રેલવે મંત્રાલય
ઓગસ્ટથી અપગ્રેડેડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમમાં ટ્રેનોનું સ્થળાંતર શરૂ થશે
રેલવે મંત્રીએ અધિકારીઓને મુસાફરોને અસુવિધા વિના 40 વર્ષ જૂની સિસ્ટમમાંથી અપગ્રેડેડ સિસ્ટમમાં સુચારુ પરિવર્તન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો
પોસ્ટેડ ઓન:
07 MAY 2026 6:15PM by PIB Ahmedabad
આજે રેલ ભવન ખાતે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને ટ્રેનોને 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમમાંથી અપગ્રેડ કરેલી સિસ્ટમમાં રૂપાંતતરિત કરવા દરમિયાન મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશો જારી કર્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રીઓ વી. સોમન્ના અને રવનીત સિંહ બિટ્ટુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

1986માં શરૂ થયેલી આ સિસ્ટમમાં છેલ્લા 40 વર્ષોમાં અનેક નાના-મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જોકે, હવે તેને સંપૂર્ણપણે નવેસરથી તૈયાર કરવામાં આવી છે અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
રેલવે રિઝર્વેશન સિસ્ટમ અનેક મહત્વના સીમાચિહ્નોની સાક્ષી રહી છે. 2002માં, ભારતીય રેલવેએ ઇન્ટરનેટ આધારિત ટિકિટિંગની શરૂઆત કરી હતી. આજે, આ સિસ્ટમ એટલી લોકપ્રિય બની ગઈ છે કે મોટાભાગના લોકો હવે ટિકિટ કાઉન્ટર પર જતા નથી. હાલમાં, દેશમાં ટિકિટિંગની કુલ માંગના લગભગ 88% ઓનલાઇન ચેનલો દ્વારા પૂર્ણ થાય છે.
મુસાફરોમાં રેલવન (RailOne) મોબાઈલ એપ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. તે ગયા વર્ષે જુલાઈમાં લોન્ચ કરવામાં આવી હતી. એક વર્ષથી ઓછા સમયમાં, દેશભરમાં તેના 3.5 કરોડથી વધુ ડાઉનલોડ નોંધાયા છે.
તેની લોકપ્રિયતાનું એક મોટું કારણ એ છે કે આ એપ સામાન્ય માણસને રેલવે સંબંધિત તમામ માહિતી પૂરી પાડે છે એટલું જ નહીં પરંતુ ટિકિટિંગ અને અન્ય સેવાઓ સંબંધિત ફરિયાદોનું નિરાકરણ પણ કરે છે.
જ્યારે તમે આજે ટિકિટ બુક કરો છો, ત્યારે રેલવન એપ તમને જણાવે છે કે પ્રતિક્ષા યાદીની ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા છે કે નહીં. આ એપ હવે કન્ફર્મેશનની સંભાવનાની AI-આધારિત આગાહીઓ પણ પ્રદાન કરે છે. આ સુવિધા આ વર્ષની શરૂઆતમાં રજૂ કરવામાં આવી હતી અને વપરાશકર્તાઓ દ્વારા તેને વ્યાપકપણે આવકારવામાં આવી છે. વેઇટલિસ્ટ કન્ફર્મેશનની આગાહીની ચોકસાઈ અગાઉના 53% થી વધીને હવે 94% થઈ ગઈ છે.
રેલવન એપ રિઝર્વ્ડ, અનરિઝર્વ્ડ અને પ્લેટફોર્મ ટિકિટો માટે બુકિંગ, કેન્સલેશન અને રિફંડ જેવી લગભગ તમામ રેલવે સેવાઓને આવરી લેતી અનેક સંકલિત અને આધુનિક સુવિધાઓ પ્રદાન કરે છે.
તે ટિકિટની વેઇટિંગ સ્ટેટસ, ટ્રેન શેડ્યૂલ, લાઇવ ટ્રેન રનિંગ સ્ટેટસ, પ્લેટફોર્મની માહિતી, કોચની સ્થિતિ અને મુસાફરોની સહાય માટે રેલ મદદ જેવી સેવાઓ પર રિયલ-ટાઇમ અપડેટ્સ પણ પ્રદાન કરે છે. મુસાફરી દરમિયાન, મુસાફરો એપ દ્વારા ભોજનનો ઓર્ડર પણ આપી શકે છે, જે સીધા તેમની સીટ પર વિતરણ સુનિશ્ચિત કરે છે. અનુકૂળ અને સેવાલક્ષી સુવિધાઓથી સજ્જ, રેલવન એપની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે.
દરરોજ, આ એપ દ્વારા દેશભરમાં 9.29 લાખ ટિકિટો બુક કરવામાં આવે છે, જેમાં 7.2 લાખ અનારક્ષિત ટિકિટ અને 2.09 લાખ આરક્ષિત ટિકિટોનો સમાવેશ થાય છે. અનારક્ષિત ટિકિટોમાં પ્લેટફોર્મ ટિકિટનો પણ સમાવેશ થાય છે. એન્ડ્રોઇડ અને આઇઓએસ (iOS) બંને પ્લેટફોર્મ પર રેલવન એપની વ્યાપક પ્રશંસા કરવામાં આવી છે. તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી 3.16 કરોડ વાર અને એપલ ઉપકરણો પર 33.17 લાખ વાર ડાઉનલોડ કરવામાં આવી છે.
દેશના મુસાફરો માટે ભારતીય રેલવે એક લાઇફલાઇન છે. વર્ષ 2024–25માં, ભારતીય રેલવેએ પેસેન્જર ટિકિટો પર ₹60,239 કરોડની સબસિડી પૂરી પાડી છે. આ દરેક રેલવે મુસાફર માટે સરેરાશ 43% ડિસ્કાઉન્ટની સમકક્ષ છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો સેવા પૂરી પાડવાનો ખર્ચ ₹100 હોય, તો ટિકિટની કિંમત માત્ર ₹57 છે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2258876)
મુલાકાતી સંખ્યા : 10