રસાયણ અને ખાતર મંત્રાલય
પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રો લૉકડાઉન દરમિયાન દવાની ખરીદીની સુવિધા માટે વોટ્સએપ અને ઇમેલ દ્વારા ઓર્ડર સ્વીકારી રહ્યાં છે
Posted On:
05 MAY 2020 12:59PM by PIB Ahmedabad
લૉકડાઉન વચ્ચે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળ આવતા સંખ્યાબંધ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો (PMBJK) દવાઓના ઓર્ડર વોટ્સએપ અને ઇમેલ દ્વારા સ્વીકારી રહ્યા છે જેમાં ડૉક્ટરે સૂચવેલી દવાઓ અપલોડ કર્યા બાદ જન ઔષધી કેન્દ્રો આ દવાઓની ડિલિવરી દર્દીના ઘરે આવીને કરે છે. આ ઉમદા કામગીરીના માધ્યમથી વપરાશકારોને ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરળતાથી દવાઓની ખરીદી કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. PMBJKની આ પહેલને બિરદાવતા કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી.વી. સદાનંદ ગૌડાએ જણાવ્યું હતું કે, “PMBJK જરૂરિયાતમંદ લોકોને આવશ્યક દવાઓની અસરકારક ઝડપી ડિલિવરી માટે અને બહેતર સેવાઓ પૂરી પાડવા માટે વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિત અદ્યતન કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે ઘણી આનંદદાયક વાત છે.”
પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના (PMBJP) હેઠળ સમગ્ર દેશમાં PMBJK ચાલે છે. હાલમાં દેશના 726 જિલ્લામાં 6300થી વધુ PMBJK કાર્યરત છે જે પરવડે તેવી કિંમતે ગુણવત્તાપૂર્ણ દવાનો પૂરવઠો સુનિશ્ચિત કરે છે. આ દવાઓ બજારની કિંમત કરતા સરેરાશ 50 થી 90 ટકા જેટલા સસ્તા ભાવની હોય છે. એપ્રિલ 2020ના મહિનામાં સમગ્ર દેશમાં આ કેન્દ્રો પરથી રૂપિયા 52 કરોડની કિંમતની દવાઓ લોકોએ ખરીદી હતી.
વધુમાં, દૂરના વિસ્તારોમાં આવેલા સ્ટોર્સ પર દવાઓનો પૂરવઠો પહોંચાડવા માટે ભારતીય પોસ્ટ દ્વારા પૂરવઠાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગ હેઠળ આવતા ભારતીય ફાર્મા PSU બ્યૂરો (BPPI)એ કાચો માલ અને લોજિસ્ટિક્સની સમસ્યાઓ માટે જરૂરી કાર્યકારી મૂડીની સમસ્યાઓ ઉકેલવા માટે પોતાના તમામ વેન્ડરોને બાકી નીકળતી ચુકવણી તેની નિર્ધારિત સમયમર્યાદામાં જ કરી દીધી છે.
લૉકડાઉનના કારણે પૂરવઠા સાંકળમાં ઉભી થતી કોઇપણ સમસ્યાના નિરાકરણ માટે દરેક રાજ્યોમાં BPPI અધિકારીઓની સમર્પિત ટીમો તૈયાર કરવામાં આવી છે.
જન ઔષધી વેયર હાઉસ અત્યારે તેની પૂર્ણ ક્ષમતાએ કામ કરી રહ્યા છે અને સ્ટાફ માટે ઇનહાઉસ રહેઠાણની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
ગ્રાહકો અને દુકાન માલિકોની સમસ્યાઓના ઉકેલ માટે BPPIના હેલ્પલાઇન નંબરો સતત કામ કરી રહ્યા છે.
લૉકડાઉનના અમલ દરમિયાન આવશ્યક દવાઓનો પૂરવઠો એકધારો જળવાઇ રહે તે માટે, BPPIએ એપ્રિલ મહિનામાં 178 ફાસ્ટ મુવિંગ દવાઓ માટે રૂ. 186.52 કરોડના ખરીદીના ઓર્ડર બહાર પાડ્યા છે.
GP/DS
(Release ID: 1621204)
Visitor Counter : 300
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam