વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
પિયુષ ગોયેલનો નિકાસકારોને મોટા ધ્યેય માટે વિચારવા તથા કોરોના વાયરસ પછીના સમય માટે સજ્જ બની સંભવિત તક ઝડપી લેવા અનુરોધ
તેમણે કહ્યું કે આપણે વિશ્વમાં જવાબદાર નાગરિક તરીકે ઓળખાઈએ છીએ
Posted On:
08 APR 2020 7:46PM by PIB Ahmedabad
આજે વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલયે વિવિધ દેશની નિકાસ પ્રોત્સાહન કાઉન્સિલો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાર્તાલાપ કર્યો હતો અને કોરોના વાયરસને પ્રસાર અને તે પછી લદાયેલા લૉકડાઉનને કારણે ઉભી થયેલી વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા તથા નિકાસકારોએ સામનો કરવો પડતો હોય તેવી મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. દેશમાં લૉકડાઉન લદાયા પછી આ પ્રકારની આ ત્રીજી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રના વ્યાપાર અને ઉદ્યોગ તથા રેલવે મંત્રી શ્રી પિયૂષ ગોયેલ, રાજ્યમંત્રી શ્રી હરદીપ સિંહ પુરી, વ્યાપર સચિવ ડૉ. અનુપ વાધવન, ડિરેક્ટર જનરલ ઑફ ફોરેન ટ્રેડ અને વ્યાપાર વિભાગના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
નિકાસકારોને મોટા ધ્યેય માટે વિચારવા માટે અનુરોધ કરતાં અને કોરોના વાયરસ પછીની સ્થિતિમાં ઉભી થનારી સંભવિત તકોનો લાભ લેવા સજ્જ થવા જણાવ્યું હતું. શ્રી ગોયેલે જણાવ્યું કે આપણે જો આપણી ગુણવત્તા સુધારીશું, ક્ષમતા નિર્માણ કરીશું, વ્યાપક ઉત્પાદન હાથ ધરીશું અને ભાવમાં સ્પર્ધાત્મકતા સુધારીશું તો આપણે વિકાસ પામી શકીશું અને કોરોના વાયરસ પછી વિશ્વમાં જે સ્થિતિ સર્જાશે તેનો લાભ લઈ શકીશું. “મારી વ્યક્તિગત માન્યતા એવી છે કે કોઈપણ દેશ જ્યારે પોતાને વ્યાપક ઉત્પાદન સાથે સાંકળે છે અને બજારમાં પ્રભાવી બનવાનું ધ્યેય ધરાવતો હોય તો તે આપમેળે ગુણવત્તા, ઉત્પાદન ખર્ચ ઓછો કરવા, ઉત્પાદતા સુધારવા અને કાર્યક્ષમતામાં સુધારો કરવામાં ધ્યાન કેન્દ્રિત કરે છે.”
તેમણે એલઈડી - બલ્બ અપનાવવાનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે દેશભરમાં ટોયલેટસ પૂરાં પાડવા, સૌના માટે વિજળી ઉપલબ્ધ કરવી અને સર્વ વ્યાપી સ્વાસ્થ્ય યોજના અમલી બનાવીને સરકારે મોટા ધ્યેય માટે કામ કરતી હોવાનો સંકેત આપ્યો છે અને એ વિચારધારાના પરિણામો પણ મળ્યા છે.
શ્રી ગોયેલે જણાવ્યું હતું કે હાલના પડકારયુક્ત સમયમાં પણ આપણે નિકાસ માટેની આપણી અગ્રતા ખૂલ્લી રાખવાની રહેશે કે જેથી આપણે આપણું નિકાસ બજાર કાયમ માટે ગૂમાવીએ નહીં. તેમણે ખાત્રી આપી હતી કે તાકીદના અને મહત્વના નિકાસ ઓર્ડરો માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. તમે જો કોઈપણ કારણસર અટવાયા હોય તો વહેલામાં વહેલી તકે તેમાંથી બહાર નિકળી જાવ. મંત્રાલય આક્રમક ઢબે કામ કરી રહ્યું છે કે જેથી નિકાસને ફરીથી મજબૂત બનાવી શકાય. નિકાસ અંગેની તકો વિસ્તારી શકાય.
તેમણે જણાવ્યું હતું કે ઘણાં ભૌગોલિક વિસ્તારોની ચિંતાજનક સ્થિતિ છે. “આથી નિકાસ અને ઉત્પાદન માટે હાલ કરતાં કોઈ બહેતર સમય હોઈ શકે નહીં. આપણે આપણી વિચાર પ્રક્રિયામાં પરિવર્તન લાવવાની જરૂર છે. તમે જેમાં ભારે સ્પર્ધા આપી શકો તેવા ક્ષેત્રોમાં અને આપણે જેમાં મજબૂત છીએ તેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, પરંતુ આપણો વૈશ્વિક હિસ્સો ઘણો ઓછો છે. આવા ક્ષેત્રોમાં આપણે સુધારો કરવાનું ચાલુ રાખીશું.”
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસ પછીની સ્થિતિમાં દુનિયા અને ભારત ઝળકી શકે છે. એક ધબકતી અને પારદર્શક લોકશાહી હોવાના કારણે તેમજ કાયદાના નિયમોને અનુસરીને કામ કરતાં હોવાના કારણે તથા માનવતાવાદી અભિગમને કારણે આપણને લાભ થશે. તેમણે જણાવ્યું કે “વિશ્વમાં આપણે જવાબદાર નાગરિક તરીકે ઓળખાઈએ છીએ અને આપણે આપણાં ફાર્મા ક્ષેત્રને વિશ્વની જરૂરિયાતો મુજબ વેગ આપીશું. આપણે સમગ્ર દુનિયા સાથે એક પરિવાર હોઈએ તે રીત વર્તન કરીશું. આપણી પાસે ફાર્મા ક્ષેત્રે ઘણી મોટી ફાજલ ક્ષમતા છે. શું આપણે દુનિયાને લાલચુ બનવા દઈશું ? મને એ વાતનું ગૌરવ છે કે પ્રધાનમંત્રી એવું માને છે કે વિશ્વ માટે આપણી જવાબદારી છે.”
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણે લોકોના આરોગ્ય બાબતે કોઈપણ સમાધાન કર્યા વગર અર્થતંત્રને ફરીથી પાટા પર લાવવાની જરૂર છે. આખરી નિર્ણય આરોગ્ય પર આધાર રાખશે. માહિતી ટેકનોલોજી ઉદ્યોગનું ઉદાહરણ આપતાં તેમણે નિકાસકારોને સરકારી કાખઘોડીનો ઉપયોગ નહીં કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વિજેતાઓ હંમેશા આક્રમક સ્વભાવ ધરાવતા હોય છે, જેથી તે બીજા નંબરે આવવાનું પસંદ કરતા નથી. તેમણે નિકાસકારોને આરોગ્ય સેતુ એપ્લીકેશન તેમના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરવા અને લોકપ્રિય બનાવવા માટે પણ જણાવ્યું હતું, કારણ કે આ એપ્લીકેશન આપણને ટેકનોલોજીનો ઉપયોગ કરીને, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઉપયોગ વડે તથા હોટસ્પૉટ્સ ઓળખી કાઢીને કોરોના વાયરસ સામેની લડતમાં સહાયરૂપ થશે. મંત્રીશ્રીએ પીએમ કેર્સ ભંડોળમાં ઉદારપણે યોગદાન આપવા માટે પણ અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં ફીઓ, જેમ એન્ડ જ્વેલરી, લેધર, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર્સ, સિન્થેટિક્સ એન્ડ રેયોન, હસ્તકલા, પ્રોજેક્ટ એક્સપોર્ટસ, ટેલિકોમ, ટેક્સટાઈલ્સ, કાજુ, પ્લાસ્ટીક્સ, સ્પોર્ટસ ગુડઝ, ઊન, તેલિબીયાં અને તેની પેદાશો, રેશમ, એન્જીનિયરીંગ એક્સપોર્ટસ, સર્વિસીસ, ફાર્મા, કેમિકલ્સ અને ડાઈઝ, વન્ય પેદાશો, કાર્પેટ અને સંલગ્ન કેમિકલ્સની એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના હોદ્દેદારોએ હાજરી આપી હતી.
RP
*****
(Release ID: 1612398)
Visitor Counter : 231