પ્રધાનમંત્રીનું કાર્યાલય
'મન કી બાત'ના 124મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (27.07.2025)
Posted On:
27 JUL 2025 11:39AM by PIB Ahmedabad
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.
'મન કી બાત'માં ફરી એક વાર વાત થશે દેશની સફળતાઓની, દેશવાસીઓની ઉપલબ્ધિઓની. છેલ્લાં કેટલાંક સપ્તાહમાં, સ્પૉર્ટ્સ હોય, સાયન્સ હોય કે સંસ્કૃતિ, ઘણું બધું એવું થયું જેના પર દરેક ભારતવાસીને ગર્વ છે. હમણાં જ શુભાંશુ શુક્લના અંતરિક્ષથી પુનરાગમન અંગે દેશમાં ઘણી ચર્ચા થઈ. જેવા શુભાંશુ ધરતી પર સુરક્ષિત ઉતર્યા, લોકો ઊછળી પડ્યા, પ્રત્યેકના મનમાં ખુશીની લહેર દોડી ગઈ. આખો દેશ ગર્વથી છલોછલ થઈ ગયો. મને યાદ છે, જ્યારે ઑગસ્ટ 2023માં ચંદ્રયાન-3નું સફળ ઉતરાણ થયું હતું ત્યારે દેશમાં એક નવું વાતાવરણ બન્યું હતું. સાયન્સ માટે, સ્પેસ માટે બાળકોમાં એક નવી જિજ્ઞાસા પણ જાગી. હવે નાનાં-નાનાં બાળકો પણ કહે છે, અમે પણ સ્પેસમાં જઈશું, અમે પણ ચંદ્ર પર ઉતરીશું- સ્પેસ સાયન્ટિસ્ટ બનીશું.
સાથીઓ,
તમે INSPIRE-MANAK અભિયાનનું નામ સાંભળ્યું હશે. તે બાળકોમાં ઇન્નૉવેશનને ઉત્તેજન આપવાનું અભિયાન છે. તેમાં પ્રત્યેક શાળામાંથી પાંચ બાળકોને પસંદ કરવામાં આવે છે. દરેક બાળક એક નવો આઇડિયા લઈને આવે છે. તેનાથી અત્યાર સુધીમાં લાખો બાળકો જોડાઈ ચૂક્યાં છે અને ચંદ્રયાન-3 પછી તો તેની સંખ્યા બમણી થઈ ગઈ છે. દેશમાં સ્પેસ સ્ટાર્ટ-અપ્સ પણ ઝડપથી આગળ વધી રહ્યાં છે. પાંચ વર્ષ પહેલાં 50થી પણ ઓછાં સ્ટાર્ટ અપ હતાં. આજે 200થી વધુ થઈ ગયાં છે, માત્ર સ્પેસ સેક્ટરમાં. સાથીઓ, આગામી મહિને 23 ઑગસ્ટે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ છે. તમે તેને કેવી રીતે મનાવશો, કોઈ નવો વિચાર છે? મને નમો ઍપ પર જરૂર મેસેજ કરજો.
સાથીઓ,
21મી સદીના ભારતમાં આજે સાયન્સ એક નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે. કેટલાક દિવસો પહેલાં આપણા વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ કેમિસ્ટ્રી ઑલમ્પિયાડમાં મેડલ જીત્યા છે. દેવેશ પંકજ, સંદીપ કુચી, દેબદત્ત પ્રિયદર્શી અને ઉજ્જવલ કેસરી, આ ચારેય જણાએ ભારતનું નામ ઉજાળ્યું છે. મેથ્સની દુનિયામાં પણ ભારતે પોતાની ઓળખ વધુ મજબૂત કરી છે. ઑસ્ટ્રેલિયામાં થયેલા ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઑલમ્પિયાડમાં આપણા વિદ્યાર્થીઓએ ત્રણ સુવર્ણ, બે રજત અને એક કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે.
સાથીઓ,
આગામી મહિને મુંબઈમાં ઍસ્ટ્રૉનૉમી અને ઍસ્ટ્રૉફિઝિક્સ ઑલમ્પિયાડ યોજાવાનો છે. તેમાં 60થી વધુ દેશના વિદ્યાર્થીઓ આવશે. વૈજ્ઞાનિકો પણ આવશે. તે અત્યાર સુધીનો સૌથી મોટો ઑલમ્પિયાડ હશે. એક રીતે જોઈએ તો, ભારત હવે ઑલમ્પિક અને ઑલમ્પિયાડ, બંને માટે આગળ વધી રહ્યો છે.
મારા પ્રિય દેશવાસીઓ,
આપણને બધાને ગર્વ થાય તેવા એક બીજા સમાચાર આવ્યા છે, યુનેસ્કોમાંથી. યુનેસ્કોએ 12 મરાઠા કિલ્લાઓને વિશ્વ વારસા સ્થળ તરીકે માન્યતા આપી છે. અગિયાર કિલ્લા મહારાષ્ટ્રમાં છે, જ્યારે એક કિલ્લો તમિલનાડુમાં. દરેક કિલ્લા સાથે ઇતિહાસનું એક-એક પાનું જોડાયેલું છે. દરેક પથ્થર, એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી છે. સલ્હેરનો કિલ્લો, જ્યાં મોગલોની હાર થઈ, શિવનેરી, જ્યાં છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો. કિલ્લો એવો જેને દુશ્મન ભેદી ન શકે. ખાનદેરીનો કિલ્લો, સમુદ્ર વચ્ચે બનેલો અદ્ભુત કિલ્લો. શત્રુ તેમને રોકવા ઇચ્છતા હતા પરંતુ શિવાજી મહારાજે અસંભવને સંભવ કરીને દેખાડ્યું. પ્રતાપગઢનો કિલ્લો જ્યાં અફઝલ ખાન પર જીત થઈ, તે ગાથાની ગૂંજ આજે પણ કિલ્લાની દીવાલોમાં સમાયેલી છે. વિજયદુર્ગ, જેમાં ગુપ્ત સુરંગો હતી, છત્રપતિ શિવાજી મહારાજની દૂરદર્શિતાનું પ્રમાણ આ કિલ્લામાંથી મળે છે. મેં કેટલાંક વર્ષ પહેલાં રાયગઢની મુલાકાત લીધી હતી. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને નમન કર્યું હતું. આ અનુભવ જીવનભર મારી સાથે રહેશે.
સાથીઓ,
દેશના બીજા હિસ્સાઓમાં પણ આવા જ અદ્ભુત કિલ્લાઓ છે, જેમણે આક્રમણો સહન કર્યાં, ખરાબ હવામાનનો માર સહ્યો, પરંતુ આત્મસન્માનને ક્યારેય પણ ઝૂકવા નથી દીધું. રાજસ્થાનનો ચિતૌડગઢનો કિલ્લો, કુંભલગઢનો કિલ્લો, રણથંભોરનો કિલ્લો, આમેર કિલ્લો, જૈસલમેર કિલ્લો તો વિશ્વ પ્રસિદ્ધ છે. કર્ણાટકમાં ગુલબર્ગાનો કિલ્લો પણ ઘણો મોટો છે. ચિત્રદુર્ગના કિલ્લાની વિશાળતા પણ તમને કુતૂહલથી ભરી દેશે કે એ જમાનામાં આ કિલ્લો બન્યો કેવી રીતે હશે !
સાથીઓ,
ઉત્તર પ્રદેશના બાંદામાં છે, કાલિંજર કિલ્લો. મહેમૂદ ગજનવીએ અનેક વાર આ કિલ્લા પર આક્રમણ કર્યું અને દરેક વખતે તે અસફળ રહ્યો. બુંદેલખંડમાં એવા અનેક કિલ્લાઓ છે- ગ્વાલિયર, ઝાંસી, દતિયા, અજયગઢ, ગઢકુંડાર, ચંદેરી. આ કિલ્લા માત્ર ઈંટ-પથ્થર નથી, તે આપણી સંસ્કૃતિનાં પ્રતીકો છે. સંસ્કાર અને સ્વાભિમાન, આજે પણ આ કિલ્લાઓની ઊંચી-ઊંચી દીવાલોમાંથી ડોકિયાં કરે છે. હું બધા દેશવાસીઓને આગ્રહ કરું છું કે આ કિલ્લાની યાત્રા કરો, પોતાના ઇતિહાસને જાણો, ગૌરવ અનુભવો.
મારા પ્રિય દેશવાસીઓ,
તમે કલ્પના કરો. બિલકુલ પરોઢિયાનો સમય. બિહારનું મુઝફ્ફરપુર શહેર. તારીખ છે 11 ઑગસ્ટ 1908. દરેક ગલી, દરેક ચોક, દરેક હિલચાલ તે સમયે જાણે કે રોકાઈ ગઈ હતી. લોકોની આંખોમાં આંસુ હતાં, પરંતુ હૃદયમાં જ્વાળા હતી. લોકોએ જેલને ઘેરી રાખી હતી, જ્યાં એક 18 વર્ષનો યુવક, અંગ્રેજો વિરુદ્ધ પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરવાનું મૂલ્ય ચૂકવી રહ્યો હતો. જેલની અંદર, અંગ્રેજ અધિકારી, એક યુવાને ફાંસી દેવાની તૈયારી કરી રહ્યા હતા. તે યુવાના ચહેરા પર ભય નહોતો, પરંતુ તે ગર્વથી ભરેલો હતો. એ ગર્વ જે દેશ માટે મર-મીટનારા લોકોને હોય છે. તે વીર, તે સાહસી યુવાન હતા ખુદીરામ બોઝ. માત્ર 18 વર્ષની વયમાં તેમણે એ સાહસ કરીને દેખાડ્યું જેણે પૂરા દેશને હચમચાવી મૂક્યો.
ત્યારે સમાચારપત્રોએ પણ લખ્યું હતું- 'ખુદીરામ બોઝ જ્યારે ફાંસીના ગાળિયાની તરફ આગળ વધ્યા, તો તેમના ચહેરા પર સ્મિત હતું.' આવાં જ અગણિત બલિદાનો પછી, સદીઓની તપસ્યા પછી, આપણને સ્વતંત્રતા મળી હતી. દેશના દીવાનોએ પોતાના રક્તથી સ્વતંત્રતા આંદોલનને સીંચ્યું હતું.
સાથીઓ,
ઑગસ્ટનો મહિનો એટલા માટે જ તો ક્રાંતિનો મહિનો છે. 1 ઑગસ્ટે લોકમાન્ય બાળગંગાધર તિલકની પુણ્યતિથિ છે. આ મહિને આઠ ઑગસ્ટે ગાંધીજીના નેતૃત્વમાં 'ભારત છોડો આંદોલન'ની શરૂઆત થઈ હતી. પછી આવે છે 15 ઑગસ્ટ, આપણો સ્વતંત્રતા દિવસ, આપણે આપણા સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરીએ છીએ, તેમનામાંથી પ્રેરણા મેળવીએ છીએ, પરંતુ સાથીઓ, આપણી સ્વતંત્રતા સાથે દેશના વિભાજનની એક ટીસ પણ જોડાયેલી છે, આથી આપણે 14 ઑગસ્ટને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ'ના રૂપમાં મનાવીએ છીએ.
મારા પ્રિય દેશવાસીઓ,
7 ઑગસ્ટ 1905એ એક બીજી ક્રાંતિની શરૂઆત થઈ હતી. સ્વદેશી આંદોલને સ્થાનિક ઉત્પાદનો અને વિશેષ રૂપે, હૅન્ડલૂમને એક નવી ઊર્જા આપી હતી. આ સ્મૃતિમાં દેશ પ્રત્યેક વર્ષ સાત ઑગસ્ટને નેશનલ હેન્ડલૂમ ડે તરીકે ઉજવે છે. આ વર્ષે સાત ઑગસ્ટે નેશનલ હેન્ડલૂમ ડેને દસ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. સ્વતંત્રતાના સમયે જેવી રીતે આપણી ખાદીએ સ્વતંત્રતા આંદોલનને એક નવી શક્તિ આપી હતી, તેવી જ રીતે આજે જ્યારે દેશ, વિકસિત ભારત તરફ ડગલાં ભરી રહ્યો છે, તો કાપડ ક્ષેત્ર દેશની શક્તિ બની રહ્યું છે. આ દસ વર્ષોમાં દેશના અલગ-અલગ હિસ્સાઓમાં આ ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો લોકોએ સફળતાની અનેક ગાથાઓ લખી છે. મહારાષ્ટ્રના પૈઠણ ગામની કવિતા ધવલે પહેલાં એક નાના ઓરડામાં કામ કરતી હતી- ન તો જગ્યા હતી અને ન તો સુવિધા.
સરકાર પાસેથી મદદ મળી, હવે તેમનું કૌશલ્ય ઉડાન ભરી રહ્યું છે. તેઓ ત્રણ ગણું વધુ કમાઈ રહ્યાં છે. પોતે પોતાની બનાવેલી પૈઠણી સાડીઓ વેચી રહ્યાં છે. ઉડીસાના મયૂરભંજમાં પણ સફળતાની આવી જ કથા છે. અહીં 650થી વધુ આદિવાસી મહિલાઓએ સંથાલી સાડીને ફરીથી જીવિત કરી છે. હવે આ મહિલાઓ દર મહિને હજારો રૂપિયા કમાઈ રહી છે. તેઓ માત્ર કપડાં નથી બનાવી રહી, પરંતુ પોતાની ઓળખ બનાવી રહી છે. બિહારના નાલંદાથી નવીનકુમારની ઉપલબ્ધિ પણ પ્રેરણાદાયક છે. તેમનો પરિવાર પેઢીઓથી આ કામ સાથે જોડાયેલો છે. પરંતુ સૌથી સારી વાત એ છે કે તેમના પરિવારે હવે આ ક્ષેત્રમાં આધુનિકતાનો પણ સમાવેશ કર્યો છે. હવે તેમનાં બાળકો હેન્ડલૂમ ટૅક્નૉલૉજીનો અભ્યાસ કરી રહ્યા છે. મોટી બ્રાન્ડમાં કામ કરી રહ્યાં છે. આ પરિવર્તન માત્ર એક પરિવારનું નથી, તે આસપાસના અનેક પરિવારોને આગળ વધારી રહ્યું છે.
સાથીઓ,
ટૅક્સટાઇલ ભારતનું માત્ર એક ક્ષેત્ર નથી. તે આપણી સાંસ્કૃતિક વિવિધતાનું ઉદાહરણ છે. આજે ટૅક્સ્ટાઇલ અને અપેરલ માર્કેટ ઘણું ઝડપથી આગળ વધી રહ્યું છે અને આ વિકાસની સૌથી સુંદર વાત એ છે કે ગામની મહિલાઓ, શહેરના ડિઝાઇનર, વૃદ્ધ વણકરો અને સ્ટાર્ટ-અપ શરૂ કરનારા આપણા યુવાનો બધાં મળીને તેને આગળ વધારી રહ્યા છે. આજે ભારતમાં 3000થી વધુ ટૅક્સ્ટાઇલ સ્ટાર્ટ અપ સક્રિય છે. અનેક સ્ટાર્ટ અપે ભારતની હૅન્ડલૂમ ઓળખને વૈશ્વિક ઊંચાઈ આપી છે. સાથીઓ, 2047ના વિકસિત ભારતનો રસ્તો આત્મનિર્ભરતાથી થઈને પસાર થાય છે અને 'આત્મનિર્ભર ભારત'નો સૌથી મોટો આધાર છે- 'વોકલ ફોર લોકલ'. જે ચીજો ભારતમાં બનેલી હોય, જેને બનાવવામાં કોઈ ભારતીયનો પરસેવો વહ્યો હોય, તે ખરીદો અને તે જ વેચો. આ આપણો સંકલ્પ હોવો જોઈએ.
મારા પ્રિય દેશવાસીઓ,
ભારતની વિવિધતાની સૌથી સુંદર ઝલક આપણાં લોકગીતો અને પરંપરાઓમાં મળે છે અને તેનો હિસ્સો છે આપણાં ભજન અને આપણાં કીર્તન. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કીર્તન દ્વારા દાવાનળ પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવે? તમને કદાચ વિશ્વાસ નહીં થાય, પરંતુ ઓડિશાના ક્યોંઝર જિલ્લામાં એક અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે. અહીં, રાધાકૃષ્ણ સંકીર્તન મંડળી નામની એક ટોળી છે. ભક્તિની સાથોસાથ, આ ટોળી, આજે, પર્યાવરણ સંરક્ષણનો પણ મંત્ર જપી રહી છે. આ પહેલની પ્રેરણા છે- પ્રમિલા પ્રધાન જી. જંગલ અને પર્યાવરણની રક્ષા માટે તેમણે પારંપરિક ગીતોમાં નવા શબ્દો જોડ્યા, નવા સંદેશાઓ જોડ્યા. તેમની ટોળી ગામેગામ ગઈ. ગીતોના માધ્યમથી લોકોને સમજાવ્યું કે જંગલમાં લાગતી આગથી કેટલું નુકસાન થાય છે. આ ઉદાહરણ આપણને સ્મરણ અપાવે છે કે આપણી લોકપરંપરાઓ કોઈ વિતેલા યુગની ચીજો નથી, તેમાં આજે પણ સમાજને દિશા આપવાની શક્તિ છે.
મારા પ્રિય દેશવાસીઓ,
ભારતની સંસ્કૃતિનો બહુ મોટો આધાર, આપણા તહેવારો અને પરંપરાઓ છે, પરંતુ આપણી સંસ્કૃતિની જીવંતતાનો એક બીજો પક્ષ પણ છે- આ પક્ષ છે આપણા વર્તમાન અને આપણા ઇતિહાસને ડૉક્યૂમેન્ટ કરતા રહેવાનો. આપણી ખરી શક્તિ તો તે જ્ઞાન છે, જે સદીઓથી પાંડુલિપિઓ (મેનૂસ્ક્રિપ્ટ)ના રૂપમાં સાચવવામાં આવ્યું છે. આ પાંડુલિપિઓમાં વિજ્ઞાન છે, ચિકિત્સા પદ્ધતિઓ છે, સંગીત છે, દર્શન છે અને સૌથી મોટી વાત, એ વિચારસરણી છે જે માનવતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. સાથીઓ, એવા અસાધારણ જ્ઞાનને, આ વારસાને સાચવવો એ આપણા બધાનું ઉત્તરદાયિત્વ છે. આપણા દેશના દરેક કાળખંડમાં કેટલાક
એવા લોકો થયા છે જેમણે તેને પોતાની સાધના બનાવી લીધી. આવું જ એક પ્રેરણાદાયક વ્યક્તિત્વ છે - મણિમારન જી, જે તમિલનાડુના તંજાવુરથી છે. તેમને લાગ્યું કે જો આજની પેઢી તમિલ પાંડુલિપિઓ વાંચતા નહીં શીખે તો આવનારા સમયમાં તેઓ આ અણમોલ વારસો ખોઈ બેસશે. આથી તેમણે સાંજે કક્ષાઓ શરૂ કરી. જ્યાં વિદ્યાર્થી, નોકરી કરતો યુવા, સંશોધક, બધા ત્યાં આવીને શીખવા લાગ્યા. મણિ મારન જીએ લોકોને શીખવાડ્યું કે 'તમિલ સુવૈદ્યલ' અર્થાત્ ખજૂરના પાન હસ્તપ્રતોને વાંચવા અને સમજવાનો વિધિ શું હોય છે. આજે અનેક પ્રયાસોથી કેટલાય વિદ્યાર્થીઓ આ વિધામાં પારંગત બની ચૂક્યા છે. કેટલાક વિદ્યાર્થીઓએ તો આ પાંડુલિપિઓના આધાર પર પરંપરાગત ચિકિત્સા પ્રણાલિ પર સંશોધન પણ ચાલુ કરી દીધું છે. સાથીઓ, વિચારો, જો આવા પ્રયાસો દેશભરમાં થાય તો આપણું પુરાતન જ્ઞાન માત્ર દીવાલોની અંદર બંધ નહીં રહે, તે નવી પેઢીની ચેતનાનો હિસ્સો બની જશે. આ વિચારસરણીથી પ્રેરિત થઈને, ભારત સરકારે આ વર્ષના બજેટમાં એક ઐતિહાસિક પહેલની ઘોષણા કરી છે, 'જ્ઞાન ભારતમ્ મિશન'. આ મિશન અંતર્ગત પ્રાચીન પાંડુલિપિઓને ડિજિટાઇઝ કરવામાં આવશે. પછી એક નેશનલ ડિજિટલ રિપૉઝિટરી બનાવવામાં આવશે જ્યાં દુનિયાભરના વિદ્યાર્થીઓ, શોધકર્તા, ભારતની જ્ઞાન પરંપરા સાથે જોડાઈ શકશે. મારો પણ તમને બધાને આગ્રહ છે કે જો તમે આવા કોઈ પ્રયાસ સાથે જોડાયેલા હો, અથવા જોડાવા માગતા હો, તો MyGov અથવા સંસ્કૃતિ મંત્રાલયનો જરૂર સંપર્ક કરજો, કારણકે આ માત્ર પાંડુલિપિઓ નથી, તે ભારતની આત્માનો એ અધ્યાય છે, જેને આપણે આપણી આવનારી પેઢીઓને ભણાવવાનો છે.
મારા પ્રિય દેશવાસીઓ,
જો તમને પૂછવામાં આવે કે તમારી આસપાસ કેટલાં પ્રકારનાં પક્ષી છે, ચકલી છે તો તમે શું કહેશો?
કદાચ એ કે મને તો પાંચ-છ પક્ષી જોવા મળી જ જાય છે, અથવા ચકલી દેખાય જ જાય છે - કેટલીક જાણીતી હોય છે, કોઈ અજાણી. પરંતુ એ જાણવું ઘણું રસપ્રદ હોય છે કે આપણી આસપાસ પક્ષીઓની કઈ-કઈ પ્રજાતિઓ રહે છે. તાજેતરમાં જ એક એવો જ શાનદાર પ્રયાસ થયો છે, જગ્યા છે આસામનો કઝિરંગા નેશનલ પાર્ક. આમ તો આ ક્ષેત્ર પોતાના રાઇનો (ગેંડા) માટે પ્રખ્યાત છે- પરંતુ આ વખતે તે ચર્ચાનો વિષય બન્યો છે, ત્યાંના ઘાસનાં મેદાન અને તેમાં રહેતી ચકલીઓ. ત્યાં પહેલી વાર ગ્રાસલેણ્ડ બર્ડ સેન્સસ એટલે કે ઘાસમાં રહેતાં પક્ષીઓની ગણતરી થઈ છે. તમે જાણીને પ્રસન્ન થશો કે આ જનસંખ્યા ગણતરીના કારણે પક્ષીઓની ૪૦થી વધુ પ્રજાતિઓની ઓળખ થઈ છે. તેમાં અનેક દુર્લભ પક્ષી સમાવિષ્ટ છે. તમે વિચારી રહ્યા હશો કે આટલા પક્ષી કેવી રીતે ઓળખાયાં ! તેમાં ટૅક્નૉલૉજીએ ચમત્કાર કર્યો. જનસંખ્યા ગણતરી કરનારી ટીમે અવાજ રેકૉર્ડ કરનારા યંત્રો લગાડ્યાં. પછી કમ્પ્યૂટરની સહાયથી તે અવાજોનું વિશ્લેષણ કર્યું, એઆઈનો ઉપયોગ કર્યો. માત્ર અવાજથી જ પક્ષીઓની ઓળખ થઈ ગઈ - તે પણ તેમને ખલેલ પહોંચાડ્યા વગર. વિચારો ! ટૅક્નૉલૉજી અને સંવેદનશીલતા જ્યારે એક સાથે આવે છે તો પ્રકૃતિને સમજવું કેટલું સરળ અને ગાઢ બની જાય છે. આપણે આવા પ્રયાસોને ઉત્તેજન આપવું જોઈએ, જેથી, આપણે, આપણી જૈવ વિવિધતાને ઓળખી શકીએ અને આગામી પેઢીને પણ તેની સાથે જોડી શકીએ.
મારા પ્રિય દેશવાસીઓ,
ક્યારેક-ક્યારેક સૌથી મોટું ઉજાળું ત્યાંથી ફૂટે છે, જ્યાં અંધકારે સૌથી વધુ ધામા નાખ્યા હોય. આવું જ એક ઉદાહરણ છે ઝારખંડના ગુમલા જિલ્લાનું. એક સમય હતો, જ્યારે આ ક્ષેત્ર માઓવાદી હિંસા માટે જાણીતું હતું. બાસિયા ખંડનાં ગામડાંઓ વીરાન થઈ રહ્યા હતા. લોકો ડરના ઓછાયા હેઠળ જીવતા હતા. રોજગારની કોઈ સંભાવના દેખાતી નહોતી, જમીનો ખાલી પડી હતી અને યુવાનો પલાયન કરી રહ્યા હતા.
પરંતુ પછી, પરિવર્તનની એક ખૂબ જ શાંત અને ધૈર્યભરી શરૂઆત થઈ. ઓમપ્રકાશ સાહુજી નામના એક યુવકે હિંસાનો રસ્તો છોડી દીધો. તેમણે મત્સ્ય પાલન શરૂ કર્યું. પછી પોતાના અનેક સાથીઓને પણ તેના માટે પ્રેરિત કર્યા. તેમના આ પ્રયાસની અસર પણ થઈ. જે પહેલાં બંદૂક લઈને ચાલતા હતા, તેઓ હવે માછલી પકડવાની જાળ પકડવા લાગ્યા છે.
સાથીઓ,
ઓમપ્રકાશ સાહૂજીની શરૂઆત સરળ નહોતી. વિરોધ થયો, ધમકીઓ મળી, પરંતુ સાહસ ન ખૂટ્યું. જ્યારે 'પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના' આવી તો તેમને નવી શક્તિ મળી. સરકાર પાસેથી પ્રશિક્ષણ મળ્યું, તળાવ બનાવવામાં મદદ મળી અને જોતજોતામાં, ગુમલામાં, મત્સ્ય ક્રાંતિનો સૂત્રપાત થઈ ગયો. આજે બાસિયા ખંડના 150થી વધુ પરિવારો મત્સ્ય પાલન સાથે જોડાઈ ચૂક્યા છે. અનેક તો એવા લોકો છે જે ક્યારેક નક્સલી સંગઠનમાં હતા, હવે તે ગામમાં જ, સમ્માનથી જીવી રહ્યા છે અને બીજાને આજીવિકા આપી રહ્યા છે. ગુમલાની આ યાત્રા આપણને શીખવે છે કે જો રસ્તો સાચો હોય અને મનમાં ભરોસો હોય તો સૌથી કઠિન પરિસ્થિતિઓમાં પણ વિકાસનો દીપ પ્રજ્વળી શકે છે.
મારા પ્રિય દેશવાસીઓ,
શું તમે જાણો છો કે ઑલમ્પિક્સ પછી સૌથી મોટું ખેલ આયોજન કયું હોય છે? તેનો ઉત્તર છે- 'વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ'. દુનિયાભરના પોલીસ કર્મચારી, અગ્નિશામક દળના કર્મચારીઓ, સુરક્ષા સાથે જોડાયેલા લોકો વચ્ચે થતી સ્પૉર્ટ્સ ટુર્નામેન્ટ. આ વખતે આ ટુર્નામેન્ટ અમેરિકામાં થઈ અને તેમાં ભારતે ઇતિહાસ રચી દીધો. ભારતે લગભગ 600 ચંદ્રકો જીત્યા. 71 દેશોમાં આપણે ટોચના ત્રણમાં પહોંચ્યા. તે ગણવેશધારીઓની મહેનત રંગ લાવી જે દિવસ-રાત દેશ માટે ઊભા રહે છે. આપણા આ સાથી હવે રમતના મેદાનમાં પણ ઝંડો ઊંચો કરી રહ્યા છે.
હું બધા ખેલાડીઓ અને કૉચિંગ ટીમને અભિનંદન આપું છું. આમ તો તમારા માટે એ જાણવું રસપ્રદ રહેશે કે 2029માં આ રમતો ભારતમાં યોજાશે. દુનિયાભરના ખેલાડીઓ આપણા દેશમાં આવશે. આપણે તેમને ભારતનું આતિથ્ય દેખાડીશું, પોતાની ખેલ સંસ્કૃતિનો પરિચય કરાવીશું.
સાથીઓ,
વિતેલા દિવસોમાં, મને યુવાન ઍથ્લેટ અને તેમનાં માતાપિતાના સંદેશા મળ્યા છે. તેમાં 'ખેલો ભારત નીતિ 2025'ની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. આ નીતિનું લક્ષ્ય સ્પષ્ટ છે- ભારતને રમતના ક્ષેત્રમાં મહા સત્તા બનાવવું. ગામ, ગરીબ અને દીકરીઓ આ નીતિની પ્રાથમિકતા છે. શાળા અને કૉલેજ, હવે રમતને, પ્રતિ દિનના જીવનનો હિસ્સો બનાવશે. રમતો સાથે જોડાયેલાં સ્ટાર્ટ અપ, પછી તે સ્પૉર્ટ્સ મેનેજમેન્ટ્સ હોય કે મેન્યૂફૅક્ચરિંગ સાથે જોડાયેલા હોય, તેમની બધી રીતે મદદ કરવામાં આવશે. વિચારો, જ્યારે દેશનો યુવાન પોતાના બનાવેલાં રેકેટ, બેટ અને બૉલ સાથે રમશે તો આત્મનિર્ભરતાના મિશનને કેટલું મોટું બળ મળશે. સાથીઓ, રમતો સંઘ ભાવના ઉત્પન્ન કરે છે. તે ચુસ્તી, આત્મવિશ્વાસ અને એક મજબૂત ભારત નિર્માણનો રસ્તો છે. આથી ખૂબ રમો, ખૂબ ખિલો.
મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક લોકોને ક્યારેક કોઈ કામ અસંભવ જેવું લાગે છે. લાગે છે કે શું આ પણ થઈ શકશે. પરંતુ જ્યારે દેશ એક વિચાર પર એક સાથે આવી જાય તો અસંભવ પણ સંભવ થઈ જાય છે. 'સ્વચ્છ ભારત મિશન' તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ટૂંક સમયમાં જ તેને 11 વર્ષ પૂરાં થશે. પરંતુ તેની શક્તિ અને તેની આવશ્યકતા આજે પણ એવી જ છે. આ 11 વર્ષોમાં 'સ્વચ્છ ભારત મિશન' એક જન આંદોલન બન્યું છે. લોકો તેને પોતાનું કર્તવ્ય માને છે અને આ જ તો અસલી જનભાગીદારી છે.
સાથીઓ, પ્રત્યેક વર્ષ થનારા સ્વચ્છ સર્વેક્ષણે આ ભાવનાને આગળ વધારી છે. આ વર્ષે દેશનાં 4,500થી વધુ શહેરો અને નગરો તેની સાથે જોડાયાં. 15 કરોડથી વધુ લોકોએ તેમાં ભાગ લીધો. આ કોઈ સામાન્ય સંખ્યા નથી. તે સ્વચ્છ ભારતનો અવાજ છે.
સાથીઓ,
સ્વચ્છતા માટે આપણાં શહેરો અને નગરો પોતાની આવશ્યકતાઓ અને વાતાવરણ મુજબ, અલગ-અલગ રીતે કામ કરી રહ્યાં છે. અને તેની અસર કેવળ, એ શહેરો પૂરતી જ નથી, સમગ્ર દેશ આ રીતોને અપનાવી રહ્યો છે. ઉત્તરાખંડના કીર્તિનગરના લોકો, પહાડોમાં કચરા પ્રબંધનનું નવું ઉદાહરણ સ્થાપી રહ્યા છે. આ જ રીતે મેંગલુરુમાં ટૅક્નૉલૉજીથી જૈવિક કચરા પ્રબંધનનું કામ થઈ રહ્યું છે. અરુણાચલમાં નાનકડું શહેર રોઇંગ છે. એક સમય હતો જ્યારે અહીંના લોકોના સ્વાસ્થ્યની સામે કચરા પ્રબંધન બહુ મોટો પડકાર હતો. અહીંના લોકોએ તેનું ઉત્તરદાયિત્વ લીધું. 'ગ્રીન રૉઇંગ ઇનિશિએટિવ' શરૂ થયું અને પછી પુનર્ચક્રિત કચરા (Recycled waste)થી આખો એક પાર્ક બનાવી દેવાયો. આવું જ કરાડમાં, વિજયવાડામાં, જળ પ્રબંધનનાં અનેક નવાં ઉદાહરણો બન્યાં છે. અમદાવાદમાં રિવર ફ્રન્ટ પર સફાઈએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું છે.
સાથીઓ,
ભોપાલની એક ટીમનું નામ છે 'સકારાત્મક સોચ'. તેમાં 200 મહિલાઓ છે. તેઓ માત્ર સફાઈ જ નથી કરતી, વિચારસરણી પણ બદલે છે. એક સાથે મળીને શહેરના 17 પાર્કોની સફાઈ કરવી, કાપડની થેલીઓ વહેંચવી, તેમનું દરેક પગલું એક સંદેશ છે. આવા પ્રયાસોના કારણે જ ભોપાલ પણ હવે સ્વચ્છ સર્વેક્ષણમાં ઘણું આગળ આવી ગયું છે. લખનઉની ગોમતી નદી ટીમનો ઉલ્લેખ પણ આવશ્યક છે. દસ વર્ષ પ્રત્યેક રવિવાર, વિના થાકે, વિના અટકે, આ ટીમના લોકો સ્વચ્છતાના કામમાં જોડાયેલા છે.
છત્તીસગઢનું બિલ્હાનું ઉદાહરણ પણ શાનદાર છે. અહીં મહિલાઓને કચરા પ્રબંધનનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું અને તેમણે મળીને, શહેરની તસવીર બદલી નાખી. ગોવાના પણજી શહેરનું ઉદાહરણ પણ પ્રેરક છે. ત્યાં કચરાને 16 શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે અને તેનું નેતૃત્વ પણ મહિલાઓ કરી રહી છે. પણજીને તો રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ મળ્યો છે. સાથીઓ, સ્વચ્છતા માત્ર એક સમયનું, એક દિવસનું કામ નથી. જ્યારે આપણે વર્ષમાં, પ્રત્યેક દિવસ, પ્રત્યેક પળ, સ્વચ્છતાને પ્રાથમિકતા આપીશું ત્યારે દેશ સ્વચ્છ રહી શકશે.
સાથીઓ,
શ્રાવણના વરસાદી વાતાવરણ વચ્ચે, દેશ ફરી એક વાર તહેવારના પ્રકાશથી ચમકવા જઈ રહ્યો છે. આજે હરિયાળી બીજ છે. પછી નાગપંચમી, અને રક્ષા બંધન, પછી જન્માષ્ટમી, આપણા નટખટ કાનાનો જન્મનો ઉત્સવ. આ બધા પર્વ આપણી ભાવનાઓ સાથે જોડાયેલા છે, તેઓ આપણને પ્રકૃતિથી જોડાણ અને સંતુલનનો પણ સંદેશ આપે છે. આપ સહુને આ પાવન પર્વની ઘણી બધી શુભકામનાઓ. મારા પ્રિય સાથીઓ, પોતાના વિચાર અને અનુભવ જણાવતા રહેજો. આગામી મહિને ફરી મળીશું, દેશવાસીઓની બીજી કેટલીક ઉપલબ્ધિઓ અને પ્રેરણાઓની સાથે. તમારું ધ્યાન રાખજો.
ખૂબ-ખૂબ ધન્યવાદ.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2149004)
Read this release in:
Urdu
,
Manipuri
,
English
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam