ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિએ રાજ્યપાલો/ લેફ્ટનન્ટ ગવર્નરોને વિનંતી કરી કે, તેઓ ધાર્મિક ગુરુઓને કોઇપણ મેળાવડા/કાર્યક્રમ ન યોજવાની સલાહ આપે


કૃષિ ઉત્પાદનોની લણણી અને ખરીદીની પ્રક્રિયા સરળતાથી પાર પડે તેના પર ધ્યાન આપવા કહ્યું

ડૉક્ટરો પર થયેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી અને આવી ઘૃણાસ્પદ પ્રવૃત્તિઓ કરનારા લોકો સંવદેનશીલ બને તેવી ઇચ્છા વ્યક્ત કરી

વિસ્થાપિત શ્રમિકોને ભોજન અને આશ્રય આપવા માટે મદદરૂપ થવા જનસમુદાયને અપીલ કરી

Posted On: 03 APR 2020 2:01PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડૂએ આજે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલો તેમજ લેફ્ટેનન્ટ ગવર્નરોને અપીલ કરી હતી કે, તેઓ આધ્યાત્મિક અને ધાર્મિક ગુરુઓને સલાહ આપે કે, તેઓ કોઇપણ પ્રકારના મેળાવડાનું આયોજન ન કરે અને કોવિડ-19નો ફેલાવો રોકવા માંટે લાગુ કરવામાં આવેલા સામાજિક અંતરના પગલાંના પાલનનું પાલન કરે.

ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રામનાથ કોવિંદ સાથે ઉપરાષ્ટ્રપતિએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલો, લેફ્ટેનન્ટ ગવર્નરો અને વહીવટી અધિકારીઓને વિનંતી કરી હતી કે, તેઓ પોતાના પ્રદેશોમાં ધાર્મિક અને આધ્યાત્મિક ગુરુઓનો સંપર્ક કરે અને સલાહ આપે કે, આ ધર્મગુરુઓ પોતાના અનુયાયીઓને સામાજિક અંતર જાળવવા માટે નિર્ધારિત કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા તેમજ અંગત સ્વચ્છતા જાળવવા માટે માર્ગદર્શન આપે.

જેના કારણે સમગ્ર દેશમાં ખૂબ જ વિપરિત અસર પડી છે તેવી તાજતેરમાં બનેલી ન કરવા જેવી પ્રવૃત્તિનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ રાજ્યપાલો અને લેફ્ટેનન્ટ ગવર્નરોને કહ્યું હતું કે આ ચેતી જવાનો સમય છે અને તેમણે ઉમેર્યું હતું કે, “તમારા રાજ્યોમાં કોઇપણ પ્રકારના ધાર્મિક મેળાવડાને મંજૂરી આપવી જોઇએ નહિ.”

અત્યારે ખેતીવાડી ક્ષેત્રે લણણીની મોસમ ચાલી રહી હોવાથી તેને ટાંકતા શ્રી નાયડુએ તેમને વિનંતી કરી હતી કે, તેઓ રાજ્યની એજન્સીઓને સલાહ આપે ખેતીવાડીના યંત્રોની સરળતાથી હેરફેર સુનિશ્ચિતિ કરવામાં આવે જેથી ખેડૂતોને કોઇપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. તેમણે તમામ પાસેથી અપેક્ષા વ્યક્ત કરી હતી કે, ખેતીના ઉત્પાદનોની 100 ટકા ખરીદી સુનિશ્ચિત કરવામાં આવે. ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે, “અત્યારે એ જ સમયની માંગ છે”.

કેટલાક રાજ્યોમાં ડૉક્ટરો પર થયેલા હુમલાની ઘટના અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરતા શ્રી નાયડૂએ આવી ઘટનાઓને દુર્ભાગ્યપૂર્ણ અને ટીકાપાત્ર ગણાવી હતી. તેમણે રાજ્યપાલોને કહ્યું હતું કે, કોવિડ-19 સામેલી આ લડાઇમાં ડૉક્ટરો, નર્સો અને સફાઇ કર્મચારીઓ તેમજ પોલીસ જવાનો સહિત અગ્ર હરોળમાં રહીને સેવા આપી રહેલા આવા યોદ્ધાઓ પ્રત્યે લોકોમાં વધુ સંવેદના જગાવે.

તેઓ જે સેવા આપી રહ્યા છે તેને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, આવા હુમલાઓ પાછળની વાસ્તવિક વ્યક્તિઓને શોધી કાઢવી જોઇએ અને લોકોએ જાગૃત રહેવું જોઇએ કે ડૉક્ટરો અને નર્સો પોતાના જીવના જોખમે બીજાના જીવ બચાવી રહ્યા છે.

વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસની પ્રવૃત્તિ ચાલું રાખી શકે તે માટે ઑનલાઇન અભ્યાસક્રમો યોજવાની વ્યવસ્થા કરવાની ખાતરી કરવા માટે પણ તેમણે રાજ્યપાલો અને લેફ્ટેનન્ટ ગવર્નરોને કહ્યું હતું.

ફસાયેલા વિસ્થાપિત શ્રમિકોની દુર્દશા, લોકોને આવશ્યક જરૂરિયાતની ચીજવસ્તુઓ અને દવાઓના પૂરવઠા અંગે ઉપરાષ્ટ્રપતિએ માહિતી માંગી હતી. તેમણે ટાંક્યું હતું કે, વિસ્થાપિત શ્રમિકોને પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે રાજ્યો અને કેન્દ્ર સરકાર દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે, વ્યાપકપણે જોવામાં આવે તો સમાજની પણ ફરજ છે કે, તેઓ આવા લોકોને ભોજન અને આશ્રય આપવામાં મદદરૂપ થાય.

લૉકડાઉનનો સમગ્ર દેશમાં અમલ કરવા માટે સાથ-સહકાર આપવા બદલ લોકોની પ્રશંસા કરતા શ્રી નાયડુએ સામાજિક અંતરનું અસરકારક પાલન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે લોકોને અપીલ કરી હતી કે, તેઓ કોઇપણ ઉલ્લંઘન, વિચલન અથવા સુસ્તિ દાખવ્યા વગર તમામ માપદંડોનું ચુસ્ત પાલન કરે.

મહામહિમ રાષ્ટ્રપતિ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલી સલાહનું પાલન કરવાની અપીલ કરતા તેમણે ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોને પણ સલાહ આપી હતી કે, તેઓ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ICMR દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરે.

કોવિડ-19 મહામારીને ખતમ કરવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 35 રાજ્યપાલો, લેફ્ટેનન્ટ ગવર્નરો અને વહીવટી અધિકારીઓએ પોતાના વિસ્તારોમાં લેવામાં આવેલા પગલાંની માહિતી આપી હતી.
 



(Release ID: 1610706) Visitor Counter : 172