પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોવિડ-19ના જોખમને લગતા જરૂરી પાસાઓ અંગે પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપાઠ

Posted On: 24 MAR 2020 8:57PM by PIB Ahmedabad

નમસ્કાર!

મારા વ્હાલા દેશવાસીઓ, હું આજે એક વાર ફરી, કોરોના વૈશ્વિક મહામારી પર વાત કરવા માટે તમારી વચ્ચે આવ્યો છું.

22 માર્ચના રોજ જનતા કરફ્યુનો જે સંકલ્પ આપણે લીધો હતો, એક રાષ્ટ્ર તરીકે તેની સિદ્ધિ માટે દરેક ભારતવાસીએ સંપૂર્ણ સંવેદનશીલતા સાથે, સંપૂર્ણ જવાબદારી સાથે પોતાનું યોગદાન આપ્યું.

બાળકો, વડીલો, નાના મોટા, ગરીબ મધ્યમ વર્ગ, ઉચ્ચ વર્ગ, દરેક વ્યક્તિ પરીક્ષાની આ ક્ષણમાં સાથે આવ્યા. જનતા કરફ્યુને દરેક ભારતવાસીએ સફળ બનાવ્યો. એક દિવસના જનતા કરફ્યુથી ભારતે દેખાડી દીધું કે જ્યારે દેશ પર સંકટ આવે છે, જ્યારે માનવતા પર સંકટ આવે છે તો કેવી રીતે આપણે બધા જ ભારતીયો સાથે મળીને, એકત્રિત થઈને તેમનો સામનો કરીએ છીએ.

તમે બધા જ જનતા કરફ્યુ માટે પ્રશંસાને પાત્ર છો.

સાથીઓ, તમે કોરોના વૈશ્વિક મહામારી અંગે વિશ્વની સ્થિતિના સમાચારોના માધ્યમથી સાંભળી પણ રહ્યા છો અને જોઈ પણ રહ્યા છો. તમે એ પણ જોઈ રહ્યા છો કે દુનિયાના સક્ષમમાં સક્ષમ દેશોને પણ કેવી રીતે આ મહામારીએ એકદમ લાચાર બનાવી દીધા છે. એવું નથી કે આ દેશો પ્રયાસ નથી કરી રહ્યા અથવા તેમની પાસે સંસાધનોની ઉણપ છે. પરંતુ કોરોના વાયરસ એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે તમામ તૈયારીઓ અને પ્રયાસો હોવા છતાં, આ દેશોમાં આ પડકારો વધતા જઈ રહ્યા છે.

આ બધા જ દેશોના બે મહિનાઓના અધ્યયન વડે જે નિષ્કર્ષ નીકળી રહ્યો છે, અને નિષ્ણાતો પણ એ જ કહી રહ્યા છે કે કોરોના સામે અસરકારક રીતે લડવા માટે એકમાત્ર વિકલ્પ છે - સામાજિક અંતર (સોશિયલ ડિસટન્સ).

એટલે કે એકબીજાથી દૂર રહેવું, પોતાના ઘરોમાં જ બંધ રહેવું. કોરોનાથી બચવા માટે આના સિવાય કોઈ ઉપાય નથી, કોઈ માર્ગ નથી. કોરોનાને ફેલાતો અટકાવવો હોય, તો તેના ચેપની સાયકલને તોડવી જ પડશે. કેટલાક લોકોને એવો ભ્રમ છે કે સામાજિક અંતર એ માત્ર બીમાર લોકોની માટે જરૂરી છે.

એવું વિચારવું યોગ્ય નથી. સામાજિક અંતર દરેક નાગરિકની માટે છે, પ્રત્યેક પરિવાર માટે છે, પરિવારના પ્રત્યેક સભ્ય માટે છે. કેટલાક લોકોની બેદરકારી, કેટલાક લોકોની ખોટી વિચારધારા, તમને, તમારા બાળકોને, તમારા માતા-પિતાને, તમારા પરિવારને, તમારા મિત્રોને, સમગ્ર દેશને ખૂબ મોટી મુશ્કેલીમાં નાંખી દેશે. જો આવી બેદરકારી આમ જ ચાલતી રહી તો ભારતને તેની કેટલી મોટી કિંમત ચૂકવવી પડી શકે છે, તેનો અંદાજ લગાવવો પણ અઘરો છે.

સાથીઓ, છેલ્લા 2 દિવસથી દેશના અનેક ભાગોમાં લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ પ્રયત્નોને ખૂબ જ ગંભીરતાથી લેવા જોઈએ. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો અને અન્ય દેશના અનુભવોને ધ્યાનમાં રાખીને, દેશ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યો છે. આજે રાત્રે 12 વાગ્યાથી આખા દેશમાં, ધ્યાનથી સાંભળજો, આખા દેશમાં, આજે રાત્રે 12 વાગ્યાથી સંપૂર્ણ દેશમાં, સંપૂર્ણ લૉકડાઉન થવા જઈ રહ્યું છે.

હિન્દુસ્તાનને બચાવવા માટે, હિન્દુસ્તાનના દરેક નાગરિકને બચાવવા માટે આજે રાત્રે 12 વાગ્યાથી, ઘરમાંથી બહાર નીકળવા પર, સંપૂર્ણ પાબંદી લગાવી દેવામાં આવી રહી છે.

દેશના દરેક રાજ્યને, દરેક કેન્દ્ર શાસિત પ્રદેશને, દરેક જિલ્લાને, દરેક ગામને, દરેક કસ્બાને, દરેક ગલી-મહોલ્લાને હવે લૉકડાઉન કરવામાં આવી રહ્યા છે. આ એક રીતે કરફ્યુ જ છે. જનતા કરફ્યુથી પણ કેટલાક પગલા આગળની વાત, જનતા કરફ્યુ કરતા પણ વધુ કડક.

કોરોના મહામારી વિરુદ્ધ નિર્ણાયક યુદ્ધની માટે આ પગલુ હવે ખૂબ જરૂરી બની ગયું છે. નિશ્ચિતપણે આ લૉકડાઉનની એક આર્થિક કિંમત દેશને ભરવી પડશે.

પરંતુ એક એક ભારતીયના જીવનને બચાવવું એ અત્યારના સમયમાં મારી, ભારત સરકારની, દેશની દરેક રાજ્ય સરકારની, દરેક સ્થાનિક એકમની સૌથી મોટી પ્રાથમિકતા છે.

એટલા માટે મારી આપ સૌને પ્રાર્થના છે કે તમે અત્યારના સમયમાં દેશમાં જ્યાં પણ છો, ત્યાં જ રહો.

અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા, દેશમાં આ લૉકડાઉન 21 દિવસ સુધી રહેશે. આવનારા 21 દિવસ આપણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આરોગ્ય નિષ્ણાતોનું માનીએ તો કોરોના વાયરસના ચેપની સાયકલ તોડવા માટે ઓછામાં ઓછા 21દિવસનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ 21 દિવસમાં નહીં સંભાળીએ તો દેશ અને તમારો પરિવાર 21 વર્ષ પાછળ ચાલ્યો જશે. જો આ 21 દિવસ નહીં સંભાળીએ તો અનેક પરિવારો હંમેશા હંમેશા માટે બરબાદ થઇ જશે.

એટલા માટે બહાર નીકળવું એટલે શું એ 21 દિવસ માટે ભૂલી જાવ. ઘરમાં જ રહો, ઘરમાં જ રહો અને એક જ કામ કરો કે ઘરમાં જ રહો.

સાથીઓ,

આજના નિર્ણયે, દેશવ્યાપી લૉકડાઉને તમારા ઘરના દરવાજા ઉપર એક લક્ષ્મણ રેખા ખેંચી દીધી છે. તમારે એ યાદ રાખવાનું છે કે ઘરમાંથી બહાર જનારું તમારું એક માત્ર પગલું, કોરોના જેવી ગંભીર મહામારીને તમારા ઘરમાં લાવી શકે છે. તમારે એ યાદ રાખવાનું છે કે ઘણીવાર કોરોનાથી અસરગ્રસ્ત વ્યક્તિ શરૂઆતના દિવસમાં એકદમ સ્વસ્થ જણાય છે, તેને ચેપ લાગ્યો છે તેની ખબર નથી પડતી.

એટલા માટે સાવધાની જાળવો, તમારા ઘરોમાં જ રહો.

જોકે, જે લોકો ઘરોમાં છે, તેઓ સોશિયલ મીડિયા પર નવી-નવી રીતે, ખૂબ ઇનોવેટીવ રીતે આ વાતને કહી રહ્યા છે. એક બેનર મને પણ પસંદ આવ્યું છે. તે હું તમને પણ બતાવવા માગું છું. કોરોના એટલે કોઈ રોડ પર ના નીકળે.

સાથીઓ,

નિષ્ણાતોનું એવું પણ કહેવાનું છે કે આજે જો કોઈ વ્યક્તિમાં કોરોના વાયરસ પહોંચે છે તોતેના શરીરમાં તેના લક્ષણો દેખાતા કેટ કેટલાક દિવસો લાગી જાય છે.

આ સમયગાળા દરમિયાન તે જાણે અજાણે તે પ્રત્યેક વ્યક્તિને ચેપ લગાડી દે છે જે તેના સંપર્કમાં આવે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ જણાવે છે કે આ મહામારીનો ચેપ ધરાવતો એક વ્યક્તિ માત્ર એક અઠવાડિયા-દસ દિવસમાં જ સેંકડો લોકો સુધી આ બીમારી પહોંચાડી શકે છે.

એટલે કે તે આગની જેમ ઝડપથી ફેલાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનો જ અન્ય એક આંકડો ખૂબ મહત્વપૂર્ણ છે.

સાથીઓ,

વિશ્વમાં કોરોના વાયરસનો ચેપ ધરાવતા વ્યક્તિઓની સંખ્યાને પહેલા 1 લાખ સુધી પહોંચવામાં 67 દિવસ લાગી ગયા હતા. તે પછી માત્ર 11 દિવસમાં જ એક લાખ નવા લોકોને ચેપ લાગી ગયો હતો.

જરા વિચારો,

પહેલા એક લાખ લોકોને ચેપ લાગવામાં 67 દિવસ લાગ્યા અને પછી તેને 2 લાખ લોકો સુધી પહોંચવામાં માત્ર 11 દિવસ લાગ્યા. તે હજુ પણ એટલું ભયંકર છે કે બે લાખ ચેપ ધરાવતા લોકોમાંથી ત્રણ લાખ લોકો સુધી આ બીમારી પહોંચવામાં માત્ર ચાર દિવસ લાગ્યા. તમે અંદાજો લગાવી શકો છો કે કોરોના વાયરસ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. અને જ્યારે આ ફેલાવાનું શરુ કરે છે, તો તેને રોકવો અત્યંત મુશ્કેલ હોય છે.

સાથીઓ,

આ જ કારણ છે કે ચીન, અમેરિકા, ફ્રાંસ, જર્મની, સ્પેન, ઇટલી, ઈરાન જેવા દેશોમાં જ્યારે કોરોના વાયરસે ફેલાવાનું શરુ કર્યું તો પરિસ્થિતિ બેકાબુ બની ગઈ. અને એ પણ યાદ રાખો, ઇટલી હોય કે અમેરિકા, આ દેશોની આરોગ્ય સેવાઓ, આખી દુનિયામાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમ છતાં, આ દેશ કોરોનાનો પ્રભાવ ઓછો ન કરી શક્યા. પ્રશ્ન એ છે કે આ સ્થિતિમાં આશાનું કિરણ ક્યાં છે? ઉપાય શું છે, વિકલ્પ કયા છે?

સાથીઓ,

કોરોના સામે લડવા માટે આશાનું કિરણ, તે દેશો પાસેથી મળેલા અનુભવો છે જે કોરોનાને અમુક હદ સુધી નિયંત્રિત કરી શક્યા. અઠવાડિયાઓ સુધી આ દેશોના નાગરિકો ઘરોમાંથી બહાર નથી નીકળ્યા, આ દેશોના નાગરિકોએ સો ટકા સરકારી નિર્દેશોનું પાલન કર્યું અને એટલા માટે આ કેટલાક દેશ હવે આ મહામારી બહાર આવવા તરફ આગળ વધી રહ્યા છે.

આપણે પણ એવું માનીને ચાલવું જોઈએ કે આપણી સામે આ એક જ રસ્તો છે - આપણે ઘરમાંથી બહાર નથી નીકળવાનું. ભલે જે પણ થવાનું હોય તે થઇ જાય, ઘરમાં જ રહેવાનું છે. કોરોનાથી ત્યારે જ બચી શકાય તેમ છે જ્યારે ઘરની લક્ષ્મણ રેખાને ઓળંગવામાં ન આવે. આપણે આ મહામારીના વાયરસના ચેપને રોકવાનો છે, તેને ફેલાવવાની ચેઇનને તોડવાની છે.

સાથીઓ,

ભારત આજે એ સ્ટેજ પર છે જ્યાં આપણા આજના કાર્યો નક્કી કરશે કે આ મોટી આપત્તિના પ્રભાવને આપણે કેટલો ઓછો કરી શકીએ તેમ છીએ. આ સમય આપણા સંકલ્પએ વારંવાર મજબૂત કરવા માટેનો છે. આ સમય ડગલે ને પગલે સંયમ જાળવવાનો છે.

તમારે યાદ રાખવાનું છે - જીવન છે તો દુનિયા છે.

સાથીઓ,

આ ધૈર્ય અને શિસ્તની ક્ષણ છે. જ્યાં સુધી દેશમાં લૉકડાઉનની સ્થિતિ છે, આપણે આપણો સંકલ્પ નિભાવવાનો છે, આપણું વચન નિભાવવાનું છે. મારી તમને પ્રાર્થના છે કે ઘરોમાં રહીને તમે એ લોકો વિષે વિચાર કરો, તેમના માટે મંગલકામનાઓ કરો કે જેઓ પોતાનું કર્તવ્ય નિભાવવા માટે, પોતાની જાતને જોખમમાં નાખીને કામ કરી રહ્યા છે.

તે ડૉક્ટર્સ, તે નર્સો, પેરા મેડીકલ સ્ટાફ, પેથોલોજીસ્ટ વિશે વિચારો, જેઓ આ મહામારી વડે એક એક જીવનને બચાવવા માટે, દિવસ રાત દવાખાનામાં કામ કરી રહ્યા છે. દવાખાના વહીવટના લોકો, એમ્બ્યુલન્સ ચલાવનારા ડ્રાઈવર, વોર્ડ બોય્ઝ, તે સફાઈ કર્મચારીઓ વિશે વિચારો જેઓ આ મુશ્કેલ ઘડીમાં બીજાઓની સેવા કરી રહ્યા છે.

તમે તે લોકો માટે પ્રાર્થના કરો જે તમારી સોસાયટી, તમારા મહોલ્લાઓ, તમારા રસ્તાઓ, સાર્વજનિક સ્થાનોને સેનીટાઇઝ કરવામાં લાગેલા છે, જેનાથી આ વાયરસનું નામોનિશાન ના બચે.

તમને સાચી જાણકારી આપવા માટે 24 કલાક કામ કરી રહેલા મીડિયાના લોકોના વિષયમાં પણ વિચારો, જેઓ ચેપનું જોખમ ઉઠાવીને રસ્તાઓ પર છે, દવાખાનાઓમાં છે.

તમે તમારી આસપાસના પોલીસ કર્મચારીઓના વિષયમાં વિચારો જેઓ પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વિના, તમને બચાવવા માટે દિવસ રાત ફરજ પર ઉભા છે, અને કેટલીય વાર લોકોનો ગુસ્સો પણ સહન કરી રહ્યા છે.

સાથીઓ,

કોરોના વૈશ્વિક મહામારીથી ઉત્પન્ન થયેલ પરિસ્થિતિઓની વચ્ચે, કેન્દ્ર અને દેશભરની રાજ્ય સરકારો ઝડપથી કામ કરી રહી છે. રોજબરોજની જિંદગીમાં લોકોને અસુવિધા ઉભી ન થાય, તેના માટે સતત પ્રયત્ન કરી રહી છે. તમામ જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જળવાયેલ રહે, તેના માટે બધા જ ઉપાયો કરવામાં આવ્યા છે અને આગળ પણ કરવામાં આવશે. નિશ્ચિતપણે સંકટની આ ઘડી, ગરીબોની માટે પણ ખૂબ કપરો સમય લઈને આવી છે.

કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોની સાથે સમાજના અન્ય સંગઠન, સિવિલ સોસાયટીના લોકો, ગરીબોને તકલીફ ઓછી પડે, તેની માટે સતત લાગેલા છીએ. ગરીબોની મદદ માટે અનેકો લોકો સાથે આવી રહ્યા છે.

સાથીઓ,

જીવન જીવવા માટે જે જરૂરી છે, તેના માટે બધા જ પ્રયાસોની સાથે જ જીવન બચાવવા માટે જે જરૂરી છે, તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જ પડશે. આ નવી મહામારી સામે લડવા માટે દેશની સ્વાસ્થ્ય સુવિધાઓને તૈયાર કરવાનું કામ કેન્દ્ર સરકાર સતત કરી રહી છે.

વિશ્વ આરોગ્ય સંગઠન, ભારતના મોટા ચિકિત્સા અને સંશોધન સંસ્થાનો તથા સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ અને સૂચનો પર કાર્ય કરીને સરકારે સતત નિર્ણયો લીધા છે. હવે કોરોનાના દર્દીઓની સારવાર માટે, દેશના આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે આજે 15 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

તેનાથી કોરોના સાથે જોડાયેલ ટેસ્ટીંગ ફેસિલિટી, ખાનગી સુરક્ષા સાધનો, આઇસોલેશન બેડ્સ, આઈસીયુ બેડ્સ, વેન્ટીલેટર્સ, અને અન્ય જરૂરી સાધનોની સંખ્યા ઝડપથી વધારવામાં આવશે. સાથે જ મેડીકલ અને પેરામેડીકલ મેનપાવરને તાલીમ આપવાનું કામ પણ કરવામાં આવશે.

મેં રાજ્ય સરકારોને વિનંતી કરી છે કે અત્યારના સમયમાં તેમની પહેલી પ્રાથમિકતા, માત્ર અને માત્ર આરોગ્ય સેવાઓ જ હોવી જોઈએ, આરોગ્ય કાળજી એ જ પ્રાથમિકતા હોવી જોઈએ.

મને સંતોષ છે કે દેશનું ખાનગી ક્ષેત્ર પણ સંપૂર્ણ રીતે ખભે ખભો મિલાવીને સંકટ અને મહામારીની આ ઘડીમાં દેશવાસીઓની સાથે ઉભું છે.

ખાનગી લેબ, ખાનગી દવાખાનાઓ, બધા જ આ પડકારજનક સમયગાળામાં સરકારની સાથે કામ કરવા માટે આગળ આવી રહ્યા છે. પરંતુ સાથીઓ, એ પણ ધ્યાન રાખો કે આવા સમયમાં જાણે અજાણે કેટલીકવાર અફવાઓ પણ ફેલાય છે.

મારો તમને આગ્રહ છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ અને અંધવિશ્વાસથી બચજો. તમારા દ્વારા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મેડીકલ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અને સૂચનોનું પાલન કરવું ખૂબ જરૂરી છે.

મારી તમને પ્રાર્થના છે કે આ બીમારીના લક્ષણો દરમિયાન, ડૉક્ટરની સલાહ લીધા વિના, કોઇપણ દવા ન લેશો. કોઇપણ પ્રકારની છેડછાડ, તમારા જીવનને વધારે જોખમમાં નાખી શકે તેમ છે.

સાથીઓ,

મને વિશ્વાસ છે દરેક ભારતવાસી સંકટની આ ઘડીમાં સરકારના, સ્થાનિક વહીવટના નિર્દેશોનું પાલન કરશે. 21 દિવસનું લૉકડાઉન, લાંબો સમય છે, પરંતુ તમારા જીવનની રક્ષા માટે, તમારા પરિવારની રક્ષા માટે તે એટલું જ મહત્વપૂર્ણ છે.

મને વિશ્વાસ છે, દરેક હિન્દુસ્તાની આ સંકટનો માત્ર સફળતાપૂર્વક સામનો જ નહીં કરે પરંતુ આ મુશ્કેલ ઘડીમાંથી વિજયી બનીને બહાર નીકળશે.

તમે તમારું ધ્યાન રાખો, તમારા લોકોનું ધ્યાન રાખો.

જય હિન્દ!

SD/DS/GP/RP



(Release ID: 1608063) Visitor Counter : 670