રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય રેલવેએ વિશેષ વ્યવસ્થા સાથે મહા શિવરાત્રીની તૈયારી કરી


પ્રયાગરાજથી 350થી વધુ વિશેષ ટ્રેનો, મુખ્ય સ્ટેશનો પર સતર્કતા વધારી

ભારતીય રેલવેએ મહાકુંભના યાત્રાળુઓ માટે 42 દિવસમાં 15,000થી વધુ ટ્રેનોનું સંચાલન કરીને રેકોર્ડ બનાવ્યો

Posted On: 25 FEB 2025 7:47PM by PIB Ahmedabad

મહાકુંભ 2025ના અંતિમ અમૃત સ્નાનનું આયોજન 26 ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, બંગાળ સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં તીર્થયાત્રીઓ પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર સ્નાન કરવા માટે એકઠા થયા છે. રવિવાર અને સોમવારે બિહારના પટના, દાનાપુર, મુઝફ્ફરપુર, ગયા, સાસારામ, કટિહાર, ખગડિયા, સહરસા, જયનગર અને દરભંગા જેવા સ્ટેશનો પર મુસાફરોની સંખ્યા વધુ હતી. એ જ રીતે ઉત્તર પ્રદેશના ગોરખપુર, લખનઉ, અયોધ્યા, વારાણસી, કાનપુર, ગોંડા, દીનદયાળ ઉપાધ્યાય અને ઝાંસી જેવા સ્ટેશનો પર યાત્રાળુઓની સંખ્યામાં વધારો થયો હતો. મધ્ય પ્રદેશના ચિત્રકૂટ, જબલપુર, સતના અને ખજુરાહો જેવા સ્ટેશનો પર પણ લોકોની અવરજવર વધુ જોવા મળી હતી. જ્યારે ઝારખંડના ધનબાદ, બોકારો, રાંચી, ગઢવા અને મેદિનીનગર સ્ટેશનોથી પણ પ્રયાગરાજ સુધી નોંધપાત્ર સંખ્યામાં મુસાફરોએ મુસાફરી કરી હતી.

અમૃત સ્નાન બાદ મોટી સંખ્યામાં લોકો પોતાના વતન પરત ફરે તેવી શક્યતા છે. જેના કારણે રેલવે સ્ટેશનો પર ભારે ભીડ ઉમટે તેવી શક્યતા હોવાનું ધ્યાનમાં રાખીને, ઉત્તર મધ્ય રેલ્વે, ઉત્તર પૂર્વ રેલ્વે અને ઉત્તર રેલ્વેએ વિસ્તૃત તૈયારીઓ કરી છે, તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના વર્કસ્ટેશનો પર સતર્ક રહેવા નિર્દેશ આપ્યો છે. મૌની અમાવસ્યા નિમિત્તે 360થી વધુ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેમાં 20 લાખથી વધુ લોકોને તેમના ગંતવ્ય સ્થાને સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યા હતા. એ જ રીતે મહા શિવરાત્રી સ્નાન પછી વધારાની ટ્રેનો દોડાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જરૂર મુજબ ઉપયોગ માટે પ્રયાગરાજ નજીક વધારાના રેક મૂકવામાં આવ્યા છે. શરૂઆતમાં રેલવેએ મહાકુંભ દરમિયાન અંદાજે 13,500 ટ્રેનોના સંચાલનની યોજના બનાવી હતી. જોકે, 42માં દિવસે પણ મોટી સંખ્યામાં સ્પેશિયલ ટ્રેનો સહિત 15 હજારથી વધુ ટ્રેનો દોડાવવામાં આવી ચૂકી છે.

કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ રેલવેની સમગ્ર કામગીરી પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ શ્રી સતીશ કુમાર સક્રિય રીતે ટ્રેન વ્યવહાર પર દેખરેખ રાખી રહ્યા છે. ત્રણેય ઝોનલ રેલવેના જનરલ મેનેજર્સ પોતાની ટીમ સાથે રેલવે વ્યવસ્થાને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે. રેલવે પ્રધાને રેલવે બોર્ડના ચેરમેન અને તમામ ઝોનલ રેલવેના જનરલ મેનેજર્સને આદેશ આપ્યો છે કે તેઓ મહા કુંભના મુસાફરોની સૌથી વધુ કાળજી રાખે અને જરૂર પડ્યે વધારાની વિશેષ ટ્રેનોનું સંચાલન કરે.

મહા શિવરાત્રી પર મોટી સંખ્યામાં યાત્રાળુઓની અપેક્ષાને ધ્યાનમાં રાખીને, રેલ્વે વહીવટીતંત્રે મોટી સંખ્યામાં ટ્રેનો ચલાવવા ઉપરાંત સુરક્ષા, આશ્રયસ્થાનો અને સરળ ટિકિટિંગ સહિત મુસાફરોની સુવિધા માટે વ્યવસ્થા કરી છે. પ્રયાગરાજ ક્ષેત્રના તમામ સ્ટેશનો પર વાણિજ્યિક વિભાગના 1,500 થી વધુ કર્મચારીઓ અને 3,000 રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રયાગરાજમાં રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સની 29 સ્કવોડ, મહિલા રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સની 2 સ્કવોડ, 22 ડોગ સ્ક્વોડ અને 2 બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે. સ્કાઉટ એન્ડ ગાઈડ્સ, સિવિલ ડિફેન્સ અને અન્ય વિભાગોની ટીમો યાત્રાળુઓને વધુ સારી મુસાફરીની સુવિધા પૂરી પાડવા માટે કામ કરી રહી છે.

યાત્રાળુઓ માટે સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે, પ્રયાગરાજ ક્ષેત્રના તમામ સ્ટેશનો પર આંતરિક હિલચાલની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને યાત્રાળુઓને વિશેષ ટ્રેનો દ્વારા તેમના ગંતવ્ય સ્થાને લઈ જવામાં આવ્યા છે. પ્રયાગરાજ જંક્શન પર મુસાફરોને તેમના સ્થળોના આધારે ચોક્કસ આશ્રયસ્થાનોમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વિશેષ ટ્રેનો દ્વારા તેમના સંબંધિત સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે મુસાફરોની સંખ્યા વધી ત્યારે રેલવેએ ખુસરો બાગ ખાતે મુસાફરોને રોકીને તેની ઇમરજન્સી યોજના અમલમાં મૂકી હતી. ત્યારબાદ મુસાફરોને ટ્રેનોમાં ચઢતા પહેલા નિયુક્ત આશ્રયસ્થાનો દ્વારા સલામત રીતે સ્ટેશનમાં પ્રવેશવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. પ્રયાગરાજ જંક્શનના કન્ટ્રોલ ટાવર પરથી પ્રયાગરાજ ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી અને ટ્રેનવ્યવહારમાં આવતા વિક્ષેપોને રોકવા અને વિશેષ ટ્રેનોમાં યાત્રાળુઓની સલામત રીતે પ્રસ્થાન સુનિશ્ચિત કરવા માટે સમયસર નિર્ણયો લેવામાં આવ્યા હતા.

વિવિધ સ્ટેશનો પર તબીબી સુવિધાઓ પણ ઉપલબ્ધ હતી, જ્યાં યાત્રાળુઓના ગંભીર કેસોની ઓબ્ઝર્વેશન રૂમમાં સારવાર કરવામાં આવી હતી. મહા કુંભ 2025 દરમિયાન, ઘણા યાત્રાળુઓએ રેલ્વે દ્વારા આપવામાં આવતી ડિજિટલ સેવાઓનો ઉપયોગ કર્યો હતો. લાખો મુસાફરોએ તેમની મુસાફરીની જરૂરિયાતો માટે વેબસાઇટ અને કુંભ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો. મહાકુંભના અંતિમ સપ્તાહમાં રેલવેએ નિયમિત અને વિશેષ એમ બંને પ્રકારની ટ્રેનોનું કાર્યક્ષમ રીતે સંચાલન કર્યું હતું. રવિવારે, તેણે 335 ટ્રેનોનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું, જેમાં 16 લાખથી વધુ લોકોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવામાં આવ્યા હતા.

AP/IJ/GP/JD


(Release ID: 2106267) Visitor Counter : 22