સંપર્ક થાય તેવા સામાજિક મેળાવડાનું આયોજન સિમિત કરવામાં આવે તે સલાહભર્યું છે.
નાણાં મંત્રીએ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સાત ક્ષેત્રો માટે સરકાર દ્વારા સુધારા અને સામર્થ્ય આપનારા નિર્ણયોની જાહેરાત કરી
સરકાર દ્વારા સુધારા અને સામર્થ્ય આપતા નિર્ણયોની દિશામાં લેવામાં આવેલા વિવિધ પગલાંની જાહેરાતોની પાંચમી અને અંતિમ કડીમાં શ્રીમતી સીતારમણે રોજગારી સર્જન, વ્યવસાયોને સહકાર, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને રાજ્ય સરકારોને સહાય તેમજ શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રો માટે સાત પગલાંઓની જાહેરાત કરી હતી. આમાં સામેલ છે - રોજગારી સર્જનમાં વેગ આપવા માટે MGNREGS માટે ફાળવણીમાં રૂપિયા 40,000 કરોડનો વધારો કરવામાં આવ્યો; ભવિષ્યમાં કોઇપણ મહામારીની સ્થિતિ સામે ભારતને સજ્જ કરવા માટે જાહેર આરોગ્યમાં રોકાણમાં વૃદ્ધિ અને આરોગ્ય સંબંધિત અન્ય સુધારા કરવામાં આવ્યા; કોવિડ પછીની સ્થિતિમાં ઇક્વિટી સાથે ટેકનોલોજીથી સંચાલિત શિક્ષણ પર વિશેષ ભાર; IBC સંબંધિત માપદંડો દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં વધુ ઉન્નતિ લાવવામાં આવશે; કંપની એક્ટ ભૂલોને બિન ગુનાઇત ગણવામાં આવશે; કોર્પોરેટ્સ માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ; નવા, આત્મનિર્ભર ભારત માટે જાહેર ક્ષેત્ર ઉદ્યોગ નીતિ; ફક્ત 2020-21 માટે રાજ્યોની ધિરાણ લેવાની મર્યાદા 3%થી વધારીને 5% કરવામાં આવી અને રાજ્ય સ્તરે સુધારાને પ્રોત્સાહન આપવામાં આવશે.
કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે કોવિડ-19 વિરુદ્ધ લડતમાં ભારતીય અર્થવ્યવસ્થાને આવશ્યક બળ પૂરું પાડવા માટે 'આત્મનિર્ભર ભારત અભિયાન'ની પાંચમી કડી વિષે વિસ્તૃત માહિતી આપી
નાણાં મંત્રીએ કરેલી આજની જાહેરાતો ગ્રામ્ય અર્થતંત્ર અને માળખાગત સુવિધાઓને વેગ આપવા ઉપરાંત કરોડો ગરીબ લોકો અને પ્રવાસી શ્રમિકોને રોજગારી પૂરી પાડશે :ગૃહ મંત્રી
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર નમોદી અને નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનો આજનુ આર્થિક પેકેજ જાહેર કરવા બદલ આભાર માન્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યુ છે કે “મોદી સરકારનુ આજનુ પેકેજ આત્મનિર્ભર ભારતનો વિચાર સાકાર કરવામાં ખૂબ જ મહત્વનુ બને રહેશે. આ તમામ પગલાં ગેમ ચેન્જર બની રહેશે. આ પગલાં આરોગ્ય, શિક્ષણ અને બિઝનેસનાં વિવિધ ક્ષેત્રો માટે પરિસ્થિતિ પલટનાર (ગેમ ચેન્જર) બની રહેશે અને કરોડો ગરીબ લોકોને રોજગારી પૂરી પાડશે.”
નાણાં મંત્રીએ આર્થિક સુધારાઓની નવી ક્ષિતિજો ઉજાગર કરીઃ આત્મનિર્ભર ભારતનો માર્ગ મોકળો કરવા આઠ ક્ષેત્રોમાં માળખાકીય સુધારાઓ
કેન્દ્રીય નાણાંમત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારતની દિશામાં પ્રયાસોના ભાગરૂપે ઝડપી રોકાણ માટે શનિવારે કેટલાક સુધારાઓની જાહેરાત કરી હતી જેની વિગતો આ પ્રમાણે છે: સચિવોના સશક્ત જૂથ દ્વારા રોકાણની મંજૂરી ઉપર ઝડપી દેખરેખ રાખવામાં આવશે; રોકાણપાત્ર પ્રોજેક્ટ્સ તૈયાર કરવા, રોકાણકારો અને કેન્દ્ર/રાજ્ય સરકારો વચ્ચે સંકલન સાધવા દરેક મંત્રાલયમાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલની સ્થાપના કરવામાં આવશે; નવા રોકાણ માટે સ્પર્ધા કરવા રોકાણની આકર્ષકતા અંગે રાજ્યોને રેન્કિંગ આપવામાં આવશે; સોલાર પીવી ઉત્પાદન, અદ્યતન સેલ બેટરી સંગ્રહ વગેરે જેવા ક્ષેત્રોમાં નવા ચેમ્પિયન ક્ષેત્રોના પ્રોત્સાહન માટે પ્રોત્સાહક યોજનાઓ શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય નાણાં મંત્રીએ કોલસા, ખનીજ, સંરક્ષણ ઉત્પાદન, નાગરિક ઉડ્ડયન, ઉર્જા ક્ષેત્ર, સોશિયલ સ્ટ્રક્ચર, અવકાશન અને અણુ ઉર્જા ક્ષેત્રમાં પણ માળખાકીય સુધારાની જાહેરાત કરી હતી.
કેન્દ્રીય નાણામંત્રી દ્વારા આજે જાહેર કરવામાં આવેલા સંખ્યાબંધ માળખાકીય સુધારાના પગલાંઓની કેન્દ્રીય ગૃહમંત્રીએ પ્રશંસા કરી
કેન્દ્રીય નાણામંત્રી દ્વારા આજે જાહેર કરવામાં આવેલા સંખ્યાબંધ માળખાકીય સુધારાઓની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “આજના સીમાચિહ્નરૂપ નિર્ણયો લેવા બદલ હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણનો આભાર માનું છું કારણ કે, આ નિર્ણયોના પગલે ચોક્કસપણે દેશના અર્થતંત્રમાં વેગ આવશે અને આત્મનિર્ભર ભારત તરફ આપણા પ્રયાસોને તે વધુ આગળ વધારશે.” તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનો ‘રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’ (સુધારો, કામગીરી અને પરિવર્તન) મંત્ર છેલ્લા છ વર્ષમાં ભારતના અસાધારણ વિકાસની ચાવી છે.
આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત વિસ્થાપિત શ્રમિકોને વિનામૂલ્યે ખાદ્યાન્નનું વિતરણ કરવાની કામગીરીનો પ્રારંભ
આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત ભારત સરકારે NFSA અથવા રાજ્યની યોજના PDS કાર્ડ્સ હેઠળ જેમને આવરી લેવામાં આવ્યા નથી તેવા અંદાજે 8 કરોડ પરિવારોને બે મહિના માટે એટલે કે, મે અને જૂન 2020 માટે દર મહિને 5 કિલોના હિસાબે વિનામૂલ્યે ખાદ્યાન્ન આપવાનો નિર્ણય લીધો છે. આ યોજનાના અમલીકરણ માટે કુલ અંદાજિત ખર્ચ રૂપિયા 3500 કરોડ રહશે જે સંપૂર્ણપણે ભારત સરકાર ભોગવશે. આ યોજના અંતર્ગત સમગ્ર ભારતમાં ખાદ્યાન્નની કુલ ફાળવણી 8 લાખ મેટ્રિક ટન (LMT) છે. આ યોજના અંતર્ગત ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા ખાદ્યાન્નના વિતરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
વિવિધ ક્ષેત્રો માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું રાહત પેકેજ અને MSMEની નવી પરિભાષા ઉદ્યોગોને પ્રગતિ કરવા માટે ખૂબ જ મોટો વેગ આપશે: શ્રી ગડકરી
કેન્દ્રીય MSME અને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા MSME, શ્રમ અને કૃષિ વગેરે સહિત વિવિધ હિતધારકો/ ક્ષેત્રો માટે જે રાહત પેકેજો જાહેર કરવામાં આવ્યા છે અને MSMEની નવી પરિભાષા નિર્ધારિત કરવામાં આવી છે તેનાથી ઉદ્યોગજગતને પ્રગતિ કરવામાં ખૂબ મોટો વેગ મળશે. તેમણે MSMEના રેટિંગનું અન્વેષણ કરવા માટે આહ્વાન કર્યું હતું અને તમામ સહભાગીઓને કહ્યું હતું કે, MSME માટે પેકેજના ભાગરૂપે જાહેર કરવામાં આવેલા ભંડોળના અમલીકરણ માટે અસરકારક સૂચનો આપે.
રાષ્ટ્રીય વિસ્થાપિત માહિતી તંત્ર (NMIS) – વિસ્થાપિત શ્રમિકો અલગ અલગ રાજ્યોમાં વિના અવરોધે મુસાફરી કરી શકે તે NDMA દ્વારા કેન્દ્રીય ઑનલાઇન માહિતી સંગ્રહ તૈયાર કરવામાં આવ્યો
વિસ્થાપિત શ્રમિકોની આવનજાવન સંબંધિત માહિતી મેળવવા માટે અને આવા લોકોને અલગ અલગ રાજ્યોમાં વિના અવરોધે મુસાફરીની સુવિધા પૂરી પાડવા માટે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) દ્વારા રાષ્ટ્રીય વિસ્થાપિત માહિતી તંત્ર (NMIS) નામથી એક ઑનલાઇન ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઑનલાઇન પોર્ટલ પર વિસ્થાપિત શ્રમિકો અંગેની માહિતીનો ઑનલાઇન સંગ્રહ જાળવવામાં આવશે અને ઝડપથી આંતરરાજ્ય સંકલન/ સંદેશાવ્યવહારમાં તેના કારણે મદદ મળી શકશે જેથી શ્રમિકોને તેમના વતન રાજ્યમાં જવામાં સરળતા રહે. તેમાં સંપર્ક ટ્રેસિંગ જેવા વધારાના ફાયદા પણ છે, જે એકંદરે કોવિડ-19 સામેની પ્રતિક્રિયાની કામગીરીમાં ઉપયોગી નીવડશે.
વિસ્થાપિત શ્રમિકો ઝડપથી તેમના વતન રાજ્યમાં પહોંચી શકે તે માટે તેમનું પરિવહન સુનિશ્ચિત કરવા, ભારતીય રેલવે સમગ્ર દેશમાં રેલવે સાથે જોડાયેલા તમામ જિલ્લામાંથી શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કરવા માટે તૈયાર
ભારતીય રેલવે સમગ્ર દેશમાં રેલવે સાથે જોડાયેલા તમામ જિલ્લાઓમાંથી શ્રમિક વિશેષ ટ્રેનોનું પરિચાલન કરવા માટે તૈયાર છે. રેલવે મંત્રીએ દેશના તમામ જિલ્લાના કલેક્ટરોને કહ્યું હતું કે તેઓ ફસાયેલા શ્રમિકો અને તેમના ગંતવ્ય સ્થળની યાદી તૈયાર કરે અને રાજ્યના નોડલ અધિકારી મારફતે રેલવેમાં અરજી કરે. ભારતીય રેલવે હવે દરરોજ લગભગ 300 શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવી શકે તેવી ક્ષમતામાં છે. જોકે, અત્યારે આનાથી અડધાથી પણ ઓછી સંખ્યામાં ટ્રેનોનો ઉપયોગ થઇ રહ્યો છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1624541
ઓપરેશન સમુદ્ર સેતુ: તબક્કો -2: INS જલશ્વ 588 ભારતીયોને લઇને માલદીવ્સથી ભારત પરત આવ્યું
ઓપરેશન સમુદ્ર સેતુ અંતર્ગત ભારતીય નૌસેનાનું જહાજ જલશ્વ આજે સવારે કોચી બંદર ખાતે આવી પહોંચ્યું હતું. આ જહાજ માલદીવ્સના માલે ખાતેથી ત્યાં ફસાયેલા 588 ભારતીયોને લઇને આવ્યું હતું અને આ ઓપરેશન અંતર્ગત તેની બીજી સફર સંપન્ન કરી હતી. પરત આવેલા ભારતીયોમાં 70 મહિલા (06 ગર્ભવતી મહિલા) અને 21 બાળકો પણ હતા જેઓ કોચની બંદર ટ્રસ્ટના સમુદ્રિકા ક્રૂઝ ટર્મિનલ ખાતે આવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે પૂર્વોત્તરના આઠ રાજ્યોના મુખ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે કોવિડની સ્થિતિ અંગે ફોલોઅપ મામલે ચર્ચા કરી
એક કલાક સુધી ચાલેલી વીડિયો કોન્ફરન્સ બેઠકમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણીપૂર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપૂરાની સરકારના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના રાજ્યોમાં અને દેશના અલગ અલગ ભાગોમાંથી વિસ્થાપિત શ્રમિકોના આવનજાવન અંગે વર્તમાન સ્થિતિ સંબંધિત ઇનપુટ્સ પૂરાં પાડ્યાં હતા. આ ઉપરાંત, પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા રૂપિયા 20 લાખ કરોડના આર્થિક પેકેજ અને આગામી દિવસોમાં લૉકડાઉનના પ્રતિબંધોમાં છુટછાટના આકલન અંગે પણ ચર્ચા થઇ હતી.
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- અરુણાચલ પ્રદેશ: મે અને જૂન મહિના માટે PMGKY યોજના અંતર્ગત ફાળવવામાં આવેલા 200 MT દાળના જથ્થાને બે ગોડાઉનમાં ડિલિવર કરી દેવામાં આવ્યો છે. નાફેડ રાજ્યમાં બિન રેશનકાર્ડ ધારકો માટે વધારાનું ખાદ્યાન્ન પૂરું પાડશે.
- આસામ: જોરહાટ જિલ્લાના વોર્ડ નંબર 3માં નવ વર્ષનો એક છોકરો દિલ્હીથી આવ્યો હતો તેને કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે. કુલ કેસની સંખ્યા 96 થઇ છે જેમાંથી સક્રિય કસો 51, સાજા થયેલાની સંખ્યા 41 છે અને બે દર્દી મૃત્યુ પામ્યા છે તેમ આસામના આરોગ્ય મંત્રીએ ટ્વીટ કરી હતી.
- મણીપૂર: સરકારે 31 મે સુધી લૉકડાઉનનો અમલ લંબાવ્યો જેમાં કૃષિ, MSME અને મનરેગા કામદારોને છુટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત, જ્યાં સુધી તમામ પરીક્ષણોનો બેકલોગ પૂરો ન થાય ત્યાં સુધી રાજ્યમાં રેલવે અને જમીનમાર્ગ દ્વારા આવતા લોકોને નવી મંજૂરી આપવાનું બંધ કરવામાં આવ્યું છે.
- મેઘાલય: ગુજરાતમાં અભ્યાસ કરી રહેલા અથવા કામ કરી રહેલા મેઘાલયના 163 લોકો ગુવાહાટી રેલવે સ્ટેશને પહોંચ્યા હતા.
- મિઝોરમ: મિઝોરમમાં શેરછીપ જિલ્લાના તામિલનાડુ અને પુડુચેરીમાં ફસાયેલા 36 રહેવાસીઓ રાજ્યમાં આવી ગયા છે અને તેમને એકલવ્ય રેસિડેન્શિઅલ સ્કૂલ હોસ્ટેલમાં ક્વૉરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
- નાગાલેન્ડ: નાગાલેન્ડના 134 રહેવાસીઓ કે જેઓ મણીપૂરમાં ફસાઇ ગયા હતા તેઓ છ બસમાં પરત આવ્યા છે. જનતાના એક વર્ગ અને કોલેજોએ શૈક્ષણિક સંસ્થાઓના ક્વૉરેન્ટાઇન કેન્દ્ર તરીકે ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો.
- સિક્કિમ: શિક્ષણ વિભાગના રાજ્ય પ્રોજેક્ટ ડાયરેક્ટર, ભીમ થાતલે જણાવ્યું હતું કે, પ્રિ-લોડેડ શૈક્ષણિક સામગ્રી સાથેના લેપટોપ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા એવા વિદ્યાર્થીઓને મોકલવામાં આવી રહ્યા છે જેઓ લૉકડાઉન દરમિયાન કનેક્ટિવિટીના અભાવે ઑનલાઇન શિક્ષણથી વંચિત રહે છે.
- ચંદીગઢ: લૉકડાઉનના કારણે ચંદીગઢમાં, કેટલાક પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુ, પર્યટકો, વિદ્યાર્થીઓ અને અન્ય ફસાયેલા છે. આવા લોકોને સરળતાથી આવનજાવન માટે ચંદીગઢના વહીવટીતંત્રએ તેમની આરામદાયક અને સલામત મુસાફરી માટે વ્યવસ્થાઓ વધારી છે. ગઇકાલે એટલે કે 16.05.2020ના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના કુલ 166 લોકોનું તબીબી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને તેમને 7 વિશેષ બસો દ્વારા લેહ ખાતે રવાના કરવામાં આવ્યા હતા. અગાઉ 13.05.2020ના રોજ કુલ 242 ફસાયેલા લોકોને લદ્દાખ મોકલવામાં આવ્યા હતા.
- પંજાબ: છેલ્લા ચાર દિવસમાં નવા કેસની વૃદ્ધિમાં દૈનિક સંખ્યામાં ઘટાડો થયો હોવાથી પંજાબના મુખ્યમંત્રીએ 31 મે સુધી ચુસ્ત કર્ફ્યૂમાંથી રાહત આપીને લૉકડાઉનના અમલની જાહેરાત કરી હતી. આ ઉપરાંત 18 મેથી મર્યાદિત પરિવહન શરૂ કરવાના અને બિન ચેપગ્રસ્ત વિસ્તારોમાં શક્ય હોય એટલા મહત્તમ પ્રતિબંધો હળવા કરવાના સંકેતો પણ આપ્યા હતા. પ્રતિબંધોમાં આપવામાં આવેલી છુટછાટોની વિગતો લૉકડાઉન 4.0 અંગે કેન્દ્રની માર્ગદર્શિકાને ધ્યાનમાં લીધા પછી સોમવારે જાહેર કરવામાં આવશે. મુખ્યમંત્રીએ રાજ્યમાં ITIની છોકરીઓએ 10 લાખ માસ્ક તૈયાર કરવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
- હરિયાણા: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૂપિયા 20 લાખ કરોડના મહા આર્થિક પેકેજની જાહેરાત કરી ત્યારે નાના દુકાનદારો, ખેડૂતો, શ્રમિકો, કૃષિ ક્ષેત્ર, મંડીના ઇન્ફાસ્ટ્રક્ચરમાં સુધારા માટે અને બધે ઉપર છત બનાવવા જેવી બાબતો માટે કેટલીક કલ્યાણકારી યોજનાઓ સામેલ કરવામાં આવી તે બદલ મુખ્યમંત્રીએ વિશેષ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા વૈશ્વિક કોવિડ-19 મહામારીના સમયમાં જે મહા આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેના કારણે ચોક્કસપણે હરિયાણામાં MSMEને ફાયદો થશે અને તેનાથી ‘મેક ઇન ઇન્ડિયા’નું પ્રધાનમંત્રીનું વિઝન પણ વધુ મજબૂત થશે. આનાથી MSMEને વધુ સ્વ-પૂર્ણતા વધશે અને નિકાસની તકોમાં પણ વધારો થશે.
- હિમાચલ પ્રદેશ: મુખ્યમંત્રીએ પંચાયત પ્રધાનોને વિનંતી કરી હતી કે, તેઓ પોતાના સંબંધિત વિસ્તારોમાં કોવિડ-19 સંદર્ભે લોકોને સેનિટાઇઝ કરવામાં રાજ્ય સરકારને પૂરા દિલથી સહકાર આપે અને સુનિશ્ચિત કરે કે જે લોકો દેશના અન્ય ભાગોમાંથી આવ્યા છે તેઓ હોમ ક્વૉરેન્ટાઇનમાં અચુક રહે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે સહિયારા પ્રયાસો જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનો અચુકપણે લોકોને હોમ ક્વૉરેન્ટાઇનના મહત્વ અંગે માહિતગાર કરે.
- કેરળ: રાજ્યોને ધિરાણ લેવાની મર્યાદા વધારવાની કેન્દ્રની જાહેરાતને આવકારતા રાજ્યના નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, જે નિયત શરતો રાખવામાં આવી છે તેને પાછી ખેંચી લેવી જોઇએ અથવા તે અંગે રાજ્યો સાથે ચર્ચા કરવી જોઇએ. તેમણે માંગણી કરી હતી કે, રાજ્યને કેન્દ્રીય બજેટમાંથી તેમને થતી આવકના 5% ધિરાણ લેવાની મંજૂરી મળવી જોઇએ કારણ કે ધિરાણની મર્યાદામાં વધારો કરવાથી રાજ્યને મહેસુલ ખાધમાં થતું માત્ર અડધુ નુકસાન પાછું મેળવી શકાશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, GST એરિયર્સ સંપૂર્ણપણે ક્લિઅર કરવા જોઇએ અને મનરેગા અંતર્ગત વેતન કામદારોને એડવાન્સમાં મળવું જોઇએ. માલદીવ્સમાં ફસાયેલા 580થી વધુ ભારતીયો આજે “ઓપરેશન સમુદ્ર સેતુ” અંતર્ગત માલદીવ્સ કોચીથી આવ્યા હતા. અખાતી દેશોમાંથી બે ફ્લાઇટ આજે રાત્રે આવશે. રાજ્યમાં કોવિડ-19ના વધુ 11 કેસો પોઝિટીવ હોવાની ગઇકાલે પુષ્ટિ થતા કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 87 થઇ છે.
- તામિલનાડુઃ તામિલનાડુમાં લૉકડાઉનની સમયમર્યાદા 31 મે સુધી વધારી દેવામાં આવી છે. 25 જિલ્લાઓમાં જાહેર પરિવહન સેવા ફરી શરૂ કરવામાં આવશે, જ્યારે ચેન્નઇ સહિત અન્ય 12 જિલ્લાઓમાં નિયંત્રણો ચાલુ રહેશે. નાગપટ્ટિનમમાં ચેન્નઇ રેશનિંગની દુકાનના બે કર્મચારીઓનો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવતાં જિલ્લામાં કોવિડ-19ના પોઝિટીવ લોકોની સંખ્યા 50 ઉપર પહોંચી ગઇ છે. ગઇકાલ સુધી કુલ 10,585 કેસો નોંધાયાં હતાં, જેમાંથી 6,970 કેસો સક્રિય છે અને 74 લોકોના મરણ નીપજ્યાં છે. કુલ 3,538 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 5,939 છે.
- કર્ણાટકઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આજે કરવામાં આવેલી જાહેરાતો રાજ્ય માટે લાભદાયી નિવડશે અને રોજગારીની તકોમાં પણ વધારો કરશે. તેમણે જણાવ્યું હતું કે ખનન ક્ષેત્રમાં કરવામાં આવેલા નીતિગત પરિવર્તનો રાજ્યની ખનન નીતિને પૂરક સાબિત થશે અને કોઇ વિશેષ મુશ્કેલીનો સામનો કર્યા વગર ખનન પ્રવૃતિઓ હાથ ધરી શકાશે. આજે બપોરે 12 વાગ્યાં સુધી કોવિડના નવા 54 કેસો નોંધાયાં હતાં, જેમાંથી માંડ્યામાંથી 22, કલબુર્ગીમાંથી 10, હસનમાંથી 6, ધારવાડમાંથી 4, યાદાગીરીમાંથી 3, દક્ષિણ કન્નડ અને સિમોગામાંથી 2-2, ઉડુપી અને વિજયપુરામાંથી 1-1 કેસ નોંધાયાં હતાં. રાજ્યમાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 1,146 ઉપર પહોંચી ગઇ છે, જેમાંથી 611 કેસો હજુ પણ સક્રિય છે, 497 લોકો સાજા થયા છે અને 37 લોકોના મરણ નીપજ્યાં છે.
- આંધ્રપ્રદેશઃ રાજ્ય સરકાર પડોશી રાજ્યોના સ્થળાંતરિત કામદારોને વિનામૂલ્યે મુસાફરી સુવિધા પૂરી પાડશે. સ્થળાંતરિત કામદારોની બચાવ કામગીરી માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં પોલીસ માટે લાઠી ચાર્જનો સહારો લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશ વડી અદાલતમાં પગાર કાપ અને સરકારી કર્મચારીઓને માર્ચ મહિનાથી સંપૂર્ણ પગારની ચૂકવણીની માંગણી તથા આ સંબંધિત સરકારના આદેશને રદ કરવા સંબંધિત પિટિશન દાખલ કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 25 નવા કેસો નોંધાયાં છે, 1 વ્યક્તિનું મરણ નીપજ્યું છે અને 103 લોકોને રજા આપવામાં આવી છે. કુલ કેસો 2,230 છે, જેમાંથી 747 કેસો સક્રિય છે, 1,433 લોકો સાજા થયા છે, 50 લોકોના મરણ નીપજ્યાં છે. અન્ય રાજ્યોમાંથી પાછા ફરેલા લોકોમાંથી 127 લોકો પોઝિટીવ છે. સૌથી વધારે પોઝિટીવ કેસો ધરાવતા જિલ્લાઓમાં કુર્નૂલ (611), ગુંતૂર (417) અને ક્રિશ્ના (367)નો સમાવેશ થાય છે.
- તેલંગણાઃ વંદે ભારત મિશન અંતર્ગત 168 ભારતીય મુસાફરો સાથે એર ઇન્ડિયાના વિમાને શિકાગો (અમેરિકા)થી હૈદરાબાદ ખાતે રવિવારે સાંજે 4.45 વાગે ઉતરાણ કર્યુ હતું. તેલંગણામાં આ સમગ્ર અઠવાડિયા દરમિયાન કોવિડ-19ની સંખ્યામાં ઉતરોત્તર ઝડપી વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધી તાજેતરમાં તેલંગણામાં પાછા ફરેલા 52 સ્થળાંતરિત કામદારોનું કોવિડ-19 પરીક્ષણ કરવામાં આવ્યું છે.
PIB FACTCHECK




(Release ID: 1624776)
Visitor Counter : 266
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam