સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્ર સરકારે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ ખાતે આરોગ્યસંભાળ સેવાઓના દરો સ્પષ્ટ અને મુખ્ય સ્થાને પ્રદર્શિત કરવા વિનંતી કરી


કેન્દ્રીય આરોગ્ય સચિવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને આરોગ્યસંભાળના ખર્ચને પારદર્શક દર્શાવવા સંબંધિત જોગવાઈઓના અસરકારક અમલીકરણ માટે આહ્વાન કર્યું

આ પગલાંનો ઉદ્દેશ્ય દર્દીઓને માહિતગાર આરોગ્યસંભાળ નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવવાનો, બિલિંગ સંબંધિત વિવાદોને અટકાવવાનો અને આરોગ્યસંભાળ સેવાઓમાં વિશ્વાસ મજબૂત કરવાનો છે

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને મેડિકલ અને આયુષ વિઝા પર ભારતની મુલાકાતે આવતા આંતરરાષ્ટ્રીય દર્દીઓ માટે પેકેજ દરોના પારદર્શક પ્રદર્શનને પણ સુગમ બનાવવા વિનંતી કરવામાં આવી

પોસ્ટેડ ઓન: 12 OCT 2026 1:05PM by PIB Ahmedabad

પારદર્શિતા, જવાબદારી અને દર્દી-કેન્દ્રિત આરોગ્યસંભાળ વિતરણને મજબૂત બનાવવા તરફના એક નોંધપાત્ર પગલામાં, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) ને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ (તબીબી સંસ્થાઓ) દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓ અને સુવિધાઓ માટે લેવામાં આવતા દરોનું પ્રમુખતાથી પ્રદર્શન સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રીમતી પુણ્ય સલીલા શ્રીવાસ્તવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં લાગુ પડતી નિયમનકારી જોગવાઈઓના પાલનની સમીક્ષા કરવા અને આરોગ્યસંભાળ સેવા ચાર્જીસ વિશેની માહિતી દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓ માટે સ્પષ્ટપણે દ્રશ્યમાન અને સરળતાથી સુલભ હોય તે સુનિશ્ચિત કરવા યોગ્ય પગલાં લેવા માટે આહ્વાન કર્યું છે.

આરોગ્યસંભાળના ભાવ નિર્ધારણમાં પારદર્શિતાના મહત્વ પર ભાર મૂકતા, કેન્દ્રીય આરોગ્ય સચિવે નોંધ્યું હતું કે દરોનું વિશિષ્ટ પ્રદર્શન દર્દીઓ અને તેમના પરિવારોને સારવારના સંભવિત ખર્ચને સમજવામાં, માહિતગાર આરોગ્યસંભાળ નિર્ણયો લેવામાં અને તેમના તબીબી ખર્ચનું આયોજન કરવામાં મદદ કરશે. વધુ પારદર્શિતા નિવારી શકાય તેવી મૂંઝવણ અને બિલિંગ સંબંધિત વિવાદોને ઘટાડવામાં પણ મદદ કરશે, જ્યારે આરોગ્યસંભાળ વિતરણ પ્રણાલીમાં વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધારશે.

આ પત્ર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ, 2010 અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ (સેન્ટ્રલ ગવર્નમેન્ટ) રૂલ્સ, 2012 નો સંદર્ભ આપે છે, જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ માટે એક નિયમનકારી ફ્રેમવર્ક પૂરો પાડે છે. આ નિયમો હેઠળ, જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ કાયદો લાગુ થાય છે ત્યાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સે દર્દીઓ અને તેમના આશ્રિતોના લાભ માટે, પૂરી પાડવામાં આવતી દરેક પ્રકારની સેવા અને ઉપલબ્ધ સુવિધાઓ માટે વસૂલવામાં આવતા દરો સ્થાનિક ભાષા તેમજ અંગ્રેજીમાં, પ્રમુખ સ્થળે પ્રદર્શિત કરવા જરૂરી છે.

જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ કાયદો લાગુ થતો નથી, ત્યાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સનું નિયમન સંબંધિત રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ ફ્રેમવર્ક હેઠળ કરવામાં આવે છે, જેમાંથી કેટલાકમાં આરોગ્યસંભાળ સેવાઓ અને સુવિધાઓ માટેના દરોના પ્રદર્શન સંબંધિત જોગવાઈઓ પણ શામેલ છે.

આરોગ્ય એ રાજ્યનો વિષય છે અને લાગુ નિયામક જોગવાઈઓનો અમલ અને અમલીકરણ સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે છે તે સ્વીકારીને, કેન્દ્રીય આરોગ્ય સચિવે સંબંધિત સત્તાવાળાઓ મારફતે અસરકારક પાલન સુનિશ્ચિત કરવા માટે મુખ્ય સચિવોને આહ્વાન કર્યું છે.

આ પત્રમાં આંતરરાષ્ટ્રીય દર્દીઓ માટે આરોગ્યસંભાળની કિંમતમાં પારદર્શિતા જાળવવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ લાગુ પડતા કિસ્સાઓમાં, તબીબી વિઝા અથવા આયુષ વિઝા પર ભારત આવતા વિદેશી દર્દીઓ માટેના પેકેજ દરો સ્પષ્ટ અને મુખ્ય સ્થાને પ્રદર્શિત કરવા પ્રોત્સાહિત કરે. આનાથી આંતરરાષ્ટ્રીય દર્દીઓ માહિતીસભર પસંદગી કરી શકશે, કિંમતો અને બિલિંગ સંબંધિત ફરિયાદો ઘટાડવામાં મદદ મળશે અને તબીબી તથા આયુષ સારવાર માટેના વિશ્વસનીય સ્થળ તરીકે ભારતનું સ્થાન વધુ મજબૂત બનશે.

કેન્દ્રીય આરોગ્ય સચિવે આ મામલે મુખ્ય સચિવોનું ધ્યાન દોર્યું છે અને તેમને લાગુ નિયમો અનુસાર, સ્પષ્ટપણે દ્રશ્યમાન અને સરળતાથી સુલભ હોય તેવા સ્થળોએ દરો પ્રદર્શિત થાય તે સુનિશ્ચિત કરવા સહિત જરૂરી કાર્યવાહી માટે સંબંધિત સત્તાવાળાઓ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સને યોગ્ય એડવાઇઝરી જારી કરવા વિનંતી કરી છે.

આ પહેલ આરોગ્યસંભાળ વિતરણને વધુ પારદર્શક, જવાબદાર અને દર્દીઓની જરૂરિયાતો પ્રત્યે પ્રતિભાવશીલ બનાવવા માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે, અને સુનિશ્ચિત કરે છે કે આરોગ્યસંભાળના ચાર્જીસ અંગેની સ્પષ્ટ માહિતી સુધીની પહોંચ એ દર્દી-કેન્દ્રિત સંભાળનો એક અભિન્ન ભાગ બને.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2322221) મુલાકાતી સંખ્યા : 14