સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 પર અપડેટ

Posted On: 08 APR 2020 6:27PM by PIB Ahmedabad

ભારત સરકારે દેશમાં કોવિડ-19ના નિવારણ, નિયંત્રણ અને સારવાર માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કેટલાંક પગલાં લીધા છે. આ પગલાંની નિયમિત સમીક્ષા થાય છે અને સર્વોચ્ચ સ્તરે નજર રાખવામાં આવી છે.

સરકારે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના સાથસહકાર સાથે લૉકડાઉનના અસરકારક પગલાનું એકસમાન અમલીકરણ સુનિશ્ચિત કરવા તેમજ નાગરિકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગના અમલની સારી પદ્ધતિના અમલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેનાથી કોવિડ-19ના મહામારી સામે સફળતાપૂર્વક લડવામાં મદદ મળશે.

કેન્દ્ર અને રાજ્ય એમ બંને સરકાર દ્વારા રોગના પ્રસારને નિયંત્રણમાં લેવા શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યાં છે. દેશમાં કેસોમાં સતત વધારો થવાથી રિસ્પોન્સ વધારવામાં આવ્યો છે. રાજ્ય સરકારોને દેશભરમાં પર્યાપ્ત સંખ્યામાં કોવિડ-19 કેર સેન્ટર સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું છે.

કેટલાંક જિલ્લાઓએ પગલાં લીધા છે, જે શ્રેષ્ઠ પ્રેક્ટિસ તરીકે બહાર આવ્યાં છે. એમાંથી કેટલાંક નીચે મુજબ છેઃ

  • પૂણે જિલ્લાએ પૂણે અને કોંઢવા એરિયાના મધ્ય વિસ્તારને અસરકારક રીતે સીલ કરી દીધો હતો તથા 35 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ઘરોનો ડોર-ટૂ-ડોર સર્વે હાથ ધર્યો હતો. ટીમે ટ્રાવેલ હિસ્ટ્રી અને કોન્ટેક્ટ ટ્રેસિંગ ઉપરાંત ડાયાબીટિસ અને હાયપરટેન્શન જેવા સહબિમારી ધરાવતી વ્યક્તિઓની ચકાસણી પણ હાથ ધરી છે.
  • પથાનમથિટ્ટા જિલ્લાએ સર્વેલન્સ, ટ્રાવેલ હિસ્ટ્રી, કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ સુનિશ્ચિત કરી છે, ક્વૉરન્ટાઇન સુવિધા ઊભી કરી છે તથા આવશ્યક અને માનસિક સહયોગ પ્રદાન કર્યો છે.

ભારત સરકારે આ મહામારીનું અસરકારક રીતે સંચાલન કરવા મોખરાના કાર્યકર્તાઓની ક્ષમતા વધારવા માટે દિક્ષા પ્લેટફોર્મ પર ‘ઇન્ટિગ્રેટેડ ગવર્મેન્ટ ઓનલાઇન ટ્રેનિંગ’ (આઇજીઓટી) નામનું કોવિડ-19નાં મેનેજમેન્ટ માટે તાલીમ મોડ્યુલ પ્રસ્તુત કર્યું છે, જેથી મહામારીનું અસરકારક રીતે સંચાલન થાય. એમાં ડૉક્ટરો, નર્સો, પેરામેડિક્સ, ટેકનિશિયનો, એએનએમ, રાજ્ય સરકારનાં અધિકારીઓ, નાગરિક સુરક્ષા અધિકારીઓ, નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી), નેશનલ સર્વિસ સ્કીમ (એનએસએસ), ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (આઇઆરસીએસ) અને અન્ય સ્વયંસેવકો સામેલ છે. પોર્ટલની વેબસાઇટની લિન્ક છેઃ https://igot.gov.in/igot/.

એમ્સ, નવી દિલ્હીએ કોવિડ-19ના મેનેજમેન્ટ માટે હેલ્થકેર વ્યાવસાયિકોની જુદી જુદી કેટેગરીઓની ક્ષમતા ઊભી કરવા કેટલાંક વેબિનાર હાથ ધર્યા છે. શંકાસ્પદ કે પુષ્ટિ થયેલા કોવિડ-19 ઇન્ફેક્શન ધરાવતી મહિલાઓમાં પ્રસૂતિ પૂર્વેની સારવાર માટે તથા ગર્ભવતી મહિલાઓનું લેબર મેનેજમેન્ટ કરવા ફિઝિશિયનોની ઓનલાઇન તાલીમ આ અઠવાડિયા દરમિયાન એમ્સ દ્વારા હાથ ધરવામાં આવી છે. એનો વિગતવાર કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબલ્યુ)ની વેબસાઇટ www.mohfw.gov.in પર ઉપલબ્ધ છે.

અત્યાર સુધી 5191 પુષ્ટિ થયેલા કેસો અને 149 મૃત્યુ થયા છે. 402 વ્યક્તિઓ સાજાં થયા છે/સાજા થયા પછી રજા આપવામાં આવી છે.

કોવિડ-19 પર તમામ અધિકૃત અને અપડેટેડ માહિતી મેળવવા, ટેકનિકલ સમસ્યાઓ, માર્ગદર્શિકાઓ તથા સલાહો મેળવવા માટે કૃપા કરીને નિયમિતપણે વેબસાઇટ જોતા રહોઃ https://www.mohfw.gov.in/.

કોવિડ-19 સાથે સંબંધિત ટેકનિકલ પ્રશ્રોનું સમાધાન મેળવવા technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્રોનું સમાધાન મેળવવા ncov2019[at]gov[dot]in પર ઇમેલ કરી શકાશે.

કોવિડ-19 પર કોઈ પણ પ્રકારની પૂછપરછના કેસમાં કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં હેલ્પલાઇન નંબર +91-11-23978046 અથવા 1075 (ટોલ-ફ્રી) પર કોલ કરો. કોવિડ-19 પર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી આ લિન્ક પર પણ ઉપલબ્ધ છેઃ https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

 

RP

 

*****


(Release ID: 1612343) Visitor Counter : 215