પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
ભારતની સરપ્લસ રિફાઇનિંગ ક્ષમતા પેટ્રોલ અને ડીઝલનો સંપૂર્ણ સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરે છે; સરકારે રિટેલ ઇંધણ ચેનલોના ઉપયોગમાં શિસ્ત જાળવવા અપીલ કરી
પીએસયુ (PSU) ઓએમસી રિટેલ ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે નુકસાન સહન કરી રહી છે; રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રિટેલ ઇંધણના પુરવઠાના ડાયવર્ઝન (અન્યત્ર વાળવા) અને અનધિકૃત સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવા જણાવાયું
પોસ્ટેડ ઓન:
27 MAY 2026 8:14PM by PIB Ahmedabad
ભારત સરકાર સ્પષ્ટ શબ્દોમાં એ બાબત રેકોર્ડ પર લાવવા માંગે છે કે, દેશ પાસે રિટેલ અને ઔદ્યોગિક એમ બંને પ્રકારની તમામ સ્થાનિક જરૂરિયાતોને પૂરી કરવા માટે પેટ્રોલ અને ડીઝલનો પૂરતા પ્રમાણ કરતાં પણ વધુ પુરવઠો ઉપલબ્ધ છે. ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો રિફાઇનર દેશ છે, જે 22 કાર્યરત રિફાઇનરીઓમાં વાર્ષિક 258.1 મિલિયન ટનની સ્થાપિત ક્ષમતા ધરાવે છે. નાણાકીય વર્ષ 2025-26માં સ્થાનિક વપરાશ 243.2 મિલિયન ટન હતો; તે જ વર્ષમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ 61.5 મિલિયન ટન હતી, જે ભારતને વૈશ્વિક સ્તરે રિફાઇન્ડ ઉત્પાદનોના સૌથી મોટા નિકાસકારોમાંનું એક બનાવે છે. પુરવઠાને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા નથી.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરી, તમામ લોકોને પેટ્રોલ અને ડીઝલનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, રાજ્ય સરકારો અને ઉદ્યોગ સંસ્થાઓ સાથે સતત સંકલન સાધી રહ્યા છે. સરકાર સતત સ્થિતિની સમીક્ષા કરી રહી છે. સચિવ (P&NG) એ આજે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, ફિક્કી (FICCI) અને સીઆઈઆઈ (CII) સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ક્ષેત્ર (ફિલ્ડ) પરથી જે ચિત્ર સામે આવી રહ્યું છે તે સુસંગત છે. કોઈપણ પેટ્રોલિયમ ઉત્પાદનની કોઈ અછત નથી. કેટલાક વિસ્તારોમાં, આર્બિટ્રેજ (ભાવના તફાવતનો લાભ લેવાની પ્રવૃત્તિ) ની એક પેટર્ન જોવા મળી રહી છે જે અછત જેવો આભાસ ઊભો કરી રહી છે.
આ પદ્ધતિ એકદમ સરળ છે. સરકારના નિર્દેશન હેઠળ, અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટી દરમિયાન ગ્રાહક સુરક્ષાના હેતુપૂર્વકના પગલા તરીકે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય કિંમતોનો સંપૂર્ણ બોજ સ્થાનિક રિટેલ વેચાણ પર નાખવાનું ટાળ્યું છે. પીએસયુ (PSU) ઓએમસી હાલમાં પેટ્રોલ, ડીઝલ અને સ્થાનિક એલપીજીના વેચાણ પર રોજ અંદાજે ₹550 કરોડનું નુકસાન સહન કરી રહી છે. આ રાહત (કવચ) રિટેલ ગ્રાહકો માટે છે: પરિવારો, ટુ-વ્હીલર ચાલકો અને પંપ પર આવતા ખેડૂતો માટે. તે ઔદ્યોગિક ખરીદી માટે લંબાવવામાં આવી નથી, જ્યાં સ્થાયી નીતિ તરીકે કિંમતો આંતરરાષ્ટ્રીય વાસ્તવિક ભાવોને અનુસરે છે.
જે ઔદ્યોગિક ગ્રાહકો પોતાની ખરીદીને ઔદ્યોગિક ચેનલને બદલે રિટેલ પંપ તરફ વાળે છે, તેઓ સામાન્ય નાગરિકના ભોગે આ રાહતનો લાભ ઉઠાવે છે. તેઓ પંપ પર એવી રીતે માંગને કેન્દ્રિત કરે છે જેનાથી સ્થાનિક સ્તરે અછત ઊભી થાય છે, જે વાસ્તવમાં અન્યથા અસ્તિત્વમાં ન હોત.
એવું જોવામાં આવ્યું છે કે ખાનગી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નક્કી કરાયેલા ઊંચા દરોને કારણે ચાલુ મહિના દરમિયાન રિટેલ આઉટલેટ્સ અને બલ્ક (જથ્થાબંધ) ગ્રાહકો બંનેમાં એચએસડી (HSD) ના ઉપાડમાં અંદાજે 38% નો ઘટાડો નોંધાયો છે. આ વોલ્યુમ સંપૂર્ણપણે પીએસયુ ઓઇલ માર્કેટિંગ રિટેલ આઉટલેટ્સ તરફ શિફ્ટ થઈ રહ્યું છે. આ સાથે, પીએસયુ(PSU) ના બલ્ક ગ્રાહકોના વોલ્યુમમાં પણ અંદાજે 29% નો ઘટાડો નોંધાયો છે, જે પણ રિટેલ આઉટલેટ્સ તરફ સ્થાનાંતરિત થઈ રહ્યો છે.
સરકારે ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લઈને ઉદ્યોગ સંગઠનોને વિનંતી કરી છે કે તેઓ પોતાના સભ્યોને આના સિદ્ધાંત અને નિયમોના ઉલ્લંઘનના પરિણામો બંને વિશે માહિતગાર કરે.
સરકારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વિશેષ સ્ક્વોડ (ટુકડીઓ) ની રચના કરવા અને ઇસી એક્ટ (આવશ્યક વસ્તુ ધારો) અને તેની હેઠળ બહાર પાડવામાં આવેલા નિયંત્રણ આદેશોની સંબંધિત જોગવાઈઓ અંતર્ગત રિટેલ ગ્રાહકો માટેના પુરવઠાનો લાભ લેતા બલ્ક ગ્રાહકો અને સંગ્રહખોરોની ગેરરીતિઓ, કાળાબજાર, અનધિકૃત સ્ટોકિંગ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ડાયવર્ઝન સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
સરકાર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિથી સંપૂર્ણપણે માહિતગાર છે. ભારતની રિફાઇનિંગ ક્ષમતા, જાહેર ક્ષેત્રની ઓએમસીનું શિસ્તબદ્ધ સંચાલન અને કેન્દ્ર, રાજ્યો તેમજ ઉદ્યોગો વચ્ચેનું સક્રિય સંકલન આ સમયગાળા દરમિયાન ઊર્જા સુરક્ષાના કાર્યકારી માળખાની રચના કરે છે. નાગરિકોને સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવા અને પુરવઠાની સમસ્યા તરીકે આર્બિટ્રેજની સમસ્યાની ગેરસમજ ઊભી કરતી અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરવામાં આવે છે.
SM/JD
(રીલીઝ આઈડી: 2266062)
મુલાકાતી સંખ્યા : 9