ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થયા
જે સમયે વિશ્વના વિવિધ ભાગોમાં સંઘર્ષની સ્થિતિ બનેલી છે, એવા સમયે સમસ્ત વિશ્વના કલ્યાણ માટે નવકાર મંત્રનો સામૂહિક જાપ કરવો અત્યંત સાર્થક અને પ્રાસંગિક છે
આજે જ્યારે વિશ્વને શાંતિની જરૂર છે, એવામાં નવકાર મંત્રનું સામૂહિક ઉચ્ચારણ વાતાવરણની શુદ્ધિની સાથે-સાથે મનના વિકારોને શાંત કરવામાં પણ મદદરૂપ થશે
નવકાર મંત્ર સંપૂર્ણપણે નિરાકાર, નિરપેક્ષ અને સાર્વભૌમિક પ્રાર્થના છે, જેમાં કાળ, જાતિ, ક્ષેત્ર કે ધર્મના આધારે કોઈ ભેદભાવ નથી
જ્યારે લોકો શ્રદ્ધાપૂર્વક એક જ મંત્રનો સામૂહિક જાપ કરે છે, ત્યારે તેનાથી માત્ર વ્યક્તિનું જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને વિશ્વનું પણ કલ્યાણ થાય છે
ભારત વિવિધ સંપ્રદાયો અને ધર્મોનો દેશ છે, જ્યાં પ્રત્યેક પરંપરામાં મંત્રોની વિશેષ મહત્તા અને આધ્યાત્મિક શક્તિનું વર્ણન જોવા મળે છે
જ્યારે વ્યક્તિ નમન કરે છે, ત્યારથી જ તેના અહંકારના ઓગળવાની શરૂઆત થઈ જાય છે
પોસ્ટેડ ઓન:
09 APR 2026 2:07PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ પર નવી દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થયા હતા.
આ પ્રસંગે શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે જ્યારે વિશ્વના વિવિધ ભાગોમાં પોતાના વિચારો સ્થાપિત કરવા માટે સંઘર્ષની સ્થિતિ બનેલી છે, એવા સમયે અહીંથી સમસ્ત વિશ્વના કલ્યાણ હેતુ નવકાર મંત્રનો સામૂહિક જાપ કરવો અત્યંત સાર્થક અને પ્રાસંગિક છે. તેમણે કહ્યું કે ભારત વિવિધ સંપ્રદાયો અને ધર્મોનો દેશ છે, જ્યાં પ્રત્યેક પરંપરામાં મંત્રોની વિશેષ મહત્તા અને આધ્યાત્મિક શક્તિનું વર્ણન જોવા મળે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે મંત્રો માનવ જીવનને ઉચ્ચ દિશા પ્રદાન કરે છે, આપણા ચૈતન્યને જાગૃત કરે છે અને શુભ સંકલ્પોને સુદ્રઢ બનાવે છે. તેમણે કહ્યું કે જ્યારે લોકો શ્રદ્ધાપૂર્વક એક જ મંત્રનો સામૂહિક જાપ કરે છે, ત્યારે તેનાથી માત્ર વ્યક્તિનું જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને વિશ્વનું પણ કલ્યાણ થાય છે.
શ્રી અમિત શાહે કહ્યું કે આપણા સિદ્ધોએ પેઢીઓ સુધી અથાગ સાધના કરી સમસ્ત માનવતાના કલ્યાણ માટે આ મંત્રોની રચના કરી છે. આપણે શ્રદ્ધાપૂર્વક તેનો સ્વીકાર કરી તેમનું અનુસરણ પણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે નવકાર મંત્ર સંપૂર્ણપણે નિરાકાર, નિરપેક્ષ અને સાર્વભૌમિક પ્રાર્થના છે, જેમાં કાળ, જાતિ, ક્ષેત્ર કે ધર્મના આધારે કોઈ ભેદભાવ હોતો નથી. વિશ્વમાં આ પ્રકારની સર્વસમાવેશક અને સર્વમાન્ય પ્રાર્થના મળવી અત્યંત દુર્લભ છે. તેમણે એમ પણ કહ્યું કે આ પ્રાર્થના તે મહાન આત્માઓના ગુણોની વંદના છે, જેમણે પોતાના કર્મો પર વિજય પ્રાપ્ત કરી આત્મજ્ઞાન અને મોક્ષનો માર્ગ પ્રશસ્ત કર્યો. આ મહામંત્રમાં ‘નમો’ શબ્દનો અર્થ સંપૂર્ણ સમર્પણ છે, જે સાધકને પોતાના ભીતરના અહંકારનો પરિત્યાગ કરી આત્મશુદ્ધિની દિશામાં અગ્રસર કરે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે જ્યારે વ્યક્તિ નમન કરે છે, ત્યારથી જ તેના અહંકારના ઓગળવાની શરૂઆત થઈ જાય છે. તેમણે કહ્યું કે ‘અરિહંત’ તે હોય છે જે ‘અરિ’ અર્થાત્ આંતરિક શત્રુઓનો ‘હંત’ (નાશ) કરે છે. આ શત્રુઓ શરીર, મન, ભાવ, સ્વભાવ અને પ્રકૃતિમાં નિહિત તે વિકારો છે, જે મોક્ષની પ્રાપ્તિમાં બાધક બને છે. જે સાધક આ આંતરિક શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી લે છે, તે જ અરિહંત કહેવાય છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ, ક્રોધ, માન, માયા અને લોભ પર પૂર્ણ વિજય અને જૈન શાસ્ત્રોમાં વર્ણવેલ 12 દિવ્ય ગુણોથી પરિપૂર્ણ વ્યક્તિને ‘અરિહંત’ માનવામાં આવ્યા છે, અને આપણે એવા અરિહંતોને નમન કરીએ છીએ. તેમણે કહ્યું કે અહીં ‘સિદ્ધો’ ને પણ નમન કરવામાં આવ્યા છે. જે આત્મા પૂર્ણ રૂપે મુક્ત અવસ્થા પ્રાપ્ત કરી લે છે, તેને સિદ્ધ કહેવામાં આવે છે. જેમણે આઠ કર્મોનો ક્ષય કરી જન્મ-મૃત્યુના ચક્રથી ઉપર ઉઠીને આઠ શુદ્ધ ગુણો પ્રાપ્ત કર્યા છે, તેઓ સિદ્ધ કહેવાય છે. આપણે એવા અસંખ્ય સિદ્ધોને નમન કરતા તેમની પાસે આશીર્વાદની કામના કરીએ છીએ.
શ્રી અમિત શાહે કહ્યું કે અહીં આચાર્યોને પણ નમન કરવામાં આવે છે, જે સંઘના પ્રમુખ હોય છે. અનુશાસનની સ્થાપના, મહાવ્રતોનું પાલન તથા સમસ્ત સાધકોને માર્ગદર્શન પૂરું પાડવું એ આચાર્યની મુખ્ય જવાબદારી હોય છે. જેના આચરણનું અનુસરણ કરી મુક્તિનો માર્ગ પ્રાપ્ત થાય, તે જ આચાર્ય કહેવાય છે. જૈન શાસ્ત્રો અનુસાર 36 ગુણોથી યુક્ત વ્યક્તિને આચાર્ય પદની પ્રાપ્તિ થાય છે. એ જ રીતે ઉપાધ્યાયો, એટલે કે શિક્ષક સંતોને પણ નમન કરવામાં આવે છે. તેમનું દાયિત્વ શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરવો તથા તેમના જ્ઞાનનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવાનું હોય છે. નિર્ધારિત 25 ગુણોની સિદ્ધિ બાદ જ તેઓ ઉપાધ્યાય પદ પ્રાપ્ત કરે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે સાધુ, તપસ્વી અને સાધક તે હોય છે, જે સંયમ, ત્યાગ, મહાવ્રત અને તપનું પાલન કરતા ક્રમશઃ પોતાની અંદર 27 ગુણોનો વિકાસ કરે છે; એવા ગુણોથી યુક્ત વ્યક્તિને સાધુ કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે આ મંત્ર પાંચ પરમેષ્ઠીઓને નમન કરવાનું પ્રતીક છે. તેના મૂળ ભાવ અનુસાર આ પાંચ પરમેષ્ઠીઓને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પહેલી શ્રેણી ‘દેવ’ ની છે, જેમાં તે મહાપુરુષો આવે છે જે સામાન્ય માનવથી ઉપર ઉઠીને અરિહંત અને સિદ્ધની અવસ્થા પ્રાપ્ત કરી ચૂક્યા છે. બીજી શ્રેણી ‘ગુરુ’ ની છે, જેમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ બંને શ્રેણીઓના તમામ પાંચેય પ્રકારના મહાન વ્યક્તિત્વોને નમન કરી તેમના ગુણોને આત્મસાત કરવાની તથા તેમની પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના જ નવકાર મંત્રનો મૂળ સિદ્ધાંત છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આપણે 108 ગુણોને સામૂહિક રીતે નમન કરીએ છીએ, જે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુમાં નિહિત હોય છે. આ તમામના ગુણોને એકસાથે સ્મરણ અને વંદન કરવાનો પ્રયાસ અત્યંત અલ્પ સમયમાં કરવામાં આવે છે. તેમણે યુવાનોને આગ્રહ કર્યો કે ભલે આ મંત્રનો ગૂઢ અર્થ તેમને તરત જ સંપૂર્ણપણે ન સમજાય—જેની ઊંડાઈને કોઈ આચાર્ય, મુનિ કે વિદ્વાન સંતના માર્ગદર્શનમાં જ સારી રીકે સમજી શકાય છે—છતાં તેનો અભ્યાસ ક્યારેય ન છોડવો.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે નવકાર મંત્રની પરંપરા હજારો વર્ષોથી ચાલી આવે છે, જેમાં 24 તીર્થંકરો અને તેમના અનુયાયીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. પ્રારંભમાં આ મંત્ર મૌખિક રીતે પેઢી દર પેઢી આગળ વધતો રહ્યો, ત્યારબાદ શિલાલેખોના માધ્યમથી અને પછીથી વિવિધ ગ્રંથોમાં તેને સ્થાન પ્રાપ્ત થયું. તેમણે કહ્યું કે આ મંત્રના સંરક્ષણ અને પ્રસાર માટે સમાજના વિવિધ વર્ગો દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો પ્રશંસનીય છે. આ પ્રયાસ આવનારી પેઢીઓના જીવનને દિવ્યતા અને સકારાત્મક દિશા પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે આજે જ્યારે વિશ્વને શાંતિની જરૂર છે, એવામાં નવકાર મંત્રનું સામૂહિક ઉચ્ચારણ વાતાવરણની શુદ્ધિની સાથે-સાથે મનના વિકારોને શાંત કરવામાં પણ મદદરૂપ થશે. તેનાથી પરસ્પર સમજણ, સૌહાર્દ અને એકબીજા પ્રત્યે સંવેદનશીલતાને પણ બળ મળશે.
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2250410)
મુલાકાતી સંખ્યા : 30