માહિતી અને પ્રસારણ મંત્રાલય
મહાકુંભ 2025: 233 વોટર એટીએમ દ્વારા 40 લાખથી વધુ યાત્રાળુઓને 24/7 શુદ્ધ પીવાના પાણીની સપ્લાય
પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ પાણી પુરવઠા માટે પ્લાસ્ટિક-મુક્ત પીવાના પાણીની વ્યવસ્થા
Posted On:
05 FEB 2025 7:14PM by PIB Ahmedabad
પ્રયાગરાજમાં મહાકુંભ 2015માં દેશ-વિદેશથી આવતા લાખો યાત્રાળુઓ માટે સ્વચ્છ અને શુદ્ધ પીવાના પાણીની મોટા પાયે વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા વિસ્તારમાં કુલ 233 વોટર એટીએમ લગાવવામાં આવ્યા છે. જે 24 કલાક કોઈ પણ જાતના વિક્ષેપ વિના કાર્યરત રહે છે. આ વોટર એટીએમ દ્વારા યાત્રાળુઓને દરરોજ શુદ્ધ આરઓ (રિવર્સ ઓસ્મોસિસ) પાણી મળી રહ્યું છે. સત્તાવાર આંકડા મુજબ 21 જાન્યુઆરી 2025થી 1 ફેબ્રુઆરી 2025 વચ્ચે 40 લાખથી વધુ તીર્થયાત્રીઓએ આ વોટર એટીએમનો લાભ લીધો છે.
યાત્રાળુઓની સુવિધા સુનિશ્ચિત કરવા વહીવટીતંત્રે આ પાણીના એટીએમ દ્વારા પીવાના પાણીનું નિ:શુલ્ક વિતરણ સુનિશ્ચિત કર્યું છે. શરૂઆતમાં, આ સેવા લિટર દીઠ ₹1 ના દરે ઉપલબ્ધ હતી. જ્યાં યાત્રાળુઓ કાં તો સિક્કા દાખલ કરી શકતા હતા અથવા આરઓ પાણી માટે ચૂકવણી કરવા માટે યુપીઆઈ સ્કેનિંગનો ઉપયોગ કરી શકતા હતા. જો કે હવે યાત્રિકોને કોઈ પણ મુશ્કેલી વગર સ્વચ્છ પાણી મળી રહે તે માટે આ સેવા સંપૂર્ણપણે મફત કરી દેવામાં આવી છે. દરેક વોટર એટીએમ પર એક ઓપરેટર તૈનાત હોય છે. જે યાત્રાળુઓ બટન દબાવતાની સાથે જ શુદ્ધ પાણી ઉપલબ્ધ થાય તેની ખાતરી આપે છે. તેમજ સુનિશ્ચિત કરે છે કે યાત્રાળુઓને પાણી મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે અને પાણીનો પુરવઠો વિક્ષેપ વિના ચાલુ રહે.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WBU5.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WBU5.jpg)
મહાકુંભમાં સ્થાપિત વોટર એટીએમ આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, જે સુનિશ્ચિત કરે છે કે તેમનું સંચાલન સંપૂર્ણપણે સ્વચાલિત અને સરળ રહે છે. આ મશીનોમાં સેન્સર આધારિત મોનિટરિંગ સિસ્ટમ હોય છે. જે કોઈ પણ ટેકનિકલ ખામીને તરત જ શોધી કાઢે છે. જો કોઈ ટેકનિકલ સમસ્યા ઊભી થાય, તો જળ નિગમના ટેકનિશિયનો ઝડપથી તેને ઠીક કરી દે છે, જેથી યાત્રાળુઓને અવિરત પાણી પુરવઠો મળી રહે. મહાકુંભમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓને જોતા દરેક વોટર એટીએમમાં રોજનું 12 હજારથી 15 હજાર લીટર આરઓ પાણી આપવામાં આવી રહ્યું છે. તમામ વોટર એટીએમ સિમ-આધારિત ટેકનોલોજીથી સજ્જ છે, જે તેમને વહીવટીતંત્રના કેન્દ્રીય નેટવર્ક સાથે જોડાયેલા રાખે છે.
આ ટેકનોલોજી પાણીના કુલ વપરાશ, પાણીના સ્તરનું વ્યવસ્થાપન, પાણીની ગુણવત્તા અને વિતરણના જથ્થા પર સતત દેખરેખ રાખવા સક્ષમ બનાવે છે. દર વખતે જ્યારે કોઈ યાત્રી વોટર એટીએમનો ઉપયોગ કરે છે, ત્યારે એક લિટર શુદ્ધ પાણી આપવામાં આવે છે. જે તેઓ સ્પાઉટની નીચે મૂકેલી બોટલમાં ભરી શકે છે. ભૂતકાળના કુંભના કાર્યક્રમોમાં સંગમ અને અન્ય ઘાટોની આસપાસ પ્લાસ્ટિકની બોટલો અને અન્ય કચરાની સમસ્યા વધુ વકરી હતી. આ વખતે વહીવટીતંત્રે માત્ર સ્વચ્છ પાણી પુરવઠાની જ વ્યવસ્થા કરી નથી, પરંતુ પર્યાવરણીય સંરક્ષણ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0022A4C.jpg](https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0022A4C.jpg)
મહાકુંભ વહીવટીતંત્રે સુનિશ્ચિત કર્યું છે કે સમગ્ર કાર્યક્રમ દરમિયાન વોટર એટીએમ કોઈપણ વિક્ષેપ વિના કાર્યરત રહેશે. કોઈપણ સમસ્યાનો સામનો કરવા અને પાણીના એટીએમ પર નિયમિત દેખરેખ રાખવા માટે ખાસ તકનીકી ટીમોની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, વહીવટીતંત્ર ભવિષ્યમાં કુંભ અને અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં યાત્રાળુઓને પીવાનું શુધ્ધ પાણી સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આ પ્રકારની વધુ પહેલ કરવા પર વિચાર કરી રહ્યું છે. આ પહેલે મહા કુંભ 2025 કાર્યક્રમને વધારે અનુકૂળ, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ બનાવ્યો છે, જેણે ભવિષ્યની ઘટનાઓ માટે ઐતિહાસિક અને અનુકરણીય માપદંડ સ્થાપિત કર્યો છે.
AP/IJ/GP/JD
(Release ID: 2100128)
Visitor Counter : 21