રસાયણ અને ખાતર મંત્રાલય
કોવિડ-19 મહામારીનો સામનો કરવા દેશમાં રસાયણો, ખાતર અને દવાઓની ઉપલબ્ધી વધારવા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છેઃ ગૌડા
Posted On:
21 APR 2020 7:08PM by PIB Ahmedabad
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી. વી. સદાનંદ ગૌડાએ જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીના કારણે પેદા થયેલા પડકારોનો સામનો કરવા માટે તેમનું મંત્રાલય દેશમાં દવાઓ, ખાતરો અને જંતુનાશક રસાયણોનો પુરતો પૂરવઠો જળવાઇ રહે તે માટે તમામ જરૂરી પગલાંઓ ભરી રહ્યું છે.
શ્રી સદાનંદ ગૌડાએ એક ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ખેડૂતોને ખાતર, સામાન્ય લોકો અને આરોગ્ય સેવાઓને દવાઓ અને કોરોના વાયરસનો વિસ્ફોટ અટકાવવા જંતુનાશક તરીકે વપરાતાં રસાયણોની ઉપલબ્ધી વધે તે માટે યોગ્ય રણનીતિ ઘડી કાઢવા માટે તેમણે તેમના મંત્રાલયના ત્રણ વિભાગો ખાતર, ઔષધ અને રસાયણ તથા પેટ્રોકેમિકલ વિભાગના સચિવો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણાં હાથ ધરી હતી.
આ બેઠકમાં શ્રી ગૌડાએ તમામ અધિકારીઓને તેમની વચ્ચે અને અન્ય સંબંધિત મંત્રાલયો વચ્ચે ગાઢ સંકલન જાળવવા જણાવ્યું હતું, જેથી કોઇપણ પ્રકારના અવરોધ વગર આવશ્યક ચીજ-વસ્તુઓનો પૂરવઠો જાળવી શકાય.
તાજેતરમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા રસાયણ અને ખાતર વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક કોવિડ-19 મહામારીના ઉપદ્રવના સમયે રસાયણ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ સંબંધિત સમસ્યાઓ દૂર કરવાના હેતુસર યોજવામાં આવી હતી. શ્રી માંડવિયાએ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "ભારત ખરેખર વસુદૈવ કુટુમ્બકમના વિચારોમાં માને છે અને ભાઇચારાની ભાવનાને પ્રોત્સાહિત કરે છે."
મંત્રાલયે જણાવ્યું હતું કે આગામી ખરીફ મોસમ માટે ખેડૂત સમુદાયને પુરતાં પ્રમાણમાં ખાતરનો જથ્થો પૂરવઠો ઉપલબ્ધ બની રહે તે માટે ખાતર કંપનીઓ પહેલેથી જ તેમની સંપૂર્ણ કાર્યક્ષમતાથી કામગીરી કરી રહી છે. ફાર્મા ક્ષેત્ર પણ હાઇડ્રોક્સિક્લોરોક્વિન સહિત આવશ્યક દવાઓનું પુરતાં જથ્થામાં ઉત્પાદન કરવા માટે તેમના સંપૂર્ણ પ્રયાસો કરી રહ્યું છે. ભારત સમગ્ર વિશ્વમાં હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને તે ઘરેલું માંગ સંતોષવાની સાથે સાથે વિદેશમાં વધારાની દવાઓનો નિકાસ કરી રહ્યું છે. જંતુનાશક તરીકે વપરાતા રસાયણોનું ઉત્પાદન અને તેનો પૂરવઠો પણ સંતોષકારક છે.
GP/DS
(Release ID: 1616884)
Visitor Counter : 298