સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 પર અપડેટ્સ

Posted On: 24 APR 2020 5:32PM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશના પંચાયત સરપંચો સાથે વાર્તાલાપ કર્યો હતો. સરપંચોએ લૉકડાઉનના પગલાંઓનું પાલન કરવા બાબતે તેમના અનુભવો અને પ્રયાસોની માહિતી આપી હતી. આદરણીય પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કટોકટીના સમયમાં સાચા બોધપાઠ શીખવા મળે છે અને વર્તમાન મુશ્કેલીના સમયે આપણને આત્મનિર્ભર અને સ્વાવલંબી થવાનો સૌથી મોટો બોધપાઠ શીખવ્યો છે. તેમણે તમામ પંચાયતોને અપીલ કરી હતી કે, તમામ પંચાયતો પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત કરે અને બહેતર દેખરેખ માટે કોરોના વાયરસ ટ્રેકર એપ્લિકેશનઆરોગ્ય સેતૂઅંગે લોકોમાં યોગ્ય જાગૃતિ ફેલાવવામાં આવે.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે તમામ રાજ્યના આરોગ્ય મંત્રીઓ અને આરોગ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરીને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે લેવામાં આવેલા પગલાં અને પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે તમામ રાજ્યોને અત્યાર સુધી આપેલા સહકાર અને તેમણે કરેલા પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જે જિલ્લાઓમાં કેસોની સંખ્યા વધુ હોય અથવા કેસોની સંખ્યા ઝડપથી બમણી થતી હોય અને જ્યાં મૃત્યુદર ઘણો વધુ નોંધાયો હોય ત્યાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી.

ડૉ. હર્ષવર્ધને રાજ્યોને દેખરેખ, ઘરે ઘરે સક્રિય કેસો શોધવા અને કેસોની વહેલી ઓળખ તેમજ યોગ્ય તબીબી વ્યવસ્થાપન પર ધ્યાન આપવાની અપીલ કરી હતી જેથી દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને મૃત્યુદર ઘટાડી શકાય. તેમણે તમામ આરોગ્યમંત્રીઓને વ્યક્તિગતપણે ડૉક્ટરો અને અગ્ર હરોળમાં કામ કરી રહેલા કર્મચારીઓ પ્રત્યે તેમજ જે દર્દીઓ કોવિડ-19 બીમારીમાંમાં સપડાયા હોય અથવા તેમાંથી સાજા થયા હોય તેમના પ્રત્યે જે ભેદભાવ રાખવામાં આવે છે તેના વિરુદ્ધ લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરવાની વિનંતી કરી હતી.

અગાઉ ડૉ. હર્ષવર્ધને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના તમામ સભ્ય દેશોના આરોગ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી રહી અને કોવિડ-19ના વ્યવસ્થાપનમાં ભારતની અત્યાર સુધીની સફર અંગે માહિતી આપી હતી તેમજ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે, બીમારીના વ્યવસ્થાપનમાં ભારતના પ્રયાસો સામુદાયિક જોડા અને ચેપ નિયંત્રણના પ્રયાસોના બેવડા સિદ્ધાંત પર આધારિત છે.

આજે, દેશમાં 15 જિલ્લા એવા નોંધાયા છે જ્યાં અગાઉ કેસ હતા પરંતુ છેલ્લા 28 દિવસથી કઇ નવો કેસ નોંધાયો નથી. જે જિલ્લાને પહેલાંથી ઉલ્લેખિત કરવામાં આવ્યા છે તે ઉપરાંત તેમાં નવા ત્રણ જિલ્લા ઉમેરાયા છે જેછત્તીસગઢમાં દુર્ગ અને રાજનંદગાંવ; મધ્યપ્રદેશમાં શિવપુરી છે.

વધુમાં 23 રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 80 જિલ્લામાં છેલ્લા 14 દિવસથી કોરોના વાયરસના એકપણ નવા કેસ નોંધાયા નથી.

@CovidIndiaSeva ટ્વીટર હેન્ડલ પણ નિષ્ણાતો દ્વારા આપવામાં આવતી વાસ્તવિક સમયમાં આરોગ્ય અને સાર્વજનિક માહિતીઓ ઝડપથી પહોંચવા અને નાગરિકોના પ્રશ્નોના ત્વરીત ઉત્તર આપવામાં મદદ કરે છે.

દેશમાં અત્યાર સુધીમાં 4,748 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 20.57% નો રિકવરી દર દર્શાવે છે. ગઇકાલથી અત્યાર સુધીમાં નવા 1684 કેસો નોંધાયા છે. દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 23,077 થઇ છે. અત્યાર સુધીમાં ભારતમાં કોવિડ-19ના કારણે 718 દર્દીના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થઇ છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]inપર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

GP/DS



(Release ID: 1617980) Visitor Counter : 240