ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
નવી આધાર એપને લોકો દ્વારા વ્યાપક પ્રતિસાદ, ત્રણ મહિનામાં 21 મિલિયન ડાઉનલોડ્સ
28 લાખથી વધુ લોકોએ નવી આધાર એપનો ઉપયોગ કરીને પોતાનો મોબાઈલ નંબર અપડેટ કર્યો
આધાર એપ કાગળ રહિત (પેપરલેસ) ઓળખ વહેંચણી, સંમતિ નિયંત્રણ (કન્સેન્ટ કંટ્રોલ) અને લોકોના હાથમાં પસંદગીપૂર્વકની માહિતી શેર કરવાની સુવિધાને પ્રોત્સાહન આપે છે
પોસ્ટેડ ઓન:
06 MAY 2026 6:09PM by PIB Ahmedabad
આધાર એપને લોકો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે, જેમાં માત્ર ત્રણ મહિનામાં 21 મિલિયન (2.1 કરોડ)થી વધુ ડાઉનલોડ્સ થયા છે. આ એપ સેવાઓને લોકોના ઘરઆંગણે લાવી રહી છે અને જીવન ધોરણને સરળ બનાવી રહી છે.
એવું જોવામાં આવ્યું છે કે લોકો ગમે ત્યારે, ગમે ત્યાંથી સરળતાથી મોબાઈલ નંબર અને સરનામું અપડેટ કરવા સહિતની વિવિધ સેવાઓ મેળવવા માટે આધાર એપનો ઉપયોગ કરી રહ્યા છે.
અત્યાર સુધીમાં 2.8 મિલિયન (28 લાખ) થી વધુ લોકોએ નવી આધાર એપનો ઉપયોગ કરીને પોતાના મોબાઈલ નંબર અપડેટ કર્યા છે. તેવી જ રીતે, લગભગ 6,00,000 લોકોએ તેમના સરનામાં અપડેટ કરવા માટે આ એપનો ઉપયોગ કર્યો છે.
આધાર એપ એ આગામી પેઢીની (નેક્સ્ટ જનરેશન) મોબાઇલ એપ્લિકેશન છે, જે આધાર નંબર ધારકોને તેમની ઓળખ સાથે રાખવા, દર્શાવવા, શેર કરવા અને તેની ચકાસણી કરવા માટે સુરક્ષિત, અનુકૂળ અને ગોપનીયતાને પ્રાધાન્ય આપતી (પ્રાઇવસી-ફર્સ્ટ) સુવિધા પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવી છે.
આ વધતો લોકપ્રતિસાદ માત્ર નાગરિકોના વિશ્વાસને જ દર્શાવતો નથી, પરંતુ આધાર સેવાઓને વધુ સુલભ અને યુઝર-ફ્રેન્ડલી બનાવવામાં આ નવી એપની ભૂમિકાને પણ દર્શાવે છે, જેનાથી આધાર નંબર ધારકો માટે જીવન જીવવાની સરળતા (ઇઝ ઓફ લિવિંગ) સુનિશ્ચિત થાય છે.
આ એપમાં ઉપસ્થિતિની સાબિતી તરીકે ફેસ વેરિફિકેશન (ચહેરાની ચકાસણી), માત્ર એક ક્લિકમાં બાયોમેટ્રિક લોક/અનલોક, ઓથેન્ટિકેશન હિસ્ટ્રી (પ્રમાણીકરણનો ઇતિહાસ) અને ફિઝિકલ વિઝિટિંગ કાર્ડ્સના બદલે સંપર્ક વિગતો સરળતાથી શેર કરવા માટે ક્યૂઆર (QR) આધારિત એડિટેબલ કોન્ટેક્ટ કાર્ડ જેવી અદ્યતન સુવિધાઓ છે.
ઉપયોગમાં સરળતા માટે ડિઝાઇન કરાયેલી આ આધાર એપ વાસ્તવિક જીવનની વિવિધ પ્રક્રિયાઓમાં ઉપયોગી બને છે. જેમાં ઓફલાઇન વેરિફિકેશન સીકિંગ એન્ટિટીના (OVSE) ક્યૂઆર (QR) કોડ સ્કેનિંગ દ્વારા હોટલ ચેક-ઇનનો સમાવેશ થાય છે. તે ઉંમરની ચકાસણી (એજ ગેટિંગ), હોસ્પિટલમાં એડમિશન, વિઝિટર મેનેજમેન્ટ (મુલાકાતીઓની વ્યવસ્થાપન), વિવિધ ઇવેન્ટ્સમાં પ્રવેશ, ગીગ કામદારો અને સર્વિસ પાર્ટનર્સની ઓળખ ચકાસણી જેવા અસંખ્ય કાર્યોમાં મદદરૂપ બને છે.
નવી આધાર એપ એન્ડ્રોઇડ (Android) અને એપલ (Apple iOS) બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. લોકો તેને અહીંથી ડાઉનલોડ કરી શકે છે:
એન્ડ્રોઇડ: https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.pehchaan&hl=en_IN આઈઓએસ (iOS): https://apps.apple.com/in/app/aadhaar/id6744029871
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2258505)
મુલાકાતી સંખ્યા : 40