ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને સંસ્થાકીય શ્રેણીમાં અને વ્યક્તિગત શ્રેણીમાં લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક શેલ્કેની સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2026 માટે પસંદગી કરવામાં આવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ભારતમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા અમૂલ્ય યોગદાન અને નિઃસ્વાર્થ સેવાને ઓળખવા અને સન્માનિત કરવા માટે સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની સ્થાપના કરી છે

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, દેશે તેની આપત્તિ વ્યવસ્થાપન પદ્ધતિઓ, સજ્જતા, શમન અને પ્રતિભાવ પદ્ધતિઓમાં નોંધપાત્ર સુધારો કર્યો છે જેના પરિણામે કુદરતી આપત્તિઓ દરમિયાન મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે

प्रविष्टि तिथि: 23 JAN 2026 9:07AM by PIB Ahmedabad

સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA) ની સંસ્થાકીય શ્રેણીમાં, અને લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક શેલ્કેની વ્યક્તિગત શ્રેણીમાં, આપત્તિ વ્યવસ્થાપનમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2026 માટે પસંદગી કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ભારતમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલા અમૂલ્ય યોગદાન અને નિઃસ્વાર્થ સેવાને ઓળખવા અને સન્માનિત કરવા માટે સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર તરીકે ઓળખાતા વાર્ષિક પુરસ્કારની સ્થાપના કરી છે. આ પુરસ્કારની જાહેરાત દર વર્ષે 23મી જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર કરવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, દેશે તેની આપત્તિ વ્યવસ્થાપન પદ્ધતિઓ, સજ્જતા, શમન અને પ્રતિભાવ પદ્ધતિઓમાં નોંધપાત્ર સુધારો કર્યો છે જેના પરિણામે કુદરતી આપત્તિઓ દરમિયાન મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

વર્ષ 2026 ના પુરસ્કાર માટે, 1 મે, 2025 થી નામાંકન મંગાવવામાં આવ્યા હતા. વર્ષ 2026ના પુરસ્કારો માટે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા દ્વારા વ્યાપક પ્રચાર કરવામાં આવ્યો હતો. પ્રતિભાવમાં, સંસ્થાઓ અને વ્યક્તિઓ પાસેથી 271 નામાંકન પ્રાપ્ત થયા હતા.

આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં 2026 ના પુરસ્કાર વિજેતાઓના ઉત્કૃષ્ટ કાર્યનો સારાંશ નીચે મુજબ છે:

લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક શેલ્કે – વ્યક્તિગત શ્રેણી

ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક શેલ્કેએ 2024ના પૂર અને ભૂસ્ખલન દરમિયાન કેરળના વાયનાડમાં મોટા પાયે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત (HADR) કામગીરીનું નેતૃત્વ કર્યું હતું. તેણીએ ઝડપી સ્થળાંતર, રાહત વિતરણ અને આવશ્યક સેવાઓની પુનઃસ્થાપના સુનિશ્ચિત કરવા માટે નાગરિક સત્તાવાળાઓ અને સ્થાનિક નેતાઓ સાથે સંકલન સાધ્યું હતું. લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક શેલ્કેએ પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓમાં બહુવિધ ઉચ્ચ જોખમી બચાવ મિશનનું નિર્દેશન કર્યું હતું, જેમાં સેંકડો નાગરિકોને બચાવ્યા હતા. તેણીએ ચુરલમાલા ખાતે 190 ફૂટના બેઈલી બ્રિજ (Bailey Bridge) ના ઝડપી નિર્માણની દેખરેખ રાખી હતી, જેનાથી દૂરના ગામડાઓમાં મહત્વપૂર્ણ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત થઈ હતી અને કાઉન્ટરવેઇટ તરીકે કોમાત્સુ PC210 એક્સકેવેટરનો ઉપયોગ કરવા અને રાત્રે ચાર કલાકમાં કામચલાઉ ફૂટબ્રિજ બનાવવા જેવા નવીન એન્જિનિયરિંગ ઉકેલો અમલમાં મૂક્યા હતા.

150 ટન સાધનો ગતિશીલ કરીને, લેફ્ટનન્ટ કર્નલ સીતા અશોક શેલ્કેએ એવી કામગીરીનું નેતૃત્વ કર્યું જેનાથી સમયસર રાહત અને પુનઃપ્રાપ્તિ પ્રયાસો દ્વારા હજારો લોકોને ફાયદો થયો હતો. તેણીએ આપત્તિ પ્રતિભાવ અને માનવતાવાદી કામગીરીમાં 2,300 થી વધુ કર્મચારીઓને તાલીમ પણ આપી હતી. જે તેણીની એન્જિનિયરિંગ સેવા દ્વારા આપત્તિ જોખમ ઘટાડા (DRR) ને ક્રિયામાં લાવે છે. કોર્પ્સ ઓફ એન્જિનિયર્સ કૌશલ્યનો ઉપયોગ કરીને, તેણીએ દૂરના આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં પુલ, પ્રવેશ માર્ગો અને આશ્રયસ્થાનોના ઝડપી નિર્માણને સક્ષમ બનાવ્યું, જે રાહત અને પુનઃપ્રાપ્તિમાં મદદરૂપ થયું હતું. તેણીનું કાર્ય વ્યવહારુ નેતૃત્વ અને ઓપરેશનલ DRR માં મહિલાઓની વધતી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.

સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA) – સંસ્થાકીય શ્રેણી

સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SSDMA) ની સ્થાપના 2005માં કરવામાં આવી હતી. SSDMA એ ત્રણ સ્તરોમાં આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ તરીકે 1,185 પ્રશિક્ષિત 'આપદા મિત્રો' ને તૈનાત કરીને સિક્કિમમાં આપત્તિ સજ્જતા અને પ્રતિભાવને નોંધપાત્ર રીતે મજબૂત બનાવ્યો છે – ગામડા સ્તરે આપત્તિ વ્યવસ્થાપન સહાયક, બ્લોક હેડક્વાર્ટર ખાતે આપત્તિ વ્યવસ્થાપન સુપરવાઈઝર અને જિલ્લા હેડક્વાર્ટર ખાતે આપત્તિ વ્યવસ્થાપન સંયોજક. તમામ ગ્રામ પંચાયતોમાં આપત્તિ વ્યવસ્થાપન સહાયકો મૂકવામાં આવ્યા છે. તેનાથી સહભાગી આયોજન, ક્ષમતા નિર્માણની પહેલ અને પંચાયત સ્તરની સમિતિઓ બની છે.  જેણે તમામ છ જિલ્લાઓમાં આપત્તિઓ અને આબોહવા જોખમો સામે સ્થિતિસ્થાપકતામાં વધારો કર્યો છે.

2016 ના માંટમ ભૂસ્ખલન અને 2023ના તીસ્તા પૂર જેવી ગંભીર ઘટનાઓ દરમિયાન, SSDMAના રીઅલ-ટાઇમ સંકલન અને પ્રશિક્ષિત ફર્સ્ટ રિસ્પોન્ડર્સે (પ્રથમ પ્રતિભાવ આપનારાઓ) 2,563 લોકોને બચાવવા માટે સક્ષમ બનાવ્યા અને જાનહાનિ અને નુકસાન ઘટાડ્યું છે. SSDMA 'આપદા મિત્ર' દ્વારા સક્રિય, સમુદાય-કેન્દ્રિત આપત્તિ જોખમ ઘટાડાના અભિગમને સંસ્થાગત બનાવ્યો છે, જેમાં પ્રારંભિક ચેતવણી, સજ્જતા અને સ્થાનિક ક્ષમતા નિર્માણ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સમુદાય-કેન્દ્રિત આપત્તિ સ્થિતિસ્થાપકતાનું ટકાઉ, સ્કેલેબલ (વિસ્તૃત કરી શકાય તેવું) અને પુનરાવર્તિત મોડેલ બનાવ્યું છે, જે ખાસ કરીને અન્ય હિમાલયી અને ઉત્તર પૂર્વીય રાજ્યો માટે સુસંગત છે.

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2217573) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Telugu , Malayalam , English , Urdu , Nepali , हिन्दी , Bengali , Assamese , Punjabi , Tamil , Kannada