માનવ સંસાધન વિકાસ મંત્રાલય
માનવ સંસાધન મંત્રાલયના માર્ગદર્શન મુજબ એઆઈસીટીઈએ કોલેજો /શૈક્ષણિક સંસ્થાઓને વિદ્યાર્થીઓની સલામતી અને શૈક્ષણિક કલ્યાણ અંગે સૂચનાઓ આપી, લૉકડાઉન દરમ્યાન વિદ્યાર્થીઓ પાસેથી ફી માંગવાથી દૂર રહેવા જણાવ્યું
Posted On:
16 APR 2020 4:29PM by PIB Ahmedabad
દેશમાં કોરોના વાયરસ મહામારી ફાટી નિકળવાના કારણે હાલમાં તા.3 મે, 2020 સુધી લૉકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું છે. માનવ સંસાધન મંત્રાલયે એઆઈસીટીઈને વિદ્યાર્થીઓના હિતમાં જરૂરી કદમ ઉઠાવવા સલાહ આપવામાં આવી છે. આ મુજબ એઆઈસીટીઈ દ્વારા કોલેજો/ શૈક્ષણિક સંસ્થાઓને કેટલીક સૂચનાઓ જાહેર કરી છે અને કોરોના વાયરસને કારણે જે જોખમો ઉભા થયા છે તે સામે સાવચેતી રાખવા જણાવ્યું છે. આ બાબત ભારતના નાગરિકોની પણ મૂળભૂત જવાબદારી બની રહે છે. એવી જ રીતે હાલના કટોકટીના સમયમાં કોલેજો/ શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ તેમના સહયોગીઓના આરોગ્ય અને હિતની સુરક્ષા માટે જવાબદારી ધરાવે છે. ઉપર દર્શાવેલ બાબત અનુસાર તમામ કોલેજો/ શૈક્ષણિક સંસ્થાઓને નીચે મુજબની માર્ગરેખાના પાલન માટેની સૂચનાઓ આપવામાં આવી છેઃ
- ફીની ચૂકવણીઃ એઆઈસીટીઈને એવું જાણવા મળ્યું છે કે લૉકડાઉન દરમ્યાન વિદ્યાર્થીઓને પ્રવેશ ફી સહિતની ફી ચૂકવવા દબાણ થઈ રહ્યું છે. એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોલેજો/ શૈક્ષણિક સંસ્થાઓએ હાલમાં ચાલી રહેલ લૉકડાઉન ઉઠાવી લેવામાં આવે અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થાય ત્યાં સુધી ફીની ચૂકવણી કરવા માટે દબાણ કરવું નહીં. વધુમાં, એઆઈસીટીઈ મારફતે યોગ્ય સમયે સુધારેલી માર્ગરેખાઓ જારી કરવામાં આવશે. આ મુજબ શૈક્ષણિક સંસ્થાઓને પોતાની વેબસાઈટ ઉપર માહિતી દર્શાવવાનું તથા આ બાબતે જાણ કરવાનું તથા આ બાબતની જાણકારી વિદ્યાર્થીઓને ઈમેલ મારફતે આપવાનું જણાવવામાં આવ્યું છે.
- ફેકલ્ટીના સભ્યોને વેતનની ચૂકવણીઃ એવું જાણવા મળ્યુ છે કે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓએ લૉકડાઉનના ગાળા દરમ્યાન પોતાની ફેકલ્ટી (અધ્યાપકગણ) અને સ્ટાફને વેતનની ચૂકવણી કરી નથી. આ ઉપરાંત કેટલીક શૈક્ષણિક સંસ્થાઓએ કેટલાક અધ્યાપકો/ સ્ટાફ મેમ્બર્સની સર્વિસ રદ કરી છે. આથી સ્પષ્ટતા કરવામાં આવે છે કે લૉકડાઉનના ગાળા દરમ્યાન ફેકલ્ટી / સ્ટાફ મેમ્બર્સના વેતન અને અન્ય બાકી નાણાં છૂટા કરવામાં આવશે. આ ઉપરાંત જો કોઈને લૉકડાઉનના ગાળા દરમ્યાન નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા હશે તો તે નિર્ણય પાછો ખેંચવામાં આવશે. આથી આ નિર્દેશનો કડક અમલ કરવામાં આવે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના જે તે મુખ્ય સચિવોને આ બાબતે પત્ર પાઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત પત્રમાં કોલેજ/ શૈક્ષણિક સંસ્થાઓને ફીની પરત ચૂકવણી કરવા માટે જણાવવામાં આવ્યું છે.
- ફેક ન્યૂઝને પ્રોત્સાહન નહીં આપવા અંગેઃ સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર વિવિધ રસ ધરાવતા જૂથો/ વ્યક્તિઓ, ફેક ન્યૂઝ સર્ક્યુલેટ કરી રહ્યા છે અને તે દ્વારા ખોટી માહિતી અને અફવાઓ ફેલાવી રહ્યા છે. આ પ્રકારના કોઈ ખોટા સમાચારને પ્રોત્સાહન નહીં આપવા અને તે બાબતે સંબંધિત સત્તા તંત્રને જાણ કરવાની તમામ સહયોગીઓની જવાબદારી રહે છે. એવી પણ સલાહ આપવામાં આવી છે કે માનવ સંસાધન વિભાગ/ યુજીસી/ એઆઈસીટીઈની અધિકૃત વેબસાઈટ ઉપર પ્રસિધ્ધ કરેલી માહિતીને જ સાચી માનવી અને તેના ઉપર ભરોંસો મૂકવો. આથી આ બધી વેબસાઈટને નિયમિતપણે અપડેટ કરવાનું જરૂરી બની રહે છે. સમાન પ્રકારે કોઈપણ અપડેટ માટે સંબંધિત મંત્રાલય/ વિભાગની અન્ય સરકારી સર્ક્યુલર, અધિકૃત વેબસાઈટસ તપાસી જવામાં આવે તે જરૂરી છે.
- પ્રધાન મંત્રીની વિશેષ શિષ્યવૃત્તિ યોજનાઃ હાલમાં ચાલી રહેલા લૉકડાઉન અને ઈન્ટરનેટની નિયંત્રીત ઉપલબ્ધિ વચ્ચે વર્ષ 2020-21 માટેની પ્રધાન મંત્રીની વિશિષ્ટ સ્કોલરશીપ (પીએમએસએસએસ) યોજના જાહેર કરવામાં વિલંબ થયો છે. આમ છતાં એવી સ્પષ્ટતા કરવામાં આવે છે કે એક વખત લૉકડાઉન ઉઠાવી લેવામાં આવે ત્યાર બાદ આ યોજના ચાલુ થઈ જશે. યોગ્ય સમયે એઆઈસીટીઈની વેબસાઈટ ઉપર નવા કાર્યક્રમોની ટાઈમલાઈન દર્શાવતું કેલેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવશે.
- ઓનલાઈન વર્ગો અને સેમીસ્ટર પરિક્ષાઃ એવી સ્પષ્ટતા કરવામાં આવે છે કે લંબાવેલા લૉકડાઉનના ગાળા દરમ્યાન વર્તમાન સેમિસ્ટરના ઓનલાઈન વર્ગો ચાલુ રાખવામાં આવશે. યુજીસી/ એઆઈસીટીઈ એક પછી એક સુધારેલું એકેડેમિક કેલેન્ડર બહાર પાડશે. સેમિસ્ટર પરિક્ષાઓ યોજવા બાબતે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે યુજીસીએ પરિક્ષાઓનું સંચાલન કરવાની પધ્ધતિઓ, માર્ક આપવાની પધ્ધતિ તથા પરિક્ષામાં પાસ કરવાના માપદંડ અંગે એક સમિતીની રચના કરી છે. આ અંગેના દિશા નિર્દેશો અલગથી જાહેર કરવામાં આવશે. યુજીસી/ એઆઈસીટીઈની વેબસાઈટ નિયમિતપણે જોતા રહેવું.
- ઈન્ટર્નશીપઃ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલમાં ચાલી રહેલી લૉકડાઉનની સ્થિતિની કારણે કેટલાક વિદ્યાર્થીઓ પોતાની સમર ઈન્ટર્નશીપ કરી શકશે નહીં. આથી તેમને ઘરેથી ઈન્ટર્નશીપ કરવા સલાહ આપવામાં આવે છે. જો આવું શક્ય બની શકે નહીં તો ડિસેમ્બર 2020માં આ જરૂરિયાત પૂર્ણ કરવામાં આવશે.
- અન્ય કોલેજો/ શૈક્ષણિક સંસ્થાઓ સાથે ઇન્ટરનેટ બેન્ડવીથ શેર કરવીઃ કેટલાક વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ નહીં હોવાના કારણે કોલેજો/ શૈક્ષણિક સંસ્થાઓને સલાહ આપવામાં આવેછે કે અન્ય કોલેજ/ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને તેમની કોલેજ/ શૈક્ષણિક સંસ્થામાં ઇન્ટરનેટ સર્વિસનો લાભ લેવા દેવો. કોલેજ/ શૈક્ષણિક સંસ્થાઓને આ મુજબ અન્ય કોલેજ/ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને પોતાના સંકુલમાં ઇન્ટરનેટ સુવિધા શેર કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. હાલમાં ચાલી રહેલા લૉકડાઉનને કારણે તથા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સારી બેન્ડવીથની ઊણપને કારણે હાજરીના નિયમોમાં છૂટછાટ મૂકવી.
તમામ કોલેજ/ શૈક્ષણિક સંસ્થાઓએ આ બધીસૂચનાઓનું કડક પાલન કરવું. જો એમ કરવામાં નિષ્ફળ નિવડશે તો પ્રવર્તમાન નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
GP/DS
(Release ID: 1615175)
Visitor Counter : 227
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam