રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ કોવિડ-19ની પરિસ્થિતિ અંગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલો, ઉપરાજ્યપાલો અને વહીવટકર્તાઓ સાથે ચર્ચા કરી

Posted On: 03 APR 2020 4:55PM by PIB Ahmedabad

મહામારી કોવિડ-19 સામે લડતમાં દેશવાસીઓએ હિંમત, શિસ્ત અને એકતાનું ઉદાહરણીય દ્રષ્ટાંત પૂરું પાડ્યું હોવાનું ભારપૂર્વક જણાવતાં રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદે બે ઘટનાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. એક, આનંદ વિહારમાં સ્થળાંતર કરનારા કામદારો એકત્ર થયા અને નિઝામુદ્દીનમાં તબલીઘી જમાતનો મેળાવડો. આ બંને ઘટનાઓ દિલ્હીમાં બની, જેનાથી કોવિડ-19ના અટકાવ અને નિયંત્રણના સરકારના પ્રયાસોને ધક્કો લાગ્યો છે.

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ આજે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલો, ઉપરાજ્યપાલો અને વહીવટકર્તાઓ સાથે વીડિયો-કોન્ફરન્સ યોજી હતી અને કોવિડ-19ની મહામારી સામેની લડતમાં ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા લેવાયેલાં પગલામાં યોગદાનના માર્ગો વિશે ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિએ દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો.

આજની કોન્ફરન્સ 27મી માર્ચના રોજ આ જ મુદ્દે રાજ્યો/કેન્દ્ર શાસિક પ્રદેશોના રાજ્યપાલો/ઉપરાજ્યપાલો સાથે યોજાયેલી વિડિયો કોન્ફરન્સની અનુગામી હતી. 27મી માર્ચના રોજ યોજાયેલી કોન્ફરન્સમાં 15 જેટલા રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને પોતાના રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવર્તમાન સ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા. આજે, બાકીના 21 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલો/ઉપરાજ્યપાલો/વહીવટકર્તાઓએ રાષ્ટ્રપતિ/ઉપરાષ્ટ્રપતિને કોવિડ-19 સંબંધિત પ્રયાસો વિશે માહિતગાર કર્યા હતા. કોન્ફરન્સમાં અદ્રશ્ય દુશ્મન સામે લડવામાં જરા પણ શિથિલતા કે સમાધાનને અવકાશ નહીં રાખવો તે બાબતે એકસૂર ઉઠ્યો હતો. આ સંદર્ભે, રાષ્ટ્રપતિએ દેશના કેટલાક હિસ્સાઓમાં ડૉક્ટરો, સ્વાસ્થ્ય કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ ઉપર થયેલા હુમલાના બનાવો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ તમામ દેશવાસીઓને રવિવારે રાત્રે નવ વાગ્યે ઘરોની તમામ લાઈટ્સ બંધ કરીને તેના બદલે મોબાઈલની ફ્લેશલાઈટ્સ, ટોર્ચ કે દીવા પ્રગટાવીને કોરોનાવાયરસ સામે લડવા લોકોની એકતાને બિરદાવવા માટે આજે કરેલી વિનંતીને રાષ્ટ્રપતિએ હૃદયપૂર્વક સમર્થન આપ્યું હતું. જોકે, તેમણે લોકોને મજબૂત મનોબળ જાળવીને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં કોઈ પણ સમાધાન નહીં કરવા માટે ચેતવ્યા હતા.

રાષ્ટ્રપતિએ પ્રારંભિક ઉદબોધનમાં એ પણ નોંધ્યું હતું કે 27મી માર્ચના રોજ યોજાયેલી પાછલી વિડિયો કોન્ફરન્સમાં રચનાત્મક ચર્ચા થઈ હતી અને કેટલાક ઉપયોગી સૂચનો પણ કરાયાં હતાં. વિવિધ રાજ્યોનાં કેટલાંક પગલાં પ્રશંસનીય હતાં, જેની અગાઉની કોન્ફરન્સમાં નોંધ લેવાઈ હતી. તેમાં નિવૃત્ત ડોક્ટરો અને તબીબી વિદ્યાર્થીઓની નોંધણી, મનોવૈજ્ઞાનિકોના અનુભવનો ઉપયોગ, યુવાનોને સ્વયંસેવક બનવા આહવાન, સ્ટેડિયમોને રાહત કામકાજ અને ક્વોરેન્ટાઈન સવલતો માટે ઉપયોગમાં લેવાં, દૈનિક સમીક્ષા બેઠકો દ્વારા પરિસ્થિતિની દેખરેખ રાખવી, હન્ગર હેલ્પ-લાઈન્સ સ્થાપવી, હોમ ડિલિવરીને પ્રોત્સાહન આપવું અને જાગરુકતા ફેલાવવા માટે યુનિવર્સિટીઓને સામેલ કરવી - જેવાં પગલાં સામેલ હતાં.

આ કટોકટી દરમિયાન ઘરવિહોણા, બેરોજગાર અને સમાજના નબળા વર્ગોના લોકોને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેને ધ્યાન ઉપર લેતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે તેમની જરૂરિયાતો પ્રત્યે આપણે વધુ સંવેદનશીલ બનવું પડશે. તેમણે કોન્ફરન્સમાં કોઈ પણ વ્યક્તિ ભૂખી ન રહે તે માટેના રસ્તા અને સાધનો વિશે વિચારવા અન્ય ભાગીદારોને આમંત્રણ આપ્યું. આ એક મોટો પડકાર હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું કે તેમને ખાતરી છે કે કેન્દ્ર અને રાજ્ય સ્તરે થઈ રહેલા પ્રયાસોમાં રાજ્યપાલો પોતાનો ફાળો આપશે અને સમાજના તમામ વર્ગોને સામેલ કરશે.

ઉપરાંત, જરૂરિયાતવાળા લોકોને ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરવાનું સુનિશ્ચિત કરવાની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે પણ કોઈ સમાધાન ન કરાય તેની ખાતરી કરવા તેમણે જણાવ્યું.

રાષ્ટ્રપતિએ પાછલી કોન્ફરન્સનો સંદર્ભ લઈને રેડ ક્રોસ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓની સરકારના પ્રયાસોને પૂરક બને તેવી ભૂમિકા વિશે વાત કરી હતી. તેમણે સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ ખાનગી ક્ષેત્ર માનવતા માટેની હાકલમાં જોડાવા માટે મહત્તમ ભાગીદારી આપે તે માટે તેમને સામેલ કરવા અને પ્રોત્સાહન આપવાના સૂચનો આવકાર્યા હતા.

કેટલીક ઘટનાઓ છતાં, મહામારી સામેની લડાઈમાં આપણા અત્યાર સુધીના પ્રયાસો સાચી દિશામાં છે અને દ્રઢ નિશ્ચય સાથે આપણે આગળ વધી રહ્યા છીએ, એમ રાષ્ટ્રપતિએ સમાપન સંબોધનમાં જણાવ્યું હતું.

રાષ્ટ્રપતિએ દેશના નાગરિકોની ધીરજ અને સહકારની પ્રશંસા કરી હતી. તેમણે પોતાના જીવનું જોખમ હોવા છતાં પણ ફરજ બજાવી રહેલા ડોક્ટરો અને તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓનો સમાજ, દેશને તેમની સેવા આપવા અને તેમની માનવતા બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે દેશના લોકો સંપૂર્ણ સાવચેતી સાથે અને મજબૂત નિર્ધાર સાથે આ મહામારી સામેનું અભિયાન ચાલુ રાખશે, તેવો તેમને સંપૂર્ણ વિશ્વાસ છે.

કોન્ફરન્સનું સંચાલન કરતાં ઉપરાષ્ટ્રપતિએ ગરીબોની મુશ્કેલીઓ ઘટાડવા માટે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, સામાજિક સંસ્થાનો અને ખાનગી ક્ષેત્રના સ્વયંસેવકોને સામેલ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે રાજ્યપાલો/ઉપરાજ્યપાલો અને વહીવટકર્તાઓને જુદા જુદા ક્ષેત્રોના અગ્રણીઓને આગળ આવવા અને સમાજના સૌથી સંવેદનશીલ વર્ગોને, ખાસ કરીને ખેડૂતોને સહાય આપવા  પ્રોત્સાહિત કરવા જણાવ્યું, કેમકે ઘણાં રાજ્યોમાં લૉકડાઉન સમયે જ લણણીની સિઝન ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પર્યાપ્ત પગલાં લઈ રહી હોવા છતાં લોકોની મુશ્કેલીઓ વધી છે, ત્યારે આ કટોકટીના સમયે ગરીબ અને સૌથી સંવેદનશીલ વર્ગોને સહાય આપવા સમાજના અગ્રણીઓ આગળ આવે તો શાશ્વત માનવતાનાં મૂલ્યોની સેવા થશે.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું કે દર્દીઓને યુદ્ધના ધોરણે સારવાર પૂરી પાડવા માટે યુનિવર્સિટીઓ અને મેડિકલ કોલેજોએ પદ્ધતિ ઘડી છે. તેમણે નોંધ્યું કે વિદ્યાર્થીઓ તેમનું શૈક્ષણિક સત્ર ચાલુ રાખી શકે તે માટે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગો શરૂ કરાયા છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની સમસ્યાઓથી વાકેફ છે અને તેમને સહાયનાં પગલાં શરૂ કરી રહી છે. ચર્ચા દરમિયાન, રાષ્ટ્રપતિએ તમામ રાજ્યપાલોને રેડ ક્રોસ સોસાયટીનાં એકમોને ફરી કાર્યરત બનાવવા અને તેમની સહાય મેળવવા વિનંતી કરી હતી.

ચર્ચામાં અવારનવાર પોતાની વાત રજૂ કરતાં ઉપરાષ્ટ્રપતિએ રાજ્યપાલો/ઉપરાજ્યપાલો અને વહીવટકર્તાઓને આ લણણીની સિઝનમાં ખેડૂતોને મદદ કરવા માટે સરકારે લીધેલાં પગલાં વિશે જાગૃતિ ફેલાવવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે ખાસ કરીને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ શ્રી બિસ્વ ભૂષણ હરિચંદનને ખેડૂતો અને ભૂમિહીન મજૂરોને કસોટીની આ વેળાએ સહાય કરવા જણાવ્યું હતું.

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ શ્રી ગિરિશ ચંદ્ર મુરમુએ જણાવ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ મહામારી સામે લડવા માટે સઘન દેખરેખ રાખી રહ્યો છે અને મહામારીગ્રસ્ત મહત્ત્વનાં સ્થળો ઓળખી કાઢવામાં આવ્યાં છે. ઉપરાષ્ટ્રપતિના સવાલનો ઉત્તર આપતાં તેમણે જણાવ્યું કે “તબલિગી જમાતની અવરજવરને કારણે અમારે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.” આમ છતાં, તેમણે ખાતરી આપી કે વહીવટીતંત્ર સ્થળાંતર કરનારા કામદારો, વિદ્યાર્થીઓની કાળજી લઈ રહ્યું છે અને પર્યાપ્ત ક્વોરેન્ટાઈન સેન્ટર્સ પણ સ્થપાયાં છે. “અમે દૂર-અંતરિયાળ વિસ્તારોમાં ખાદ્ય સામગ્રી પહોંચે તે પણ સુનિશ્ચિત કરી રહ્યા છીએ.”

લદ્દાખના ઉપરાજ્યપાલ શ્રી રાધા કૃષ્ણ માથુરે ઈરાનથી પરત ફરેલા યાત્રીઓને કારણે કેસમાં વધુ વધારો થવા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. આ યાત્રીઓમાં કેટલાક યાત્રીઓ ચેપગ્રસ્ત હતા. તેમણે નોંધ્યું કે કેટલાક વિસ્તારો સુધી પહોંચી શકાય તેમ ન હોવાથી અને દુર્ગમ રસ્તાઓને કારણે કામગીરી ખૂબ મુશ્કેલ બની છે. તેમણે લોકોને જરૂરિયાત સમયે મદદ પૂરી પાડવા બદલ સ્વયંસેવકો, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓની પ્રશંસા કરી હતી.

આંદામાન અને નિકોબારના ઉપરાજ્યપાલ એડમિરલ ડી. કે. જોશી (નિવૃત્ત)એ જણાવ્યું કે કોવિડ-19ના 10 પોઝિટિવ કેસો તબલિગી જમાતના હતા. તબલિગી જમાતના મેળાવડામાં જે લોકોએ ભાગ લીધો હતો, તે તમામ લોકોને ઓળખી કઢાયા બાદ ક્વોરેન્ટાઈન કરાયા છે. છત્તીસગઢીના રાજ્યપાલ સુશ્રી અનુસુઇયા યુઇકેએ જણાવ્યું કે રાજ્ય સરકારે બીમારીને વહેલી તકે ફેલાતી અટકાવવા માટે વિસ્તૃત વ્યૂહરચના અમલી બનાવી છે. ખેડૂતોની દુર્દશા બાબતે તેમણે જણાવ્યું કે નાશવંત કૃષિ જણસો સ્થાનિક બજારોમાં વેચવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે. ઉત્તરાખંડના રાજ્યપાલ શ્રીમતી બેબી રાની મૌર્યએ જણાવ્યું કે રાજ્ય સરકારે આ કટોકટીથી સર્જાયેલી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી ક્ષમતાઓ વધારી છે.

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને પોતાનાં રાજ્યે લીધેલાં પગલાં અંગે વાકેફ કરનારા અન્ય રાજ્યપાલોમાં ગોવાના રાજ્યપાલ શ્રી સત્ય પાલ મલિક, ઓડિશાના રાજ્યપાલ પ્રો. ગણેશી લાલ, પુડુચેરીના ઉપરાજ્યપાલ ડૉ. કિરણ બેદી, ઝારખંડના રાજ્યપાલ શ્રીમતિ દ્રૌપદી મુરમુ, આસામના રાજ્યપાલ પ્રો. જગદીશ મુખી, મિઝોરમના રાજ્યપાલ શ્રી પી.એસ. શ્રીધરન પિલ્લાઈ, મણીપુરના રાજ્યપાલ ડૉ. નજમા હેપ્તુલ્લા, મેઘાલયના રાજ્યપાલ શ્રી તથાગત રોય, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બ્રિગેડિયર (ડૉ.) બી. ડી. મિશ્રા (નિવૃત્ત), સિક્કિમના રાજ્યપાલ શ્રી ગંગા પ્રસાદ, ત્રિપુરાના રાજ્યપાલ શ્રી રમેશ બઇસ, નાગાલેન્ડના રાજ્યપાલ સ્રી આર.એન. રવિ, લક્ષદ્વીપના વહીવટકર્તા શ્રી દિનેશ્વર શર્મા અને દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના એડમિનીસ્ટ્રેટર શ્રી પ્રફુલ પટેલ સામેલ હતાં. ઉપરાંત, તામિલનાડુના રાજ્યપાલ શ્રી ભંવરીલાલ પુરોહિત, મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગત સિંઘ કોશિયારી, કેરળના રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાન અને દિલ્હીના ઉપરાજ્યપાલ શ્રી અનિલ બૈજલ, જેમણે 27મી માર્ચના રોજ યોજાયેલી કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને માહિતી આપી હતી, તેમણે આજે પણ પોતાનાં રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશની છેલ્લી માહિતીથી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને માહિતગાર કર્યા હતા.

કોન્ફરન્સનું સમાપન કરતાં રાષ્ટ્રપતિએ રાજ્યપાલો/ઉપરાજ્યપાલો અને વહીવટકર્તાઓની તેમના સમજદાર દૃષ્ટિકોણ માટે અને લોકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા સજાગ રહેવા બદલ પ્રશંસા કરી હતી. તેમણે પોતાના જીવના જોખમે ફરજ બજાવી રહેલા ડૉક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓએ દાખવેલી ઉદાહરણીય હિંમત અને દ્રઢ સંકલ્પની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિએ ફરી એકવાર જણાવ્યું હતું કે તેઓ અને ઉપરાષ્ટ્રપતિ કોઈ પણ જરૂરિયાત ઊભી થાય ત્યારે પરામર્શ માટે હંમેશા ઉપલબ્ધ રહેશે.

RP



(Release ID: 1610868) Visitor Counter : 187