શ્રમ અને રોજગાર મંત્રાલય

EPFOએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અનુસાર સબસ્ક્રાઇબર્સના EPF અને EPS ખાતામાં નાણાં જમા કરાવવા માટે ઑનલાઇન વ્યવસ્થા શરૂ કરી


અંદાજે 79 લાખ સબસ્ક્રાઇબર્સ અને 3.8 લાખ સંસ્થાઓને લાભ થશે

3 મહિના માટે અંદાજે રૂ. 4800 કરોડનો સબસિડી ખર્ચાશે

Posted On: 11 APR 2020 2:31PM by PIB Ahmedabad

કોરોનાવાયરસ મહામારી સામેની લડાઇ દરમિયાન ગરીબ લોકોને મદદ કરવાના આશયથી કેન્દ્ર સરકાર દ્વારા 26.03.2020ના રોજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જાહેર કરવામાં આવેલા પેકેજ અનુસાર શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત આવતી સંવિધાનિક સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સબસ્ક્રાઇબરોને તેમના EPF અને EPS ખાતામાં નાણાં જમા કરાવવા માટે EPFO દ્વારા ઑનલાઇન તંત્ર વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

તદઅનુસાર, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રાહત માટે યોગ્યતા ધરાવતા સંગઠનો/ સંસ્થાઓ ઇલેક્ટ્રોનિક ચલણ કમ રીટર્ન (ECR) ફાઇલ કરીને દાવો કરી શકે છે. ECRમાં દેખાતી બાકી નીકળતી રકમ (24% વેતન) EPF અને EPSના હિસાબે નોકરીદાતા અને કર્મચારીઓ વતી કેન્દ્ર સરકાર દ્વારા યોગદાનકર્તા EPF સભ્યોના UANમાં ત્રણ મહિના સુધી જમા કરવામાં આવશે. માસિક રૂપિયા 15000/-થી ઓછુ વેતન મેળવતા જે કર્મચારીઓ પહેલાંથી EPF આવરીત સંસ્થા/ ફેક્ટરીમાં નિયુક્ત છે, જેમાં એક સો સુધી કર્મચારી સંખ્યા હોય અને જેના 90% અથવા તેથી વધુ કર્મચારીઓ માસિક રૂપિયા 15000/-થી ઓછું વેતન મેળવે છે તેમના ખાતામાં આ રકમ કેન્દ્ર સરકાર દ્વારા જમા કરવામાં આવશે. અંદાજે 79 લાખ સબસ્ક્રાઇબર અને 3.8 લાખ સંસ્થાઓને આ પેકેજથી લાભ થવાની અપેક્ષા છે. ત્રણ મહિનાના સમયગાળામાં આનાથી અંદાજે રૂ. 4800 કરોડનો સબસિડી ખર્ચ થશે.

અહીં નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે કોરોનાવાયરસ મહામારી સામેની લડાઇ દરમિયાન ગરીબોને મદદરૂપ થવા માટે 26.03.2020ના રોજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY)ની શરૂઆત કરી હતી. PMGKY પેકેજનો ઉદ્દેશ્ય ઓછી કમાણી કરતા EPF સભ્યોની નોકરીમાં વિક્ષેપ સામે રક્ષણ આપવાનો અને યોગ્યતા ધરાવતી EPF આવરીત સંસ્થાઓને વધુ સહકાર આપવાનો છે.

ઉપરોક્ત પેકેજનો અમલ કરવા માટે, શ્રમ અને રોજગાર મંત્રાલયે ત્યારબાદ આ યોજના અંગે જાહેરનામુ બહાર પાડીને તેનો ઉદ્દેશ્ય, યોગ્યતા માપદંડ, માન્યતા સમય, પ્રક્રિયા અને રાહત મેળવવા માટેની રીત વગેરે માહિતી આપી હતી.

ઇલેક્ટ્રોનિક ચલણ કમ રીટર્ન (ECR) ફાઇલિંગથી સંસ્થાઓ તેમના યોગ્યતા પ્રાપ્ત કર્મચારીઓના સંદર્ભમાં રાહત મેળવવા માટે યોગ્યતા મેળવશે.

યોગ્યતા ધરાવતી કોઇપણ સંસ્થાના સંબંધમાં નોકરીદાતા તેમની સંસ્થાના દરેક કર્મચારીને મહિનાનો પગાર ચુકવશે અને આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે ઇલેક્ટ્રોનિક ચલણ કમ રીટર્ન (ECR) જરૂરી પ્રમાણપત્રો અને એકરારનામા સાથે જમા કરાવવાનું રહેશે.

ECR અપલોડ થઇ જાય અને સંસ્થા તેમજ તેમના કર્મચારીઓની યોગ્યતાને માન્ય કરવામાં આવે તે પછી યોગ્યતા ધરાવતા કર્મચારીઓના સંદર્ભમાં કેન્દ્ર સરકાર પાસેથી બાકી નીકળતી રકમ ચલણમાં કર્મચારી અને નોકરીદાતાના અલગ અલગ યોગદાન તરીકે જોવા મળશે અને બાકીની રકમ નોકરીદારીએ ચુકવવાની રહેશે.

નોકરીદાતા ચલણમાં બતાવ્યા અનુસાર અન્ય કર્મચારીઓને પોતાની પાસેથી બાકી નીકળતા નાણાં મોકલશે તે પછી સંસ્થામાં યોગ્યતા ધરાવતા કર્મચારીનું EPF અને EPS યોગદાન કેન્દ્ર સરકાર દ્વારા સીધુ જ UANમાં જમા કરવામાં આવશે.

આ યોજનાની વિગતો અને પેકેજના વિવિધ પરિબળો અંગે સ્પષ્ટતા સહિત અવારનવાર પૂછાતા પ્રશ્નો EPFOની વેબસાઇટ પર “કોવિડ-19” ટેબમાં ઉપલબ્ધ છે.

GP/RP



(Release ID: 1613337) Visitor Counter : 329