રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંદેશ

प्रविष्टि तिथि: 14 AUG 2026 7:53PM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ,

નમસ્તે!

  1. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આપ સૌને હું આ રાષ્ટ્રીય પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. હવે થોડા કલાકોમાં જ, આપણા દેશની આઝાદીના 80મા વર્ષનો શુભારંભ થશે. દેશ-વિદેશમાં રહેતા તમામ ભારતીયો આ પર્વને ઉલ્લાસભેર ઉજવે છે. આપણો તિરંગો આપણી સ્વાધીનતાનું પ્રતીક છે. આપણે સંપૂર્ણ ગૌરવથી તેને ફરકાવીએ છીએ.
  2. 15 ઓગસ્ટના દિવસે ભારત માતાને ગુલામીની બેડીઓમાંથી આઝાદી મળી. તમામ દેશવાસીઓ, સ્વતંત્ર ભારતના ભાગ્યના શિલ્પી બન્યા. આપણે, ભારતના લોકો, આપણા સપનાઓને સાકાર કરવાની તકોનો લાભ લઈ શકીએ અને ભારતને શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવાની ભાવનાથી કામ કરીએ - આ જ સ્વતંત્રતાની સાર્થકતા છે.
  3. નિષ્ઠાવાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વિકાસ માટે તત્પર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો, સ્વાસ્થ્ય સેવાઓમાં કાર્યરત ડૉક્ટરો અને આરોગ્યકર્મીઓ, મહેનતુ શ્રમિકો અને અન્નદાતા ખેડૂતો, તેમના પ્રયાસોથી રાષ્ટ્રનું નિર્માણ કરી રહ્યા છે. પ્રતિભાશાળી ખેલાડીઓ, કસબીઓ અને કલાકારો, માર્ગદર્શક બુદ્ધિજીવીઓ, ખાનગી અને જાહેર ક્ષેત્રની ટીમોના કર્મઠ સભ્યો, જનહિતમાં સેવા આપી રહેલા લોક પ્રતિનિધિઓ, ન્યાયતંત્રમાં સંકળાયેલા ન્યાયકર્મીઓ, કાર્યનિષ્ઠ નાગરિક સેવકો, અર્થતંત્રમાં યોગદાન આપી રહેલા નાના-મોટા તમામ રોકાણકારો, નિઃસ્વાર્થ સામાજિક કાર્યકરો અને સ્વચ્છતા અભિયાનના અગ્રણી કાર્યકરો - આપણા તમામ સફાઇ-મિત્રો દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. અન્ય ક્ષેત્રોમાં સક્રિય અગણિત દેશવાસીઓ તથા બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજોનું પાલન કરી રહેલા તમામ નાગરિકો, રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. હું આ તમામ લોકોની અંતઃકરણપૂર્વક પ્રશંસા કરું છું. સેનાની ત્રણેય પાંખના જવાનો, તમામ સશસ્ત્ર પોલીસ દળો અને પોલીસ કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા બદલ તેમની વિશેષરૂપે પ્રશંસા કરું છું. વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા વધારનારા વિદેશમાં વસતા ભારતીયો અને દૂતાવાસોમાં કામ કરતા દેશવાસીઓની હું પ્રશંસા કરું છું.

પ્રિય દેશવાસીઓ,

  1. સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આપણે આગળ વધી રહ્યા છીએ. અંત્યોદયની ભાવના સાથે, આપણે સંકલ્પબદ્ધ છીએ કે વિકાસના લાભો દરેક વ્યક્તિ સુધી પહોંચે. આપણા સમૃદ્ધ વારસા અને આપણા સ્વતંત્રતાના સંગ્રામના આદર્શોને અપનાવીને, આપણે આધુનિક વિકાસના માર્ગે આગળ વધી રહ્યા છીએ. વયં રાષ્ટ્રે જાગૃયામ – આ વેદ-વાક્ય આપણને રાષ્ટ્ર માટે સદાય જાગૃત રહેવાની પ્રેરણા આપે છે.
  2. આપણા સ્વાતંત્ર્યના સંગ્રામમાં લડનારા અલગ-અલગ વિચારધારાના લોકોનું લક્ષ્ય એક જ હતું - ભારતની આઝાદી. સ્વદેશી આંદોલન દરમિયાન, “વંદે માતરમ્દરેક દેશવાસીનું ગીત બની ગયું ગતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નેતૃત્વમાં, અસંખ્ય દેશવાસીઓ સ્વતંત્રતાના સંગ્રામમાં જોડાયા. બાબાસાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે સમાજ સુધારણા અને રાષ્ટ્ર-નિષ્ઠાના ઉચ્ચ આદર્શો રજૂ કર્યા. ભારતમાતાના એ તમામ મહાન સપૂતોને હું સાદર વંદન કરું છું, જેમના આદર્શોને અનુસરીને આપણો દેશ આઝાદ થયો અને આગળ વધ્યો.
  3. આજે, 14 ઓગસ્ટના દિવસને આપણે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવીએ છીએ. આપણે એ તમામ લાખો દેશવાસીઓને યાદ કરીએ છીએ જેમણે દેશના ભાગલા સાથે સંકળાયેલી હિંસામાં જીવ ગુમાવ્યો હતો અથવા સ્થળાંતરણની પીડા વેઠવા મજબૂર થયા હતા. સાંપ્રદાયિક હિંસાને કારણે લાખો લોકોએ શરણાર્થી બનવું પડ્યું અને ભાગલાની વિભીષિકા સહન કરવી પડી હતી. છતાં, તેમણે પોતાની ઓળખ છોડી ન હતી.
  4. જ્યારે આપણો દેશ સ્વતંત્ર થયો, ત્યારે દેશના ભાગલાના ગંભીર પરિણામોની સાથે-સાથે, 550 થી વધુ રજવાડાનું નવા સ્વતંત્ર ભારતમાં વિલિનીકરણ કરવાનો પડકાર પણ હતો. સરદાર પટેલે રાજાશાહી વ્યવસ્થાને નાબૂદ કરી અને તેમને આપણી સ્વતંત્ર લોકશાહીમાં સંમિલિત કર્યા. એક કૃતજ્ઞ રાષ્ટ્ર વતી, હું આધુનિક ભારતની એકતાના શિલ્પી, લોખંડી પુરુષ, સરદાર વલ્લભભાઈ પટેલની પાવન સ્મૃતિમાં તેમને સાદર વંદન કરું છું.

પ્રિય દેશવાસીઓ,

  1. ભારતના લોકો” દ્વારા ઘડવામાં આવેલું આપણું બંધારણ લોક ભાગીદારી પર આધારિત છે. લોકશાહીની જનેતા ભારતભૂમિના નાગરિકોમાં લોકભાગીદારીની ભાવના હંમેશા સ્થાપિત રહી છે. આ ભાવનાને, નવી ઊર્જા સાથે, આપણા દેશવાસીઓ આગળ ધપાવી રહ્યા છે. રાષ્ટ્રીય અભિયાનોને લોકભાગીદારી સાથે આગળ વધારવામાં આવી રહ્યા છે. આ આપણી લોકશાહીની પ્રેરણાદાયી સિદ્ધિ છે.
  2. પ્રતિષ્ઠા અને તકોની સમાનતા, તથા નાગરિકોનું ગૌરવ, આપણા બંધારણના મુખ્ય આદર્શો છે. આજે, સામાન્ય પરિવારના લોકો અનેક ક્ષેત્રોમાં અસામાન્ય યોગદાન આપી રહ્યા છે. આનાથી, મારો વિશ્વાસ વધુ મજબૂત બની રહ્યો છે કે, આજના ભારતમાં, દરેક વ્યક્તિ મોટા સપના જોઈ શકે છે અને તેને સાકાર પણ કરી શકે છે.
  3. આપણા બંધારણમાં કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્રની જવાબદારીઓનો સ્પષ્ટ ઉલ્લેખ છે. લોકપ્રતિનિધિઓનું કર્તવ્ય છે કે તેઓ ધારાસભામાં લોકોની આકાંક્ષાઓ અભિવ્યક્ત કરે. કારોબારીનું કર્તવ્ય છે કે, જનહિત અને દેશહિતની નીતિઓનો અમલ કરે. ન્યાયતંત્ર સાથે સંકળાયેલા દરેક વ્યક્તિનું કર્તવ્ય છે કે, અભાવના કારણે કોઈપણ વ્યક્તિ ન્યાયથી વંચિત ન રહી જાય. દરેક નાગરિક, ખાસ કરીને વંચિત લોકોને સમાનતાના આધારે, સન્માન સાથે અને ખાસ કરીને સમયસર ન્યાય મળવો જોઈએ.

પ્રિય દેશવાસીઓ,

  1. છેલ્લા એક દાયકા કરતાં થોડા વધુ સમયમાં આપણા દેશે,
  • ઝડપથી સહિયારો વિકાસ કર્યો છે,
  • વારસા અને વિકાસ વચ્ચે તાલમેલને પ્રાથમિકતા આપી છે અને
  • વિકાસમાં અડચણરૂપ દાયકાઓ જૂના અનેક અવરોધોને દૂર કર્યા છે.
  1. આપણા દેશવાસીઓ મહાત્મા જ્યોતિબા ફૂલેની 200મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે. મહાત્મા ફુલે અને ક્રાંતિ-જ્યોતિ સાવિત્રીબાઈ ફુલેએ સામાજિક ન્યાય, શિક્ષણ, નારી સશક્તિકરણ અને સમાનતાના ક્ષેત્રમાં ઐતિહાસિક યોગદાન આપ્યું છે. તેમના આદર્શોનું પાલન કરીને, વિતેલા કેટલાંક વર્ષોમાં વંચિત વર્ગોના ઉત્કર્ષના લક્ષ્યને રાષ્ટ્રીય પ્રાથમિકતા આપવામાં આવી છે. મહિલાઓના શિક્ષણના ક્ષેત્રમાં સફળતાના નવા માપદંડ સ્થાપિત થયા છે. 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી મુક્તિ અપાવવામાં સફળતા મળી છે. વિશ્વની સૌથી મોટી આર્થિક સમાવેશની યોજના, “પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ, આશરે 59 કરોડ ખાતાધારકોને બેંકિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા છે, જેમાં 32 કરોડથી વધુ મહિલા ખાતાધારકો પણ છે. 80 કરોડ લોકો માટે વિનામૂલ્યે રાશનની વ્યવસ્થા કરીને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાઅંતર્ગત, 60 કરોડ લોકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સુવિધા પૂરી પાડવામાં આવે છે. કિસાન સન્માન નિધિ અને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેતી, ડેરી, મરઘાં ઉછેર, મત્સ્યપાલન અને મધમાખી ઉછેર જેવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ખેડૂત ભાઈઓ-બહેનોને સહાય મળી છે.
  2. દુનિયાનો ઇતિહાસ સાક્ષી છે કે, સાંસ્કૃતિક આત્મબળ પર આધારિત વિકાસ ગતિશીલ અને ચિરસ્થાયી હોય છે. આજે, દેશમાં એ ચેતના વધુ બળવાન થઈ રહી છે કે સાંસ્કૃતિક ગૌરવની ભાવના દેશના સાર્વભૌમત્વને આત્મિક શક્તિ આપે છે. આપણા પૂર્વજોએ જ્ઞાન-વિજ્ઞાન, કળા-સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સદાચારનો અમૂલ્ય વારસો આપ્યો છે. આપણે વારસા અને વિકાસ વચ્ચે સંતુલન રાખીને આગળ વધી રહ્યા છીએ.
  3. આપણા દેશમાં વિશ્વનું સૌથી મોટું અને સૌથી સારું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે. ગામડાંની નાની-નાની દુકાનો અને શેરી વિક્રેતાઓને પણ ડિજિટલ પેમેન્ટ થઈ રહ્યા છે. વિશ્વમાં અડધાથી વધુ રીઅલ-ટાઇમમાં થતી ડિજિટલ લેવડ-દેવડો ભારતમાં થઈ રહી છે. આપણા દેશવાસીઓ અને સરકારે સાથે મળીને વૈશ્વિક સમુદાય સમક્ષ ડિજિટલ ક્રાંતિનું દૃષ્ટાંત રજૂ કર્યું છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને, સરકારે જનકલ્યાણની સેવાઓને પારદર્શક રીતે દરેક નાગરિક સુધી પહોંચાડી છે.
  4. આપણા દેશમાં ધોરીમાર્ગો, જળમાર્ગો, રેલવે અને હવાઈમાર્ગોના રૂપમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું અભૂતપૂર્વ વિસ્તરણ થયું છે. આનાથી નવા ઉદ્યોગો માટે તકો ઊભી થઈ રહી છે, નવી નોકરીઓનું સર્જન થઈ રહ્યું છે અને રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો છે.

પ્રિય દેશવાસીઓ,

  1. વિશ્વના ઘણા પ્રદેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને અસ્થિરતાની અસર તમામ દેશો પર પડી રહી છે. આવી પરિસ્થિતિઓમાં પણ, આપણા દેશનું અર્થતંત્ર સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્રોમાંથી એક તરીકે આગળ વધી રહ્યું છે. આર્થિક અનુમાનો મુજબ ભારતનો વિકાસદર વૈશ્વિક સરેરાશ વિકાસદરની સરખામણીએ બમણાથી વધુ રહેશે. “આત્મનિર્ભર ભારત” અભિયાને આપણી આર્થિક પ્રગતિ અને રાષ્ટ્રીય સુરક્ષાનો પાયો મજબૂત બનાવ્યો છે.
  2. આધુનિક વિકાસના માર્ગે પ્રગતિ કરવાની સાથે-સાથે પર્યાવરણીય સંરક્ષણના ક્ષેત્રમાં પણ ભારત, વૈશ્વિક સ્તરે અગ્રણી યોગદાન આપી રહ્યું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ 2030ના કેટલાંક લક્ષ્યો તો આપણા દેશે નિર્ધારિત સમય પહેલાં જ પ્રાપ્ત કરી લીધા છે. અક્ષય ઊર્જાના વિકાસને છેલ્લા કેટલાક વર્ષોમાં અભૂતપૂર્વ વેગ મળ્યો છે.
  3. આપણી વિદેશ નીતિ દેશહિત પર આધારિત છે. શાંતિ, સહયોગ, સંવાદ અને વસુધૈવ કુટુંબકમના આદર્શો આપણી વિદેશ નીતિના આધારસ્તંભ છે. આર્થિક સહયોગ વધારવા અને પારસ્પરિક સંબંધોને ઘનિષ્ઠ બનાવવા માટે, આપણે અનેક દેશો સાથે મુક્ત વેપાર કરાર કર્યા છે. ગ્લોબલ સાઉથના દેશોમાં આપણે અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યા છીએ. વૈશ્વિક પટલ પર આપણા દેશનું સન્માન વધ્યું છે. આપણે નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં માનીએ છીએ. આપણો પ્રયાસ રહ્યો છે કે, સંયુક્ત રાષ્ટ્ર સહિત બહુપક્ષીય સંગઠનોમાં વૈશ્વિક સમુદાયનું યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થાય. આપણા આ પ્રયાસને અનેક દેશોનું મજબૂત સમર્થન મળી રહ્યું છે.

પ્રિય દેશવાસીઓ,

  1. કુદરતી સંસાધનો પર આપણી ભાવિ પેઢીઓનો પણ એટલો જ અધિકાર છે, જેટલો આપણો છે. આપણે સુનિશ્ચિત કરવાનું છે કે આપણા કોઈપણ કાર્યોથી આવનારી પેઢીઓને મળનારો આ અધિકાર સહેજ પણ ઓછો ન થાય. આપણો એવો પ્રયાસ રહેવો જોઈએ કે, આપણે તેમને હજુ વધુ સમૃદ્ધ કુદરતી સંસાધનો પૂરા પાડીએ. પર્યાવરણના સંરક્ષણ પ્રત્યેની આપણી આસ્થા આપણી પરંપરાનો એક ભાગ છે. સંતાલી ભાષામાં એક સરળ ગીતમાં ઊંડો સંદેશ આપ્યો છે. પંડિત રઘુનાથ મુર્મુ દ્વારા રચિત તે ગીતના કેટલાક શબ્દો છે કે:

દારે ગુજૂગ કાન યેલ તે

મિરુ ચેણેય રાગ બયહા દાયા હાયા ગે.

ગુજૂગ કાન આબોવા જાતિ ધરમ દારે

ચેદાગ બાબોન રાગ બયહા આબો અના યેલ તે.

 

આ ગીતમાં, એક વૃક્ષ સંપૂર્ણપણે સુકાઈ જવાથી રડી રહેલા પોપટનું વર્ણન કરતા કવિ કહે છે, “હે મારા ભાઈઓ! સુકાઈ રહેલું વૃક્ષ જોઈને પોપટ ઉદાસ અવાજમાં રડી રહ્યો છે. હે મારા ભાઈઓ! માનવ-સંસ્કૃતિરૂપી વૃક્ષનો વિનાશ થતો જોઈને આપણે, માનવ સમાજના લોકો, શા માટે વિલાપ નથી કરતા?” આ ગીતમાં એવો સંદેશ આપ્યો છે કે બધા માણસોએ માનવીય મૂલ્યો અને પ્રકૃતિનું રક્ષણ કરવા માટે તત્પર રહેવું જોઈએ. લીલુંછમ વૃક્ષ એ માનવ સમાજ નૈતિક અને સ્વસ્થ રહેવાનું પ્રતીક છે. “એક પેડ માં કે નામ” અને “લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયર્નમેન્ટ” એટલે કે લાઇફજેવા અભિયાનોની ભાવનાને ધ્યાનમાં રાખીને, પર્યાવરણનું જતન કરવા માટે સૌએ વ્યક્તિગત અને સામૂહિક પ્રયાસો કરવા જોઈએ.

મારા પ્રિય દેશવાસીઓ,

  1. મને એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે, શિક્ષણના ક્ષેત્રમાં આપણી દીકરીઓ પ્રભાવશાળી દેખાવ કરી રહી છે. સાથે જ, કૃષિ ઉત્પાદકતા વધારવામાં યોગદાન આપનારી ડ્રોન દીદીથી લઈને વાયુસેનામાં ફાઇટર કોમ્બેટ લીડર બનવા સુધી, વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. તાજેતરમાં જ ગ્લાસગોમાં સંપન્ન થયેલા કોમનવેલ્થ ગેમ્સ સમારંભમાં ભારતે જીતેલા 13 સુવર્ણ ચંદ્રકોમાંથી 8 સુવર્ણ ચંદ્રકો દીકરીઓ જીતી છે. મહિલાઓની આર્થિક આત્મનિર્ભરતા વધી રહી છે. સ્વ-સહાય સમૂહોમાં 10 કરોડથી વધુ મહિલા સભ્યો છે. ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. આ લક્ષ્ય હાંસલ થઈ ગયું છે. હવે આપણો દેશ ત્રણ કરોડ મહિલાઓને નવી લખપતિ દીદી બનાવવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. મુદ્રા યોજનાહેઠળ સહાય મેળવનારામાંથી લગભગ બે તૃતીયાંશ લાભાર્થીઓ મહિલાઓ છે.
  2. મહિલાઓની આર્થિક આત્મનિર્ભરતાના પ્રયાસોની સાથે-સાથે, આપણે જોઈ રહ્યા છીએ કે વિવિધ ક્ષેત્રોમાં તેઓ નેતૃત્વ કરી રહી છે. મતદાનમાં મહિલાઓની વધી રહેલી સહભાગીતા આપણા પ્રજાતંત્રની વિશેષ સફળતા છે. લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા પ્રતિનિધિત્વ અનામત રાખવા માટે 2023માં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કરવામાં આવ્યો છે. આ અધિનિયમનું લક્ષ્ય પ્રાપ્ત કરવાથી મહિલાઓનું નેતૃત્વ વધશે અને આપણી લોકશાહી વધુ સમાવેશી બનશે.
  3. ભારતની કુલ વસ્તીમાંથી 65 ટકા લોકોની ઉંમર 35 વર્ષથી ઓછી છે. આ યુવા વસ્તી આપણી સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. આપણા દેશના યુવાનો પ્રતિભાશાળી, પ્રતિબદ્ધ અને કૌશલ્યવાન છે. પાયાના સ્તરે, યુવાનો દ્વારા વિવિધ સમસ્યાઓ માટે આપવામાં આવતા આવિષ્કારી અને વ્યવહારુ ઉકેલો જોઈને મને સમાજ અને દેશ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પરિચય મળે છે. ફક્ત 28 વર્ષની સરેરાશ ઉંમરની યુવા ટીમ દ્વારા તાજેતરમાં કરાયેલા સફળ રોકેટ લોન્ચિંગથી અવકાશ સંશોધનનો એક નવો તબક્કો શરૂ થયો છે.
  4. આપણા અનેક યુવાનો સ્વરોજગારના માર્ગે આગળ વધીને રોજગારી આપવાની સંસ્કૃતિ અપનાવી રહ્યા છે. યુવા ઉદ્યોગસાહસિકોની સહભાગીતાથી આપણા દેશમાં એક મજબૂત સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનો વિકાસ થયો છે. વિશ્વના મોટા-મોટા ઉદ્યોગ-સાહસો ભારતના યુવાનોની પ્રતિભા અને ખંતથી પ્રભાવિત થાય છે અને તેમને નેતૃત્વની ભૂમિકાઓ માટે નિયુક્ત કરે છે. આવા યુવાનોએ વૈશ્વિક સમુદાયમાં ભારતની યુવાશક્તિની પ્રતિષ્ઠા વધારી છે. આપણી યુવા પેઢી ભારતના સ્વર્ણિમ ભવિષ્ય પ્રત્યે મારા વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે.
  5. આપણા વિદ્યાર્થીઓ ભારતના ભવિષ્યના શિલ્પી છે. જેવી રીતે રાષ્ટ્રીય સુરક્ષા માટે સરકાર અને સમાજની એકતા જરૂરી છે, એવી જ રીતે વિદ્યાર્થીઓના વર્તમાન અને ભવિષ્યની સુરક્ષા માટે પણ સહિયારા પ્રયાસો જરૂરી છે. જાહેર પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે તકોના દ્વાર ખોલે છે. તેથી, સરકાર આ પરીક્ષાઓમાં સુધારા માટે વ્યાપક પગલાં લઈ રહી છે. આ સુધારાઓનો ઉદ્દેશ જાહેર પરીક્ષાઓમાં અનુચિત સાધનોને સંપૂર્ણપણે દૂર કરવાનો, પરીક્ષા વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવાનો તથા યુવાનો માટે સલામત અને ભરોસાપાત્ર કરવાનો છે.
  6. સરકારી પ્રયાસો અને નવી આર્થિક પ્રવૃત્તિઓથી યુવાનો માટે વિવિધ પ્રકારની નવી તકો ઉભી કરી રહી છે. આ તકો વિશે માહિતી મેળવીને, આપણા યુવાનો સફળતાના નવા માર્ગો પસંદ કરી શકે છે.
  7. આપણા યુવાનોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આપણા દેશના ભવિષ્યનો આધાર છે. પરિવારો અને સમાજની પણ જવાબદારી છે કે તેઓ આપણા યુવાનોના ઉત્સાહ સાથે આગળ વધતા રહે.
  8. રમતગમતને યુવાનોના વિકાસ અને રાષ્ટ્રનિર્માણના એક માધ્યમ તરીકે અપનાવવામાં આવી રહી છે. ખેલો ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ, સ્થાનિક સ્તરથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી, દેશના તમામ પ્રદેશો માટે એક સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ પૂરી પાડવામાં આવી રહી છે. રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સરકાર અભૂતપૂર્વ રોકાણ કરી રહી છે. આ પ્રયાસોના સારાં પરિણામો સામે આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓમાં આપણા ખેલાડીઓ તેમના દેખાવ અને સિદ્ધિના ઊંચા શિખરો સર કરી રહ્યા છે.
  9. એક તરફ, આપણા દેશમાં સૌથી વધુ યુવા વસ્તી છે, તો બીજી તરફ વરિષ્ઠ નાગરિકોની સંખ્યા પણ નિરંતર વધી રહી છે. સરકારે વરિષ્ઠ નાગરિકોના જીવનને બહેતર બનાવવા માટે અનેક પગલાં લીધાં છે. 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના આશરે છ કરોડ વરિષ્ઠ નાગરિકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકો પ્રત્યે આત્મીયતાની ભાવના તેમજ તેમના આત્મસન્માનને જાળવી રાખવા માટે સમગ્ર સમાજે સંવેદનશીલ રહેવું જોઈએ.

પ્રિય દેશવાસીઓ,

  1. સત્ય અને ન્યાયના પક્ષમાં, માનવતા વિરોધી શક્તિઓ પર વિજય હાંસલ કરવાની ભારતની પરંપરા પર આપણને ગૌરવ છે. 26 જુલાઈના રોજ, આપણે કારગિલ વિજય દિવસ ઉજવ્યો. તે પહેલાં, 7 મેના રોજ, ઓપરેશન સિંદૂરના આરંભનું એક વર્ષ પૂરું થતા, આપણે આપણી સેનાઓના અજોડ શૌર્યને યાદ કર્યું. આતંકવાદ સામેનું તે ઐતિહાસિક ઓપરેશન ભારતીય સેનાઓના અચૂક સામર્થ્યનો પુરાવો છે. આતંકવાદીઓ અને તેમના સમર્થકોને એક કઠોર સંદેશ પહોંચાડ્યો હતો કે તેઓ ભલે ગમે ત્યાં છુપાય, પરંતુ તેમણે કરેલા કૃત્યોની સજા તેમને જરૂર મળશે. આતંકવાદને આશરો આપનારા દેશ સાથે ભૂતકાળમાં કરવામાં આવેલી સિંધુ જળ સંધિને સ્થગિત કરવી એ આપણા દેશનું, ખાસ કરીને ખેડૂતોના હિતમાં લેવાયેલું એક નિર્ણાયક પગલું છે.
  2. દાયકાઓથી, નક્સલવાદ દેશ માટે એક ગંભીર પડકાર હતો. ભારતમાંથી નક્સલવાદની નાબૂદી એ એક મોટી સિદ્ધિ છે. હવે, નક્સલ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ છે અને સર્વસ્પર્શી વિકાસનો પ્રવાહ વહી રહ્યો. બસ્તર ઓલિમ્પિકમાં ખેલાડીઓએ, બસ્તર પંડુમમાં કલાકારોએ અને આ આયોજનોમાં પ્રેક્ષકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
  3. દેશના ગૌરવના રક્ષણ માટે બાંધવામાં આવેલા મરાઠા સૈન્ય પરંપરા સાથે સંકળાયેલા 12 કિલ્લાને ગયા વર્ષે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરાયા છે. અને આ વર્ષે, ભગવાન બુદ્ધના પ્રથમ ઉપદેશ સ્થળ, સારનાથને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. ભારતભૂમિમાં એક તરફ, ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા આધ્યાત્મિક સ્મારકો છે, તો બીજી તરફ, તે આત્મસન્માન અને આપણી ગૌરવશાળી પરંપરાઓનું રક્ષણ કરવા માટે યુદ્ધ કરવાની આપણી ગૌરવશાળી ક્ષમતાના પ્રતીકો પણ વિદ્યમાન છે.

મારા પ્રિય દેશવાસીઓ,

  1. તમામ ભારતીયોનો વિકાસ અને કલ્યાણ જ વિકસિત ભારતના નિર્માણનું સાચું લક્ષ્ય છે. તેલુગુ ભાષામાં કૃતિ લખનારા મહાન રાષ્ટ્રવાદી સાહિત્યકાર, ગુરાજાડા અપ્પારાવે તેમના એક ગીતમાં, બધા ભારતીયોને દેશપ્રેમનો અમૂલ્ય સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે:

દેસમુનુ પ્રેમિંચુમન્ના, મંચિ અન્નદિ પેંચુમન્ના.

દેસમંટે, મટ્ટી કાદોય, દેસમંટે મનુષુલોય.

આ પંક્તિઓનો ભાવાર્થ છે:

દેશને પ્રેમ કરો; જનકલ્યાણને આગળ વધારો;

દેશ એટલે માત્ર જમીનનો ટૂકડો નહીં,

દેશનો અર્થ છે સમગ્ર જનસમુદાય.

  1. મને વિશ્વાસ છે કે સમાજની સહભાગીતા અને સરકારના પ્રયાસોથી, દરેક ગામ, દરેક શહેર, ભારતના દરેક ઘરમાં રહેતા તમામ લોકો સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ બનશે.
  2. આવો, દેશપ્રેમની આ સર્વસમાવેશી ભાવના સાથે, આપણે સૌ સ્વતંત્ર ભારતને વિકસિત ભારત બનાવવાની રાષ્ટ્રીય-સાધનામાં પોતાને સમર્પિત કરીએ.

આભાર!

જય હિન્દ!

જય ભારત!

 


(रिलीज़ आईडी: 2299578) आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Telugu , Malayalam , Assamese , Bengali , Odia , English , Khasi , Urdu , हिन्दी , Nepali , Marathi , Punjabi , Kannada