પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

 ‘મન કી બાત’ના 129મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (28.12.2025)

प्रविष्टि तिथि: 28 DEC 2025 11:47AM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ,

નમસ્કાર. 'મન કી બાત' માં આપનું ફરીથી સ્વાગત છે, અભિનંદન છે. કેટલાક દિવસોમાં જ વર્ષ 2026 ટકોરા મારવાનું છે, અને આજે, જ્યારે હું આપની સાથે વાત કરી રહ્યો છું, તો મનમાં સમગ્ર એક વર્ષની સ્મૃતિઓ ફરી વળી છે- અનેક તસવીરો, અનેક ચર્ચાઓ, અનેક ઉપલબ્ધિઓ, જેમણે દેશને એક સાથે જોડી દીધો. 2025એ આપણને એવી અનેક પળો આપી જેના પર દરેક ભારતીયને ગર્વ થયો. દેશની સુરક્ષાથી માંડીને રમતના મેદાન સુધી, વિજ્ઞાનની પ્રયોગશાળાઓથી લઈ દુનિયાના મોટા મંચો સુધી. ભારતે દરેક જગ્યાએ પોતાની મજબૂત છાપ છોડી. આ વર્ષે 'ઑપરેશન સિંદૂર' દરેક ભારતીય માટે ગર્વનું પ્રતીક બની ગયું. દુનિયાએ સ્પષ્ટ જોયું કે આજનું ભારત પોતાની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નથી કરતું. 'ઑપરેશન સિંદૂર' દરમિયાન દેશના ખૂણેખૂણામાંથી, મા ભારતી પ્રત્યે પ્રેમ અને સમર્પણની તસવીરો સામે આવી. લોકોએ પોતપોતાની રીતે પોતાના ભાવ વ્યક્ત કર્યા.

સાથીઓ,

આ જ ધગશ ત્યારે પણ જોવા મળી જ્યારે 'વંદે માતરમ્'નાં 150 વર્ષ પૂરાં થયાં. મેં આપને આગ્રહ કર્યો હતો કે '#VandeMataram150' સાથે પોતાના સંદેશ અને સૂચનો મોકલો. દેશવાસીઓએ આ અભિયાનમાં આગળ વધીને હિસ્સો લીધો.

સાથીઓ,

2025 રમતની દૃષ્ટિએ પણ એક યાદગાર વર્ષ રહ્યું. આપણી પુરુષ ક્રિકેટ ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. મહિલા ક્રિકેટ ટીમે પહેલી વાર વિશ્વ કપ પોતાના નામે કર્યો. ભારતની દીકરીઓએ વુમન્સ બ્લાઇન્ડ ટી 20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો. એશિયા કપ T20માં પણ તિરંગો શાનથી લહેરાવ્યો. પેરા એથલીટોએ વિશ્વ ચેમ્પિયનશિપમાં અનેક ચંદ્રકો જીતીને એ સાબિત કરી દીધું કે કોઈ બાધા સંકલ્પોને રોકી ન શકે. વિજ્ઞાન અને અંતરીક્ષના ક્ષેત્રમાં પણ ભારતે મોટી છલાંગ ભરી. શુભાંશુ શુક્લા પહેલા ભારતીય બન્યા, જે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર સુધી પહોંચ્યા. પર્યાવરણ સંરક્ષણ અને વન્ય જીવોની સુરક્ષા સાથે જોડાયેલા અનેક પ્રયાસો પણ 2025ની ઓળખ બન્યા. ભારતમાં ચિત્તાઓની સંખ્યા પણ હવે 30થી વધુ થઈ ગઈ છે. 2025માં આસ્થા, સંસ્કૃતિ અને ભારતનો અદ્વિતીય વારસો બધું એક સાથે દેખાયું. વર્ષની શરૂઆતમાં પ્રયાગરાજ મહાકુંભના આયોજને પૂરી દુનિયાને ચકિત કરી દીધી. વર્ષના અંતમાં અયોધ્યામાં શ્રી રામમંદિર પર ધ્વજારોહણના કાર્યક્રમે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધા. સ્વદેશી વિશે પણ લોકોનો ઉત્સાહ ઘણો દેખાયો. લોકો તે જ સામાન ખરીદે છે જેમાં કોઈ ભારતીયનો પરસેવો લાગેલો હોય અને જેમાં ભારતની માટીની સુગંધ હોય. આજે આપણે ગર્વથી કહી શકીએ છીએ કે 2025એ ભારતને પહેલાંથી વધુ આત્મવિશ્વાસ આપ્યો છે. એ વાત પણ સાચી છે કે આ વર્ષે પ્રાકૃતિક આપદાઓ આપણે સહેવી પડી, અનેક ક્ષેત્રોમાં સહેવી પડી. હવે દેશ 2026માં નવી આશાઓ, નવા સંકલ્પો સાથે આગળ વધવા માટે તૈયાર છે.

મારા પ્રિય દેશવાસીઓ,

આજે દુનિયા ભારતને બહુ આશા સાથે જોઈ રહી છે. ભારત પાસેથી આશાનું સૌથી મોટું કારણ છે આપણી યુવાન શક્તિ. વિજ્ઞાનના ક્ષેત્રમાં આપણી ઉપલબ્ધિઓ, નવાં-નવાં ઇનોવેશન, ટૅક્નૉલૉજીનો વિસ્તાર...તેનાથી દુનિયાભરના દેશો ખૂબ જ પ્રભાવિત છે.

સાથીઓ,

ભારતના યુવાનોમાં સદા કંઈક નવું કરવાનો જુસ્સો હોય છે અને તેઓ એટલા જાગૃત પણ છે. મારા યુવાન સાથીઓ ઘણી વાર મને એ પૂછે છે કે નેશન બિલ્ડિંગમાં તેઓ પોતાનું યોગદાન હજુય કેવી રીતે વધારે? તેઓ કેવી રીતે પોતાના વિચારો શેર કરી શકે? અનેક સાથીઓ પૂછે છે કે મારી સામે તેઓ પોતાના વિચારોની પ્રસ્તુતિ કેવી રીતે આપી શકે? આપણા યુવાન સાથીઓની આ જિજ્ઞાસાનું સમાધાન છે 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ'. ગત વર્ષે તેની પહેલી આવૃત્તિ થઈ હતી, હવે કેટલાક દિવસો પછી તેની બીજી આવૃત્તિ થવાની છે. આગામી મહિનાની 12 તારીખે સ્વામી વિવેકાનંદની જયંતીના અવસર પર 'રાષ્ટ્રીય યુવા દિવસ' મનાવવામાં આવશે. આ દિવસે 'યંગ લીડર્સ ડાયલોગ'નું પણ આયોજન થશે અને હું પણ તેમાં જરૂર સહભાગી થઈશ. તેમાં આપણા યુવાનો નવીનતા, તંદુરસ્તી, સ્ટાર્ટઅપ અને કૃષિ જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર પોતાના વિચારો શેર કરશે. હું આ કાર્યક્રમ માટે ખૂબ જ ઉત્સુક છું.

સાથીઓ,

મને એ જોઈને સારું લાગ્યું કે આ કાર્યક્રમમાં આપણા યુવાનોની ભાગીદારી વધી રહી છે. કેટલાક દિવસો પહેલાં જ તેની સાથે જોડાયેલી એક ક્વિઝ સ્પર્ધા થઈ. તેમાં 50 લાખથી વધુ યુવાનો સહભાગી થયા. એક નિબંધ પ્રતિયોગિતા પણ થઈ જેમાં વિદ્યાર્થીઓએ વિભિન્ન વિષયો પર પોતાની વાતો રાખી. તે પ્રતિયોગિતામાં તમિળનાડુ પહેલા અને ઉત્તર પ્રદેશ બીજા સ્થાને રહ્યું.

સાથીઓ,

આજે દેશની અંદર યુવાનોને પ્રતિભા દેખાડવાના નવા-નવા અવસરો મળી રહ્યા છે. એવા ઘણા મંચો વિકસિત થઈ રહ્યા છે જ્યાં યુવાનો પોતાની યોગ્યતા અને રુચિ અનુસાર ટેલેન્ટ દેખાડી શકે છે. આવું જ એક પ્લેટફોર્મ છે- 'સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન', એક એવું બીજું માધ્યમ જ્યાં વિચારો ક્રિયામાં બદલાય છે.

સાથીઓ,

'સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2025'નું સમાપન આ જ મહિને થયું છે. આ હેકાથોન દરમિયાન 80થી વધુ સરકારી વિભાગોની 270થી વધુ સમસ્યાઓ પર વિદ્યાર્થીઓએ કામ કર્યું. વિદ્યાર્થીઓએ એવાં ઉકેલો આપ્યાં, જે વાસ્તવિક જીવનના પડકારો સાથે જોડાયેલાં હતાં, જેમ કે ટ્રાફિકની સમસ્યા છે. તેના અંગે યુવાનોએ 'સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ' સાથે જોડાયેલાં ખૂબ જ રસપ્રદ દ્રષ્ટિકોણ શેર કર્યાં. નાણાકીય છેતરપિંડી અને ડિજિટલ એરેસ્ટ જેવા પડકારોના સમાધાન પર પણ યુવાનોએ પોતાના વિચારો જણાવ્યા. ગામડાંઓમાં ડિજિટલ બેકિંગ માટે સાયબર સિક્યોરિટી ફ્રેમવર્ક પર સૂચનો આપ્યાં. અનેક યુવાનો કૃષિ ક્ષેત્રના પડકારોના સમાધાનમાં લાગેલા રહ્યા. સાથીઓ, છેલ્લાં 7-8 વર્ષમાં ‘સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં, 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને છ હજારથી વધુ સંસ્થાઓ  ભાગ લઈ ચૂક્યાં છે. યુવાનોએ સેંકડો સમસ્યાઓના સચોટ ઉકેલો પણ આપ્યાં છે. આ પ્રકારની હેકાથોનનું આયોજન સમય-સમય પર થતું રહે છે. મારો, પોતાનાં યુવા સાથીઓને આગ્રહ છે કે તેઓ આ હેકાથોનનો હિસ્સો જરૂર બને.

સાથીઓ,

આજનું જીવન ટેક-ડ્રાઇવ્ડ થતું જઈ રહ્યું છે અને જે પરિવર્તન સદીઓમાં આવતું હતું તે પરિવર્તન હવે કેટલાંક વર્ષોમાં થતું જોઈ રહ્યા છીએ. અનેક વાર તો કેટલાક લોકો ચિંતા વ્યક્ત કરે છે કે રોબોર્ટ ક્યાંક મનુષ્યોને જ રિપ્લેસ ન કરી દે. આવા બદલાતા સમયમાં હ્યુમન ડેવલપમેન્ટ માટે પોતાનાં મૂળ સાથે જોડાયેલા રહેવું ખૂબ જ આવશ્યક છે. મને એ જોઈને અત્યંત આનંદ થાય છે કે આપણી આગામી પેઢી પોતાની સંસ્કૃતિના મૂળને સારી રીતે પકડી રાખે  છે- નવી વિચારસરણી સાથે, નવા ઉપાયો સાથે.

સાથીઓ,

તમે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સનું નામ તો અવશ્ય સાંભળ્યું હશે. સંશોધન અને નવીનતા આ સંસ્થાની ઓળખ છે. કેટલાંક વર્ષ પહેલાં ત્યાંના કેટલાક વિદ્યાર્થીઓએ અનુભવ્યું કે અભ્યાસ અને સંશોધન વચ્ચે સંગીત માટે પણ જગ્યા હોવી જોઈએ. બસ, અહીંથી એક નાનકડો મ્યુઝિક ક્લાસ શરૂ થયો. ન મોટો મંચ, ન કોઈ મોટું બજેટ. ધીરેધીરે આ પહેલ વધતી ગઈ અને આજે તેને આપણે 'ગીતાંજલિ આઈઆઈએસસી'ના નામે ઓળખીએ છીએ. તે હવે માત્ર એક ક્લાસ નથી, કેમ્પસનું સાંસ્કૃતિક કેન્દ્ર છે. અહીં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત છે, લોક પરંપરાઓ છે, શાસ્ત્રીય વિદ્યાઓ છે, વિદ્યાર્થીઓ અહીં બેસીને રિયાજ઼ કરે છે. પ્રોફેસર સાથે બેસે છે, તેમના પરિવારો પણ જોડાય છે. આજે બસ્સોથી વધુ લોકો તેની સાથે જોડાયેલા છે. અને વિશેષ વાત એ છે કે જે વિદેશ ચાલ્યા ગયા, તેમણે પણ ઓનલાઈન જોડાઈને આ ગ્રુપની ધૂરા સંભાળી છે.

સાથીઓ,

પોતાનાં મૂળ સાથે જોડાયેલા રહેવાના આ પ્રયાસ કેવળ ભારત સુધી સીમિત નથી. દુનિયાના અલગ-અલગ ખૂણા અને ત્યાં વસેલા ભારતીયો પણ પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. એક બીજું ઉદાહરણ જે આપણને દેશની બહાર લઈ જાય છે- આ સ્થાન છે 'દુબઈ'.  ત્યાં રહેનારા કન્નડા પરિવારોએ પોતાને એક આવશ્યક પ્રશ્ન પૂછ્યો- આપણાં બાળકો ટેક વર્લ્ડમાં આગળ તો વધી રહ્યા છે, પરંતુ ક્યાંક તેઓ પોતાની ભાષાથી દૂર તો નથી થઈ રહ્યા ને? અહીંથી જન્મી 'કન્નડા પાઠશાળા'. એક એવો પ્રયાસ, જ્યાં બાળકોને 'કન્નડા' ભણાવાય છે, શીખવાડાય છે, લખતા અને બોલતા શીખવાડાય છે. આજે તેની સાથે એક હજાર થી વધુ બાળકો જોડાયેલા છે. ખરેખર, કન્નડા નાડુ, નુડી નમ્મા હેમ્મે. કન્નડાની ભૂમિ અને ભાષા આપણું ગર્વ છે.

સાથીઓ,

એક જૂની કહેવત છે, 'મન હોય તો માળવે જવાય'. આ કહેવતને ફરીથી સાચી કરી બતાવી છે મણિપુરના એક યુવાન મોઇરાંગથેમ સેઠજીએ. તેમની વય ૪૦ વર્ષથી પણ ઓછી છે. શ્રીમાન મોઇરાંગથેમ જી મણિપુરના જે અંતરિયાળ ક્ષેત્રમાં રહેતા હતા ત્યાં વીજળીની મોટી સમસ્યા હતી. આ પડકારને પાર પાડવા માટે તેમણે લોકલ સોલ્યુશન પર ભાર મૂક્યો અને તેમને એ ઉકેલ મળ્યો સોલાર પાવરમાં. આપણા મણિપુરમાં આમ પણ સોલાર એનર્જી ઉત્પન્ન કરવી સરળ છે. તો મોઇરાંગથેમજીએ સોલાર પેનલ લગાવવાનું અભિયાન ચલાવ્યું અને આ અભિયાનના કારણે આજે તેમના ક્ષેત્રનાં સેંકડો ઘરોમાં સોલાર પાવર પહોંચી ગયો છે. વિશેષ વાત એ છે કે તેમણે સોલાર પાવરનો ઉપયોગ હેલ્થકેર અને આજીવિકાને વધુ સારી બનાવવા માટે કર્યો છે. આજે તેમના પ્રયાસોથી મણિપુરમાં અનેક હેલ્થ સેન્ટર્સને પણ સોલાર પાવર મળી રહ્યો છે. તેમના આ કામથી મણિપુરની નારી શક્તિને પણ ઘણો લાભ મળ્યો છે. સ્થાનિક માછીમારો અને કલાકારોને પણ તેનાથી સહાય મળી છે.

સાથીઓ,

આજે સરકાર 'PM સૂર્ય ઘર મફત વીજળી યોજના' અંતર્ગત દરેક લાભાર્થી પરિવારને સોલાર પેનલ લગાવવા માટે લગભગ-લગભગ 75થી 80 હજાર રૂપિયા આપી રહી છે. મોઇરાંગથમજીના આ પ્રયાસો આમ તો વ્યક્તિગત પ્રયાસો છે, પરંતુ સોલાર પાવર સાથે જોડાયેલાં દરેક અભિયાનને નવી ગતિ આપી રહ્યા છે. હું 'મન કી બાત'ના માધ્યમથી તેમને પોતાની શુભકામનાઓ આપું છું.

મારા પ્રિય દેશવાસીઓ,

આવો જરા આપણે જમ્મુ-કાશ્મીર તરફ ચાલીએ. જમ્મુ-કાશ્મીરનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો, તેની એક એવી ગાથા તમને જણાવવા માગું છું, જે તમને ગર્વથી ભરી દેશે. જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં જેહનપોરા નામની એક જગ્યા છે. ત્યાં લોકો વર્ષોથી કેટલાીક ઊંચી-ઊંચી ટેકરીઓ જોતા આવતા હતા. સાધારણ એવી ટેકરી, કોઈને ખબર નહોતી કે તે શું છે? પછી એક દિવસ પુરાતત્વવિદ્ની દૃષ્ટિ તેના પર પડી. જ્યારે તેમણે આ વિસ્તારને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું તો તેમને આ ટેકરીઓ કંઈક અલગ લાગી. તે પછી આ ટેકરીઓનું વૈજ્ઞાનિક અધ્યયન કરવાનું શરૂ કરવામાં આવ્યું. ડ્રૉન દ્વારા ઉપરથી તસવીરો લેવામાં આવી, જમીનનું મેપિંગ કરવામાં આવ્યું. અને પછી કેટલીક આશ્ચર્ય પમાડનારી વાતો સામે આવવા લાગી. ખબર પડી કે આ ટેકરીઓ પ્રાકૃતિક નથી. તે માણસ દ્વારા બનાવવામાં આવેલી કોઈ મોટી ઇમારતનો અવશેષ છે. તે દરમિયાન એક બીજી રસપ્રદ કડી જોડાઈ. કાશ્મીરથી હજારો કિલોમીટર દૂર, ફ્રાન્સના એક મ્યૂઝિયમના આર્કાઇવ્સમાં એક જૂનું, ધૂંધળું એવું ચિત્ર મળ્યું. બારામૂલાના તે ચિત્રમાં ત્રણ બૌદ્ધ સ્તૂપ દૃષ્ટિમાન થઈ રહ્યા હતા. ત્યાંથી સમયે પડખું ફેરવ્યું અને કાશ્મીરનો એક ગૌરવશાળી અતીત આપણી સામે આવ્યો. આ લગભગ બે હજાર વર્ષ જૂનો ઇતિહાસ છે. કાશ્મીરના જેહનપોરાનું આ બૌદ્ધ પરિસર આપણને યાદ અપાવે છે કે કાશ્મીરનો અતીત કેવો હતો, તેની ઓળખ કેટલી સમૃદ્ધ હતી.

મારા પ્રિય દેશવાસીઓ,

હવે હું તમને ભારતથી હજારો કિલોમીટર દૂર એક એવા પ્રયાસની વાત કરવા માગું છું જે હૃદયને સ્પર્શી જનાર છે. Fijiમાં ભારતીય ભાષા અને સંસ્કૃતિના પ્રસાર માટે એક પ્રશંસનીય પહેલ થઈ રહી છે. ત્યાંની નવી પેઢીને તમિળ ભાષા સાથે જોડવા માટે અનેક સ્તર પર સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગત મહિને Fijiના રાકી-રાકી ક્ષેત્રમાં ત્યાંની એક શાળામાં પહેલી વાર તમિળ દિવસ મનાવવામાં આવ્યો. તે દિવસે બાળકોને એક એવો મંચ મળ્યો, જ્યાં તેમણે પોતાની ભાષા પર ખુલ્લા દિલથી ગૌરવ વ્યક્ત કર્યું. બાળકોએ તમિળમાં કવિતાઓ સંભળાવી, ભાષણો આપ્યાં અને પોતાની સંસ્કૃતિને પૂરા આત્મવિશ્વાસ સાથે મંચ પર રજૂ કરી. સાથીઓ, દેશની અંદર પણ તમિળ ભાષાના પ્રચાર માટે સતત કામ થઈ રહ્યું છે. કેટલાક દિવસ પહેલાં જ મારા સંસદીય ક્ષેત્ર કાશીમાં ચોથો 'કાશી તમિલ સંગમમ્' થયો. હવે હું તમને એક ઓડિયો ક્લીપ સંભળાવવા જઈ રહ્યો છું. તમે સાંભળો અને અંદાજ લગાવો કે તમિળ બોલવાનો પ્રયાસ કરી રહેલાં આ બાળકો ક્યાંનાં છે?

# (Audio Clip 1 પાયલ) #

સાથીઓ,

તમને જાણીને નવાઈ લાગશે, તમિળ ભાષામાં આટલી સહજતાથી પોતાની વાત રાખનારાં આ બાળકો કાશીનાં છે, વારાણસીનાં છે. તેમની માતૃભાષા હિન્દી છે, પરંતુ તમિળ ભાષા પ્રત્યેના લગાવે તેમને તમિળ શીખવા માટે પ્રેરિત કર્યા છે. આ વર્ષે વારાણસીમાં 'કાશી તમિલ સંગમમ્' દરમિયાન તમિળ શીખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તમિલ શીખો – ‘તમિલ કરાકલમ’ આ થીમ હેઠળ વારાણસીની 50થી વધુ શાળાઓમાં વિશેષ અભિયાનો પણ ચલાવવામાં આવ્યાં. તેનું પરિણામ આપણને આ ઓડિયો ક્લીપમાં સાંભળવા મળે છે.

# (Audio Clip 2 વૈષ્ણવી) #

સાથીઓ,

તમિળ ભાષા દુનિયાની સૌથી પ્રાચીન ભાષા છે. તમિળ સાહિત્ય પણ અત્યંત સમૃદ્ધ છે. મેં ‘મન કી બાત’માં 'કાશી તમિલ સંગમમ્'માં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો. મને આનંદ છે કે આજે દેશના  બીજા હિસ્સાઓમાં પણ બાળકો અને યુવાનો વચ્ચે તમિળ ભાષા અંગે નવું આકર્ષણ જોવા મળી રહ્યું છે - ભાષાની આ જ શક્તિ છે, આ જ ભારતની એકતા છે.

સાથીઓ,

આગામી મહિને આપણે દેશનો 77મો ગણતંત્ર દિવસ મનાવીશું. જ્યારે પણ આવા અવસરો આવે છે તો આપણું મન સ્વતંત્રતા સેનાનીઓ અને સંવિધાન નિર્માતાઓ પ્રત્યે કૃતજ્ઞતાના ભાવથી ભરાઈ જાય છે. આપણા દેશે સ્વતંત્રતા મેળવવા લાંબો સંઘર્ષ કર્યો છે. સ્વતંત્રતાના આંદોલનમાં દેશના દરેક ભાગમાંથી લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે. પરંતુ દુર્ભાગ્યથી સ્વતંત્રતાના અનેક નાયક-નાયિકાઓને તે સન્માન નથી મળ્યું, જે તેમને મળવું જોઈતું હતું. આવાં જ એક સ્વતંત્રતા સેનાની છે-

ઓડિશાના પાર્વતી ગિરીજી. જાન્યુઆરી 2026માં તેમની જન્મ શતાબ્દિ મનાવવામાં આવશે. તેમણે 16 વર્ષની આયુમાં ‘ભારત છોડો આંદોલન’માં ભાગ લીધો હતો. સાથીઓ, સ્વતંત્રતાના આંદોલન પછી પાર્વતી ગિરીજીએ પોતાનું જીવન સમાજ સેવા અને જનજાતીય કલ્યાણને સમર્પિત કરી દીધું હતું. તેમણે અનેક અનાથાલયોની સ્થાપના કરી. તેમનું પ્રેરક જીવન દરેક પેઢીનું માર્ગદર્શન કરતું રહેશે.

मूँ पार्वती गिरि जिंकु श्रद्धांजलि अर्पण करुछी |

 (હું પાર્વતી ગિરીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.)

સાથીઓ,

આપણું એ દાયિત્વ છે કે આપણે આપણો વારસો ન ભૂલીએ. આપણે સ્વતંત્રતા અપાવનારા નાયક-નાયિકાઓની મહાન ગાથાને આગામી પેઢી સુધી પહોંચાડીએ. તમને યાદ હશે કે જ્યારે આપણી સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂરાં થયાં હતાં, ત્યારે સરકારે એક વિશેષ વેબસાઇટ તૈયાર કરી હતી. તેમાં એક વિભાગ 'અનસંગ હીરોઝ'ને સમર્પિત કરવામાં આવ્યો હતો. આજે પણ તમે તે વેબસાઇટની મુલાકાત કરીને તે મહાન વિભૂતિઓ વિશે જાણી શકો છો, જેમની દેશને સ્વતંત્રતા અપાવવામાં બહુ મોટી ભૂમિકા રહી છે.

મારા પ્રિય દેશવાસીઓ,

'મન કી બાત' દ્વારા આપણને સમાજની ભલાઈ સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવાનો એક બહુ સારો અવસર મળે છે. આજે હું એક એવા મુદ્દા પર વાત કરવા માગું છું જે આપણા બધા માટે ચિંતાનો વિષય બની ગયો છે. આઈસીએમઆર એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ તાજેતરમાં જ એક રિપૉર્ટ જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ન્યૂમૉનિયા અને યુટીઆઈ જેવી અનેક બીમારીઓ વિરુદ્ધ એન્ટિબાયોટિક દવાઓ નબળી સાબિત થઈ રહી છે. આપણા બધાં માટે આ ખૂબ જ ચિંતાજનક છે. રિપોર્ટ પ્રમાણે, તેનું એક મોટું કારણ લોકો દ્વારા વગર વિચારે-સમજ્યે એન્ટિબાયોટિક દવાઓ લેવી તે છે. એન્ટિબાયોટિક દવાઓ એવી નથી જેને એમ જ લઈ લેવામાં આવે. તેનો ઉપયોગ ડૉકટરની સલાહથી જ કરવો જોઈએ. આજકાલ લોકો એમ માનવા લાગ્યા છે કે બસ, એક ગોળી લઈ લો, બધી તકલીફ દૂર થઈ જશે. આ જ કારણ છે કે બીમારીઓ અને તેનો ચેપ આ એન્ટિબાયોટિક દવાઓ પર ભારે પડી રહ્યો છે. હું આપ સહુને આગ્રહ કરું છું કે મહેરબાની કરી ને પોતાની ઇચ્છા મુજબ, દવાઓનો ઉપયોગ કરવાથી બચો. એન્ટિબાયોટિક દવાઓની બાબતમાં તો આ વાતનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. હું તો એ જ કહીશ -  દવાઓ માટે માર્ગદર્શન અને એન્ટિબાયોટિક માટે ડોકટર્સની આવશ્યકતા છે. આ ટેવ તમારા આરોગ્યને વધુ સારું બનાવવામાં ખૂબ જ મદદગાર સાબિત થવાની છે.

મારા પ્રિય દેશવાસીઓ,

આપણી પારંપરિક કળાઓ સમાજને સશક્ત કરવાની સાથે જ લોકોની આર્થિક પ્રગતિનું પણ મોટું માધ્યમ બની રહી છે. આંધ્ર પ્રદેશના નારસાપુરમ જિલ્લાની લેસ ક્રાફ્ટની ચર્ચા હવે પૂરા દેશમાં વધી રહી છે. આ લેસ ક્રાફ્ટ અનેક પેઢીઓથી મહિલાઓના હાથોમાં રહી છે. ખૂબ જ ધૈર્ય અને બારીકાઈ સાથે દેશની નારી શક્તિએ તેનું સંરક્ષણ કર્યું છે. આજે આ પરંપરાને એક નવા રંગરૂપ સાથે આગળ લઈ જવામાં આવી રહી છે. આંધ્ર પ્રદેશ સરકાર અને નાબાર્ડ મળીને કારીગરોને નવી ડિઝાઇન શીખવાડી રહ્યા છે, વધુ સારી કૌશલ્ય તાલીમ આપી રહ્યા છે અને નવા બજાર સાથે જોડી રહ્યાં છે. નારસાપુરમ લેસને GI ટેગ પણ મળ્યો છે. આજે તેનાથી 500થી વધુ પ્રોડક્ટ્સ બની રહ્યાં છે અને અઢીસોથી વધુ ગામોમાં લગભગ-લગભગ 1 લાખ મહિલાઓને તેનાથી કામ મળી રહ્યું છે.

સાથીઓ,

‘મન કી બાત’ એવા લોકોને સામે લાવવાનો પણ મંચ છે જે પોતાના પરિશ્રમથી ન માત્ર પારંપરિક કળાઓને આગળ વધારી રહ્યા છે, પરંતુ તેનાથી સ્થાનિક લોકોને સશક્ત પણ કરી રહ્યા છે. મણિપુરના ચુરાચાંદપુરમાં માર્ગારેટ રામથાર્સિયમ જી, તેમના પ્રયાસો એવા જ છે. તેમણે મણિપુરનાં પારંપરિક ઉત્પાદનોને, ત્યાંના હસ્તકલાને, વાંસ અને લાકડાથી બનાવાયેલી ચીજને એક મોટા વિઝન સાથે જોઈ અને તે વિઝનના કારણે, તે એક હેન્ડીક્રાફ્ટ આર્ટિસ્ટથી લોકોનું જીવન બદલવાનું માધ્યમ બની ગઈ. આજે માર્ગારેટ જીના યુનિટ, તેમાં 50થી વધુ આર્ટિસ્ટ કામ કરી રહ્યા છે અને તેમણે પોતાની મહેનતથી દિલ્લી સહિત દેશનાં અનેક રાજ્યોમાં, પોતાના પ્રોડક્ટ્સનું એક માર્કેટ પણ ડેવલપ કર્યું છે.

સાથીઓ,

મણિપુરથી જ એક બીજું ઉદાહરણ સેનાપતિ જિલ્લાનાં રહેનારાં ચોખોને ક્રિચેનાજીનું પણ છે. તેમનો પૂરો પરિવાર પરંપરાગત ખેતી સાથે જોડાયેલો રહ્યો છે. ક્રિચેનાએ આ પારંપરિક અનુભવને એક બીજો વિસ્તાર આપ્યો. તેમણે ફૂલોની ખેતીને પોતાનું જુસ્સો બનાવ્યો. આજે તેઓ આ કામને અલગ-અલગ માર્કેટ સાથે જોડી રહ્યાં છે અને પોતાના વિસ્તારના સ્થાનિક સમુદાયોને પણ સશક્ત કરી રહ્યાં છે. સાથીઓ, આ ઉદાહરણ એ વાતનો પર્યાય છે કે જો પારંપરિક જ્ઞાનને આધુનિક વિઝનની સાથે આગળ વધારવામાં આવે તો આર્થિક પ્રગતિનું મોટું માધ્યમ બની જાય છે. તમારી આસપાસ પણ આવી સક્સેસ સ્ટોરીઝ હોય તો મને અવશ્ય શેર કરજો.

સાથીઓ,

આપણા દેશની સુંદર વાત એ છે કે વર્ષભર દરેક સમયે દેશના કોઈ ને કોઈ ભાગમાં ઉત્સવનું વાતાવરણ રહે છે. અલગ-અલગ પર્વ-તહેવાર તો છે જ, સાથે જ વિભિન્ન રાજ્યોના સ્થાનિક ઉત્સવ પણ આયોજિત થતા રહે છે. એટલે કે, જો તમે ભ્રમણ કરવાનું વિચારો તો દરેક સમયે, દેશનો  કોઈ ને કોઈ ખૂણો તમને યુનિક ઉત્સવ સાથે તૈયાર મળશે. આવો જ એક ઉત્સવ આ દિવસોમાં કચ્છના રણમાં ચાલી રહ્યો છે. આ વર્ષે કચ્છના રણોત્સવનું આ આયોજન 23 નવેમ્બરથી શરૂ થયું છે જે 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. અહીં કચ્છની લોક સંસ્કૃતિ, લોક સંગીત, નૃત્ય અને હસ્તશિલ્પની વિવિધતા દેખાય છે. કચ્છના સફેદ રણની ભવ્યતા જોવી પોતે જ એક સુખદ અનુભવ છે. રાતના સમયે જ્યારે સફેદ રણ પર ચાંદની ફેલાય છે તો તે દૃશ્ય પોતે જ મંત્રમુગ્ધ કરી દેનારું હોય છે. રણ ઉત્સવનું ટેન્ટ સિટી ખૂબ જ લોકપ્રિય છે. મને જાણકારી મળી છે કે ગત એક મહિનામાં અત્યાર સુધી બે લાખથી વધુ લોકો રણોત્સવનો હિસ્સો બની ચૂક્યા છે અને દેશના ખૂણેખૂણેથી આવ્યા છે, વિદેશથી પણ લોકો આવ્યા છે. તમને જ્યારે પણ અવસર મળે તો આવા ઉત્સવોમાં અવશ્ય સહભાગી બનો અને ભારતની વિવિધતાનો આનંદ ઉઠાવો.

સાથીઓ,

2025માં ‘મન કી બાત’નો આ અંતિમ એપિસોડ છે. હવે આપણે વર્ષ 2026માં આવા જ ઉમંગ અને ઉત્સાહ સાથે, આત્મીયતા સાથે, આપણા ‘મનની વાતો’ કરવા માટે ‘મન કી બાત’ કાર્યક્રમમાં અવશ્ય જોડાઈશું. નવી ઊર્જા, નવા વિષય અને પ્રેરણાથી ભરી દેનારી દેશવાસીઓની અગણિત ગાથાઓ ‘મન કી બાત’માં આપણને બધાને જોડે છે. દર મહિને મને એવા અનેક સંદેશાઓ મળે છે, જેમાં ‘વિકસિત ભારત’ માટે લોકો પોતાનું વિઝન વહેંચે છે. લોકો તરફથી મળનારાં સૂચનો અને આ દિશામાં તેમના પ્રયાસોને જોઈને એ વિશ્વાસ વધુ મજબૂત થાય છે અને જ્યારે આ બધી વાતો મારા સુધી પહોંચે છે તો ‘વિકસિત ભારત’નો સંકલ્પ જરૂર સિદ્ધ થશે. આ વિશ્વાસ દિનપ્રતિદિન મજબૂત થતો જાય છે.

વર્ષ 2026 આ સંકલ્પ સિદ્ધિની યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ પડાવ સાબિત થાય, તમારું અને તમારા પરિવારનું જીવન પ્રસન્નતામય હોય, આ કામના સાથે, આ એપિસોડમાં વિદાય લેતા પહેલાં હું અવશ્ય કહીશ, ‘ફીટ ઈન્ડિયા મુવમેન્ટ’, તમારે પણ ફીટ રહેવાનું છે. ઠંડીની આ ઋતુ વ્યાયામ માટે ખૂબ જ ઉપયુક્ત હોય છે, વ્યાયામ અવશ્ય કરો. આપ સહુને 2026ની ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. વંદે માતરમ્.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2209160) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Punjabi , Punjabi , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil , Kannada