પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિવિધ રેડિયો જોકી સાથે વાત કરી


કોવિડ-19ના પડકારને ઝીલવા સકારાત્મકતા સાથે એકતાનો અભિગમ ચાવીરૂપ છેઃ પ્રધાનમંત્રી

આરજે લાખો ભારતીય ઘરોના પરિવારના સભ્યો સમાન છે – તેમણે સકારાત્મક સંદેશ ફેલાવવો જોઈએઃ પ્રધાનમંત્રી

રાષ્ટ્રીય સ્તરે સ્થાનિક હીરોના પ્રદાનની સતત પ્રશંસા કરીને તેમનો જુસ્સો વધારવાની જરૂર છેઃ પ્રધાનમંત્રી

આરજેએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી એમના પરિવારનાં સભ્ય છે, કારણ કે તેઓ પણ વર્ષ 2014થી મન કી બાતનું સંચાલન કરે છે; કોવિડ-19 સામેની લડાઈમાં દેશનો અવાજ બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ રેડિયો જોકી (આરજે) સાથે વાત કરી હતી

Posted On: 27 MAR 2020 6:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ કોવિડ-19 વિશે જાગૃતિ લાવવામાં આ તમામ આરજે દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લૉકડાઉનમાં પણ તમામ આરજે તેમની જવાબદારી અદા કરી રહ્યાં છે અને ઘરેથી તેમના કાર્યક્રમોનું રેકોર્ડિંગ કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમોની પહોંચ દ્વારા તમામ આરજે લાખો ભારતીય ઘરોના પરિવારોના સભ્યો સમાન છે. લોકો તેમને સાંભળાની સાથે તેમને અનુસરે છે. આ તમામ આરજે અંધશ્રદ્ધાઓ દૂર કરવા અને એનાથી દૂર કરવાની સાથે લોકોને પ્રેરિત કરવાની ભૂમિકા સપેરે અદા કરી રહ્યાં છે.

નિષ્ણાતોના અભિપ્રાયો વિશ માહિતીનો પ્રસાર કરવા અને સરકારના વિવિધ પગલાં વિશે જાણકારી આપવા ઉપરાંત પ્રધાનમંત્રીએ આ તમામ આરજેને લોકોને પડતી મુશ્કેલીઓ અને પડકારો વિશે પ્રતિભાવ આપવા પણ જણાવ્યું હતું, જેથી સરકાર તેમની લોકોની સમસ્યાને તરત સમજી શકે અને એનું સમાધાન લાવી શકે.

પ્રધાનમંત્રીએ સકારાત્મક કથાઓ અને અભ્યાસો વધુને વધુ જણાવવા બદલ તમામ આરજેની પ્રશંસા કરી હતી, ખાસ કરીને એવા દર્દીઓની જેઓ કોરોનાવાયરસ ઇન્ફેક્શનમાંથી સાજા થઈ ગયા છે અને દેશના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારનાં પ્રસંગોનું આદાન-પ્રદાન પણ કરવાની અપીલ  કરી હતી, જેથી આખો દેશ એકતાંતણે બંધાય. તેમણે તમામ આરજેને રાષ્ટ્રીય સ્તરે પોલીસ અધિકારીઓ, ડૉક્ટોર, નર્સો, વોર્ડ બોય્સ વગેરે જેવા સ્થાનિક હીરોના પ્રદાનની સતત પ્રશંસા કરવા અને લોકો સુધી તેમના પ્રદાનને પહોંચાડવા પણ જણાવ્યું હતું.

સંવેદનશીલતાના મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વાયરસથી ચેપ લાગવાના ડરને કારણે ડૉક્ટરો, હેલ્થકેર વર્કરો અને એરલાઇન સ્ટાફ સાથે દુર્વ્યવહાર કેટલી હદે અનુચિત છે એ વિશે જણાવવું મહત્ત્વપૂર્ણ છે, જેથી આ પ્રકારની સમસ્યાઓનું સમાધાન થાય. તેમણે જનતાને સતત સહાય માટે કાર્યરત પોલીસ કર્મચારીઓના સમર્પણ વિશે પણ જનતાને જાગૃતિ કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, લોકોએ પોલીસને સાથસહકાર આપવો જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે પોલીસે કડક હાથે કામ લેવાનું ટાળવું જોઈએ, ત્યારે જનતાએ પણ શિસ્તમાં રહેવું જરૂરી છે. 130 કરોડ ભારતીયોએ રોગચાળા સામેની લડાઈમાં રાષ્ટ્રીય સ્વયંસેવકો તરીકે લડવું જોઈએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે આ કસોટીના સમયે ગરીબ અને વંચિત વર્ગના સભ્યોને સહાય કરવા વિવિધ પગલાં લેવાની જાહેરાત કરી છે. આ જાહેરાતો વિશેની માહિતી લક્ષિત લાભાર્થીઓ સુધી ઝડપથી અને સમયસર પહોંચે એ મહત્ત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમૂહ સંચારના માધ્યમ તરીકે આરજે આ જાહેરાતો વિશે પોતાના શ્રોતાઓ સુધી માહિતી પહોંચાડવામાં સક્રિય ભૂમિકા અદા કરી શકે છે, તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેલ્ફ-ક્વૉરેન્ટાઇનના મહત્ત્વ વિશે જાણકારી આપી શકે છે.

પોતાના પ્રતિભાવમાં તમામ આરજેએ પોતાના સમુદાયનો જ ભાગ હોવાનું પ્રધાનમંત્રીને જણાવ્યું હતું, કારણ કે પ્રધાનમંત્રી પોતે વર્ષ 2014થી રેડિયો પર અતિ સફળ મન કી બાત કાર્યક્રમનું સંચાલન કરે છે. પ્રધાનમંત્રીના જનતા કર્ફ્યૂને અભૂતપૂર્વ પ્રતિસાદ અને મોખરે રહીને આ લડત લડતાં લોકોની પ્રશંસા કરવાના એમના નવીન વિચાર તરફ ધ્યાન દોરીને તમામ આરજેએ પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, તેમને રોગચાળા સામે લડવામાં દેશનો અવાજ બનવાની ખુશી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારી પ્રસારસેવા ઑલ ઇન્ડિયા રેડિયો અફવાઓ અટકાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે તમામ આરજેને અફવાઓના પ્રસારને નિયંત્રણમાં લેવા પણ કામ કરવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ તમામ આરજેને સમાજમાં રચનાત્મક અને સકારાત્મક અભિગમ સુનિશ્ચિત ક રવા કામ કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19 દ્વારા પડકારોનો સામનો સકારાત્મકતા સાથે કરવા એકતાનો અભિગમ ચાવીરૂપ છે.

આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ પણ સહભાગી થયા હતા.

GP/RP



(Release ID: 1608628) Visitor Counter : 198