સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
આરોગ્ય મંત્રાલયે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એ ધ્યાન રાખવાની સૂચના આપી કે, કોવિડ-19 રોગચાળા દરમિયાન ટીબીના દર્દીઓને સારવાર સતત મળતી રહે
Posted On:
24 APR 2020 5:13PM by PIB Ahmedabad
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ (એનટીઇપી) હેઠળ તમામ સુવિધાઓ જાહેર હિતમાં સંપૂર્ણપણે કાર્યરત રહે. આ પત્રમાં કોવિડ-19 રોગચાળાની સ્થિતિ હોવા છતાં ટીબીના દર્દીઓનું નિદાન અને એમની સારવારની પ્રક્રિયા કોઈ પણ પ્રકારનાં વિક્ષેપ વિના ચાલે એવું સુનિશ્ચિત કરવા પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવ્યું છે.
આ વિસ્તૃત સૂચનાઓમાં નવા નિદાન થયેલા કે હાલ સારવાર લઈ રહેલા ટીબીના તમામ દર્દીઓને એકસાથે એક મહિનાની દવા આપવાની બાબત સામેલ છે. એમાં સરકારી અને ખાનગી એમ બંને ક્ષેત્રના ટીબીના દર્દીઓ સામેલ છે, જેમાં દવા-પ્રતિરોધક ટીવીના દર્દીઓ સામેલ છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ એ સુનિશ્ચિત કરવાનું છે કે, આઇડી ધરાવતા કે આઇડી વિનાનાં દર્દીઓને સારવારમાં કોઈ પણ પ્રકારનો અંતરાય ઊભો ન થાય એ માટે તેમની અનુકૂળતાએ આરોગ્ય સુવિધામાં દવાઓ મળે.
ઉપરાંત આ સૂચનાઓમાં જણાવવામાં આવ્યું છે કે, જો ટીબીના દર્દી આરોગ્ય સુવિધામાં આવી ન શકે, તો શક્ય હોય ત્યાં દર્દીનાં ઘરે દવા પહોંચાડવાની વ્યવસ્થા આરોગ્ય કેન્દ્ર કરશે. કોવિડ-19 રોગચાળા અને લોકડાઉનને કારણે ઊભા થયેલા પડકારોનો વિચાર કરીને મંત્રાલયે દવાઓનો પર્યાપ્ત જથ્થો ખરીદવામાં આવે અને દવાઓની પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ થાય એ સુનિશ્ચિત કરવા ઓર્ડર્સ ઇશ્યૂ કર્યા છે.
ટીબીના નિદાન અને સારવારની સેવાઓ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંપૂર્ણપણે કાર્યરત છે. ટીબીના દર્દીઓને કોવિડ-19થી સુરક્ષિત રાખવા સાવચેતીઓ રાખવા અને તેમની ટીબીની સારવાર ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી છે. કોવિડ-19 રોગચાળાની સ્થિતિ દરમિયાન દર્દી અને હેલ્થકેર વર્કર્સનું સ્વાસ્થ્ય સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. ઉપરાંત આ સંબંધમાં દર્દીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે, તો તમામ દર્દીઓને ટીબી ટોલ ફ્રી નંબર (1800-11-6666) આપવાની સૂચના અપાઈ છે.
આ સૂચનાઓ/સલાહો સમાચારો “ન્યૂઝ એન્ડ હાઇલાઇટ્સ” સેક્શન હેઠળ વેબસાઇટ (www.tbcindia.gov.in) પર અપલોડ કરવામાં આવી છે.
GP/DS
(Release ID: 1617972)
Visitor Counter : 312
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Kannada
,
Malayalam