ગૃહ મંત્રાલય

કોવિડ-19 સામે અસરકારક રીતે લડવા અને તેને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર સરકારે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રાજ્યોના પ્રયાસો વધારવા માટે 6 આંતર-મંત્રાલય ટીમોની રચના કરી

Posted On: 20 APR 2020 1:47PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારે 6 આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમ (IMCT) ટીમની રચના કરી છે જેમાંથી પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર માટે બે-બે ટીમ અને મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન માટે એક-એક ટીમની રચના કરવામાં આવી છે. ટીમો સ્થળ પર જઇને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે અને કોઇપણ સમસ્યા હશે તો તેના નિવારણ માટે રાજ્ય સત્તામંડળને જરૂરી સૂચનો આપશે તેમજ સામાન્ય જનતાના વ્યાપક હીતમાં કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ સોંપશે. ખાસ કરીને ઇન્દોર (મધ્યપ્રદેશ), મુંબઇ અને પૂણે (મહારાષ્ટ્ર), જયપુર (રાજસ્થાન) અને પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવરા, મીદનાપૂર પૂર્વ, 24 પરગણા ઉત્તર, દાર્જિલિંગ, કાલીમપોંગ અને જલપાઇગુડીમાં સ્થિતિ વધુ ગંભીર છે. IMCT દ્વારા માર્ગદર્શિકા અનુસાર લૉકડાઉનના પગલાંઓના અમલીકરણ, આવશ્યક જીવન જરૂરિયાતની ચીજોના પૂરવઠા, સામાજિક અંતર, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓ, આરોગ્ય પ્રોફેશનલ્સની સલામતી અને શ્રમિકો તેમજ ગરીબો માટે રાહત શિબિરોની સ્થિતિ સંબંધિત ફરિયાદો પર ધ્યાન આપવામાં આવશે.

અહીં મહત્વની વાત છે કે, જો હોટસ્પોટ્સ જિલ્લા અથવા હોટસ્પોટ બની રહેલા વિસ્તારો અથવા જ્યાં મોટાપાયે બીમારીનો ફેલાવો થયો છે તેવા દરેક સ્થળો અથવા ક્લસ્ટર્સમાં પ્રતિબંધોના પગલાંનું પાલન કર્યા વગર ઉલ્લંઘનની ઘટનાઓને મંજૂરી આપવામાં આવે તો, તેના કારણે તે વિસ્તારમાં રહેતા લોકો અને સમગ્ર દેશમાં અન્ય ભાગોમાં રહેતા લોકોને ગંભીર આરોગ્ય જોખમ ઉભું થાય છે. મુખ્ય હોટસ્પોટ જિલ્લાઓમાં આવા ઉલ્લંઘનોની વ્યાપકતાનું મૂલ્યાંકન કર્યા પછી, કેન્દ્ર સરકાર એકવાતે સ્પષ્ટ થઇ ગઇ છે કે, ખાસ કરીને ઉપરોક્ત ઉલ્લેખ કરેલા વિસ્તારોમાં પરિસ્થિતિ ઘણી ગંભીર થઇ ગઇ છે અને કેન્દ્ર સરકારની તજજ્ઞતાનો ત્યાં ઉપયોગ કરવો જરૂરી છે.

આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005 અંતર્ગત ધારા 35(1), 35(2)(a), 35(2)(e) અને 35(2)(i) હેઠળ મળેલી સત્તાની રૂએ કેન્દ્ર સરકારે પોતાની સત્તાનો ઉપયોગ કરીને સમિતિઓની રચના કરી છે. અહીં પૂનરોચ્ચાર કરવામાં આવે છે કે, લૉકડાઉનના પગલાંના આદેશો, તેમજ માર્ગદર્શિકાઓ/ સંકલિત સુધારેલી માર્ગદર્શિકાઓમાં લૉકડાઉન અને અન્ય પગલાંના ચુસ્ત અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે; અને રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ માર્ગદર્શિકામાં સુચવવામાં આવેલા પગલાં વધુ સખત બનાવી શકે છે પરંતુ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005 અંતર્ગત બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં તેઓ કોઇ રાહત આપી શકશે નહીં.

અહીં ઉલ્લેખનીય છે કે, નામદાર સર્વોચ્ચ અદાલતે 31.03.2020ના રોજ રીટ પિટીશન (સિવિલ) નં. 2020ની 468 સંદર્ભે કરેલા અવલોકનમાં પણ નોંધ્યું હતું કે, “તમામ સંબંધિતો એટલે કે રાજ્ય સરકારો, સાર્વજનિક સત્તાધિશો અને દેશના નાગરિકો, કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા દિશાનિર્દેશો અને આદેશોમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને જાહેર હિતમાં તેનું અક્ષરશ: અનુપાલન કરે તેવો અમે વિશ્વાસ રાખીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ.” અવલોકનને સર્વોચ્ચ અદાલતનો આદેશ ગણીને તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને મોકલવામાં આવ્યું હતું.

અહીં ફરી આગ્રહપૂર્વક કહેવામાં આવે છે કે, ઉપરોક્ત ઉલ્લેખિત IMCT આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005 હેઠળ બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર લૉકડાઉનના પગલાંના અમલીકરણ અને અનુપાલનના મૂલ્યાંકન પર ધ્યાન આપશે; તેઓ આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો, ઘરની બહાર લોકોની અવરજવરમાં સામાજિક અંતરની સ્થિતિ, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તૈયારીઓ, હોસ્પિટલની સુવિધા અને જિલ્લામાં નમૂનાના આંકડા, આરોગ્ય પ્રોફેશનલ્સની સલામતી, પરીક્ષણ કીટ્સ, PPE, માસ્ક અને અન્ય સલામતી ઉપકરણોની ઉપલબ્ધતા તેમજ રાહત શિબિરોમાં ગરીબો અને શ્રમિકોની સ્થિતિ જેવા અન્ય મુદ્દાઓ પણ ધ્યાનમાં લેશે.

IMCT ટૂંક સમયમાં સ્થળ પરની મુલાકાત લેવાનું શરૂ કરશે.

 

 

 

GP/DS



(Release ID: 1616366) Visitor Counter : 276