પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

પોસ્ટેડ ઓન: 30 AUG 2026 4:41PM by PIB Ahmedabad

મહામહિમ, મારા મિત્ર, મિસ્ટર પ્રેસિડેન્ટ, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના સાથીઓ, નમસ્કાર!

તાશ્કંદમાં મારું અને મારા પ્રતિનિધિમંડળનું જે આત્મીયતાથી સ્વાગત થયું, જે ઉષ્માથી સ્વાગત થયું તે માટે હું રાષ્ટ્રપતિજી અને ઉઝબેકિસ્તાનની જનતાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.

ઉઝબેકિસ્તાનની આ મારી ચોથી યાત્રા છે. આ આપણા સંબંધોની નિકટતા, નજીકના સંકલન અને આપણી ગાઢ મિત્રતાને દર્શાવે છે.

છેલ્લા લગભગ એક દાયકાથી મને રાષ્ટ્રપતિજી સાથે કામ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. આ દરમિયાન હું તેમને દસથી વધુ વખત મળી ચૂક્યો છું, મને મળવાની તક મળી છે.

તેમની સકારાત્મક અને દુરંદેશી વિચારસરણી, અને નિરંતર શીખતા રહેવાની ભાવના ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી છે. ભારત પ્રત્યેની તેમની ઊંડી મિત્રતા અને અતૂટ કટિબદ્ધતા માટે હું તેમનું હાર્દિક અભિનંદન કરું છું.

મિત્રો,

ઉઝબેકિસ્તાન મધ્ય એશિયાના હૃદયમાં છે, અને આ ક્ષેત્ર સાથે ભારતના જોડાણના હૃદયમાં છે.

ભારત અને ઉઝબેકિસ્તાનની વિચારસરણી અને આકાંક્ષાઓમાં ઊંડી સમાનતા છે. “યાંગી ઉઝબેકિસ્તાન” અને “વિકસિત ભારત 2047”, બંનેના કેન્દ્રમાં યુવાનો, નવીનતા, સર્વસમાવેશી વિકાસ અને આધુનિક ટેકનોલોજી છે. આ સહિયારા દ્રષ્ટિકોણ પર ચાલતા આપણે બંને દેશોના લોકોની ભલાઈ માટે કામ કરી રહ્યા છીએ.

આ વર્ષે આપણી વ્યૂહાત્મક ભાગીદારીના 15 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ વિશેષ પ્રસંગે અમે સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે. આજે અમે આપણી ભાગીદારીના આ નવા સ્વરૂપમાં ઝડપી ગતિ અને નક્કર પરિણામો સાથે આગળ વધવા માટેનો એક મહત્વાકાંક્ષી એજન્ડા તૈયાર કર્યો છે.

આપણો દ્વિપક્ષીય વેપાર એક બિલિયન ડોલર પાર કરી ચૂક્યો છે. હવે અમે 2030 સુધીમાં પાંચ બિલિયન ડોલર વેપારનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે અમે બજાર પહોંચ, જોડાણ, બેંકિંગ અને ચુકવણી સાથે જોડાયેલા વિષયો પર વ્યવસ્થિત રીતે આગળ વધીશું.

પાયાના માળખાના વિકાસમાં પરસ્પર લાભદાયી સહયોગ વધારવા માટે અમે મળીને કામ કરીશું. ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃત્રિમ બુદ્ધિમત્તા, જટિલ ખનિજો, સ્વચ્છ ઊર્જા, અવકાશ અને પરમાણુ ઊર્જામાં સહયોગ આપણા સંબંધોને ભવિષ્ય માટે તૈયાર બનાવી રહ્યો છે.

મિત્રો,

કૃષિ અને આરોગ્યમાં આપણી શક્તિઓ એકબીજાની પૂરક છે. ઉઝબેકિસ્તાનના બાગાયતના અનુભવ અને ભારતની આધુનિક કૃષિ પદ્ધતિઓને જોડીને અમે બંને દેશોની ખાદ્ય સુરક્ષામાં યોગદાન આપીશું.

ઉઝબેકિસ્તાનની ઔષધીય વનસ્પતિઓ અને ભારતની આયુર્વેદ નિપુણતા પણ એક કુદરતી મિશ્રણ છે. આજે પરંપરાગત ચિકિત્સા પર થયેલા કરારથી આપણા સંયુક્ત પ્રયાસોને બળ મળશે.

આપણો પ્રયાસ છે કે આપણી ભાગીદારી માત્ર બે રાજધાનીઓ સુધી સીમિત ન રહે. તેથી અમે આપણા શહેરો અને રાજ્યો વચ્ચે ભાગીદારી સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ. આ ભાગીદારીથી શહેરી વ્યવસ્થાપન, ઉદ્યોગ, શિક્ષણ, પ્રવાસન અને સંસ્કૃતિમાં સીધા જોડાણો નિરંતર વધતા રહેશે.

બંને દેશો વચ્ચે નજીકનો સંરક્ષણ અને સુરક્ષા સહયોગ આપણા ઊંડા પરસ્પર વિશ્વાસને દર્શાવે છે. આવનારા સમયમાં અમે બંને દેશોના સંરક્ષણ ઉદ્યોગો વચ્ચે સીધા જોડાણ, સહ-ઉત્પાદન અને સહ-વિકાસને પ્રોત્સાહન આપીશું.

આપણું માનવું છે કે આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદ સમગ્ર ક્ષેત્ર માટે ગંભીર પડકાર છે. આના વિરુદ્ધ શૂન્ય સહનશીલતા આપણો સંયુક્ત સંકલ્પ રહ્યો છે, અને આગળ પણ રહેશે.

મિત્રો,

આપણા સંબંધોના સૌથી ઊંડા મૂળ આપણી સહિયારી વિરાસતમાં છે. આજે અમે આને વધુ મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂક્યો.

ઉઝબેકિસ્તાનની બૌદ્ધ વિરાસત સ્થળોના સંરક્ષણ માટે અમે મળીને કામ કરીશું. બંને દેશોના યુવાનો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો વચ્ચે આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવું આપણી ઉચ્ચ પ્રાથમિકતા છે. બંને દેશો વચ્ચે પ્રવાસન વધારવા માટે આજે સહયોગ કાર્યક્રમ પર સહમતિ બની છે. મને ખુશી છે કે ઉઝબેકિસ્તાનમાં હિન્દી ભાષાને પ્રોત્સાહિત કરવા માટે આજે અમે શિષ્યવૃત્તિઓની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ.

રમતગમત પણ આપણા સહયોગના મહત્વપૂર્ણ પરિમાણ તરીકે ઊભરી રહી છે. ગયા વર્ષે ગોવામાં વીસ વર્ષીય ઉઝબેક ગ્રાન્ડમાસ્ટર સિંબારોવે ફિડે વર્લ્ડ કપ જીત્યો હતો. હવે નવેમ્બરમાં તેમનો મુકાબલો ભારતના વીસ વર્ષીય ચેસ ચેમ્પિયન ગુકેશ સાથે થવાનો છે. એક શતરંજ પર જ્યારે આ બે યુવા સિતારા સામ-સામે હશે, તો સ્વાભાવિક છે- આ મુકાબલા પર આખી દુનિયાની નજર હશે. આવતા મહિને સમરકંદમાં થવા જઈ રહેલા ચેસ ઓલિમ્પિયાડ માટે પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આવનારા સમયમાં કુરાશ અને કબડ્ડી જેવી પરંપરાગત રમતો પણ આપણી સ્પોર્ટ્સ ભાગીદારીને નવી ઊર્જા આપશે.

આજની ચર્ચાએ આપણા સંબંધોના ભવિષ્યની એક સ્પષ્ટ દિશા નક્કી કરી છે.

મજબૂત ભારત-ઉઝબેકિસ્તાન ભાગીદારી મધ્ય એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે એક શક્તિશાળી બળ બનશે.

મહામહિમ,

આપની મિત્રતા અને આજની સાર્થક ચર્ચા માટે એક વાર ફરી આપનો ખૂબ ખૂબ આભાર.

બે દિવસ પછી ઉઝબેકિસ્તાન પોતાની સ્વતંત્રતાની 35મી વર્ષગાંઠ ઉજવશે. હું 140 કરોડ ભારતવાસીઓ તરફથી આપને અને તમામ નાગરિકોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું.

ખૂબ ખૂબ આભાર.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2304712) મુલાકાતી સંખ્યા : 17
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Marathi , Manipuri