ગ્રામીણ વિકાસ મંત્રાલય

NRLM સ્વ-સહાય સમૂહની મહિલાઓએ દેશમાં કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે સામુદાયિક યોદ્ધા તરીકે ભૂમિકા નિભાવી

27 રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (SRLM)ની અંદાજે 78,000 SHG સભ્યોએ લગભગ 2 કરોડ માસ્કનું ઉત્પાદન કર્યું;

વિવિધ રાજ્યોમાં SHG દ્વારા 5000થી વધુ PPEનું ઉત્પાદન કરવામાં આવ્યું; 9 રાજ્યમાં અંદાજે 900 SHG ઔદ્યોગિક સાહસોએ 1 લાખ લીટર હેન્ડ સેનિટાઇઝરનું ઉત્પાદન કર્યું, કેટલાક SHGએ હાથની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે લિક્વિડ સોપનું ઉત્પાદન કર્યું

Posted On: 12 APR 2020 3:40PM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારીના ઉપદ્રવે અત્યારે સમગ્ર દુનિયામાં અભૂતપૂર્વ કટોકટી ઉભી કરી દીધી છે. ભારતમાં, તેના કારણે તબીબી અને પોલીસ વિભાગના કર્મચારીઓ તેમજ સફાઇ કામમાં જોડાયેલા સ્ટાફ માટે માસ્ક, વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણ (PPE) અને ફેસ શિલ્ડની માંગમાં વધારો થયો છે. સરકાર મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય માણસો માટે પણ માસ્કનો ઉપયોગ ફરજિયાત કરી રહી છે.

ગ્રામીણ વિકાસ મંત્રાલયના દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-LRLM)માં સમગ્ર દેશમાં અંદાજે 63 લાખ સ્વ સહાય સમૂહો (SHG)ની 690 લાખ જેટલી મહિલા સભ્યો છે. કોવિડ-19નો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે દેશની લડાઇમાં SHGની સભ્યો સામુદાયિક યોદ્ધા તરીકેની ભૂમિકા નિભાવી રહી છે અને પોતાના તરફથી શક્ય હોય તેવું તમામ પ્રકારે યોગદાન આપી રહી છે. કોવિડ-19ના સામનો કરવા માટે માસ્ક સૌથી પ્રાથમિક જરૂરિયાત હોવાથી, SHG દ્વારા તાત્કાલિક માસ્કના ઉત્પાદન માટે પગલાં લેવામાં આવ્યા છે. 2-3 પ્લાય વૂવન અને નોન-વૂવન સર્જિકલ માસ્ક, કોટન માસ્ક વગેરે સહિત વિભિન્ન શ્રેણીના માસ્ક પહેરવાની સલાહ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW), ગ્રાહકોની બાબતોના મંત્રાલય અને વિવિધ રાજ્યના આરોગ્ય વિભાગો દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અને સૂચનોમાં આપવામાં આવી છે અને આવા માસ્કનું ઉત્પાદન SHG દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ માસ્ક આરોગ્ય વિભાગ, સ્થાનિક સ્વરાજ્ય (LSG), સ્થાનિક વહીવટીતંત્ર, અગ્ર હરોળમાં કામ કરી રહેલા કર્મચારીઓ, પોલીસ અધિકારીઓને પહોંચાડવામાં આવે છે અને ખુલ્લા બજારમાં પણ તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ઘણા રાજ્યોમાં ગ્રામીણ પરિવારોમાં તેનું મફત વિતરણ પણ થઇ રહ્યું છે. SHG સભ્યોએ હવે એપ્રન, ગાઉન, ફેસ શિલ્ડ વગેરે વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણો (PPE)નું ઉત્પાદન કરવાનું પણ શરૂ કર્યું છે.

SHG નેટવર્ક દ્વારા ઉત્પાદન કરવામાં આવતા માસ્ક, PPE, ફેસ શિલ્ડ વગેરેની વિગતો અને અને મીડિયા કવરેજની માહિતી નીચે દર્શાવ્યા અનુસાર છે:

  1. માસ્ક: 27 રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (SRLM)ના અહેવાલ અનુસાર અંદાજે 1.96 કરોડ માસ્ક SHG સભ્યોએ (08 એપ્રિલ 2020 સુધીમાં) તૈયાર કર્યા છે. અંદાજે 78,373 SHG સભ્યો હાલમાં માસ્કના ઉત્પાદનમાં સંકળાયેલી છે. ઝારખંડ SHG દ્વારા 22 માર્ચ 2020ના રોજ સૌથી પહેલા 78,000 માસ્કનો જથ્થો તૈયાર કરવામાં આવ્યો હતો. આ માસ્ક વિવિધ જિલ્લા કલેક્ટર અને સબિસિડી વાળા મેડિકલ સ્ટોર પર પરવડે તેવી કિંમતે માત્ર રૂ. 10/-માં વેચવામાં આવી રહ્યા છે.
  • દેશના પૂર્વીય પ્રદેશમાંથી, છત્તીસગઢમાં 853 SHGની 2516 ગ્રામીણ મહિલાઓએ રાજ્યને માસ્કનો જથ્થો પૂરો પાડ્યો છે. ઓડિશાના સ્વ સહાય સમૂહો દ્વારા સામાન્ય લોકોમાં વિતરણ માટે એક મિલિયનથી વધુ માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. અરુણાચલ પ્રદેશ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અતિ ચેપી કોવિડ-19નો ફેલાવો રોકવા માટે SHGને 10,000 માસ્કનો પૂરવઠો પહોંચાડવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
  • આંધ્રપ્રદેશમાં, જિલ્લાના 13 પેટા બ્લોકના 2254 સમૂહો સરકારના દિશાનિર્દેશોનું પાલન કરીને કાપડના માસ્કનું ઉત્પાદન કરી રહ્યા છે. તેવી જ રીતે કર્ણાટકમાં, ગ્રામીણ સ્વ સહાય સમૂહોએ રાજ્યમાં આ બીમારીનો ફેલાવો રોકવા માટે માત્ર 12 દિવસમાં ખૂબ જ સમર્પણ સાથે કામ કરીને 1.56 લાખ માસ્કનું ઉત્પાદન કર્યું છે.
  • ઉત્તરીય ગોવાના જિલ્લામાં ગ્રામીણ વિકાસ એજન્સીએ SHGની મદદથી સમગ્ર રાજ્યમાં 2,000 માસ્કનો જથ્થો પૂરો પાડ્યો છે. માસ્કની વધતી માંગને પહોંચી વળવા માટે, હિમાચલ પ્રદેશના SHG 2000 મહિલા સભ્યોની મદદથી સુરક્ષાત્મક માસ્કના ઉત્પાદનમાં સંપૂર્ણપણે વ્યસ્ત છે.
  1. વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણ: SHG સભ્યો એપ્રન, ગાઉન, ફેસ શિલ્ડ વગેરે PPEનું ઉત્પાદન પણ કરી રહી છે. મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, કર્ણાટક સહિત વિવિધ રાજ્યોના SHGએ અત્યાર સુધીમાં અંદાજે 5000 PPEનું ઉત્પાદન કર્યું છે. પંજાબ SRLM દ્વારા આપવામાં માહિતી અનુસાર કપૂરથલામાં સિવિલના સર્જનોને 500 એપ્રન આપવામાં આવ્યા છે. મેઘાલયના અહેવાલ અનુસાર 200 ફેસ શિલ્ડ જિલ્લા તબીબી આરોગ્ય અધિકારીઓને આપવામાં આવ્યા છે. કર્ણાટકના અહેવાલ અનુસાર 125 ફેસ શિલ્ડનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. મેઘાલય, ઝારખંડ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, પંજાબના SRLMના અહેવાલ અનુસાર SHG સભ્યો દ્વારા ફેસ શિલ્ડ, ગાઉનનું ઉત્પાદન થઇ રહ્યું છે.
  2. મહિલાઓ તેમના સમુદાયોમાં પોષાય તેવા ભાવે હેન્ડ સેનિટાઇઝર પહોંચાડીને હાથની સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા સહિયારા પ્રયાસો કરી રહી છે.

DAY-NLRM દ્વારા સમર્થિત માઇક્રો- ઉદ્યોગો દ્વારા સેનિટાઇઝર અને હેન્ડવૉશનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે છે જેથી ગ્રામીણ વિસ્તારોમાં તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઇ શકે. 9 રાજ્યોમાં 900 SHG ઔદ્યોગિક સાહસોએ 1.15 લાખ લીટર સેનિટાઇઝરનું ઉત્પાદન કર્યું છે જેમાંથી તામિલનાડુ, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ આ ત્રણ રાજ્યએ 25,000 લીટરથી વધુ ઉત્પાદન કર્યું છે. આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કેરળ, મણીપૂર, મધ્યપ્રદેશ, નાગાલેન્ડ, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ અને મિઝોરમમાં આવેલા અંદાજે 900 SHG ઔદ્યોગિક સાહસો સેનિટાઇઝરનું ઉત્પાદન કરી રહ્યા છે જેથી વધતી માંગને પહોંચી શકાય.

ઝારખંડમાં વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા સૂચિત માર્ગદર્શિકાઓને અનુસરીને, ચાર ઘટકોના ખૂબ સારા પ્રમાણમાં તૈયાર કરેલા મિશ્રણનો ઉપયોગ કરીને આ સેનિટાઇઝર્સનું ઉત્પાદન કરવામાં આવે છે. સેનિટાઇઝરનું ઉત્પાદન આલ્કોહોલ (72%), નિસ્યંદિત પાણી (13%), ગ્લિસરિન (13%) અને બેસીલ (2%)નો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. મેડિસિનલ અસરો માટે, હેન્ડ સેનિટાઇઝરમાં લેમન ગ્રાસ અથવા બેસીલ ઉમેરવામાં આવે છે જેથી વાયરસ ખતમ કરવામાં તેની અસરકારકતા વધે છે. મોટાભાગે 100 મિલીની બોટલના રૂપિયા 30/-ના ભાવે આ સેનિટાઇઝર્સ સામાન્ય જનતા, હોસ્પિટલો અને પોલીસ સ્ટેશનો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

કેટલાક SHG હાથની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે લિક્વિડ સોપ (પ્રવાહી સાબુ) પણ વેચી રહ્યા છે. આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, નાગાલેન્ડ, તામિલનાડુ રાજ્યમાં આવેલા SHG એકમોએ પણ 50,000 લીટર હેન્ડવૉશના ઉત્પાદનો તૈયાર કર્યા છે.

આ મહિલાઓ પોતાના સંબંધિત સમુદાયોમાં સલામત સ્વચ્છતાની આદતોને પ્રોત્સાહન આપવામાં સામાજિક પ્રતિભાવ યોગદાનો દ્વારા પોતાની આજીવિકા ટકાવી રાખીને સંપૂર્ણ સમર્પણ અને ખંત સાથે કોવિડ-19 મહામારીના ઉપદ્રવને અંકુશમાં લેવા માટે લડત આપી રહી છે.(Release ID: 1613640) Visitor Counter : 108