સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 પર અપડેટ્સ

Posted On: 17 APR 2020 5:59PM by PIB Ahmedabad

દેશમાં કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

આજે નિર્માણ ભવનમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં કોવિડ-19 મામલે મંત્રીઓના સમૂહ (GoM)ની 12મી બેઠક યોજવામાં આવી હતી. દેશમાં લંબાવવામાં આવેલા લૉકડાઉનની અસરો અને ભાવી રણનીતિ તૈયાર કરવા અંગે બેઠકમાં ચર્ચા થઇ હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી ઇન્સ્ટિટ્યુશનો દ્વારા કોવિડ-19ના નિદાન, રસી, દવા, હોસ્પિટલના ઉપકરણો, ઍક્સેસરી અને સામાન્ય સુખાકારી બાબતે કરવામાં આવેલા પ્રયાસોની પણ GoM દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, બાયો-ટેકનોલોજી વિભાગ, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક અને ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ (CSIR), ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ (ICMR) અને અણુ ઉર્જા વિભાગ (DEA) તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે મળીને નીચે દર્શાવેલી બાબતો પર કામ કરી રહ્યા છે:

  • નવા ઝડપી અને સચોટ નિદાન તૈયાર કરવા જેમાં 30 મિનિટમાં પરિણામ મળી જાય,
  • તેમની 30 લેબ દ્વારા પરીક્ષણની ક્ષમતામાં વધારો કરવો,
  • વધુ સંખ્યામાં લોકોનું પરીક્ષણ થઇ શકે તે માટે નવતર પૂલિંગ વ્યૂહરચના વિકસાવવી,
  • સ્થાનિક પરીક્ષણ કીટના ઉત્પાદનને સિમિત કરે છે તેવા મહત્વપૂર્ણ ઘટકોનું સ્વદેશમાં સંશ્લેષણ, અને
  • વાયરલ સિક્વન્સિંગમાં વધારો કરવો, જેનાથી રોગશાસ્ત્રમાં અને મહામારીના જીવાણુંના મહત્વપૂર્ણ પરિવર્તનની સંભાવના ઓળખવામાં મદદ મળી શકે.

રસી તૈયાર કરવાની પ્રક્રિયામાં પણ પ્રગતી જોવા મળી છે જેમાં વાયરસને નિષ્ક્રિય કરવો, મુખ્ય એન્ટિજેનના એન્ટિબોટીઝ તૈયાર કરવા, મોનોકોલનલ અને RNA આધારિત રસી વગેરે પર કામ ચાલી રહ્યું છે. કોન્વેલેસન્ટ પ્લાઝ્મા થેરાપી (સાજા થઇ ગયેલા દર્દીઓના પ્લાઝ્મા લઇને સારવાર)ની પણ અમુક જગ્યાએ શરૂઆત કરવામાં આવી છે.

અસરકારક રસી તૈયાર કરી શકાય અને ટૂંક સમયમાં તે ઉપલબ્ધ થઇ શકે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર વૈશ્વિક ભાગીદારો સાથે પણ કામ કરી રહી છે. ભારત વિશ્વ આરોગ્ય સંગઠનના એકજૂથ પરીક્ષણમાં સહભાગી છે જેના દ્વારા ઉપચારોની અસરકારકતા નિર્ધારિત કરી શકાય છે. વૈજ્ઞાનિક ટાસ્ક ફોર્સ દ્વારા હાલમાં માન્યતા પ્રાપ્ત દવાઓ અને કોવિડ-19માં તેની પ્રતિક્રિયાઓ પર મૂલ્યાંકન થઇ રહ્યું છે. CSIR બહુવિધ આશાસ્પદ એન્ટિ વાયરલ મોલેક્યૂલ્સ જેમ કે, યુમીફેનોવીર, ફાવીપીરાવીરના સ્વદેશી સંશ્લેષણ પર આગળ વધી રહ્યું છે. ફાયટોફાર્માસ્યુટિકલ્સ અને પરંપરાગત ચિકિત્સા પ્રણાલીની પદ્ધતિઓઓ પણ આયુષ મંત્રાલય સાથે મળીને શોધવામાં આવી રહી છે.

વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, વેન્ટિલેટર વગેરે આનુષંગિક સહાયક ઉપકરણોના ઉત્પાદન માટે CSIR એન્જિનિયરિંગ લેબ્સમાં DST હેઠળ આવેલા શ્રી ચિત્રા તિરુમલાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (SCTIMST)ની સ્વદેશી ડિઝાઇન્સ વધારવામાં આવી રહી ચે. RT-PCR કીટ્સનું સ્વદેશી ઉત્પાદન શરૂ થઇ ગયું છે અને મે 2020થી દર મહિને 10 લાખ કીટ્સનું ઉત્પાદન થશે. મે 2020 સુધીમાં ઝડપી એન્ટિબોડી ડિટેક્શન કીટ્સનું ઉત્પાદન પણ શરૂ કરવામાં આવશે અને દર મહિને 10 લાખ કીટ્સના ઉત્પાદનની ક્ષમતા રહેશે. તમામ રાજ્યોમાં અને જિલ્લામાં વધુ કેસના ભારણના આધારે 5 લાખ ઝડપી એન્ટિબોડી ડિટેક્શન કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. હાલમાં વેન્ટિલેટર્સના ઉત્પાદનની ક્ષમતા દર મહિને 6000 વેન્ટિલેટરની છે. નિદાન, ઉપચારાત્મક અને રસી જેવા ક્ષેત્રોમાં જરૂરી પ્રયાસો પર આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા યુદ્ધના ધોરણે દેખરેખ રાખવામાં આવી રહી છે.

વધુમાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્ય/ જિલ્લા વહીવટીતંત્રોને વિવિધ કોવિડ સુવિધાઓમાં કેસના ભારણના મૂલ્યાંકનના આધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બહેતર આયોજન કરવા માટે અનુમાન માટેના ટૂલ્સ પૂરા પાડ્યા છે.

કુલ મળીને, 1919 કોવિડ-19 સમર્પિત હોસ્પિટલો કેન્દ્ર અને રાજ્ય સ્તરે ઓળખી કાઢવામાં આવી છે જેમાં સામેલ છે:

  • 672 સમર્પિત કોવિડ હોસ્પિટલો (DCH) (107830 આઇસોલેશન બેડ અને 14742 ICU બેડ સાથે),
  • 1247 સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્રો (DCHC) (કુલ 65916 આઇસોલેશન બેડ અને 7064 ICU બેડ સાથે)

આથી કુલ 1919 સુવિધામાં 1,73,746 આઇસોલેશન બેડ અને કુલ 21,806 ICU બેડ ઉપલબ્ધ છે.

લૉકડાઉન પહેલા, ભારતમાં કેસો બમણા થવાનો દર 3 દિવસ હતો. છેલ્લા સાત દિવસમાં, બમણા થવાનો દર 6.2 દિવસ નોંધાયો છે. રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો (કેરળ, ઉત્તરાખંડ, હરિયાણા, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, પુડુચેરી, બિહાર, ઓડિશા, તેલંગાણા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, આસામ, ત્રિપૂરા)માં હાલમાં બમણા થવાનો દર વધુ જોવા મળી રહ્યો છે, જે સામાન્ય સરેરાશ કરતા બહેતર છે, અને તે દર્શાવે છે કે જગ્યાઓમાં કેસોની સંખ્યામાં વધવાનો દર અમુક અંશે ઘટ્યો છે.

1 એપ્રિલ 2020થી સરેરાશ વૃદ્ધિ પરિબળ 1.2 નોંધાયું છે જે બે સપ્તાહ (15 માર્ચથી 31 માર્ચ)ની પ્રક્રિયામાં 2.1 હતું જે વૃદ્ધિ પરિબળમાં 40% (2.1-1.2)/2.1 નો ઘટાડો બતાવે છે.

ગઇકાલથી અત્યાર સુધીમાં 1007 નવા કેસો નોંધાયા છે અને 23 દર્દીનાં મૃત્યુ થયાં છે આથી દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 13,387 પોઝિટીવ કેસની પુષ્ટિ થઇ છે. અત્યાર સુધીમાં 1749 દર્દીઓ સાજા થયા છે/ સાજા થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in પર ઇમેલ પણ કરી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.(Release ID: 1615498) Visitor Counter : 218