સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. હર્ષવર્ધને કોવિડ-19 માટે નમૂના લેવાની અને પરીક્ષણ કરવાની પદ્ધતિની સમીક્ષા કરી


કોવિડ-19ને કારણે ઊભા થયેલા જોખમ સામે લડવા શ્રેષ્ઠ વૈજ્ઞાનિક સમાધાન શોધવાનાં પ્રયાસોમાં આંતર-વિભાગીય સમન્વય પ્રેરક બનશેઃ ડૉ. હર્ષવર્ધન

કોવિડ-19ના સમાધાન માટે સંશોધન રોગને નિયંત્રણમાં લેવાના પ્રયાસો સાથે જળવાઈ રહેશેઃ ડૉ. હર્ષવર્ધન

Posted On: 31 MAR 2020 1:09PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને અહીં ગઈકાલે કોવિડ-19 સામે નમૂના અને પરીક્ષણની પદ્ધતિની સમીક્ષા કરવા આઇસીએમઆર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, બાયોટેકનોલોજી અને સીએસઆરઆઈઆરનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. એમાં રિએજન્ટોની ખરીદી કરવી, વેબસાઇટ ઇન્ટિગ્રેશન, ડેટા મેનેજમેન્ટ અને એનાલીસિસ, ડેશબોર્ડ, આયોજિત અને અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા સંશોધન અભ્યાસો વગેરે જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી.

ડૉ. હર્ષવર્ધને જાણકારી આપી હતી કે, તેમણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હાથ ધરેલા પગલાં વિશે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે સવારે ચર્ચા કરી હતી, તેમની સજ્જતાની સમીક્ષા કરી હતી અને તેમને શક્ય તમામ સાથસહકારની ખાતરી આપી હતી. તેમણે કોવિડ-19ની સારવાર અને એના પ્રસારનાં નિયંત્રણ માટે સક્રિયપણે નજર રાખવા, અસરકારક કોન્ટેક્ટ ટ્રેસિંગ અને તેમની તૈયારી માટે પ્રશંસા પણ કરી હતી.

આ બેઠક દરમિયાન આઇસીએમઆરના ડીજીએ જાણકારી આપી હતી કે, 129 સરકારી પ્રયોગશાળાઓ કાર્યરત થઈ છે, જેની દરરોજ 13000 પરીક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે-સાથે એનએબીએલની માન્યતાપ્રાપ્ત 49 ખાનગી પ્રયોગશાળાઓ પણ કાર્યરત છે. ખાનગી ચેઇન આશરે 16000 કલેક્શન સેન્ટર ધરાવે છે. એવી પણ જાણકારી આપવામાં આવી હતી કે, પર્યાપ્ત ટેસ્ટ કિટની ખરીદી કરવામાં આવી છે અને કોઈ પણ સ્થિતિ માટે રાજ્યોમાં વહેંચવામાં આવી છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કિટનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી દેશમાં ખાનગી પ્રયોગશાળાઓમાં 1,334 ટેસ્ટ સાથે કુલ 38,442 ટેસ્ટ થયા છે.

ઉપરાંત કોવિડ-19 સ્થિતિને સફળતાપૂર્વક પહોંચી વળવા માટે સમાધાનો વિકસાવવામાં સંશોધનની સ્થિતિ વિશે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના ત્રણ સચિવો સાથે ચર્ચા થઈ હતી.

ડીએસટીના સચિવ ડો. આશુતોષ શર્માએ જાણકારી આપી હતી કે, સ્ટાર્ટઅપ્સ, એકેડેમિયા, આરએન્ડડી લેબ્સ અને ઉદ્યોગમાં કોવિડ-19 સંબંધિત ટેકનોલોજી ક્ષમતાઓનાં મેપિંગ દ્વારા નિદાન, દવાઓ, વેન્ટિલેટર્સ, પ્રોટેક્શન ગીઅર, ડિસઇન્ફેક્ટિંગ સિસ્ટમ્સ વગેરે ક્ષેત્રોમાં 500થી વધારે કંપનીઓની ઓળખ કરવામાં આવી છે. ડીએસટીના ફંડિંગ કોલ સામે 200થી વધારે દરખાસ્તો મળી છે, જેમાંથી પ્રથમ તબક્કામાં ટેકો મેળવવા 20થી વધારે કંપનીઓ પર વિચારણા ચાલુ છે, જે માટે કોવિડ-19નાં નિયંત્રણમાં પ્રસ્તુતતા, ખર્ચ, ઝડપ અને સમાધાનના વ્યાપને ધ્યાનમાં લેવામાં આવશે.

ડીબીટીના સચિવ ડૉ. રેણુ સ્વરૂપે જાણકારી આપી હતી કે, બાયોટેકનોલોજી વિભાગે તબીબી ઉપકરણો, નિદાન, સારવાર માટે દવાઓ અને રસીઓ વિકસાવવા ટેકો આપવા કન્સોર્ટિયમ બનાવ્યું છે, જેનો ઉદ્દેશ હેલ્થકેર સાથે સંબંધિત પડકારો સફળતાપૂર્વક ઝીલવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, પૂણેમાં સ્ટાર્ટ અપ દ્વારા વિકસાવવામાં આવેલી પ્રથમ સ્વદેશી કિટની ઉત્પાદન ક્ષમતા વધારીને દર અઠવાડિયે આશરે એક લાખ કિટની કરવામાં આવી છે. વેન્ટિલેટર્સ, ટેસ્ટિંગ કિટ્સ, ઇમેજિંગ ઉપકરણ અને અલ્ટ્રાસાઉન્ડ અને હાઈ એન્ડ રેડિયોલોજી ઇક્વિપમેન્ટ માટેની ઉત્પાદન સુવિધા વિશાખાપટનમમાં સ્થાપિત કરવામાં આવી છે, જ્યાં એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં ઉત્પાદન શરૂ થશે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા સાથે ડીબીટીએ રેપિડ રિસ્પોન્સ રેગ્યુલેટરી ફ્રેમવર્ક વિકસાવી છે અને એને અધિસૂચિત કરી છે, જેથી તમામ નૈદાનિક દવાઓ અને રસીઓ માટે નિયમનકારી મંજૂરીઓ ઝડપથી પ્રદાન કરી શકાય. રસી વિભાગને ત્રણ ભારતીય ઉદ્યોગોનો ટેકો પ્રાપ્ત છે. સારવાર અને દવાના વિકાસ પર સંશોધન શરૂ થઈ ગયા છે.

સીએસઆઇઆરનાં ડીજી ડૉ. શેખ માંડેએ જાણકારી આપી હતી કે, સીએસઆઇઆર પંચમુખી અભિગમ પર કાર્યરત છે, જેનો ઉદ્દેશ કોવિડ-19 માટે વિજ્ઞાન અને ટેકનોલોજી સોલ્યુશન્સ શોધવાનો છે. એમાં સામેલ છેઃ ડિજિટલ અને મોલીક્યુલર પદ્ધતિઓનો ઉપયોગ કરીને નજર રાખવી, જેમાં આખા દેશમાં વાયરસનાં જનીનની સાંકળ સામેલ છે; સસ્તી, ઝડપી અને સચોટ નિદાન પદ્ધતિઓ; દવાઓનો નવા ઉદ્દેશ માટે ઉપયોગ કરવો અને નવી દવાઓ વિકસાવાને સમાવતી હસ્તક્ષેપ પદ્ધતિઓ; હોસ્પિટલ આસિસ્ટિવ ઇક્વિપમેન્ટમાં સંશોધન અને વિકાસ; અને કોવિડ-19ના પ્રસારને નિયંત્રણમાં લાવવા માટે જરૂરી ચીજવસ્તુઓ માટે સપ્લાય ચેઇન લોજિસ્ટિક્સ મોડલ્સનો વિકાસ. તેમણે જાણકારી આપી હતી કે, ઉપર ઉલ્લેખિત તમામ મુદ્દાઓમાં સીએસઆઇઆરે ખાનગી ક્ષેત્ર સાથે જોડાણ કર્યું છે.

ડૉ. હર્ષવર્ધને આઇસીએમઆર દ્વારા જાહેર સ્વાસ્થ્ય નિરીક્ષણ અને પ્રતિભાવ, ટેકનિકલ માર્ગદર્શન અને પ્રયોગશાળાને આપેલા ટેકાની પ્રશંસા કરી હતી. તેમણે જરૂરિયાતનાં સમયે દેશમાં વેન્ટિલેટર્સ, ટેસ્ટિંગ કિટ્સ, પીપીઇ વગેરે વિકસાવવા માટે ટેકો આપવા બદલ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, બાયોટેકનોલોજી અને સીએસઆઇઆરની પણ પ્રશંસા કરી હતી.

તેમણે સૂચના આપી હતી કે, ટેસ્ટિંગ કિટ અને રિએન્જટની ખરીદી તાત્કાલિક ધોરણે કરવા તમામ પ્રયાસો હાથ ધરવા પડશે અને તેમને આખા દેશની પ્રયોગશાળાઓમાં પહોંચાડવા પડશે. તેમણે એવી પણ સૂચના આપી હતી કે, રાજ્ય સરકારો તમામ પર્યાપ્ત સુવિધાઓ ધરાવે એવી ખાતરી આપવી પડશે અને તેમને ટેસ્ટિંગ કિટ, રિએજન્ટ કે ઉપકરણની કોઈ ખેંચ નહીં પડે એવી સુનિશ્ચિતતા કરવી પડશે. તેમણે એવી પણ જાણકારી આપી હતી કે, પ્રયોગશાળા/પરીક્ષણ સુવિધાઓ ન ધરાવતા રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોને વધારે ટેકો આપવો પડશે, ખાસ કરીને ઉત્તરપૂર્વી રાજ્યો અને લદ્દાખનાં કેન્દ્રશાસિત પ્રદેશને.

તેમણે વધુમાં સૂચના આપી હતી કે, તમામ પ્રયાસો એ સુનિશ્ચિત કરવાની દિશામાં હોવા જોઈએ કે સરકારે ખરીદ કરેલી ટેસ્ટિંગ કિટ્સની કે ખાનગી પ્રયોગશાળાઓના પરીક્ષણની ગુણવત્તા સાથે સમાધાન નહીં થાય અને કિટની ગુણવત્તાની આકારણી નિયમિત રીતે થશે. તેમણે એવી પણ સૂચના આપી હતી કે, આ માટે સ્વચ્છ ગુણવત્તા નિયંત્રણ વ્યવસ્થા અને આચારસંહિતાની જરૂરિયાતો વિકસાવવામાં આવશે તથા આઇસીએમઆર દ્વારા તાત્કાલિક રીતે અમલ થશે, જેથી તમામ પ્રયોગશાળાઓ દ્વારા રોજિંદા ધોરણે ગુણવત્તા સુનિશ્ચિત થાય છે.

ડૉ. હર્ષવર્ધને એવું પણ જણાવ્યું હતું કે, કોવિડ-19ને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો સાથે સંશોધન કાર્ય ચાલુ રહેવું જોઈએ. તેમણે વિજ્ઞાનીઓની પ્રશંસા કરી હતી કે, ભારતે આ કટોકટીમાં મુઠ્ઠી ઊંચેરુ કામ કરવું જોઈએ અને ભારતની સાથે દુનિયામાં સમાધાન વિકસાવવું જોઈએ.

આ બેઠકમાં આઇસીએમઆરના ડીજી ડૉ. બલરામ ભાર્ગવ, ડીબીટીના સચિવ ડો. રેણુ સ્વરૂપ, સીએસઆઇઆરનાં ડીજી ડો. શેખર માંડે, ડીએસટીના સચિવ ડો. આશુતોષ શર્મા, સીએસઆઇઆર-આઇજીઆઇબીના ડાયરેક્ટર ડૉ. અનુરાગ અગ્રવાલ, આઇસીએમઆરના વરિષ્ઠ વિજ્ઞાની ડૉ. રામન આર ગંગાખેડકર તેમજ આઇસીએમઆરનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને વિજ્ઞાનીઓ ઉપસ્થિત હતા.

GP/RP

*****


(Release ID: 1609633) Visitor Counter : 247