માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કોવિડ-19ના લોકડાઉન ગાળા દરમિયાન ડિજિટલ લર્નિંગમાં મોટો વધારો


માનવ સંસાધન વિકાસ મંત્રાલયના ઈ-લર્નિંગ પ્લેટફોર્મ્સની પહોંચમાં આશરે પાંચ ગણી વૃદ્ધિ

કેન્દ્રિય માનવ સંસાધાન વિકાસ મંત્રાલયે ઓનલાઈન શિક્ષણ મેળવનારાઓને સ્વયં પ્રભા અને જ્ઞાન દર્શન જેવી શૈક્ષણિક ટીવી ચેનલોનો ઉપયોગ કરવા પણ જણાવ્યું

Posted On: 09 APR 2020 5:18PM by PIB Ahmedabad

કોવિડ-19ને પગલે લાગુ થયેલા લૉકડાઉનની અસરો ઓછી કરવા અને વિદ્યાર્થીઓને આ ગાળા દરમિયાન શિક્ષણ મળી રહે તે માટે માનવ સંસાધન વિકાસે પ્રયાસો આદર્યા છે. આને પગલે છેલ્લાં બે સપ્તાહ દરમિયાન દેશમાં ઈ-લર્નિંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. કેન્દ્રિય માનવ સંસાધાન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંસ્થાઓના વડાઓ સાથે નિયમિત સંપર્કમાં છે અને તેઓ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી રહ્યા છે તેમજ આ સંદર્ભે પ્રતિસાદો મેળવી રહ્યા છે.

શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓ - બંનેએ વિવિધ પ્રકારે ઓનલાઈન વર્ગો યોજવાનું શરૂ કર્યું છે અને તેઓ તેમની પાસે તેમજ વિદ્યાર્થીઓ પાસે જે સંસાધનો ઉપલબ્ધ હોય, તેના આધારે સ્ટડી મટિરિયલ ઉપલબ્ધ બનાવી રહ્યાં છે. માળખાગત ઓનલાઈન વર્ગો યોજવા માટે સ્કાઇપ, ઝૂમ, ગૂગલ ક્લાસરૂમ, ગૂગલ હેન્ગઆઉટ, પિયાઝા જેવા પ્લેટફોર્મ્સ દ્વારા શિક્ષકો તેમના લેક્ચર્સ અપલોડ કરે છે અને યુટ્યુબ, વોટ્સએપ જેવા પ્લેટફોર્મ્સ મારફતે ક્લાસ નોટ્સ અપલોડ કરે છે. સ્વયં, એનપીટીઈએલ જેવાં ડિજિટલ લર્નિંગ સંસાધનો દ્વારા લિન્ક્સ શૅર કરે છે અને ઓનલાઈન જર્નલ્સ ઉપલબ્ધ બનાવે છે.

સેન્ટ્રલ યુનિવર્સિટીઓ, આઈઆઈટી, આઈઆઈઆઈટી, એનઆઈટી, આઈઆઈએસઈઆર જેવી ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં આશરે 50-65 ટકા વિદ્યાર્થીઓ કોઈકને કોઈક રીતે ઈ-લર્નિંગમાં ભાગ લઈ રહ્યા છે. ઘણા કેસોમાં વિદ્યાર્થીઓ પાસે ઈન્ટરનેટનું જોડાણ અને અન્ય જરૂરી ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ ઈ-લર્નિંગ માટે અવરોધ સાબિત થઈ રહ્યો છે. આ સમસ્યા કેટલેક અંશે નિવારવા માટે શિક્ષકો રેકોર્ડેડ લેક્ચર્સ અને લાઈવ સેશન્સ ઉપરાંત સ્લાઈડ્સ અથવા હાથે લખેલી નોંધ પણ ઉપલબ્ધ બનાવી રહ્યા છે, જેથી નેટવર્કની અનિશ્ચિત પહોંચ ધરાવતા વિદ્યાર્થીઓ પણ કેટલું સ્ટડી મટિરિયલ મેળવી શકે. રેકોર્ડેડ લેક્ચર્સથી એ બાબત સુનિશ્ચિત થાય છે કે નેટવર્કની પહોંચની ટૂંકા ગાળાની સમસ્યા વિદ્યાર્થીને અવરોધિત કરતો નથી. ફેકલ્ટી મેમ્બર્સ વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્નો હોય, તો તેના પ્રત્યુત્તરો આપવા માટે ઓનલાઈન સેશન્સ યોજી રહ્યા છે.

23મી માર્ચ, 2020ના રોજથી માનવ સંસાધન વિકાસ મંત્રાલયના વિવિધ ઈ-લર્નિંગ પ્લેટફોર્મ્સ ઉપર અભૂતપૂર્વ રીતે સંયુક્તપણે 1.4 કરોડથી પણ વધુ લોકો પહોંચ્યા હોવાનું જોવા મળ્યું છે. નેશનલ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ સ્વયં ઉપર લોકોએ ગઈકાલ સુધીમાં આશરે 2.5 લાખ વાર મુલાકાત લીધી છે, જે માર્ચના છેલ્લા સપ્તાહમાં 50,000 સ્ટ્રાઈક્સની સરખામણીએ પાંચ ગણી વધુ મુલાકાત છે.

પ્લેટફોર્મ સ્વયં પર ઉપલબ્ધ 574 અભ્યાસક્રમોમાં નોંધાયેલા 26 લાખ વિદ્યાર્થીઓ સિવાયની આ મુલાકાતો છે. તે જ રીતે, દરરોજ સ્વયં પ્રભા ડીટીએચ ટીવી ચેનલોના વિડિયો આશરે 59,000 લોકો જોઈ રહ્યા છે અને લોકડાઉન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 6.8 લાખ લોકોએ આ વીડિયો જોયા છે.

મંત્રાલય અને તેના નેજા હેઠળનાં સંસ્થાનોની અન્ય ડિજિટલ પહેલોના સંદર્ભે પણ આવું જ ચિત્ર જોવા મળે છે. ગઈકાલે એક જ દિવસમાં નેશનલ ડિજિટલ લાયબ્રેરીની આશરે 1,60,804 વખત મુલાકાત લેવાઈ હતી અને લોકડાઉનના ગાળા દરમિયાન તેની મુલાકાત લગભગ 14,51,886 વખત લેવાઈ છે. અગાઉ આ લાયબ્રેરી પર દરરોજ આશરે 22,000 સ્ટ્રાઈક્સ નોંધાતા હતા.

દિક્ષા, ઈ-પાઠશાલા, નેશનલ રિપોઝિટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સીઝ જેવાં એનસીઈઆરટીનાં એજ્યુકેશનલ પોર્ટલ્સ ઉપરાંત, એનઆઈઓએસ, એનપીટીઈએલ, એનઈએટી, એઆઈસીટીઈ સ્ટુડન્ટ-કોલેજ હેલ્પલાઈન વેબપોર્ટલ, એઆઈસીટીઈ ટ્રેનિંગ એન્ડ લર્નિંગ (એટીએએલ), ઈગ્નુના અભ્યાસક્રમો, યુજીસી એમઓઓસીએસ અભ્યાસક્રમો, શોધગંગા, શોધશુદ્ધિ, વિદ્વાન, ઈ-પીજી પાઠશાલા અને આઈસીટીના રોબોટિક્સ એજ્યુકેશન (ઈ-યંત્ર), ઓપન સોર્સ સોફ્ટવેર ફોર એજ્યુકેશન (ફોસ્સી), વર્ચ્યુઅલ એક્સપરિમેન્ટ્સ (વર્ચ્યુઅલ લેબ્સ) અને લર્નિંગ પ્રોગ્રામિંગ (સ્પોકન ટ્યુટોરિયલ) પણ મુલાકાતની સંખ્યામાં ઘણો મોટો વધારો નોંધાયો છે.

શ્રી પોખરિયાલે જણાવ્યું કે વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ ઉપલબ્ધ નથી, તેમના માટે મંત્રાલય ટેલીવિઝન મારફતે અભ્યાસને પ્રોત્સાહન આપી રહ્યું છે, 32 ડીટીએચ ચેનલો ધરાવતું સ્વયં પ્રભા ગ્રુપ જીસેટ-15 સેટેલાઈટ વાપરીને ચોવીસેય કલાક અને સપ્તાહના સાતેય દિવસ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરી રહ્યું છે. તે જ રીતે ઈગ્નુની જ્ઞાન વાણી (105.6 એફએમ રેડિયો) અને ચોવીસેય કલાકની શૈક્ષણિક ચેનલ જ્ઞાનદર્શન પ્રિ-સ્કુલ, પ્રાયમરી, સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ, કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, કારકીર્દિની તકો શોધી રહેવા યુવાનો, ગૃહિણીઓ તેમજ વ્યાવસાયિકોને શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્યક્રમો પીરસે છે. માનવ સંસાધન વિકાસ મંત્રીએ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસને પૂરક બનાવવા માટે આ ચેનલોનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી હતી.

RP



(Release ID: 1612747) Visitor Counter : 277