ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુ કિંજારાપુએ મુખ્ય એરપોર્ટ્સ પર મુસાફરોની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થાઓ અને ઇમિગ્રેશન સિસ્ટમની સમીક્ષા કરી


મુસાફરોની નિર્વિઘ્ન અવરજવર સુનિશ્ચિત કરવા માટે એરપોર્ટના દરેક ટચ-પોઇન્ટ પર એક સંકલિત યોજના તૈયાર કરવામાં આવી છે

તમામ એરપોર્ટ્સ પર તબક્કાવાર રીતે ઓટોમેટેડ એક્સ-રે ટ્રે રિટર્ન સિસ્ટમ લાગુ કરવામાં આવશે

2027 સુધીમાં તમામ રાજ્યોના મુખ્ય મથકો પર એફઆરઆરઓ કચેરીઓ સ્થાપિત કરવામાં આવશે

અગરતલા અને જેવર એરપોર્ટ્સ પર વહેલામાં વહેલી તકે અધિકૃત ઇમિગ્રેશન ચેક પોસ્ટ્સ સ્થાપિત કરવા માટે નિર્દેશો જારી કરવામાં આવ્યા છે

એફટીઆઈ-ટીટીપીને લોકપ્રિય બનાવવા માટે, એરલાઇન્સના સહયોગથી આંતરરાષ્ટ્રીય મુસાફરોને પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે

प्रविष्टि तिथि: 08 JUL 2026 4:27PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુ કિંજારાપુએ મુખ્ય એરપોર્ટ્સ પર મુસાફરોની સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થાઓ અને ઇમિગ્રેશન સિસ્ટમની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના મહાનિર્દેશક, એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન અને ગૃહ મંત્રાલય તેમજ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અન્ય કેટલાક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે માનવ સંસાધન ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે દેશભરના તમામ એરપોર્ટ્સ પર તબક્કાવાર રીતે ઓટોમેટેડ એક્સ-રે ટ્રે રિટર્ન સિસ્ટમ (ATRS) ઇન્સ્ટોલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે નવા એરપોર્ટ્સ પર ઓટોમેટેડ એક્સ-રે ટ્રે રિટર્ન સિસ્ટમ ઇન્સ્ટોલ થાય તે સુનિશ્ચિત કરવા માટે યોગ્ય ધોરણો નક્કી કરવા જોઈએ.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે એરપોર્ટ પર એન્ટ્રી લેન, ચેક-ઇન કાઉન્ટર્સ, સિક્યુરિટી સ્ક્રીનિંગ લેન અને ઇમિગ્રેશન કાઉન્ટર્સ વચ્ચેના પરસ્પર સંબંધોને ધ્યાનમાં રાખીને એક વ્યાપક ફ્રેમવર્ક વિકસાવવા નિર્દેશ આપ્યો હતો, જેથી કોઈપણ ટચ-પોઇન્ટ પર મુસાફરોનો પ્રવાહ ખોરવાય નહીં. તેમણે જણાવ્યું હતું કે મુસાફરોની સીમલેસ અવરજવર સુનિશ્ચિત કરવા માટે એરપોર્ટ પરના દરેક ટચ-પોઇન્ટ માટે એક સંકલિત યોજના તૈયાર કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે નિર્દેશ આપ્યો હતો કે હાલમાં વિકાસ હેઠળના 21 એરપોર્ટ્સ અને બાકીના 41 એરપોર્ટ્સને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) દ્વારા નિર્ધારિત સુરક્ષા ધોરણો અનુસાર મુસાફરોના ટ્રાફિકના આધારે વિકાસ માટે અગ્રતા આપવામાં આવે, જેનો ઉદ્દેશ્ય કોમર્શિયલ એરિયા નિર્ધારિત ધારાધોરણોની અંદર જ રહે તે સુનિશ્ચિત કરીને મુસાફરોની સુવિધા વધારવાનો છે. તેમણે વધુમાં નિર્દેશ આપ્યો હતો કે તમામ 62 એરપોર્ટ્સ પરની કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવે.

શ્રી અમિત શાહે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મુસાફરોના ટ્રાફિક અને એર ટ્રાફિકના આધારે તમામ એરપોર્ટ્સ પર એરોબ્રિજની સંખ્યા માટેના ધોરણો નક્કી કરવા પણ નિર્દેશ આપ્યો હતો. તેમણે વધુમાં નિર્દેશ આપ્યો હતો કે હાલમાં 16 મુખ્ય એરપોર્ટ્સ પર ઉપલબ્ધ બેગેજ ડ્રોપ સુવિધાનો વિસ્તાર વધુ મુસાફરોની અવરજવર ધરાવતા અન્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર પણ કરવામાં આવે. તેમણે કહ્યું કે એક્સ-રે સ્ક્રીનિંગ માટે તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ના જવાનો માટે નિર્ધારિત શૈક્ષણિક લાયકાતમાં કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં. તેમણે એવો નિર્દેશ પણ આપ્યો હતો કે જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓ અને જવાનોને જ એક્સ-રે સ્ક્રીનિંગની ફરજો સોંપવામાં આવે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ (FRRO) ની કચેરીઓ 2027 સુધીમાં તમામ રાજ્યોના મુખ્ય મથકો પર કાર્યરત થઈ જવી જોઈએ. તેમણે અગરતલા અને જેવર એરપોર્ટ્સ પર અધિકૃત ઇમિગ્રેશન ચેકપોઇન્ટ્સ વહેલામાં વહેલી તકે કાર્યરત કરવા પણ નિર્દેશ આપ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર્સ પ્રોગ્રામ (FTI-TTP)ને લોકપ્રિય બનાવવા માટે એરલાઇન્સના સંકલન સાથે એક એવી વ્યવસ્થા સ્થાપિત કરવી જોઈએ જેથી આંતરરાષ્ટ્રીય ટિકિટ બુકિંગ કરાવતી વખતે જ મુસાફરોને વોટ્સએપ મેસેજ મોકલીને તેમને FTI-TTP માટે નોંધણી કરવા વિનંતી કરી શકાય.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સે મુખ્ય એરપોર્ટ્સ પરના તમામ ટચ-પોઇન્ટ્સ પર મુસાફરોના વિલંબનું મૂલ્યાંકન કરવા અને તેને ઘટાડવા માટે પીક ટ્રાવેલ સીઝન દરમિયાન સ્વતંત્ર રીતે અલગ-અલગ થર્ડ-પાર્ટી સ્ટડીઝ કરાવવા જોઈએ.

SM/DK/JD

 


(रिलीज़ आईडी: 2282473) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Tamil , Kannada , Malayalam