સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અંગે અપડેટ્સ

Posted On: 21 APR 2020 5:47PM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

20 એપ્રિલ 2020ના રોજ ગૃહ મંત્રાલય દ્વારા, સરકારી કચેરીઓની કામગીરીઓ માટે બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા સાથે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે, તેમના અધિકારીઓ અને કર્મચારીઓને વાયરસનો ફેલાવો રોકવા માટે તકેદારીના તમામ પગલાંનું ચુસ્ત પાલન કરવાની સલાહ આપી છે.

  • ફરી ઉપયોગમાં લઇ શકાય તેવા/ કાપડના ફેસ કવરનો ફરજિયાત ઉપયોગ કરવો
  • ડિસઇન્ફેક્શન પ્રોટોકોલ્સનું ચુસ્ત પાલન કરવું
  • વાંરવાર સાબુ અને પાણીથી હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ રબ/ સેનિટાઇઝરથી હાથ સાફ કરવા
  • એકબીજાથી પૂરતા પ્રમાણમાં અંતર જાળવવું
  • 5થી વધુ લોકોએ ભેગા થવાનું ટાળવું

કોવિડ-19ના કેસો બમણો થવાનો દર છેલ્લા સાત દિવસના કેસોના આધારે ગણવામાં આવે છે જે સુચવે છે કે, ભારતનો લૉકડાઉનના એક અઠવાડિયા પહેલાં કેસ બમણા થવાનો દર 3.4 હતો અને 19 એપ્રિલ 2020ના રોજ સુધરીને 7.5 થયો છે (છેલ્લા સાત દિવસ માટે). રાષ્ટ્રીય સરેરાશની તુલનાએ 18 રાજ્યોમાં બમણા થવાના દરમાં સુધારો જોવા મળ્યો છે. 19 એપ્રિલના રોજની સ્થિતિ નીચે દર્શાવ્યા અનુસાર છે:

  • બમણા થવાનો દર: 20 દિવસથી ઓછો સમય -

 

    • દિલ્હી (કેન્દ્ર શાસિત પ્રદેશ) - 8.5 દિવસ
    • કર્ણાટક - 9.2 દિવસ
    • તેલંગાણા - 9.4 દિવસ
    • આંધ્રપ્રદેશ - 10.6 દિવસ
    • જમ્મુ અને કાશ્મીર (કેન્દ્ર શાસિત પ્રદેશ) - 11.5 દિવસ
    • પંજાબ - 13.1 દિવસ
    • છત્તીસગઢ - 13.3 દિવસ
    • તામિલનાડુ - 14 દિવસ
    • બિહાર - 16.4 દિવસ

 

  • બમણા થવાનો દર : 20 થી 30 દિવસની વચ્ચે:

 

    • આંદામાન અને નિકોબાર (કેન્દ્ર શાસિત પ્રદેશ) - 20.1 દિવસ
    • હરિયાણા - 21 દિવસ
    • હિમાચલ પ્રદેશ - 24.5 દિવસ
    • ચંદીગઢ (કેન્દ્ર શાસિત પ્રદેશ) - 25.4 દિવસ
    • આસામ - 25.8 દિવસ
    • ઉત્તરાખંડ - 26.6 દિવસ
    • લદ્દાખ (કેન્દ્ર શાસિત પ્રદેશ) - 26.6 દિવસ

 

  • બમણા થવાનો દર: 30થી વધુ દિવસ:

 

    • ઓડિશા - 39.8 દિવસ
    • કેરળ - 72.2 દિવસ

ગોવામાં કોવિડ-19ના તમામ દર્દી સાજા થઇ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે ગોવામાં કોઇ સક્રીય કેસ નથી. ત્રણ જિલ્લા - માહે (પુડુચેરી), કોડગ્ગુ (કર્ણાટક) અને પૌરી ગરવાલ (ઉત્તરાખંડ)માં છેલ્લા 28 દિવસમાં કોઇ નવા કેસ નોંધાયા નથી. હવે 23 રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 59 એવા જિલ્લા છે જ્યાં છેલ્લા 14 દિવસમાં કોઇ નવા કેસ નોંધાયા નથી. અગાઉની યાદી ઉપરાંત, 6 નવા જિલ્લાનો ઉમેરો થયો છે:

  • રાજસ્થાનમાં ડુંગરપુર અને પાલી
  • ગુજરાતમાં જામનગર અને મોરબી
  • ગોવામાં ઉત્તર ગોવા
  • ત્રિપૂરામાં ગોમતી

દેશમાં કોવિડ-19ના કુલ 17,265 કેસોની પુષ્ટિ થઇ છે. અત્યાર સુધીમાં 2547 એટલે કે કુલ કેસમાં 14.75% દર્દીઓ સાજા થયા છે/ સાજા થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. કોવિડ-19ના કારણે દેશમાં કુલ 543 લોકોનાં મૃત્યુ થયા છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in પર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

GP/DS


(Release ID: 1616874) Visitor Counter : 245