ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે બીએસએફ (BSF) જવાનો સાથે સંવાદ કર્યો અને રાજસ્થાનના બીકાનેરમાં સાંચુ પોસ્ટ ખાતે મહિલા બેરેકનું ઈ-ઉદ્ઘાટન કર્યું


મોદી સરકાર રાજસ્થાનમાં 180 બીએસએફ ચોકીઓ પર પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડીને, હાઇ-ટેક ફેન્સિંગ લગાવીને અને લેટરલ રોડ બનાવીને સરહદી વિસ્તારોનું ચિત્ર બદલી રહી છે

ભીષણ ભૌગોલિક પડકારો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં બીએસએફ સરહદો પર અડગ રહી છે; અમે 2000 શહીદોના સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ

સરહદ સુરક્ષા 'ક્વાડ્રેન્ગ્યુલર સિક્યુરિટી ગ્રીડ' (ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ) પર નિર્ભર છે જેમાં બીએસએફ, સેના, સરહદી વિસ્તારના નાગરિકો અને સ્થાનિક વહીવટીતંત્રનો સમાવેશ થાય છે; સરહદ સુરક્ષા એ કોઈ અલગ ડ્યુટી નથી, પરંતુ પ્રાદેશિક જવાબદારી છે

'ઝીરો ઇનફિલ્ટ્રેશન' (શૂન્ય ઘૂસણખોરી) સુનિશ્ચિત કરવી એ આપણી જવાબદારી છે—એક એવું લક્ષ્ય જે માત્ર આ ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે

સરહદથી 50 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ગામોમાં થતા કોઈપણ 'અકુદરતી વસ્તી વિષયક ફેરફાર' (અનનેચરલ ડેમોગ્રાફિક ચેન્જ) પર બીએસએફએ ચપળ નજર રાખવી જોઈએ અને કોઈપણ અનધિકૃત બાંધકામ અંગે સ્થાનિક વહીવટીતંત્રને એલર્ટ કરવું જોઈએ

આગામી 6 મહિનામાં સરહદ પર એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવશે, સરહદ સુરક્ષા માટે વિશ્વ કક્ષાની ટેકનોલોજી ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે

દેશવિરોધી તત્વો ટેકનોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે; તેથી જ મોદી સરકારે બીએસએફના કાર્યક્ષેત્રને 15 કિલોમીટરથી વધારીને 50 કિલોમીટર કર્યું છે

સરહદી ગામોમાં દરેક જાહેર કલ્યાણ યોજનાની 100% સંતૃપ્તિ (સેચ્યુરેશન) સુનિશ્ચિત કરવા માટે બીએસએફએ 'વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ'માં નેતૃત્વ લેવું જોઈએ

માદક દ્રવ્યો (નશીલા પદાર્થો) અને શસ્ત્રોની દાણચોરીને સખત અને નિર્ણાયક રીતે રોકવા માટે બીએસએફએ દરેક જરૂરી પગલાં ભરવા જ જોઈએ

આપણી સરહદોની અંદરથી આંતરિક જોખમો ઊભા કરવા માંગતા લોકો પર આપણે તીક્ષ્ણ નજર રાખવી જોઈએ અને તેમની સામે નિર્દય કાનૂની કાર્યવાહી થવી જોઈએ

પોસ્ટેડ ઓન: 26 MAY 2026 7:58PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે બીકાનેરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ની સાંચુ પોસ્ટ ખાતે જવાનો સાથે સંવાદ કર્યો હતો અને વર્ચ્યુઅલ માધ્યમથી મહિલા બેરેકનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા, કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ, કેન્દ્રીય ગૃહ સચિવ, ડાયરેક્ટર ઇન્ટેલિજન્સ બ્યુરો, સચિવ (સરહદ વ્યવસ્થાપન), બીએસએફના મહાનિદેશક (ડીજી) અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

1

જવાનોને સંબોધિત કરતા શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, બીએસએફની સ્થાપના થઈ ત્યારથી સરહદના પ્રહરીઓએ કાળઝાળ ગરમી, અસહ્ય ઠંડી, વરસાદ, ગીચ જંગલો, બરફથી ઢંકાયેલા શિખરો અથવા 45 ડિગ્રીથી લઈને માઈનસ 45 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનની પરવા કર્યા વિના, કર્તવ્ય નિષ્ઠા, વીરતા, સાહસ અને સર્વોચ્ચ બલિદાનની ભાવના સાથે દેશની સરહદોની રક્ષા કરવાની જવાબદારી નિભાવી છે. તેમણે કહ્યું કે 2000થી વધુ સરહદ પ્રહરીઓનું બલિદાન માત્ર બીએસએફ અને ભારત સરકારનું જ દેવું નથી, પરંતુ તમામ 1.4 અબજ ભારતીયોનું દેવું છે. ગૃહ મંત્રીએ ઉમેર્યું કે સમગ્ર દેશને સરહદના પ્રહરીઓ પર ગર્વ છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે સરકારે દેશની દીકરીઓની દરેક ક્ષેત્રમાં જેન્ડર-ન્યુટ્રલ (લિંગ-તટસ્થ) રીતે ભાગીદારી સુનિશ્ચિત કરવાનો અને તેમને સમાન તકો પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે અગાઉની સરકારોએ સરહદ સુરક્ષામાં મહિલાઓની ભૂમિકા અને તેમના માટે જરૂરી સુવિધાઓ પર પૂરતું ધ્યાન આપ્યું ન હતું, પરંતુ દેશની દીકરીઓ રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન આપવામાં પુરુષો કરતાં બે ડગલાં આગળ વધી છે. તેમણે ઉમેર્યું કે 2030 સુધીમાં સરહદ સુરક્ષામાં તૈનાત મહિલા કર્મચારીઓ માટે તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. શ્રી શાહે માહિતી આપી હતી કે રાજસ્થાનમાં 79 બેરેક મંજૂર કરવામાં આવી છે, જેમાંથી 67 બેરેકનું કામ આશરે 39 કરોડના ખર્ચે પૂર્ણ થઈ ચૂક્યું છે. આમાંથી 14 બેરેકનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રીએ જણાવ્યું કે બીએસએફ દ્વારા સુરક્ષિત સરહદો પર આશરે 200 કરોડના ખર્ચે કુલ 35"6 બેરેકનું નિર્માણ કરવામાં આવશે. આ પૂર્ણ થવા પર મહિલા કર્મચારીઓ માટે ફરજ પર તૈનાત રહેવું વધુ અનુકૂળ બનશે.

2

શ્રી અમિત શાહે કહ્યું કે 2014માં શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી દેશના સુરક્ષા માળખામાં પાયાનું પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ પણ આધુનિકીકરણમાંથી પસાર થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે ભારત સરકારે આતંકવાદીઓના કોઈપણ પ્રયાસનો નિર્દયતાથી જડબાતોડ જવાબ આપવાની નીતિ અપનાવી છે. ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે શૂન્ય ઘૂસણખોરી સુનિશ્ચિત કરવી એ આપણી જવાબદારી છે અને આ ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન બીએસએફના જવાનોએ પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યાં પણ બીએસએફએ મોરચો સંભાળ્યો છે, ત્યાં તેઓ સંપૂર્ણ દ્રઢ સંકલ્પ સાથે અડગ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે સરહદી જિલ્લાઓમાં રહેતા લોકોનું મનોબળ જાળવી રાખવામાં પણ બીએસએફએ મોટી ભૂમિકા ભજવી છે. જ્યાં પણ જરૂર પડી ત્યાં બીએસએફના જવાનોએ પોતાની ગૌરવશાળી પરંપરાને અનુરૂપ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઐતિહાસિક સાંચુ પોસ્ટની મુલાકાત લેવા બદલ ખુશી વ્યક્ત કરી અને જણાવ્યું કે 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સાંચુની વસ્તી 500થી વધુ હતી, જ્યારે આરએસી (RAC) પોસ્ટ આશરે 25 કિલોમીટર પાછળ રણજીતપુરા ગામમાં આવેલી હતી. તેમણે કહ્યું કે જ્યારે ત્રણ આરએસી યુનિટ અને 13 ગ્રેનેડિયર્સના બહાદુર જવાનોને માહિતી મળી કે પાકિસ્તાન સાંચુ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે તેમણે જોરદાર હુમલો કર્યો અને સુનિશ્ચિત કર્યું કે સાંચુ ભારતની સરહદોની અંદર સુરક્ષિત રહે, જેના કારણે પાકિસ્તાનને પીછેહઠ કરવી પડી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે ત્રણ આરએસી યુનિટ, જે હવે બીએસએફની 12મી બટાલિયનનો ભાગ છે, તેઓ દર વર્ષે ગર્વભેર વિજય ઉત્સવ ઉજવે છે. આ વિજય દિવસને "સાંચુ દિવસ" નામ આપવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે આ પોસ્ટ ભારતના સૈન્ય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે સમગ્ર રાજસ્થાનના રણ વિસ્તારમાં લેટરલ રોડનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. ગૃહ મંત્રીએ ઉમેર્યું કે અંદાજે 1096 કિલોમીટર લાંબો લેટરલ રોડ અને 520 કિલોમીટર લાંબો એક્સિયલ રોડ માત્ર બીએસએફ જવાનોને વધુ સારી સુવિધાઓ જ પૂરી પાડશે નહીં પરંતુ કનેક્ટિવિટીમાં પણ સુધારો કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવી ડિઝાઇનની ફેન્સિંગનું કામ પણ ચાલી રહ્યું છે, અને રાજસ્થાનમાં લગભગ 180 સરહદી ચોકીઓ પર પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાનું કામ પૂર્ણ થઈ ગયું છે.

શ્રી અમિત શાહે કહ્યું કે બીએસએફની પરંપરાગત ભૂમિકાને હવે નવા દ્રષ્ટિકોણથી જોવી જોઈએ. તેમણે કહ્યું કે સરહદ સુરક્ષાની સાથે સાથે દળોએ ગેરકાયદેસર દાણચોરી, ઘૂસણખોરી અને સરહદ પારની પ્રવૃત્તિઓ સામે સતત તકેદારી રાખીને પોતાની સજ્જતા મજબૂત કરવી જોઈએ. ગૃહ મંત્રીએ જણાવ્યું કે થોડા વર્ષો પહેલા ભારત સરકારે બીએસએફના અધિકારક્ષેત્રને સરહદથી 1"5 કિલોમીટરથી વધારીને 50 કિલોમીટર કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે આ 50 કિલોમીટરના ઝોનમાં આવેલા ગામોમાં જો કોઈ ગેરકાયદેસર બાંધકામ થાય તો નાગરિક વહીવટીતંત્રને જાણ કરવાની આપણી જવાબદારી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉમેર્યું કે જો 50 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ કૃત્રિમ વસ્તી વિષયક ફેરફાર થઈ રહ્યો હોય, તો બીએસએફએ સતર્ક રહેવું જોઈએ અને રાજ્ય સરકારને જાણ કરવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડ્રોન અને અન્ય માધ્યમો દ્વારા માદક દ્રવ્યો અને શસ્ત્રોની દાણચોરીને સખત રીતે રોકવા માટે તમામ જરૂરી પગલાં લેવાની જવાબદારી પણ આ દળની છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સરકાર આગામી છ મહિનામાં એન્ટી-ડ્રોન સિસ્ટમ લગાવવાનું શરૂ કરશે. જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડ્રોન ભારતીય ધરતી પર ઉતર્યા પછી તેને કોણ મેળવે છે અને દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે તેમાં લાવવામાં આવેલી સામગ્રીનો કોણ ઉપયોગ કરે છે તે ઓળખવું પણ એટલું જ મહત્વનું છે. શ્રી શાહે કહ્યું કે આવી પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવી જરૂરી છે. તેમના બેઅસર (ન્યુટ્રલાઇઝેશન) માટે નાગરિક સત્તાવાળાઓ અને જિલ્લા પોલીસ સાથે ગાઢ સંકલન આવશ્યક છે, અને પ્રતિભાવ પરિણામ-લક્ષી હોવો જોઈએ.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના મુજબ સરહદી ગામોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે બીએસએફએ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ નેતૃત્વ લેવું જોઈએ અને સરહદી ગામોમાં રાજ્ય સરકારો અને ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓની 100 ટકા સંતૃપ્તિ સુનિશ્ચિત કરવા તરફ કામ કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે સરહદી ગામોની આવનારી પેઢીઓને જાગૃત અને સશક્ત બનાવવી જોઈએ, કારણ કે તો જ બીએસએફ, સશસ્ત્ર દળો અને જાગૃત નાગરિકો સાથે મળીને એક મજબૂત સુરક્ષા ગ્રીડ બનાવી શકશે.

3

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે સરહદ પારથી આવતા તમામ જોખમો પર સતત નજર રાખવી જોઈએ. તેની સાથે જ, આપણી સરહદોની અંદર રહેલા લોકો કે જેઓ આંતરિક જોખમો ઉભા કરવા માટે વપરાય છે તેમના પર પણ ધ્યાન આપવું જોઈએ અને કાયદા અનુસાર તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. શ્રી શાહે કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદોની સુરક્ષા કરવાની જવાબદારી બીએસએફની છે. આ બંને સરહદો પર આપણે ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડને મજબૂત કરવાની છે. કોઈપણ જોખમનો સામનો કરવા માટે, બીએસએફ, સશસ્ત્ર દળો, સરહદી રહેવાસીઓ અને સ્થાનિક વહીવટીતંત્રે સંયુક્ત રીતે કામ કરવું પડશે; તેથી જ તેને ચતુષ્કોણીય ગ્રીડ નામ આપવામાં આવ્યું છે. સરહદ સુરક્ષા એ કોઈ અલગ ડ્યુટી નથી, પરંતુ આપણા બધા દ્વારા વહેંચવામાં આવેલી પ્રાદેશિક જવાબદારી છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (CAPFs) એ વૃક્ષારોપણના પ્રયાસોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં સીએપીએફના જવાનોએ લગભગ 7 કરોડ 35 લાખ વૃક્ષો વાવ્યા છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે, આબોહવા પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) અને વધતા વૈશ્વિક તાપમાનને ધ્યાનમાં લેતા, આટલી મોટી સંખ્યામાં વૃક્ષો ભવિષ્યમાં અત્યંત ફાયદાકારક સાબિત થશે. ગૃહ મંત્રીએ ખેજડી (ખીજડો)ન છોડ પણ વાવ્યો હતો અને કહ્યું હતું કે ખેજડીનું વૃક્ષ રણ વિસ્તાર માટે કલ્પવૃક્ષ સમાન છે.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2265641) મુલાકાતી સંખ્યા : 9
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी , Tamil