ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર દ્વારા કહ્યું કે કોવિડ-19 સામેની લડાઇ માટે લૉકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુ (EC) અધિનિયમ, 1995 હેઠળની જોગવાઇઓનો ઉપયોગ કરીને આવશ્યક ચીજોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે

Posted On: 08 APR 2020 11:20AM by PIB Ahmedabad

દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા માટે, કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજયકુમાર ભલ્લાએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને જણાવ્યું હતું કે, આવશ્યક ચીજવસ્તુ (EC) અધિનિયમ 1995 હેઠળની જોગવાઇઓને ઉપયોગ કરીને આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તાકીદના ધોરણે પગલાં લેવામાં આવે. આ પગલામાં સ્ટોકની મર્યાદા નિર્ધારિત કરવી, મહત્તમ કિંમતો નક્કી કરવી, ઉત્પાદન વધારવું, વિક્રેતાઓના ખાતાની તપાસ અને અન્ય પગલાં સામેલ છે.

 

ખાસ કરીને શ્રમિકોની ઓછી ઉપલબ્ધતા સહિત વિવિધ પરિબળોના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાના અહેવાલો આવ્યા છે. આવી પરિસ્થિતિમાં, સ્ટૉક જમા કરવો/સંગ્રહખોરી અને કાળાબજાર, નફાખોરી તેમજ સટ્ટાકીય વેપારની શક્યતા છે જેના પરિણામે આવશ્યક ચીજવસ્તુઓના ભાવો વધી શકે છે. તમામ રાજ્યોને કહેવામાં આવ્યું છે કે, આ આવશ્યક ચીજવસ્તુઓ વાજબી કિંમતે જાહેર જનતાને મોટાપાયે ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે તાકીદના ધોરણે પગલાં લેવામાં આવે.

 

અગાઉ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ પોતાના આદેશ સાથે, ખાદ્યચીજો, દવાઓ અને તબીબી ઉપકરણો જેવી આવશ્યક ચીજવસ્તુઓના સંદર્ભમાં ઉત્પાદકો/ ઉત્પાદન, પરિવહન અને અન્ય સંબંધિત પૂરવઠા સાંકળ પ્રવૃત્તિઓને મંજૂરી આપી હતી.

વધુમાં, ભારત સરકારના ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોને EC અધિનિયમ 1995 અંતર્ગત આદેશો આપવા માટે 30 જૂન સુધી કેન્દ્ર સરકારની કોઇપણ પૂર્વ સંમતિ લેવાની આવશ્યકતામાંથી મુક્તિ આપીને તેમને સીધા જ આદેશો બહાર પાડવા માટે અધિકાર આપવામાં આવ્યો છે.

આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અંતર્ગત આચરેલા ગુનાઓને ફોજદારી ગુના ગણવામાં આવે છે અને તેના કારણે 7 વર્ષની કેદ અથવા દંડ અથવા બંને થઇ શકે છે. રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો કાળાબજાર નિવારણ અને આવશ્યક ચીજવસ્તુ પૂરવઠા જાળવણી અધિનિયમ 1980 હેઠળ આવા ગુનેગારોની અટકાયત કરી શકે છે.

GP/RP

*****



(Release ID: 1612170) Visitor Counter : 259