સંરક્ષણ મંત્રાલય

કોરોના યોદ્ધાઓને ભારત સલામી આપશે

Posted On: 02 MAY 2020 6:09PM by PIB Ahmedabad

કોરોના યોદ્ધાઓના સતત સાથસહકારથી ભારત કોરોના વાયરસ સામે સફળતાપૂર્વક લડાઈ લડી રહ્યો છે. ભારતીય વાયુ સેના (આઈએએફ) આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે જીવનજરૂરી ચીજવસ્તુઓ અને સાધનસામગ્રીઓનો પુરવઠો પૂરો પાડીને કોરોનાના પ્રસારને અટકાવવાની દિશામાં દેશમાં ચાલી રહેલા પ્રયાસોમાં યોગદાન આપી રહી છે. 600 ટનથી વધારે ચિકિત્સા ચીજવસ્તુઓના પુરવઠા અને ચિકિત્સકો, ચિકિત્સા સહાયકો અને કોવિડ પરીક્ષણ પ્રયોગશાળાઓની સ્થાપના માટે ઉપકરણો વગેરે હવાઈ માધ્યમથી પહોંચાડવામાં આવ્યાં છે. આઈએએફના કર્મચારીઓ કોરોના સામેની લડાઈમાં આગળ પણ યોગદાન આપતા રહેશે. ભારતમાં તમામ કોરોના યોદ્ધાઓનો આભાર માનવા માટે આઈએએફ પોતાની સહાયક સેવાઓની સાથે ભારતનાં બહાદુર યોદ્ધાઓને સલામી આપવાની યોજના બનાવી રહી છે. આઈએએફ સલામી પોતાના ખાસ અંદાજમાં આપશે. બહાદુર કોરોના યોદ્ધાઓને સલામી આપવા માટે ભારતીય વાયુ સેનાએ પોતાના વિમાનોને ફ્લાઈ પોસ્ટ (વિમાનોની પરેડ) કરવાની યોજના બનાવી છે. એવા યોદ્ધા છે, જેઓ કોરોના વાયરસ રોગચાળાના અનપેક્ષિત સંકટના ગાળામાં થાક્યા વિના અને નિઃસ્વાર્થ ભાવ સાથે કામ કરી રહ્યાં છે.

ભારતીય વાયુ સેનાએ 3 મે, 2020ના રોજ દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં પોતાના ઘણા વિમાનોની સાથે ફ્લાઈ પોસ્ટ કરવાની યોજના બનાવી છે. ઉડાન કામગીરીમાં આઈએએફની તાલીમ કામગીરીઓને સામેલ કરવામાં આવી છે અને એમાં પ્રકારનાં પરિવહન વિમાન અને હેલિકોપ્ટર સામેલ થશે, જેનો ઉપયોગ કોવિડ-19 સાથે સંબંધિત પુરવઠામાં કરવામાં આવે છે.

કોરોના યોદ્ધાઓ માટે હવાઈ સલામી દિલ્હીના આકાશ પર સવારે 10થી 10.30 વાગ્યા વચ્ચે આપવાની યોજના છે. લડાયક વિમાન સંયોજન રાજપથ અને દિલ્હીની ઉપર ઉડાન ભરશે, જેને દિલ્હીના નાગરિકો પોતાની છત પરથી જોઈ શકશે. પરેડમાં સુખાઈ-30 એમકેઆઈ, મિગ-29 અને જગુઆર જેવા વિમાન સામેલ થશે. ઉપરાંત સી-130 પરિવહન વિમાન પણ લડાયક વિમાનોની જેમ દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં પ્રદર્શન કરશે. એક ધારણા પ્રમાણે, વિમાન હવાઈ સુરક્ષા ખાસ કરીને પક્ષીઓ સાથે સંબંધિત કામગીરીઓ ધ્યાનમાં રાખીને 500 મીટરથી 1,000 મીટરની ઊંચાઈ સુધી ઉડાન ભરશે.

ઉપરાંત હેલિકોપ્ટરોના માધ્યમથી સવારે 9.00 વાગે પોલીસ યુદ્ધ સ્મારક અને ત્યારબાદ કોવિડ-19 ઉપચારમાં કાર્યરત દિલ્હીની હોસ્પિટલો પર 10થી 10.30 વાગ્યા વચ્ચે પુષ્પવર્ષા કરવાની યોજના છે. હોસ્પિટલોની યાદીમાં એમ્સ, દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ, જીટીબી હોસ્પિટલ, લોકનાયક હોસ્પિટલ, રામ મનોહર લોહિયા હોસ્પિટલ, સફદરજંગ હોસ્પિટલ, શ્રી ગંગા રામ હોસ્પિટલ, બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલ, મેક્સ હોસ્પિટલ, રોહિણી હોસ્પિટલ, અપોલો ઇન્દ્રપ્રસ્થ હોસ્પિટલ અને આર્મી હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલ સામેલ છે.

 

 

 

GP/DS


(Release ID: 1620501) Visitor Counter : 365