રેલવે મંત્રાલય
રેલવે, વાણિજય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે કોરોનાવાયરસ સામે લડત આપવા થઈ રહેલા રાષ્ટ્રીય પ્રયાસોને પૂરક બની રહેવાની ભારતીય રેલવેની કામગીરીની સમિક્ષા કરી
રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત છેલ્લા 12 માસમાં એક પણ મુસાફરે રેલવે અકસ્માતમાં જીવ ગુમાવ્યો નથી, હવે અમે એ બાબતની ખાતરી કરવા માગીએ છીએ કે કોરોનાવાયરસની ભારતમાં ઓછામાં ઓછી અસર વર્તાય : શ્રી પિયુષ ગોયલ
મંત્રીશ્રીએ અધિકારીઓને અનાજ અને અન્ય સહાય સાથે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા નિર્દેશ કર્યો
Posted On:
01 APR 2020 1:40PM by PIB Ahmedabad
રેલવે, વાણિજય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે ભારતીય રેલવેના અધિકારીઓને પોતાની માનવ ક્ષમતા અને સાધનોનો ઉત્તમ ઉપયોગ કરીને અનાજ તથા અન્ય સહાય લઈને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા નિર્દેશ કર્યો છે. આઈઆરસીટીસી અને આરપીએ જેવી રેલવેની સંસ્થાઓ જરૂરિયાત મંદ લોકોને વિનામૂલ્યે ભોજન પૂરૂ પાડવાની કામગીરીમાં અગાઉથી જ જોડાઈ ગયાં છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રેલવેએ પોતાના પ્રયાસો અને પહોંચનો વિસ્તાર કરીને જિલ્લાતંત્ર સાથે તથા સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરેને સાથે લઈને રેલવે સ્ટેશનો નજીકના વિસ્તારોથી લઇને દૂર-દૂરના વિસ્તારોમાં આગળ વધવુ જોઈએ.
શ્રી પિયુષ ગોયલ સાથેની બેઠકમાં રેલવે રાજ્ય મંત્રી શ્રી સુરેશ અંગાડી, રેલવે બોર્ડના સભ્યો, જનરલ મેનેજરો તથા રેલવેનાં દેશભરનાં જાહેર ક્ષેત્રનાં એકમોના વડાઓ વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાયા હતા. કોરોનાવાયરસ સામેની લડતમાં અત્યાર સુધીમાં અસામાન્ય કામગીરી બજાવવા બદલ તથા પેસેન્જર કોચનુ આઈસોલેશન કોચમાં રૂપાંતર કરવા જેવા નવતર પ્રકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી. શ્રી ગોયલે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તમામ ઝોન આ બધા કોચને સંપૂર્ણ સજ્જ બનાવવા અને વહેલીતકે તૈયાર થઈ જાય તે માટેના તમામ પડકારોને પહોંચી વળશે. અહિં એ બાબતની નોંધ લેવી જોઈએ કે 5,000 કોચનુ આઈસોલેશન વોર્ડમાં રૂપાંતર કરવા માટેની પ્રથમ તબક્કાની કામગીરી હાથ ધરાઈ ચૂકી છે.
રેલવે બોર્ડના અધિકારીઓએ મંત્રીશ્રીને એવી માહિતી આપી હતી કે પ્રધાનમંત્રીએ દેશને કરેલા અનુરોધને અનુસરીને પીએમ કેર ભંડોળમાં રૂ. 51 કરોડનુ યોગદાન આપવામાં આવ્યું છે. રેલવે બોર્ડના ચેરમેન શ્રી વિનોદ કુમાર યાદવે માહિતી આપી હતી કે ભારતીય રેલવે તથા રેલવેનાં જાહેર ક્ષેત્રનાં કાર્યોના કર્મચારીઓએ પોતાનુ એક દિવસનું વેતન પીએમ કેર ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે. રેલવેનાં જાહેર ક્ષેત્રનાં અનેક સાહસો પણ આ ફંડમાં યોગદાન આપવા માટે સજ્જ થઈને રાષ્ટ્રીય પ્રયાસોને સમર્થન પૂરૂ પાડી રહ્યાં છે.
રેલવેએ આવશ્યક ચીજ વસ્તુઓ પૂરી પાડવા ખાસ પાર્સલ ટ્રેન દોડાવવા બાબતે સમીક્ષા કરતાં શ્રી પિયુષ ગોયલે અધિકારીઓને આ પ્રકારની સેવાઓ વધુ રૂટ પર પૂરી પાડવા માટે જણાવ્યું હતું જેથી દવાઓ, આવશ્યક ઉપકરણો તથા ખાદ્ય પદાર્થોને ખૂબ ઝડપથી સમગ્ર દેશમાં પહોંચાડી શકાય. જેમને ઓછા જથ્થામાં વિવિધ ચીજોની જરૂર છે તેવી ઈ-કોમર્સ કંપનીઓ અને અન્ય મહત્વના માલ- સામાનના સપ્લાયરોને આ વિસેષ પાર્સલ ટ્રેઈનથી લાભ થસે. હાલમાં 8 રૂટ પર આ પ્રકારની ટ્રેનો દોડાવાઈ રહી છે અને વિવિધ ઝોનમાં આ પ્રકારના વધુ 20 રૂટ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
શ્રી પિયુષ ગોયલે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાવાયરસ સામેની લડતમાં આગામી થોડા સપ્તાહ ખૂબ જ મહત્વનાં બની રહેશે અને આપણા સૌના નિરંતર પ્રયાસોથી દેશ આ લડતમાં જીતી જશે તેની ખાતરી થઈ રહી છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઈતિહાસમાં સૌ પ્રથમ વાર છેલ્લા બાર માસમાં રેલવે અકસ્માતમાં એક પણ મુસાફરે જીવ ગુમાવ્યો નથી. હવે આપણે કોરોનાવાયરસની દેશમાં ઓછામાં ઓછી અસર વર્તાય તે બાબતે પ્રયાસો કરવાના છે.
GP/RP
* * * * * * * *
(Release ID: 1609943)
Visitor Counter : 249
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam