કાપડ મંત્રાલય

મહારાષ્ટ્રના 34 કેન્દ્રોમાં લુઘતમ ટેકાના ભાવે કપાસની ખરીદીની કામગીરી ચાલી રહી છે; લૉકડાઉન દરમિયાન કુલ 36,500 ક્વિન્ટલ એટલે કે 6900 ગાંસડી કપાસની ખરીદી થઇ


મહારાષ્ટ્રમાં ઉત્પાદિત થયેલો લગભગ 77.40% કપાસ બજારમાંઆવી ગયો છે અને 25 માર્ચ 2020 સુધીમાં તેનું વેચાણ થઇ ગયું છે; કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)એ કપાસના ખેડૂતો પાસેથી રૂ. 4995 કરોડમાં કુલ 91.90 લાખ ક્વિન્ટલ એટલે કે 18.66 લાખ ગાંસડી કપાસ ખરીદ્યો

ખેડૂતોને ખરીદેલા કપાસની બાકી ચુકવણી કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે; કુલ ખરીદ મૂલ્યમાંથી રૂ.4987 કરોડની ચુકવણી ખેડૂતોને કરી દેવામાં આવી છે

Posted On: 04 MAY 2020 12:59PM by PIB Ahmedabad

અગાઉ, મહારાષ્ટ્રમાં APMCમાં ખેડૂતોને કપાસના વેચાણમાં મુશ્કેલી પડી રહી હોવાના મીડિયા અહેવાલો હતા.

 

કાપડ મંત્રાલયે ખેડૂતોને ફરી એકવાર ખાતરી આપી છે કે, કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) પોતાના એજન્ટ મહારાષ્ટ્ર રાજ્ય કપાસ ઉત્પાદક માર્કેટિંગ ફેડરેશન સાથે મળીને મહારાષ્ટ્ર રાજ્યમાં ભારત સરકારની લઘુતમ ટેકાના ભાવે ખરીદીની કામગીરી દ્વારા કપાસની ખરીદી માટે તૈયાર છે અને તેનો અમલ કરવાનું શરૂ કરી દીધું છે.

 

મહારાષ્ટ્રમાં ઓક્ટોબર 2019થી લઘુતમ ટેકાના ભાવે ખરીદીની કામગીરી ચાલી રહી છે. 25 માર્ચ 2020 સુધીમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)એ મહારાષ્ટ્રમાં આવેલા 83 કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી રૂ.4995 કરોડની કિંમતે કુલ 91.90 લાખ ક્વિન્ટલ એટલે કે 18.66 લાખ ગાંસડી કપાસની ખરીદી કરી લીધી છે.

 

25 માર્ચ 2020 સુધીમાં મહારાષ્ટ્રમાં ઉત્પન્ન થયેલા કુલ કપાસમાંથી લગભગ 77.40% કપાસ બજારો સુધી પહોંચી ગયો હતો અને CCI તેમજ ખાનગી વેપારીઓએ તે ખરીદી પણ લીધો છે. લૉકડાઉનના સમય દરમિયાન 22.60% કપાસ બજારોમાં આવવાનો બાકી હતો. બાકી રહેલા આ કપાસમાંથી, અંદાજે રૂ.2100 કરોડની કિંમતનો 40 થી 50% કપાસ FAQ ગ્રેડનો છે અથવા કદાચ મહામારીની સ્થિતિના કારણે વેપારીઓ સારો ભાવ ન આપતા હોવાથી ખેડૂતો લઘુતમ ટેકાનો ભાવ મળવાની આશા રાખે છે.

 

લઘુતમ ટેકાના ભાવે ખરીદીની કામગીરી ચાલુ જ છે અને CCI દ્વારા હાલમાં 34 કેન્દ્રો પરથી ખરીદી થઇ રહી છે. લૉકડાઉન દરમિયાન મહારાષ્ટ્રમાં CCI દ્વારા કુલ 36,500 ક્વિન્ટલ એટલે કે 6900 ગાંસડી કપાસ ખરીદવામાં આવ્યો છે.

 

ખરીદીની પ્રક્રિયાનું નિયમન AMPC દ્વારા કરવામાં આવે છે અને 27 કેન્દ્રો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓળખી કાઢવામાં આવેલા રેડ ઝોનમાં આવે છે જ્યાં ખરીદીની કામગીરીમાં 3 મે 2020 પછી જ વેગ વધવાની અપેક્ષા છે. બાકી રહેલા 22 કેન્દ્રો માટે CCIએ રાજ્ય સરકારનો સંપર્ક કરીને ખેડૂતો તેમનો કપાસ બજાર સુધી લાવી શકે તે માટે તેમને પાસ/ટોકન આપવાની રજૂઆત કરી હતી. APMCમાં ખેડૂતો દ્વારા કપાસ લાવવાની તેમજ કપાસની ખરીદીની તમામ કામગીરી પર દૈનિક સ્થિતિના અહેવાલોના આધારે કાપડ મંત્રાલય દ્વારા એકધારી નજર રાખવામાં આવે છે. નવા ઉભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે અવારનવાર કોન્ફરન્સ યોજીને CCI દ્વારા મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓ સાથે જરૂરી સંકલન કરવામાં આવી રહ્યું છે. કાપડ મંત્રાલયે પણ કપાસના ખેડૂતોને કપાસના વેચાણમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તેમને APMCમાં આવવાની સુવિધા કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા અંગેની એડવાઇઝરી બહાર પાડી છે.

 

ખરીદવામાં આવેલા કપાસ માટે ખેડૂતોને બાકી નાણાંની ચુકવણી કરવા CCI દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. ખેડૂતોને કુલ રૂ.4995 કરોડમાંથી રૂ.4987 કરોડની રકમની ચુકવણી અત્યાર સુધીમાં કરી દેવામાં આવી છે.

 

SD/NG

 



(Release ID: 1620890) Visitor Counter : 352