ગૃહ મંત્રાલય
લૉકડાઉન તા.31 મે, 2020 સુધી લંબાવવામાં આવ્યું
Posted On:
17 MAY 2020 8:13PM by PIB Ahmedabad
- ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ ભારત સરકારના ગૃહ વિભાગે અગાઉની માર્ગરેખાઓને બદલે દાખલ કરાયેલી નવી માર્ગરેખા હેઠળ આજે નીચે મુજબનો હુકમ કર્યો છે.
લૉકડાઉન તા.31 મે, 2020 સુધી લંબાવવામાં આવ્યું
- તા.25 માર્ચ, 2020થી અમલમાં મૂકવામાં આવેલા લૉકડાઉનના પગલાંને કારણે કોરોના વાયરસ મહામારીને નિયંત્રીત કરવામાં નોંધપાત્ર સહાય થઈ છે. આથી લૉકડાઉનને તા.31 મે, 2020 સુધી વધુ લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વિવિધ ઝોન અંગે રાજ્યો નિર્ણય કરશે
- નવી માર્ગરેખાઓ મુજબ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને હવે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા વિવિધ માપદંડ મુજબ રેડ, ગ્રીન અને ઓરેન્જ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.
- આ ઝોનમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશે નિર્ણય લીધા મુજબ જીલ્લો અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા મ્યુનિસિપાલિટી અથવા તો સબ ડિવીઝન જેવું નાનું એકમ પણ હોઈ શકે છે.
- રેડ અથવા તો ઓરેન્જ ઝોનમાં કન્ટેઈન્મેન્ટ અને બફર ઝોન જીલ્લા વહિવટી તંત્ર અથવા તો સ્થાનિક શહેરી સત્તા તંત્ર દ્વારા સ્થાનિક સ્તરેથી મળેલી માહિતી અને આરોગ્ય મંત્રાલયની માર્ગરેખાઓ મુજબ જાહેર કરવામાં આવશે. કન્ટેઈન્મેન્ટ ઝોનની અંદર નિયંત્રણના કડક માપદંડ જાળવવાના રહેશે અને તબીબી ઈમરજન્સી જાળવવા માટે અથવા તો આવશ્યક ચીજો અને સર્વિસીસનો પૂરવઠો જાળવવા સિવાય વ્યક્તિઓની આવનજાવન માટે છૂટ આપવામાં આવશે નહી. બફર ઝોન એવા વિસ્તારો છે કે જે કન્ટેઈન્મેન્ટ ઝોનની આસપાસ આવેલા છે અને ત્યાં વધુ નવા કેસ મળવાની સંભાવના રહે છે. આવા બફર ઝોનમાં વધુ કાળજી રાખવાની રહેશે.
દેશભરમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ
- સમગ્ર દેશમાં મર્યાદિત સંખ્યા ધરાવતી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં, સ્થાનિક તબીબી સેવાઓ માટે સ્થાનિક એર એમ્બયુલન્સ અને સુરક્ષાના હેતુથી ગૃહ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલ વિમાન પ્રવાસ સિવાય સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસ પર પ્રતિબંધ. મેટ્રો રેલ સર્વિસીસ, શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન, તાલિમ અને કોચીંગની સંસ્થાઓ, હોટલો, રેસ્ટોરન્ટસ અને અન્ય હોસ્પિટાલિટી સર્વિસીસ ઉપર પ્રતિબંધ ચાલુ રહેશે. આમાં બસ ડેપો, રેલવે સ્ટેશનો અને એરપોર્ટસ માટે ચલાવાતી કેન્ટીનને બાકાત રાખવામાં આવી છે. જ્યાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થતા હોય તેવા સ્થળો એટલે કે સિનેમા, શોપીંગ મૉલ, જીમ, એન્ટર્ટેઈનમેન્ટ પાર્ક વગેરે બંધ રહેશે. સામાજીક, રાજકિય, સાંસ્કૃતિક અને સમાન પ્રકારના મેળાવડાઓ તથા મોટા પ્રમાણમાં લોકો એકત્રીત થાય તેવા અન્ય પ્રસંગો ઉપરાંત જાહેર જનતા માટે પૂજાના સ્થળો અને ધાર્મિક સ્થળો બંધ રહેશે. આમ છતાં ઓનલાઈન અને ડિસ્ટન્સ લર્નીંગને મંજૂરી આપવામાં આવશે અને પ્રોત્સાહન પણ આપવામાં આવશે. રેસ્ટોરન્ટસને ખાદ્ય પદાર્થોની હોમ ડીલીવરી માટે ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.
રમતની પ્રવૃત્તિઓ ખૂલ્લી મૂકવા અંગે
- સ્પોર્ટસ સંકુલો અને સ્ટેડિયમને માત્ર રમતની પ્રવૃત્તિ માટે મંજૂરી આપવામાં આવશે. આમ છતાં આવા સંકુલોમાં દર્શકો માટે છૂટ આપવામાં નહીં આવે.
નિયંત્રણ સાથે મંજૂરી આપવામાં આવેલી પ્રવૃત્તિઓ
- વ્યક્તિઓને અવરજવરમાં સુગમતા રહે તે માટે પરિવહનના કેટલાક પ્રકારોને છૂટ આપવામાં આવેલી છે. ગૃહ મંત્રાલયના તા.11-05-2020ના હુકમ મુજબ ટ્રેનોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાંથી વિદેશી નાગરિકોને લઈ જવા માટે તથા વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારતીય હવાઈ માર્ગેથી તથા બસ અને ટ્રેન મારફતે એકથી બીજા રાજ્યમાં તથા રાજ્યની અંદર અટવાયેલા લોકોની હેરફેર માટે મંજૂરી આપવાનું ચાલુ રહેશે.
- સંબંધિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે પરસ્પર સમજૂતિથી વાહનો અને બસની આંતર રાજ્ય હેરફેરને મંજૂરી આપવામાં આવશે. આંતર રાજ્ય હેરફેર માટે વાહનો અને બસને મંજૂરી આપવાનો નિર્ણય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો લેશે.
કોરોના વાયરસ મહામારીના મેનેજમેન્ટ અંગે રાષ્ટ્રીય આદેશો
- કોરોના વાયરસ મહામારીના વ્યવસ્થાપન બાબતે જાહેર સ્થળો અને કામકાજના સ્થળો અંગે ચોક્કસ રાષ્ટ્રીય નિર્દેશો બહાર પાડવામાં આવ્યા છે. આ માર્ગ રેખા અનુસાર ફેસ કવર પહેરવાનું ફરજીયાત રહેશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ સ્થાનિક સત્તા તંત્રના નિયમો અનુસાર તથા કાયદા મુજબ જાહેરમાં થૂંકનારને દંડ કરવામાં આવશે અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું પણ તમામ વ્યક્તિઓએ જાહેર સ્થળો અને પરિવહનમાં પાલન કરવાનું રહેશે. લગ્ન સંબંધિત મેળાવડાઓમાં 50 થી વધુ મહેમાનો રાખી શકાશે નહીં. અંતિમ વિધી માટે મહત્તમ 20 વ્યક્તિઓને છૂટ આપવામાં આવશે. જાહેર સ્થળોએ શરાબ, ગુટકા, તમાકુ વગેરેના વપરાશની છૂટ મળશે નહીં.
- રાષ્ટ્રીય નિર્દેશોમાં કામકાજના સ્થળે કેટલીક વધારાની જરૂરિયાતો નક્કી કરવામાં આવી છે. શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમની પ્રણાલીને અનુસરવામાં આવશે તથા તમામ ઓફિસો અને અન્ય એકમોમાં કામકાજના કલાકોનું સ્ટેગરીંગ કરવામાં આવશે. થર્મલ સ્કેનીંગ, હેન્ડ વોશ અને સેનેટાઈઝરની વ્યવસ્થા પ્રવેશ અને બહાર જવાના તમામ પોઈન્ટ ઉપર તથા કોમન વિસ્તારોમાં કરવાની રહેશે. કામકાજના તમામ સ્થળો અને અન્ય સંવેદનશીલ સ્થળોનું નિયમિતપણે સેનેટાઈઝેશન કરવાનું રહેશે. કામકાજના સ્થળોએ કામદારો વચ્ચે નિયત અંતર જાળવીને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે. પાળી (શિફ્ટ) બદલાય ત્યારે વચ્ચે પૂરતો સમયગાળો રાખવાનો રહેશે અને સ્ટાફ માટે પણ લંચ બ્રેકનું સ્ટેગરીંગ કરવામાં આવશે.
દુકાનો અને બજારો અંગે આવશ્યક શરતો
- સ્થાનિક સત્તા તંત્રએ એ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે કે દુકાનો અને બજારો સ્ટેગર ટાઈમ મુજબ જ ખૂલે અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાય. દરેક દુકાનમાં ગ્રાહકો વચ્ચે 6 ફૂટ (દો ગજકી દૂરી) નું અંતર જાળવવાનું રહેશે. એક સમયે 5 થી વધુ વ્યક્તિઓને છૂટ આપવામાં આવશે નહીં.
રાત્રિ કરફ્યુ
- સાંજના 7 થી સવારના 7 સુધી તમામ બિન આવશ્યક પ્રવૃત્તિઓ માટે નાઈટ કર્ફ્યુનો અમલ ચાલુ રહેશે અને વ્યક્તિઓ અવરજવર કરી શકશે નહીં.
દયનીય સ્થિતિમાં જીવતા લોકોની સુરક્ષા
- દયનીય સ્થિતિમાં જીવતા વ્યક્તિઓ એટલે કે 65 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ, અન્ય રોગોનો ભોગ (કો-મોર્બિડીટી) બનેલા લોકો, સગર્ભા મહિલાઓ અને 10 વર્ષથી ઓછી વયના બાળકો ઘરમાં જ રહેશે. તેમને માત્ર આરોગ્યલક્ષી આવશ્યક જરૂરિયાતો માટે જ છૂટ મળશે.
જે ચોક્કસ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે સિવાયની તમામ પ્રવૃત્તિઓને મંજૂરી
- માર્ગ રેખાઓમાં જે ચોક્કસ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે સિવાયની તમામ પ્રવૃત્તિઓ માટે છૂટ આપવામાં આવશે. આમ છતાં કન્ટેઈન્મેન્ટ ઝોનમાં અગાઉ જેનો ઉલ્લેખ કરાયો છે તેવી આવશ્યક પ્રવૃત્તિઓ માટે જ છૂટ મળશે.
વિવિધ ઝોનમાં પ્રવૃત્તિઓ અંગે રાજ્યો નિર્ણય કરશે
- રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પરિસ્થિતિનું આકલન કરીને વિવિધ ઝોનમાં કેટલીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકી શકે છે અથવા તો જરૂરી જણાય તેવા નિયંત્રણો લાદી શકે છે.
આરોગ્ય સેતુનો ઉપયોગ
- ભારત સરકારે કોરોના વાયરસ મહામારીનો ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિઓની ઓળખ માટે અથવા તો ચેપ લાગવાનું જોખમ હોય તેવા વ્યક્તિઓની ઓળખ માટે એક પાવરફૂલ શસ્ત્ર તરીકે આરોગ્ય સેતુ એપ્લિકેશન બહાર પાડી છે. આ એપ્લિકેશન વ્યક્તિ અને સમુદાયની સુરક્ષા માટે ઢાલ સમાન બની રહે છે. ઓફિસો અને કામકાજના સ્થળોએ સલામતી જાળવવા માટે માલિકોએ સક્ષમ મોબાઈલ ફોન ધરાવતા હોય તેવા કર્મચારીઓ આ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરે તેની ખાત્રી રાખવાની રહેશે.
- જીલ્લા વહિવટી તંત્ર, વ્યક્તિઓ તેમના સક્ષમ મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને પોતાનું હેલ્થ સ્ટેટસ આ એપ્લિકેશન ઉપર નિયમિતપણે અપડેટ કરે તેવી સલાહ આપવામાં આવી છે. આનાથી જે વ્યક્તિઓને જોખમ હોય તેમને વ્યવસ્થિત તબીબી સહાય આપવા માટે સમયસર ધ્યાન આપી શકાય.
કડક અમલ
- રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો લૉકડાઉનની માર્ગરેખાઓનો કડક અમલ કરવાનું ચાલુ રાખશે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જારી કરવામાં આવેલી આ માર્ગરેખાઓને કોઈપણ પ્રકારે હળવી કરી શકાશે નહીં.
GP/DS
(Release ID: 1624772)
Visitor Counter : 844
Read this release in:
Hindi
,
Kannada
,
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu