પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોવિડ-19 સામે ભારતની લડાઈમાં 4 અઠવાડિયામાં ચોથી વાર રાષ્ટ્રજોગ સંબોધન કર્યું લૉકડાઉન 3 મે સુધી લંબાવવાની જાહેરાત કરી


ઊંચું જોખમ ધરાવતા વિસ્તારો અને હોટસ્પોટ પર સતત નજર રાખવામાં આવશે;

20 એપ્રિલથી ઓછું જોખમ ધરાવતા વિસ્તારોમાં ચોક્કસ નિયંત્રણો સાથે છૂટછાટ આપવામાં આવશે;
સરકાર આવતીકાલે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરશે

પ્રધાનમંત્રીએ સાત પગલા અનુસરવા લોકોને પ્રોત્સાહન આપ્યું, જેમાં વયોવૃદ્ધોની સારસંભાળ રાખવી તથા સોશિયલ ડિસ્ટન્સિંગ અને લૉકડાઉનનું પાલન સામેલ છે

Posted On: 14 APR 2020 1:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લૉકડાઉનને 3 મે, 2020 સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. અગાઉના 21 દિવસના લૉકડાઉનનો ગાળો 14 એપ્રિલ, 2020ના રોજ પૂર્ણ થાય છે.

કોરોના વાયરસના પ્રસાર સામેની લડાઈમાં દેશને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લૉકડાઉનને લંબાવવાનો નિર્ણય ઘણા રાજ્યોની સરકારો, નિષ્ણાતો અને લોકો પાસેથી પ્રાપ્ત થયેલા સૂચનોને ધ્યાનમાં રાખીને લેવાયો છે.

તેમણે લોકોને આ લૉકડાઉન દરમિયાન સતર્કતા જાળવવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું જાળવવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ એવું સૂચન પણ કર્યું હતું કે, જે વિસ્તારોમાં અત્યંત ઓછું જોખમ છે, એ વિસ્તારોને 20 એપ્રિલ, 2020થી ચોક્કસ પ્રકારની કામગીરી માટે ખોલવાની મંજૂરી આપી શકાશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 20 એપ્રિલ સુધી દરેક શહેર, દરેક પોલીસ સ્ટેશન, દરેક જિલ્લો, દરેક રાજ્યનું લૉકડાઉનનું કેટલું પાલન થાય છે એનું મૂલ્યાંકન થશે. આ લિટમસ ટેસ્ટમાં જે વિસ્તારો સફળ થશે, જે વિસ્તારો હોટ-સ્પોટની કેટેગરીમાં નહીં આવે અને જે વિસ્તારો હોટ-સ્પોટ બનવાની અત્યંત ઓછી શક્યતા છે, તેમને 20 એપ્રિલથી પસંદગ કરેલી જરૂરી કામગીરી કરવા માટે ખોલવાની મંજૂરી આપી શકાશે.

તેમણે ચેતવણી આપી હતી કે, જોકે જો લૉકડાઉનનાં નિયમો તોડવામાં આવશે અને જો કોરોનાવાયરસના પ્રસારનું જોખમ જણાશે, તો તાત્કાલિક ધોરણે મંજૂરી પાછી ખેંચવામાં આવશે.

આ સંબંધમાં સરકાર આવતીકાલે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરશે.

તેમણે કહ્યું હતું કે, ઓછું જોખમ ધરાવતા વિસ્તારોમાં નિયંત્રણોમાં છૂટછાટ ગરીબો અને રોજિંદા કામદારોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે, જે લોકો રોજિંદા કામદારો છે, રોજિંદી આવક પર ગુજરાન ચલાવે છે, તેઓ મારા પરિવારજનો છે. મારી એક સર્વોચ્ચ પ્રાથમિકતા આ લોકોનાં જીવનમાં મુશ્કેલીઓ ઘટાડવાની છે. સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા તેમને મદદ કરવા શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. જ્યારે નવી માર્ગદર્શિકા બનાવવામાં આવી છે, ત્યારે સરકાર તમના હિતોને પણ ધ્યાન લઈ રહી છે.

બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને એમની જન્મજયંતી પર શ્રદ્ધાજલિ અર્પણ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હું તમે લોકો જે સમસ્યાઓનો સામનો કરો છો એનાથી હું સારી રીતે વાકેફ છું – કેટલાંકને ભોજનને, કેટલાંકને એક સ્થળેથી બીજા સ્થળે જવાની તો કેટલાંકને ઘર અને પરિવારથી દૂર રહેવાની સમસ્યા છે. જોકે તમારા દેશના હિત માટે તમે સંનિષ્ઠ સૈનિકની જેમ તમારી ફરજો અદા કરી રહ્યાં છો. આ આપણા બંધારણના હાર્દ સમી પ્રસ્તાવનાની પહેલી લાઇન આપણે, ભારતનાં લોકોની તાકાત છે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, દેશમાં કોવિડ-19ને એક પણ કેસ નોંધાયો નહોતો એ અગાઉ ભારત સક્રિયપણે કાર્યરત છે. તેમણે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની ચકાસણી, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને 14 દિવસનું ફરજિયાત આઇસોલેશન, મોલ, ક્લબ, જીમને બંધ કરવા જેવા પગલાં અતિ વહેલાસર લેવામાં આવ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતે સક્રિયપણે રાષ્ટ્રીય સ્તરનું લૉકડાઉન લાગુ કર્યું હતું, જેનો અંત 14 એપ્રિલનાં રોજ આવ્યો છે.

દુનિયાનાં અન્ય મોટા અને શક્તિશાળી દેશોમાં કોવિડની અસર સાથે સરખામણી કરીને તેમણે કહ્યું હતું કે, ભારતે સ્થિતિ પર અસરકારક નિયંત્રણ મેળવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, દોઢ મહિના અગાઉ કેટલાંક દેશોમાં કોરોના ઇન્ફેક્શન ભારત જેવું હતું. પણ અત્યારે એ દેશોમાં કોરોનાના કેસો ભારતની સરખામણીમાં 25 થી 30 ગણા વધારે છે. એ દેશોમાં હજારો લોકોનું દુઃખદાયક મૃત્યુ થયું છે. જો ભારતે સંપૂર્ણ અને સમાવેશક અભિગમ ન અપનાવ્યો હોત, ઝડપી અને નિર્ણાયક પગલું ન લીધું હોત, તો ભારતમાં પણ સ્થિતિ આજે સંપૂર્ણપણે જુદી હોત.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતને લૉકડાઉનમાંથી ફાયદો થયો છે. તેમણે કહ્યું હતું કે, આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવા છતાં દેશમાં લોકોનાં જીવ બચાવવાનો માર્ગ વધારે ઉચિત છે એ સ્પષ્ટ છે.

તેમણે કહ્યું હતું કે, આર્થિક દૃષ્ટિએ ચોક્ક્સ આપણે મોટો ભોગ આપી રહ્યાં છે, પણ ભારતીય નાગરિકોના જીવનનું મૂલ્ય એના કરતાં ઘણું વધારે છે. આ પ્રકારની સરખામણી કરવી જ ઉચિત નથી. ભારતે મર્યાદિત સંસાધનો સાથે અપનાવેલો માર્ગ આજે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

તેમણે દેશને ખાતરી આપી હતી કે, આપણી પાસે દવાઓ, ખાદ્ય પદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પુષ્કળ ભંડાર છે. પ્રધાનમંત્રી એવી ખાતરી પણ આપી હતી કે, આરોગ્યના માળખાને હજુ વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, જાન્યુઆરીમાં કોરોનાવાયરસ માટે ટેસ્ટિંગ કરતી એક પ્રયોગશાળા હતી. અત્યારે 220થી વધારે પ્રયોગશાળાઓ કાર્યરત છે. આંતરરાષ્ટ્રીય અનુભવ દર્શાવે છે કે, દર 10,000 દર્દી માટે 1,500થી 1,600 બેડની જરૂર છે. ભારતમાં અત્યારે આપણે 1 લાખથી વધારે બેડની વ્યવસ્થા કરી છે. એટલું જ નહીં 600થી વધારે હોસ્પિટલો છે, જે કોવિડની સારવાર પ્રત્યે કટિબદ્ધ છે. આ સુવિધાઓમાં ઝડપથી વધારો પણ થઈ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ રોગચાળા સામેની લડાઈમાં સાત પગલાં અનુસરવા નાગરિકોને પ્રોત્સાહિત કર્યા હતા.

એક, વયોવૃદ્ધોની ખાસ સારસંભાળ રાખવી, ખાસ કરીને લાંબી બિમારી ધરાવતા હોય એવા.

બે, લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગની લક્ષ્મણરેખાનું સંપૂર્ણ પાલન કરવું; ઘરમાં બનેલા માસ્ક ફેસ-કવરનો ઉપયોગ કરવો અને હંમેશા માસ્ક પહેરવા.

ત્રણ, રોગપ્રતિકાર ક્ષમતા વધારવા આયુષ મંત્રાલયે જાહેર કરેલી સૂચનાઓનું પાલન કરવું.

ચાર, કોરોના ઇન્ફેક્શનના પ્રસારને અટકાવવામાં મદદ કરવા આરોગ્ય સેતુ મોબાઇલ એપ ડાઉનલોડ કરવી. એપને ડાઉનલોડ કરવા અન્ય લોકોને પ્રેરિત કરવા.

પાંચ, ગરીબ પરિવારોની કાળજી રાખવી, તેમની ભોજનની જરૂરિયાતો પૂર્ણ કરવી.

, દરેક વ્યવસાય અને ઉદ્યોગમાં કામ કરતા દરેક લોકો પ્રત્યે કરુણા દાખવવી. તેમની આજીવિકા છીનવવી નહીં.

સાત, આપણા દેશનાં કોરોના વોરિયર્સ – આપણા ડૉક્ટરો અને નર્સો, સેનિટેશન વર્કર્સ અને પોલીસ ફોર્સને સન્માન આપવું.

 

GP/RP

 



(Release ID: 1614339) Visitor Counter : 428