પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઊર્જા સુરક્ષા પર ભારત-ઓસ્ટ્રેલિયા સંયુક્ત નિવેદન
प्रविष्टि तिथि:
09 JUL 2026 11:02AM by PIB Ahmedabad
ઓસ્ટ્રેલિયા અને ભારત એક મુક્ત, ખુલ્લા અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે સમાન વિઝન ધરાવતા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારો છે.
ઓસ્ટ્રેલિયા અને ભારત મધ્ય પૂર્વની પરિસ્થિતિ અને આપણા પ્રદેશ પર તેના પરિણામો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરે છે, જેમાં ઊર્જા, સંસાધનો અને અન્ય મહત્વપૂર્ણ ચીજવસ્તુઓની સપ્લાય ચેઇન તેમજ ભાવો પર પડેલી અવરોધોની લાંબા ગાળાની અસરોનો સમાવેશ થાય છે. આ અવરોધો વચ્ચે, આપણે મુક્ત બજારો અને નિયમ-આધારિત વ્યાપાર પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ, જે એવા સિદ્ધાંતો છે, જે આપણી સમૃદ્ધિ અને આર્થિક સુરક્ષાનો મુખ્ય આધાર છે.
ઓસ્ટ્રેલિયા અને ભારત ટકાઉ અને વિશ્વસનીય ઊર્જા પ્રવાહ માટે વિશ્વસનીય ખાનગી ક્ષેત્રની ભાગીદારી અને વ્યૂહાત્મક રોકાણોની કેન્દ્રીય ભૂમિકાને સ્વીકારે છે. તેની સમાંતર અને ખાનગી ક્ષેત્રના ઉન્નત જોડાણને ટેકો આપવા માટે, બંને દેશો આર્થિક સહયોગ અને વ્યાપાર કરાર (ECTA), વ્યાપક આર્થિક સહયોગ કરાર (CECA) તરફ ચાલી રહેલા કામ અને અન્ય સંબંધિત દ્વિપક્ષીય માળખા દ્વારા દ્વિપક્ષીય ઊર્જા વ્યાપાર અને રોકાણ સહયોગને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે. ઓસ્ટ્રેલિયા અને ભારત ઊર્જા ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ (કેપેસિટી બિલ્ડિંગ) અને જ્ઞાનના આદાનપ્રદાનના મહત્વ પર પણ ભાર મૂકે છે.
ભારતને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ના એક મહત્વપૂર્ણ સપ્લાયર તરીકે ઓસ્ટ્રેલિયાની ભૂમિકા અને ઓસ્ટ્રેલિયાને લિક્વિડ ફ્યુઅલ અને અન્ય ડાઉનસ્ટ્રીમ ઉત્પાદનોના મહત્વપૂર્ણ સપ્લાયર તરીકે ભારતની ભૂમિકાને સ્વીકારીને, ઓસ્ટ્રેલિયા અને ભારત ઊર્જા ઉત્પાદનોના સતત પ્રવાહને ટેકો આપવા અને આપણા બંને દેશો વચ્ચે ઊર્જા વ્યાપારને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. ઓસ્ટ્રેલિયા અને ભારત ઊર્જા મૂલ્ય શૃંખલા (એનર્જી વેલ્યુ ચેઇન) માં રોકાણની તકોને પ્રોત્સાહિત કરવાના મહત્વને પણ દોહરાવે છે.
ઓસ્ટ્રેલિયા અને ભારતે ભારત-ઓસ્ટ્રેલિયા પરમાણુ સહયોગ કરાર (2015) અંતર્ગત જોગવાઈ કર્યા મુજબ, સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હેતુઓ માટે અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) ના સેફગાર્ડ્સ હેઠળ ભારતમાં ઓસ્ટ્રેલિયન યુરેનિયમની નિકાસને સક્ષમ કરવા માટે જરૂરી વહીવટી વ્યવસ્થાઓને આખરી ઓપ આપ્યો છે.
ઓસ્ટ્રેલિયા અને ભારત ઊર્જા સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતાને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે, જેમાં પ્રાદેશિક સહયોગને વધુ ગાઢ બનાવવો, ઊર્જા સંક્રમણને ઝડપી બનાવવું, પુનઃપ્રાપ્ય ઊર્જા સંસાધનોના વપરાશને પ્રોત્સાહન આપવું અને ઊર્જા તથા પ્રવાહી બળતણ માટે મુક્ત વ્યાપાર વ્યવસ્થાઓ જાળવી રાખવાનો સમાવેશ થાય છે. બંને દેશો સ્વીકારે છે કે સંબંધિત ઊર્જા પ્રણાલીઓનું વધતું જતું વીજળીકરણ ભવિષ્યમાં ઊર્જા સુરક્ષાનો એક મૂલ્યવાન સ્ત્રોત બનશે.
ઓસ્ટ્રેલિયા અને ભારત સ્વીકારે છે કે ઊર્જા ક્ષેત્રે સ્થિતિસ્થાપક વ્યાપાર અને બજારો પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતા સમગ્ર પ્રદેશ સુધી વિસ્તરેલી છે. બંને દેશો પેસિફિક ટાપુ દેશો માટે ઊર્જા સંસાધન સુરક્ષાની વિશિષ્ટ નબળાઈઓ અને તેમની સ્થિતિસ્થાપકતા તેમજ આર્થિક સમૃદ્ધિ માટે ઊર્જા સંસાધન પુરવઠાના મહત્વનો સ્વીકાર કરે છે.
આ પૃષ્ઠભૂમિમાં, ઓસ્ટ્રેલિયા અને ભારત ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે, જેમાં કોલસો, ડીઝલ, અન્ય પ્રવાહી બળતણ અને કુદરતી ગેસ જેવા ઊર્જા ઉત્પાદનોના સ્થિર, સુરક્ષિત અને વિશ્વસનીય પુરવઠાને જાળવી રાખવાનો સમાવેશ થાય છે. વધુમાં, બંને દેશોએ ઊર્જા સંક્રમણને ઝડપી બનાવવા અને લો-કાર્બન બળતણ પર સહયોગ મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતા પુનઃ વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં, ઓસ્ટ્રેલિયાએ ભારતના ગ્લોબલ બાયોફ્યુઅલ્સ એલાયન્સ (GBA) ના પ્રયાસની નોંધ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા અને ભારત પ્રાદેશિક ભાગીદારોને આપણા લોકોની સુરક્ષા અને સમૃદ્ધિના લાભ માટે વૈશ્વિક ઊર્જા સંસાધન પુરવઠા શૃંખલાઓ ખુલ્લી રાખવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે જોડાવા હાકલ કરે છે.
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2282696)
आगंतुक पटल : 31
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam