રેલવે મંત્રાલય
માલવહન કામગીરીમાં પરિવર્તન લાવવા માટે રેલવેમંત્રીએ લોજિસ્ટિક ઉદ્યોગના અગ્રણીઓ સાથે બેઠક યોજી
લોજિસ્ટિક કિંમતો ઘટાડવા માટેના ઉપાયો નવીન અને લાભદાયી હોવા જોઇએઃ શ્રી પીયૂષ ગોયલ
Posted On:
01 MAY 2020 5:20PM by PIB Ahmedabad
કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી પીયૂષ ગોયલે આજે લોજિસ્ટિક ઉદ્યોગના મુખ્ય અગ્રણીઓ/ હિતધારકો સાથે એક બેઠકનું આયોજન કર્યુ હતું. આ બેઠકનું આયોજન ભારતીય રેલવેની માલવહન કામગીરીમાં પરિવર્તન લાવવા સંભવિત રીતો અને પદ્ધતિઓ અંગે ગહન વિચારણા હાથ ધરવા કરવામાં આવ્યું હતું. લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી આ લાંબી બેઠક દરમિયાન માલવહન કામગીરીને વધુ કાર્યક્ષમ અને લાભદાયી બનાવવા માટે સંભવિત નીતિગત હસ્તક્ષેપ અંગે ઉદ્યોગ પાસેથી અનેક મહત્વપૂર્ણ સૂચનો પ્રાપ્ત થયા હતા.
કોવિડ 19ની કટોકટી દરમિયાન ભારતીય રેલવે દ્વારા ભજવવામાં આવેલી ચાવીરૂપ ભૂમિકાની જાણકારી આપતાં રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન રેલવેએ કોવિડ કટોકટીનો ગંભીરતાપૂર્વક સામનો કર્યો છે અને તમામ હિતધારકો પ્રત્યે સંવેદનાપૂર્વક કામગીરી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે રેલવેએ સમગ્ર દેશમાં આવશ્યક માલ-સામાન વહન કરવામાં રાષ્ટ્રની જીવાદોરી તરીકે કામગીરી કરી છે. શ્રી ગોયલે જણાવ્યું હતું કે, "માત્ર એટલું જ નહીં, અમે આ સમયગાળાનો ઉપયોગ મુખ્ય લાઇનોનું જોડાણ વધારવા જેવી લાંબા સમયથી પડતર કામગીરી, લાંબા સમયથી પડતર સમારકામ હાથ ધરવા, નુકસાનગ્રસ્ત પુલોને તોડવા/ રિપેર કરવા અને અમારી પ્રવર્તમાન માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવા માટે કર્યો છે."
રેલવે મંત્રીએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, સાથે સાથે અમે માલવહન અને લોજિસ્ટિક વ્યવસાય દ્વારા રજૂ થયેલી ભરપૂર તકો પણ ધ્યાન ઉપર લેવા માંગીએ છીએ અને નજીકના ભવિષ્યમાં અમારી સેવાઓમાં સુધારો કરવા માટે અમે અનેક પગલાંઓનું આયોજન કર્યું છે.
આ બેઠકમાં રેલવે બોર્ડના અધ્યક્ષ અને લોજિસ્ટિક ઉદ્યોગના આગેવાનો સહિત અન્ય ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં હિતધારકો માટે કોઇ પ્રકારની વીમા વ્યવસ્થા પૂરી પાડવી, નૂર દરોને તર્કસંગત બનાવવા અને લોજિસ્ટિક કિંમતોને વધારે તાર્કિક બનાવવી, ટર્મિનલની સાથે સાથે બંદરો ઉપર તબક્કાવાર રીતે માલ ચઢાવવા/ ઉતારવાની કાર્યક્ષમતામાં સુધારો કરવો વગેરે જેવા સુચનો પ્રાપ્ત થયા હતા.
ઉદ્યોગ તરફથી પ્રાપ્ત થયેલા સૂચનોને આવકારતાં રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, નવીન પદ્ધતિઓ મહત્વપૂર્ણ બાબત છે અને તે અંગેના ઉપાયો લોજિસ્ટિક કિંમતોમાં ઘટાડો કરવા માટે લાભદાયી હોવા જરૂરી છે. શ્રી ગોયલે જણાવ્યું હતું કે, "માલવહન કામગીરીમાં પરિવર્તન લાવવા અને માલવહન ટ્રાફિકને બમણો કરીને 2.5 અબજ ટન સુધી પહોચાડવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં સહાયતા મળે તે માટે આપણે શરૂઆતથી અંત સુધી ઝડપી ટ્રેન, વધારે સારી સિગ્નલ વ્યવસ્થા, વધુ શ્રેષ્ઠ સમય નિર્ધારણ અને સમય પત્રક અને વધારે સારા નાણાકીય વિકલ્પોની જરૂર છે."
GP/DS
(Release ID: 1620175)
Visitor Counter : 218
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam