પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રમતવીરો સાથે વાત કરી


પ્રધાનમંત્રીએ કોવિડ-19 સામે લડાઈ લડવા પાંચ મંત્રો ‘સંકલ્પ, સંયમ, સકરાત્મકતા, સન્માન અને સહયોગ’ આપ્યાં

રમતવીરોએ દેશની શાન વધારી છે, અત્યારે તેઓ દેશનો જુસ્સો વધારવા અને સકારાત્મકતાનો સંદેશ ફેલાવવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરીને રમતવીરોએ સકારાત્મકતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના પ્રસારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

Posted On: 03 APR 2020 12:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રસિદ્ધ રમતવીરો સાથે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 સંપૂર્ણ માનવજાત માટે અભિશાપરૂપ છે અને આ સ્થિતિની ગંભીરતાનો તાગ એ હકીકત પરથી મળી શકશે કે બીજા વિશ્વયુદ્ધ પછી ઓલિમ્પિક રમતોત્સવ મુલતવી રાખવામાં આવ્યો છે. રોગચાળાને કારણે સર્જાયેલા પડકારોને પગલે વિમ્બ્લ્ડન જેવી અન્ય કેટલીક આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ અને ઇન્ડિયન પ્રીમિયમ લીગ (આઇપીએલ) જેવી સ્થાનિક ટૂર્નામેન્ટને પણ મુલતવી રાખવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ રમતના મેદાન પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દેશનું ગર્વ વધારવા બદલ રમતવીરોની પ્રશંસા કરી હતી. અત્યારે તેઓ દેશનો નૈતિક જુસ્સો વધારવામાં તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો સંદેશ પ્રસારાવવા અતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમજ લોકોને લોકડાઉન દરમિયાન સૂચનોનું પાલન કરવા પ્રેરિત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રમતોમાં ક્ષમતા વધારવા માટે તાલીમમાંથી પડકારો ઝીલવા, સ્વશિસ્ત જાળવવા, સકારાત્મક અભિગમ રાખવા અને આત્મવિશ્વાસ કેળવવા જેવા મહત્ત્વપૂર્ણ પાસાં શીખવા મળે છે, જે વાયરસના પ્રસારને અટકાવવા માટે આવશ્યક છે.

પ્રધાનમંત્રીએ તેમને લોકોને તેમના સંદેશના પાંચ મુદ્દા જણાવવા કહ્યું હતું: રોગચાળા સામે લડવા ‘સંકલ્પ’, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ‘સંયમ’, પોઝિટિવિટી જાળવવા ‘સકારાત્મકતા’, આ લડામાં મોખરે રહીને લડતા તબીબો, પોલીસો વગેરે પ્રત્યે ‘સન્માન’ અને પીએમ-કેર્સ ફંડમાં રાષ્ટ્રીય સ્તરે વ્યક્તિગત સ્તરે પ્રદાન કરવા ‘સહયોગ’. તેમણે રમતવીરોને શારીરિક અને માનસિક એમ બંને પ્રકારની ફિટનેસનું મહત્ત્વ સમજાવ્યું હતું તેમજ આયુષ મંત્રાલય દ્વારા જાહેર કરેલી માર્ગદર્શિકાને લોકપ્રિય બનાવવા પણ કહ્યું હતું.

રમતવીરોએ આ પડકારજનક સમયમાં પ્રધાનમંત્રીની લીડરશિપની પ્રશંસા કરી હતી. તેમણે પ્રધાનમંત્રીનો એ સુનિશ્ચિત કરવા માટે પણ આભાર માન્યો હતો કે, મોખરે રહીને આ લડાઈમાં કામ કરતાં હેલ્થકેર વર્કર્સ અને પોલીસ કર્મચારીઓને સન્માન મળે, જેઓ તેમની નિઃસ્વાર્થ સેવાઓ આપી રહ્યાં છે. તેમણે શિસ્ત, માનસિક ક્ષમતાના મહત્ત્વ, ફિટનેસ જાળવવા માટેની વ્યવસ્થા અને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે પગલાં લેવા વિશે પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત આ રોગચાળા સામેની લડાઈમાં વિજેતા થાય એ જરૂરી છે અને આ લડાઈમાં રમતવીરોની સક્રિય ભાગીદારીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ ચર્ચામાં 40થી વધારે ટોચના રમતવીરો સામેલ થયા હતા, જેમાં ભારતરત્ન સચિન તેંડુલકર, બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી, મહિલા હોકી ટીમનાં કેપ્ટન રાની રામપાલ, બેડમિન્ટના પ્રસિદ્ધ ખેલાડી પી. વી. સિંધુ, કબડ્ડીના ખેલાડી અને હિમાચલ પ્રદેશની પોલીસમાં ડીએસપી શ્રી અજય ઠાકુર, દોડવીર હિમા દાસ, પેરાએથ્લેટ હાઈ જમ્પર શ્રી શરદ કુમાર, ટેનિસના ટોચના ખેલાડીઓ શ્રીમતી અંકિતા રૈના, ભૂતપૂર્વ ઉત્કૃષ્ટ ક્રિકેટર યુવરાજ સિંહ અને પુરુષ ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વીડિયો કોન્ફરન્સ દ્વારા સહભાગી થયા હતા. આ ચર્ચા દરમિયાન કેન્દ્રીય યુવા બાબતોના મંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતા.

GP/RP



(Release ID: 1610664) Visitor Counter : 217