રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું સંસદમાં સંબોધન

Posted On: 31 JAN 2025 12:31PM by PIB Ahmedabad

માનનીય સભ્યો,

સંસદના આ સત્રને સંબોધિત કરવાનો મને ખૂબ આનંદ થાય છે.

બે મહિના પહેલા જ, આપણે બંધારણ અપનાવવાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી અને થોડા દિવસો પહેલા જ ભારતીય પ્રજાસત્તાકે પણ 75 વર્ષની સફર પૂર્ણ કરી હતી. આ પ્રસંગ લોકશાહીની જનની તરીકે ભારતના ગૌરવને નવી ઊંચાઈઓ આપશે. બધા દેશવાસીઓ વતી, હું બાબાસાહેબ આંબેડકર સહિત તમામ બંધારણ ઘડવૈયાઓને સલામ કરું છું.

માનનીય સભ્યો,

આ સમયે, દેશમાં મહાકુંભનો ઐતિહાસિક ઉત્સવ પણ ચાલી રહ્યો છે. મહાકુંભ એ ભારતની સાંસ્કૃતિક પરંપરા અને ભારતની સામાજિક ચેતનાનો તહેવાર છે. પ્રયાગરાજમાં દેશ અને દુનિયાના કરોડો ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે. મૌની અમાવસ્યાના દિવસે થયેલા અકસ્માત પર હું દુઃખ વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું.

થોડા દિવસો પહેલા જ, આપણે દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહને ગુમાવ્યા. મનમોહન સિંહજીએ 10 વર્ષ સુધી પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરી. તેઓ લાંબા સમય સુધી સંસદના સભ્ય પણ રહ્યા. મનમોહન સિંહજીને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

માનનીય સભ્યો,

આજે મારી સરકાર અભૂતપૂર્વ સિદ્ધિઓ દ્વારા ભારતની વિકાસ યાત્રાના આ અમૃત કાળને નવી ઉર્જા આપી રહી છે. ત્રીજા ટર્મમાં કામ ત્રણ ગણી વધુ ઝડપે થઈ રહ્યું છે. આજે દેશમાં મોટા નિર્ણયો અને નીતિઓનો અમલ અસાધારણ ગતિએ થઈ રહ્યો છે. અને આ નિર્ણયોમાં દેશના ગરીબ, મધ્યમ વર્ગ, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.

મારી સરકારે તેના ત્રીજા કાર્યકાળમાં બધા માટે આવાસના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે નક્કર પગલાં લીધાં છે. ત્રણ કરોડ વધારાના પરિવારોને નવા ઘરો પૂરા પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે પાંચ લાખ છત્રીસ હજાર કરોડ રૂપિયા ખર્ચવાની યોજના છે.

મારી સરકાર ગામડાઓમાં ગરીબોને રહેણાંક જમીનના અધિકારો આપવા અને નાણાકીય સમાવેશ માટે પ્રતિબદ્ધ છે. આ દિશામાં માલિકી યોજના હેઠળ અત્યાર સુધીમાં બે કરોડ પચીસ લાખ પ્રોપર્ટી કાર્ડ જારી કરવામાં આવ્યા છે. આમાંથી છેલ્લા 6 મહિનામાં લગભગ 70 લાખ માલિકી કાર્ડ જારી કરવામાં આવ્યા છે.

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ છેલ્લા કેટલાક મહિનામાં કરોડો ખેડૂતોને એકતાલીસ હજાર કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે.

આદિવાસી સમાજના પાંચ કરોડ લોકો માટે "ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ" અભિયાન શરૂ કરવામાં આવી છે. આ માટે એંસી હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આયુષ્માન ભારત યોજના હેઠળ 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના છ કરોડ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય વીમો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને દર વર્ષે 5 લાખ રૂપિયાનું આરોગ્ય વીમા કવચ મળશે.

નાના ઉદ્યોગ સાહસિકો માટે મુદ્રા લોનની મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.

મારી સરકારે યુવાનોના શિક્ષણ અને તેમના માટે રોજગારની નવી તકો ઉભી કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉચ્ચ શિક્ષણ માટે હોશિયાર વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. એક કરોડ યુવાનોને ટોચની પાંચસો કંપનીઓમાં ઇન્ટર્નશિપની તકો પણ આપવામાં આવશે. પેપર લીકની ઘટનાઓ અટકાવવા અને ભરતીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે આ નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે.

સહકાર દ્વારા સમૃદ્ધિની ભાવનાને અનુસરીને સરકારે 'ત્રિભુવન' સહકારી યુનિવર્સિટીની સ્થાપનાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ચોથા તબક્કામાં 25,000 રહેઠાણોને જોડવા માટે સરકારે રૂ. 70,000 કરોડ મંજૂર કર્યા છે. આજે જ્યારે આપણો દેશ અટલજીના જન્મશતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના તેમના વિઝનનો પર્યાય બની રહ્યો છે.

દેશમાં હવે 71 વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત ટ્રેનો દોડી રહી છે.  જેમાંથી છેલ્લા છ મહિનામાં જ સત્તર નવી વંદે ભારત અને એક નમો ભારત ટ્રેન ઉમેરવામાં આવી છે.

સરકારે એક રાષ્ટ્ર-એક ચૂંટણી અને વક્ફ એક્ટ સુધારા જેવા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ઝડપી પગલાં લીધા છે.

માનનીય સભ્યો,

મારી સરકારના એક દાયકા જેટલા લાંબા કાર્યકાળે વિકસિત ભારત તરફની યાત્રાને નવી ઉર્જા આપી છે.

વિકસિત ભારતના વિઝનમાં...

લોકોની ભાગીદારીમાં સામૂહિક શક્તિ છે...

તે દેશની આર્થિક પ્રગતિ માટેનો રોડમેપ છે.

ડિજિટલ ક્રાંતિના રૂપમાં ટેકનોલોજીની શક્તિ,

અને આધુનિક માળખાગત સુવિધાઓનો આધાર છે.

મારી સરકારના પ્રયાસોને કારણે  ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે.

વિકસિત ભારતની ઉડાન આપણા બંધારણના આદર્શો દ્વારા સંચાલિત રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે સેવા, સુશાસન, સમૃદ્ધિ અને આત્મસન્માનના મુખ્ય સિદ્ધાંતોને શાસનના કેન્દ્રમાં રાખ્યા છે.

સરકાર સુધારા, કામગીરી અને પરિવર્તનના પોતાના સંકલ્પ સાથે ઝડપી ગતિએ આગળ વધી રહી છે.

મારી સરકારનો મંત્ર છે - સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ. ...અને આ મંત્રનો એક જ ધ્યેય છે - વિકસિત ભારતનું નિર્માણ.

માનનીય સભ્યો,

વિકાસ ત્યારે જ સાર્થક બને છે જ્યારે દેશના વિકાસના લાભ છેલ્લા પગથિયે ઉભેલા વ્યક્તિ સુધી પણ પહોંચે. આ અંત્યોદયની ભાવના છે જેના પ્રત્યે મારી સરકાર પ્રતિબદ્ધ છે.

ગરીબોને ગૌરવપૂર્ણ જીવન પ્રાપ્ત થવાથી સશક્તિકરણની ભાવના વિકસે છે. જે તેમને ગરીબી સામે લડવામાં મદદ કરે છે.

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 12 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 10 કરોડ ગેસ કનેક્શન મફત આપવામાં આવ્યા, 80 કરોડ જરૂરિયાતમંદ લોકોને રાશન, સૌભાગ્ય યોજના, જળ જીવન મિશન અને આવી ઘણી યોજનાઓએ ગરીબોને વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ સન્માનની સાથે જીવી શકે છે. આવા પ્રયાસોને કારણે આજે દેશના 25 કરોડ લોકો ગરીબીને મ્હાત આપી છે અને પોતાના જીવનમાં આગળ વધી રહ્યા છે. તેમણે નવમધ્યમ વર્ગનો એક જૂથ બનાવ્યુ છે, જે ભારતના વિકાસમાં નવી ઉર્જાનો સંચાર કરી રહ્યો છે.

માનનીય સભ્યો,

ભારત જેવા દેશની આર્થિક પ્રગતિ મધ્યમ વર્ગની આકાંક્ષાઓ અને તેમની પરિપૂર્ણતા દ્વારા વ્યાખ્યાયિત થાય છે. મધ્યમ વર્ગ જેટલા મોટા સપના જોશે, તેટલો દેશ ઊંચો ઉડશે. મારી સરકારે મધ્યમ વર્ગના યોગદાનનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે એટલું જ નહીં, પરંતુ દરેક તક પર તેની પ્રશંસા પણ કરી છે.

સરકારી કર્મચારીઓ પણ મધ્યમ વર્ગના મહત્વપૂર્ણ પ્રતિનિધિઓ છે. તાજેતરમાં મારી સરકારે સરકારી કર્મચારીઓના કલ્યાણ માટે આઠમા પગાર પંચની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય આગામી વર્ષોમાં સરકારી કર્મચારીઓના પગારમાં મોટા વધારાનો આધાર બનશે.

યુનિફાઇડ પેન્શન યોજના હેઠળ લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓને પચાસ ટકા ખાતરીપૂર્વક પેન્શન આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જેનું વ્યાપકપણે સ્વાગત કરવામાં આવ્યું છે.

મારી સરકાર મધ્યમ વર્ગના પોતાના ઘરના સ્વપ્નને પૂર્ણ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે. RERA જેવા કાયદા બનાવીને મધ્યમ વર્ગના સપનાઓનું રક્ષણ થયું છે. હોમ લોન પર સબસિડી આપવામાં આવી રહી છે.

ઉડાન યોજનાએ લગભગ 1.5 કરોડ લોકોનું વિમાનમાં ઉડવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. જન ઔષધિ કેન્દ્રમાં 80 ટકા ડિસ્કાઉન્ટ દરે દવાઓ ઉપલબ્ધ થવાને કારણે દેશવાસીઓના 30 હજાર કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. દરેક વિષયના અભ્યાસ માટે બેઠકોની સંખ્યામાં અનેક ગણો વધારો થવાથી મધ્યમ વર્ગને ઘણો ફાયદો થયો છે.

રાષ્ટ્ર નિર્માણમાં કરદાતાઓના યોગદાનને માન્યતા આપવા માટે મારી સરકારે કર સંબંધિત મુદ્દાઓને સરળ બનાવ્યા છે. કરવેરા વિવાદો ઘટાડવા માટે ફેસલેસ એસેસમેન્ટ રજૂ કરીને પારદર્શિતામાં વધારો થયો છે.

હવે, દેશના સિનિયર સિટિઝન જેમની ઉંમર પંચોતેર વર્ષથી વધુ છે અને જેમને ફક્ત પેન્શન મળે છે, તેમને આવકવેરા રિટર્ન ફાઇલ કરવા અંગે પોતાનો નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

માનનીય સભ્યો,

મારી સરકાર મહિલાઓના નેતૃત્વ હેઠળ દેશને સશક્ત બનાવવામાં, એટલે કે મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસમાં માને છે.

નારી શક્તિ વંદન કાયદા દ્વારા લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ 91 લાખથી વધુ સ્વ-સહાય જૂથોને સશક્ત બનાવવામાં આવી રહ્યા છે. દેશની 10 કરોડથી વધુ મહિલાઓ તેની સાથે જોડાયેલી છે. બેંક લિંકેજ દ્વારા તેમને કુલ 9 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.

મારી સરકારનો ઉદ્દેશ્ય દેશમાં ત્રણ કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો છે. આજે એક કરોડ પંદર લાખ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે લખપતિ દીદી ગૌરવપૂર્ણ જીવન જીવી રહ્યા છે. આમાંથી, છેલ્લા 6 મહિનામાં લગભગ 50 લાખ બહેનો લખપતિ બની છે. આ મહિલાઓ ઉદ્યોગસાહસિક તરીકે તેમના પરિવારની આવકમાં ફાળો આપી રહી છે.

બધા માટે વીમાની ભાવના સાથે, થોડા મહિના પહેલા બીમા સખી અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. અમારી બેંકિંગ અને ડિજી પેમેન્ટ સખીઓ દૂરના વિસ્તારોના લોકોને નાણાકીય વ્યવસ્થા સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કૃષિ સખીઓ કુદરતી ખેતીને પ્રોત્સાહન આપી રહી છે અને પશુ સખીઓ દ્વારા આપણું પશુધન મજબૂત બની રહ્યું છે.

ડ્રોન દીદી યોજના મહિલાઓના આર્થિક અને ટેકનિકલ સશક્તિકરણનું માધ્યમ બની છે.

આ સંસદ માટે ગર્વની વાત છે કે ભારતની મોટી સંખ્યામાં દીકરીઓ ફાઇટર એરક્રાફ્ટ ઉડાડી રહી છે, પોલીસમાં જોડાઈ રહી છે અને કોર્પોરેટ કંપનીઓનું નેતૃત્વ પણ કરી રહી છે. મારી સરકારના નિર્ણય પછી, રાષ્ટ્રીય લશ્કરી શાળાઓમાં છોકરીઓની ભરતી શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમીમાં મહિલા કેડેટ્સની ભરતી પણ શરૂ થઈ ગઈ છે.

આજે, આપણી દીકરીઓ ઓલિમ્પિકમાં મેડલ જીતીને દેશનું ગૌરવ વધારી રહી છે.

ભારતની સંસદ દ્વારા હું દેશની મહિલા શક્તિને ખાસ શુભેચ્છાઓ પાઠવું છું.

માનનીય સભ્યો,

છેલ્લા દાયકામાં, ભારતના યુવાનો આગળ આવ્યા છે અને દેશના દરેક મોટા પ્રયાસની જવાબદારી લીધી છે. આજે આપણા યુવાનો સ્ટાર્ટઅપ્સથી લઈને રમતગમત અને અવકાશ સુધીના દરેક ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. માય ભારત પોર્ટલ દ્વારા લાખો યુવાનો રાષ્ટ્ર નિર્માણ પ્રવૃત્તિઓમાં સામેલ થઈ રહ્યા છે.

છેલ્લા દાયકામાં, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી પહેલોએ યુવાનોને રોજગારની ઘણી તકો પૂરી પાડી છે. છેલ્લા બે વર્ષમાં, સરકારે રેકોર્ડ સંખ્યામાં દસ લાખ કાયમી સરકારી નોકરીઓ પૂરી પાડી છે.

મારી સરકારે યુવાનોના સારા કૌશલ્ય અને નવી તકોના સર્જન માટે 2 લાખ કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે.

એક કરોડ યુવાનો માટે ઇન્ટર્નશિપની વ્યવસ્થા કરીને, તેમને જમીન પર કામ કરવાનો અનુભવ મળશે.

આજે દેશમાં 1.5 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ છે જે નવીનતાના આધારસ્તંભ તરીકે ઉભરી રહ્યા છે.

અવકાશ ક્ષેત્રમાં 1,000 કરોડ રૂપિયાના ખર્ચે વેન્ચર કેપિટલ ફંડ શરૂ કરવામાં આવ્યું છે.

QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સ 2025માં ભારત વિશ્વમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. એટલે કે, ફ્યુચર ઓફ વર્ક કેટેગરીમાં ભારત AI અને ડિજિટલ ટેકનોલોજી અપનાવવામાં વિશ્વને રસ્તો બતાવી રહ્યું છે.

ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ પણ છોત્તેરમાથી સુધરીને ઓગણચાલીસમા થયો છે.

માનનીય સભ્યો,

મારી સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે આધુનિક શિક્ષણ પ્રણાલી તૈયાર કરી રહી છે.

કોઈ પણ વ્યક્તિ શિક્ષણથી વંચિત ન રહે તે માટે, માતૃભાષામાં શિક્ષણની તકો પૂરી પાડવામાં આવી રહી છે. તેર ભારતીય ભાષાઓમાં વિવિધ ભરતી પરીક્ષાઓ યોજીને ભાષા અવરોધો પણ દૂર કરવામાં આવ્યા છે.

બાળકોમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે દસ હજારથી વધુ શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબ્સ ખોલવામાં આવી છે.

તાજેતરમાં "સંશોધનની સરળતા" માટે એક રાષ્ટ્ર-એક સબ્સ્ક્રિપ્શન યોજના રજૂ કરવામાં આવી છે. આનાથી આંતરરાષ્ટ્રીય સંશોધન સામગ્રી મફતમાં ઉપલબ્ધ થશે.

છેલ્લા દાયકામાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સંખ્યામાં વધારો થયો છે. તેમની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. આપણી એકસો ત્રેસઠ યુનિવર્સિટીઓ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ - એશિયામાં સ્થાન ધરાવે છે.

નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરીને, શિક્ષણમાં ભારતનો જૂનો મહિમા પાછો લાવવામાં આવ્યો છે.

એ દિવસ દૂર નથી જ્યારે ભારતમાં બનેલા ગગનયાનમાં ભારતીય નાગરિક અવકાશમાં જશે. થોડા દિવસો પહેલા સ્પેસ ડોકીંગમાં મળેલી સફળતાએ ભારતના પોતાના સ્પેસ સ્ટેશનનો માર્ગ સરળ બનાવી દીધો છે.

થોડા દિવસો પહેલા જ ISRO એ તેનું 100મું પ્રક્ષેપણ કર્યું અને ઉપગ્રહને સફળતાપૂર્વક સ્થાપિત કર્યો. આ સિદ્ધિ માટે હું ઇસરો અને તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું.

માનનીય સભ્યો,

મારી સરકારે દેશમાં વિશ્વસ્તરીય રમતગમતનું વાતાવરણ બનાવવા માટે ખેલો ઇન્ડિયા યોજના શરૂ કરી છે; લક્ષ્ય ઓલિમ્પિક પોડિયમ યોજના એટલે કે TOPS; રાષ્ટ્રીય રમતગમત યુનિવર્સિટીની સ્થાપના જેવા ઘણા પગલાં લેવામાં આવ્યા છે.

ગ્વાલિયરમાં દિવ્યાંગો માટે એક ખાસ રમતગમત કેન્દ્ર ખોલવામાં આવ્યું છે.

ભારતીય ટીમોએ દરેક જગ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું છે, પછી તે ઓલિમ્પિક હોય કે પેરાલિમ્પિક. તાજેતરમાં, ભારતે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં પણ ત્રિરંગો ધ્વજ લહેરાવ્યો છે.

ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ચલાવીને, આપણે સશક્ત યુવા શક્તિનું નિર્માણ કરી રહ્યા છીએ.

માનનીય સભ્યો,

વિકસિત ભારતના નિર્માણમાં ખેડૂતો, યુવાનો, વિજ્ઞાન અને સંશોધનનું ખૂબ મહત્વ છે. અમારું લક્ષ્ય ભારતને વૈશ્વિક નવીનતા પાવરહાઉસ બનાવવાનું છે.

દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે 50 હજાર કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે.

10 હજાર કરોડ રૂપિયાના ખર્ચે "વિદ્યાધારા યોજના" હેઠળ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવીનતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં ભારતના યોગદાનને આગળ વધારવા માટે "ઇન્ડિયા એઆઈ મિશન" શરૂ કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન ભારતને આ અગ્રિમ ટેકનોલોજીમાં વિશ્વના અગ્રણી દેશોમાં સ્થાન મેળવવામાં સક્ષમ બનાવશે.

મારી સરકારે દેશમાં "બાયો-મેન્યુફેક્ચરિંગ"ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી બાયો E-3 નીતિ લાવી છે.

આ નીતિ ભવિષ્યની ઔદ્યોગિક ક્રાંતિ પાછળનું પ્રેરક બળ હશે. બાયોઇકોનોમીનો ઉદ્દેશ્ય કુદરતી સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો છે જે પર્યાવરણનું જતન કરીને રોજગારીની નવી તકોનું સર્જન કરશે.

માનનીય સભ્યો,

મારી સરકારે નીતિગત લકવા જેવી પરિસ્થિતિઓમાંથી અર્થતંત્રને બચાવવા માટે મજબૂત ઇચ્છાશક્તિ સાથે કામ કર્યું છે. કોવિડ અને ત્યારબાદની પરિસ્થિતિ અને યુદ્ધ જેવી વૈશ્વિક ચિંતાઓ છતાં, ભારતીય અર્થતંત્ર દ્વારા દર્શાવવામાં આવેલી સ્થિરતા અને સ્થિતિસ્થાપકતા તેની મજબૂતાઈનો પુરાવો છે.

મારી સરકારે વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધાં છે.

GST સિસ્ટમ એક રાષ્ટ્ર એક કરની ભાવના હેઠળ લાગુ કરવામાં આવી હતી, જેનો લાભ તમામ રાજ્યોને મળી રહ્યો છે.

મેક ઇન ઇન્ડિયા જેવી નીતિઓને કારણે હવે મોટી વૈશ્વિક બ્રાન્ડ્સના ઉત્પાદનો પર પણ 'મેડ ઇન ઇન્ડિયા' લેબલ દેખાય છે.

માનનીય સભ્યો,

ભારતના નાના ઉદ્યોગપતિઓ ગામડાઓથી લઈને શહેરો સુધી, દરેક જગ્યાએ આર્થિક પ્રગતિનું નેતૃત્વ કરે છે. મારી સરકાર નાના ઉદ્યોગસાહસિકોને અર્થતંત્રની કરોડરજ્જુ માને છે અને તેમને સ્વરોજગાર માટે નવી તકો આપી રહી છે.

MSME અને ઈ-કોમર્સ નિકાસ કેન્દ્રો માટે ક્રેડિટ ગેરંટી યોજનાઓ તમામ પ્રકારના ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહી છે.

ત્રીજા કાર્યકાળમાં મારી સરકારે મુદ્રા લોન મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરીને કરોડો નાના ઉદ્યોગસાહસિકોને ફાયદો કરાવ્યો છે.

મારી સરકારે ધિરાણની પહોંચ સરળ બનાવી છે. આનાથી નાણાકીય સેવાઓનું લોકશાહીકરણ થયું છે. આજે લોન, ક્રેડિટ કાર્ડ, વીમા જેવા ઉત્પાદનો દરેક માટે સરળતાથી સુલભ બની રહ્યા છે.

દાયકાઓ સુધી રસ્તાના કિનારે દુકાનો ખોલીને ગુજરાન ચલાવતા આપણા ભાઈ-બહેનો બેંકિંગ સિસ્ટમની બહાર રહ્યા હતા. આજે તેમને પીએમ સ્વાનિધિ યોજનાનો લાભ મળી રહ્યો છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન રેકોર્ડના આધારે તેમને તેમના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે વધુ લોન મળે છે.

ONDC સિસ્ટમે ડિજિટલ કોમર્સ એટલે કે ઓનલાઈન શોપિંગની સિસ્ટમને સમાવિષ્ટ બનાવી છે. આજે દેશમાં નાના વ્યવસાયોને પણ વિકાસ માટે સમાન તક મળી રહી છે.

માનનીય સભ્યો,

મારી સરકારે દસ વર્ષમાં પ્રગતિના જે નવા પ્રકરણો લખ્યા છે, તેમાં એક સુવર્ણ પગલું ભારતની ડિજિટલ ક્રાંતિનું પણ છે. આજે ભારત ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં એક મુખ્ય વૈશ્વિક ખેલાડી તરીકે પોતાની હાજરી દર્શાવી રહ્યું છે. વિશ્વના મુખ્ય દેશોની સાથે ભારતમાં 5G સેવાઓનો પ્રારંભ આનું એક મોટું ઉદાહરણ છે.

વિશ્વના ઘણા વિકસિત દેશો પણ ભારતની UPI ટેકનોલોજીની સફળતાથી પ્રભાવિત થયા છે. આજે ભારતમાં 50 ટકાથી વધુ રીઅલ ટાઇમ ડિજિટલ વ્યવહારો થઈ રહ્યા છે.

મારી સરકારે સામાજિક ન્યાય અને સમાનતા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ એક સાધન તરીકે કર્યો છે. ડિજિટલ ચુકવણી ફક્ત અમુક લોકો કે ચોક્કસ વર્ગો સુધી મર્યાદિત નથી. ભારતનો સૌથી નાનો દુકાનદાર પણ આ સુવિધાનો લાભ લઈ રહ્યો છે.

બેંકિંગ સેવાઓ અને UPI જેવી વિશ્વ કક્ષાની ટેકનોલોજી ગામડાઓમાં પણ ઉપલબ્ધ છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં સ્થાપિત પાંચ લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરો ડઝનબંધ સરકારી સેવાઓ ઓનલાઈન વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે.

મારી સરકારે લોકોના જીવન પર સરકારની અસર ઘટાડવા માટે ઈ-ગવર્નન્સને મહત્વ આપ્યું છે. ડિજીલોકર સિસ્ટમથી લોકો ગમે ત્યારે, ગમે ત્યાં તેમના મહત્વપૂર્ણ દસ્તાવેજો ઍક્સેસ કરી શકે છે અને બતાવી શકે છે.

આપણા ઝડપથી ડિજિટાઇઝ થઈ રહેલા સમાજમાં આજે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત બીજો એક મહત્વપૂર્ણ મુદ્દો સાયબર સુરક્ષાનો છે. ડિજિટલ છેતરપિંડી, સાયબર-ક્રાઈમ અને ડીપ ફેક જેવી ટેકનોલોજી પણ સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પડકાર બની ગઈ છે. આ સાયબર ગુનાઓને નિયંત્રિત કરવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે. સાયબર સુરક્ષા ક્ષેત્રમાં યુવાનો માટે રોજગારની તકો પણ છે.

મારી સરકાર સાયબર સુરક્ષામાં કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે સતત કામ કરી રહી છે. પરિણામે, ભારતે ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સમાં ટાયર-1નો દરજ્જો પ્રાપ્ત કર્યો છે.

માનનીય સભ્યો,

કોઈપણ દેશનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેના નાગરિકોને સારું જીવન અને દેશને એક નવી ઓળખ તો આપે છે જ, સાથે સાથે દેશને એક નવો આત્મવિશ્વાસ પણ આપે છે. છેલ્લા દાયકામાં ભારતે વિશ્વ કક્ષાના માળખાગત સુવિધાઓના નિર્માણમાં ઘણા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. આ આધુનિક માળખાગત સુવિધાએ વિશ્વમાં ભારતની છબી મજબૂત બનાવી છે, રોકાણકારોનો ભારતમાં વિશ્વાસ વધ્યો છે, ઉદ્યોગો મજબૂત થયા છે અને નવી નોકરીઓનું સર્જન થઈ રહ્યું છે.

મારી સરકાર દેશના દરેક ભાગને હાઇવે અને એક્સપ્રેસવે સાથે જોડવા માટે મિશન મોડમાં કામ કરી રહી છે. પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન દ્વારા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાની ગતિમાં વધારો થયો છે.

દસ વર્ષ પહેલાં માળખાગત સુવિધાઓનું બજેટ લગભગ બે લાખ કરોડ રૂપિયા હતું, જે છેલ્લા બજેટમાં વધીને અગિયાર લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે.

છેલ્લા દાયકાના કાર્યને આગળ ધપાવતા છેલ્લા છ મહિનામાં મારી સરકારે ભવિષ્યના માળખાગત સુવિધાઓમાં રેકોર્ડ રોકાણ કર્યું છે.

ભારતના પ્રથમ ઊંડા પાણીના મેગા પોર્ટનો શિલાન્યાસ વાધવાનમાં કરવામાં આવ્યો છે. સિત્તેર હજાર કરોડના ખર્ચે બનનારું આ બંદર વિશ્વના ટોચના દસ બંદરોમાંનું એક હશે.

મને જણાવતા આનંદ થાય છે કે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે અને હવે દેશ કાશ્મીરથી કન્યાકુમારી સુધી રેલવે લાઇન દ્વારા જોડાશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ ચેનાબ બ્રિજ બનાવવામાં આવ્યો છે જે વિશ્વનો સૌથી ઊંચો રેલ બ્રિજ છે. ઉપરાંત અંજી બ્રિજ દેશનો પ્રથમ રેલ કેબલ બ્રિજ બન્યો છે.

શિંકુન લા ટનલનું કામ પણ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં પૂર્ણ થશે ત્યારે તે વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે. આનાથી લદ્દાખ અને હિમાચલ પ્રદેશ વચ્ચે તમામ ઋતુઓમાં કનેક્ટિવિટી જળવાઈ રહેશે.

ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર ઝડપથી વિકાસ પામી રહ્યું છે. દેશની એરલાઇન કંપનીઓએ સત્તરસોથી વધુ નવા વિમાનોના ઓર્ડર આપ્યા છે. અમે મોટી સંખ્યામાં આવનારી ફ્લાઇટ્સને હેન્ડલ કરવા માટે એરપોર્ટનું વિસ્તરણ કરી રહ્યા છીએ. છેલ્લા દાયકામાં દેશમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈ ગઈ છે.

માનનીય સભ્યો,

વિકસિત ભારતની પ્રગતિને વેગ આપવા માટે, આપણા શહેરોને ભવિષ્ય માટે તૈયાર કરવા જરૂરી છે.

આ દિશામાં મારી સરકારે શહેરી સુવિધાઓના આધુનિકીકરણ અને તેમને ઊર્જા કાર્યક્ષમ બનાવવા પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત, નવા શહેરોના વિકાસનો પાયો પણ નખાયો છે.

મારી સરકારે લગભગ અઠ્ઠાવીસ હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે દેશભરના શહેરોની નજીક બાર ઔદ્યોગિક નોડ્સ અને સો ઔદ્યોગિક પાર્ક વિકસાવવાનો પણ નિર્ણય લીધો છે.

શહેરી ટ્રાફિક હળવો કરવા માટેનું કાર્ય સતત ચાલુ છે. દિલ્હી, પુણે, થાણે અને બેંગલુરુમાં મેટ્રો પ્રોજેક્ટ્સ અને અમદાવાદ-ભુજ રૂટ પર શરૂ કરાયેલ નમો ભારત રેપિડ રેલ સેવાઓ વિકસિત ભારતીય શહેરોની ઓળખ છે. થોડા અઠવાડિયા પહેલા જ, દિલ્હીમાં રિઠાલા-નરેલા-કુંડલી કોરિડોરનું કામ શરૂ થયું છે, જે દિલ્હી મેટ્રો નેટવર્કના મુખ્ય ભાગોમાંનો એક હશે. મારી સરકારના સતત પ્રયાસોને કારણે દિલ્હીમાં મેટ્રો રૂટનો સતત વિસ્તરણ થઈ રહ્યો છે. 2014માં દિલ્હી-એનસીઆરમાં કુલ મેટ્રો નેટવર્ક 200 કિલોમીટરથી ઓછું હતું. હવે તે બમણાથી વધુ વધી ગયું છે.

આજે મને તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ભારતના મેટ્રો નેટવર્કે હવે એક હજાર કિલોમીટરનો સીમાચિહ્ન પાર કરી લીધો છે. મેટ્રો નેટવર્કની દ્રષ્ટિએ ભારત હવે વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે.

દેશમાં આશરે આઠ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બાવન હજાર ઇલેક્ટ્રિક બસો ચલાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી શહેરી વિસ્તારોમાં સરળ અને સ્વચ્છ ટ્રાફિક મળશે અને ઘણા લોકોને રોજગાર મળશે.

સરળ કનેક્ટિવિટી અને શહેરી પર્યટનને પ્રોત્સાહન આપવા માટે દેશમાં પંદર રોપવે પ્રોજેક્ટ્સનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

માનનીય સભ્યો,

મારી સરકાર બહુ-પરિમાણીય અને સુમેળભર્યા અને સર્વાંગી વિકાસની નીતિઓ પર કામ કરી રહી છે. એટલા માટે, મારી સરકારે ભૌતિક માળખાગત સુવિધાઓ પર જેટલો ભાર મૂક્યો છે, તેટલો જ સામાજિક માળખાગત ક્રાંતિ માટે પણ એટલા જ સઘન પ્રયાસો કર્યા છે.

મારી સરકારની પ્રાથમિકતા એ છે કે સમાજના દરેક વર્ગ સુધી સસ્તી, સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચે. હોસ્પિટલો, સારવાર અને દવાઓની વ્યવસ્થાને કારણે સરેરાશ પરિવારમાં આરોગ્ય પરનો ખર્ચ સતત ઘટી રહ્યો છે.

દેશના નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે એક લાખ પચ્ચીસ હજાર આયુષ્માન આરોગ્ય મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

દેશમાં કેન્સરના દર્દીઓની વધતી સંખ્યા અને સારવારના ખર્ચને ધ્યાનમાં રાખીને ઘણી કેન્સરની દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં, લગભગ 9 કરોડ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.

મારી સરકારના પ્રયાસોને કારણે દેશે એન્સેફાલીટીસ સામે લડવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આના કારણે મૃત્યુદર હવે ઘટીને છ ટકા થઈ ગયો છે.

રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદી કાર્યક્રમ હેઠળ ક્ષય રોગના દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. હું મારા બધા દેશવાસીઓ અને માનનીય સાંસદોને અપીલ કરું છું કે આપણે સાથે મળીને ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવામાં યોગદાન આપીએ.

ભારતમાં માતૃ મૃત્યુ દર અને બાળ મૃત્યુ દરમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.

સગર્ભા સ્ત્રીઓ અને બાળકો માટે રસીકરણના સમયપત્રકનું સચોટ ટ્રેકિંગ રાખવા માટે U-WIN પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આ પોર્ટલ પર લગભગ 30 કરોડ રસીના ડોઝ નોંધાયેલા છે.

ટેલી-મેડિસિન દ્વારા 30 કરોડથી વધુ ઈ-ટેલી-કન્સલ્ટેશનનો નાગરિકોને લાભ મળ્યો છે.

સરકાર આગામી પાંચ વર્ષમાં દેશની મેડિકલ કોલેજોમાં પચાસ હજાર નવી બેઠકો બનાવવા માટે પણ કામ કરી રહી છે.

સરકાર આરોગ્ય માળખાગત સુવિધાઓ અને તબીબી ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે. દેશમાં નવા બલ્ક ડ્રગ અને મેડિકલ ડિવાઇસ પાર્ક પણ બનાવવામાં આવી રહ્યા છે. આમાં રોજગારની ઘણી નવી તકો ઉપલબ્ધ થઈ રહી છે.

માનનીય સભ્યો,

અમારું લક્ષ્ય ભારતમાં આધુનિક અને આત્મનિર્ભર કૃષિ પ્રણાલી છે. મારી સરકાર ખેડૂતોના પાકના વાજબી ભાવ સુનિશ્ચિત કરવા અને તેમની આવક વધારવા માટે સમર્પિતપણે કામ કરી રહી છે.

વર્ષ 2023-24માં વિક્રમી ત્રણસો બત્રીસ મિલિયન ટન અનાજ ઉત્પાદન પ્રાપ્ત થયું છે. અને આજે ભારત વિશ્વમાં દૂધ, કઠોળ અને મસાલાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.

સરકારે ખરીફ અને રવિ પાકોના MSPમાં સતત વધારો કર્યો છે.

છેલ્લા દાયકામાં ડાંગર, ઘઉં, કઠોળ, તેલીબિયાં અને બરછટ અનાજની ખરીદી પર ત્રણ ગણા વધુ પૈસા ખર્ચવામાં આવ્યા છે.

છેલ્લા 6 મહિનામાં ખેડૂતોને આબોહવા-મૈત્રીપૂર્ણ, બાયો-ફોર્ટિફાઇડ અને ઉચ્ચ ઉપજ આપતી એકસો નવ જેટલાં સુધારેલા પાકની જાતો સોંપવામાં આવ્યા છે.

દેશમાં કૃષિ માળખાગત સુવિધાને મજબૂત બનાવવા માટે, સરકારે કૃષિ માળખાગત ભંડોળ યોજનાનો વ્યાપ વધાર્યો છે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીને વધુ પ્રોત્સાહન મળશે.

દેશમાં તેલીબિયાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ખાદ્ય તેલમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય તેલીબિયાં મિશનને મંજૂરી આપવામાં આવી છે.

કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક રાષ્ટ્રીય મિશન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

આ વર્ષની શરૂઆતમાં જ ખેડૂતોને પોષણક્ષમ દરે DAP ઉપલબ્ધ કરાવવા માટે ખાસ પેકેજનો સમયગાળો લંબાવવામાં આવ્યો હતો.

મત્સ્યઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અગિયાર સંકલિત એક્વા પાર્ક સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.

માનનીય સભ્યો,

થોડા અઠવાડિયા પહેલા જ ભારતીય હવામાન વિભાગે તેના 150 વર્ષ પૂર્ણ કર્યા. હવામાન પ્રત્યે સજાગતા અને જળવાયુ પ્રત્યે સ્માર્ટ ભારત માટે મારી સરકારે બે હજાર કરોડ રૂપિયાના ખર્ચે "મિશન મૌસમ" શરૂ કર્યું છે, જેનો લાભ આપણા ખેડૂતોને પણ મળશે.

બાબાસાહેબ આંબેડકરના વિઝનને અનુસરીને મારી સરકારે દેશના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવા માટે બે ઐતિહાસિક નદી આંતરજોડાણ પ્રોજેક્ટ્સ આગળ ધપાવ્યા છે.

44 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલા કેન-બેટવા લિંક પ્રોજેક્ટથી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના લાખો ગ્રામીણ ભાઈઓ અને બહેનોને ફાયદો થશે.

સુધારેલ પાર્વતી-કાલીસિંધ-ચંબલ લિંક પ્રોજેક્ટ રાજસ્થાન અને મધ્યપ્રદેશની સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતોને પૂર્ણ કરશે.

પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે રૂ. 12,000 કરોડની વધારાની રકમ પણ મંજૂર કરવામાં આવી છે.

માનનીય સભ્યો,

આપણી આઠ લાખ સહકારી સંસ્થાઓ અને તેમના ઓગણત્રીસ કરોડ હિસ્સેદાર સભ્યો ગ્રામીણ ભારતના લગભગ નેવું ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. છેલ્લા વર્ષોમાં સહકારી સંસ્થાઓ શહેરી વિસ્તારોમાં પણ વિસ્તરી છે.

સહકારી ક્ષેત્રના આર્થિક સશક્તિકરણ માટે લેવામાં આવેલા વિવિધ પગલાંના પરિણામે, રોજગારની ઘણી તકોનું સર્જન થઈ રહ્યું છે.

2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેમાં ભારત પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપશે.

માનનીય સભ્યો,

જ્યારે આપણે કોઈ રાષ્ટ્રના વિકાસ અને સિદ્ધિઓ વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે વાસ્તવમાં રાષ્ટ્રના નાગરિકોની ક્ષમતાઓ અને સિદ્ધિઓનો ઉલ્લેખ કરીએ છીએ. આજે દરેક વ્યક્તિ દેશના વિકાસને ટેકો આપી રહી છે, તેથી જ આપણે દેશની સાચી સંભાવનાનો અનુભવ કરી શકીએ છીએ.

મારી સરકારના પ્રયાસોથી દેશના દલિત, પછાત અને આદિવાસી સમુદાયોને મહત્તમ લાભ મળી રહ્યો છે.

મારી સરકારે આપણા આદિવાસી અને આદિવાસી સમાજના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે, જે સ્વતંત્રતા પછી દાયકાઓ પછી પણ અવગણવામાં આવ્યું છે.

'ધરતી આબા આદિવાસી ગામ વિકાસ અભિયાન' અને 'પીએમ-જન્મ યોજના' આના સીધા ઉદાહરણો છે.

દેશભરમાં સ્થાપિત 470થી વધુ એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓ દ્વારા લગભગ 1.25 લાખ આદિવાસી બાળકોને શાળા શિક્ષણ આપવામાં આવી રહ્યા છે.

છેલ્લા દસ વર્ષમાં આદિવાસી બહુલ વિસ્તારોમાં ત્રીસ નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવી છે.

આદિવાસી સમુદાયમાં સિકલ સેલ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ ખાસ રાષ્ટ્રીય મિશન ચલાવીને ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. આ મિશન હેઠળ લગભગ પાંચ કરોડ લોકોની તપાસ કરવામાં આવી છે.

મારી સરકારે આદિવાસી વારસાને જાળવવા માટે પણ અનેક પગલાં લીધાં છે. આ વર્ષે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ દેશભરમાં આદિવાસી ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહી છે.

માનનીય સભ્યો,

વિકસિત ભારત માટે એક મહત્વપૂર્ણ માપદંડ એ દેશનો સંતુલિત વિકાસ છે. કોઈપણ પ્રદેશમાં એવી લાગણી ન હોવી જોઈએ કે તે વિકાસમાં પાછળ છે.

મારી સરકારે ઉત્તર પૂર્વના લોકોની આ લાગણીઓ સમજી અને તેમના હૃદયમાંથી અંતરની લાગણી દૂર કરી.

દસથી વધુ શાંતિ કરારો પર હસ્તાક્ષર કરીને સરકારે ઘણા જૂથોને શાંતિના માર્ગ પર લાવવાનું કામ કર્યું છે.

સમગ્ર દેશને ઉત્તર પૂર્વના આઠ રાજ્યોની સંભાવનાઓ જોવા માટે સક્ષમ બનાવવા માટે, પ્રથમ અષ્ટલક્ષ્મી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

પૂર્વોત્તરના વિકાસની સાથે સરકારે દેશના "પૂર્વોદય" એટલે કે પૂર્વીય રાજ્યોના સર્વાંગી વિકાસ માટે એક કાર્ય યોજના પર કામ કરવાનું શરૂ કર્યું છે, જે રોજગારની નવી તકો પણ પૂરી પાડશે.

આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સ શરૂ કરીને, તેમને રાષ્ટ્રની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે.

કલમ 370 હટાવ્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં વિકાસનું એક નવું વાતાવરણ સર્જાયું છે. જમ્મુ અને કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ. જમ્મુ અને કાશ્મીરના લોકો આ માટે અભિનંદનને પાત્ર છે.

માનનીય સભ્યો,

કોઈ રાષ્ટ્ર કે સમાજની સફળતા ત્યારે જ સમાવિષ્ટ અને સર્વવ્યાપી હોય છે જ્યારે તે સિદ્ધાંતોથી પ્રેરિત હોય. એટલા માટે મારી સરકારે હંમેશા આપણા બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત સિદ્ધાંતોને તેની વ્યૂહરચનાના કેન્દ્રમાં રાખ્યા છે. બંધારણના પ્રકાશમાં, મારી સરકારની મુખ્ય વૈચારિક પ્રેરણા છે - સેવા!

મારી સરકાર માને છે કે 140 કરોડ દેશવાસીઓની સેવા કરવી એ સરકારનું પ્રાથમિક કર્તવ્ય છે. સરકાર આ દિશામાં સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે.

સમાજના પછાત વર્ગો અને સ્વચ્છતા કર્મચારીઓને સરળ લોન આપવા માટે પીએમ સૂરજ યોજનાનો વિસ્તાર કરવામાં આવ્યો છે.

દિવ્યાંગોને સરકારી યોજનાઓનો લાભ આપવા માટે એક કરોડથી વધુ દિવ્યાંગતા ઓળખ કાર્ડ જારી કરવામાં આવ્યા છે.

સ્વચ્છતા સૈનિકો માટે ચલાવવામાં આવી રહેલી નમસ્તે યોજનાનો વિસ્તાર કરીને, સ્વચ્છતાની જવાબદારી સંભાળનારા ભાઈઓ અને બહેનોને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે.

વિકસિત ભારત તરફની સફરમાં કોઈ પણ વ્યક્તિ પાછળ ન રહે તે ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને, મારી સરકાર સંતૃપ્તિ અભિગમ સાથે કામ કરી રહી છે.

માનનીય સભ્યો,

છેલ્લો દાયકો ભારતની સાંસ્કૃતિક ચેતનાના પુનર્જાગરણનો દાયકો રહ્યો છે. આપણા વારસામાં ગર્વ અને વિકાસ પ્રત્યેની સમર્પણ સાથે, આપણે એક એવું ભવિષ્ય બનાવી રહ્યા છીએ જ્યાં સંસ્કૃતિ અને પ્રગતિ એકસાથે ચાલે છે.

આ વર્ષે આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ ઉજવીશું. તેમણે કહ્યું કે "સાચો રાષ્ટ્રવાદ ફક્ત ભારતની ભૌતિક એકતાને મજબૂત બનાવવામાં જ નહીં પરંતુ તેની સાંસ્કૃતિક એકતાને મજબૂત બનાવવામાં પણ રહેલો છે."

આ શ્રેણીમાં, ભગવાન મહાવીરનો 2550મો નિર્વાણ ઉત્સવ ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો. દેશે પણ સંત મીરાબાઈની 525મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરી.

મહાન કવિ સંત તિરુવલ્લુવરની સ્મૃતિમાં ઘણા દેશોમાં સાંસ્કૃતિક કેન્દ્રો સ્થાપિત થઈ રહ્યા છે.

મારી સરકાર કાશી-તમિલ સંગમમ, કાશી-તેલુગુ સંગમમ, સૌરાષ્ટ્ર-તમિલ સંગમમ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીને દેશની એકતાને પ્રોત્સાહન આપી રહી છે.

માનનીય સભ્યો,

આપણી હસ્તપ્રતો આપણો વારસો છે. તેમાં અપાર જ્ઞાન છે જેનો અભ્યાસ, સંશોધન અને માનવજાતના લાભ માટે ઉપયોગ કરવાની જરૂર છે. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને હસ્તપ્રતોના ડિજિટાઇઝેશન અને જાળવણીનું કાર્ય મિશન મોડ પર હાથ ધરવામાં આવી રહ્યું છે.

દેશના વારસાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ આપણી સમૃદ્ધ ભાષા અને સંસ્કૃતિ છે. મને ખુશી છે કે સરકારે આસામી, મરાઠી, પાલી, પ્રાકૃત અને બંગાળીને શાસ્ત્રીય ભાષાઓનો દરજ્જો આપ્યો છે. ભારતની બધી ભાષાઓમાં સરળ વાતચીત માટે દેશવાસીઓ દ્વારા AI ની મદદથી ભાષિની પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે.

માનનીય સભ્યો,

મારી સરકારના પ્રયાસોને કારણે, આજે ભારતે વિશ્વ સાંસ્કૃતિક મંચ પર વૈશ્વિક નેતા તરીકે પોતાને સ્થાપિત કર્યું છે.

બધા એશિયન બૌદ્ધ દેશોને જોડવા માટે, મારી સરકારે પ્રથમ એશિયન બૌદ્ધ પરિષદનું આયોજન કર્યું. ગયા વર્ષે, વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠક પણ ભારતમાં યોજાઈ હતી જેમાં એકસો ચાલીસ દેશોએ ભાગ લીધો હતો.

આજે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા, સમગ્ર વિશ્વ ભારતની યોગ પરંપરાને અપનાવી રહ્યું છે.

માનનીય સભ્યો,

પ્રગતિના ભવ્ય મકાનને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મજબૂત સ્તંભોની જરૂર છે. ભારતના વિકાસ માટે, મારી સરકારે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના ત્રણ મજબૂત સ્તંભો બનાવ્યા છે. આજે આ શબ્દો સમગ્ર વિશ્વમાં ભારતના નવા શાસન મોડેલના પર્યાય બની ગયા છે.

સરકારે બંધારણ લાગુ થયા પહેલા બનાવવામાં આવેલા કાયદાઓની વિગતવાર સમીક્ષા હાથ ધરી છે. સમગ્ર વ્યવસ્થા વર્તમાન સામાજિક અને આર્થિક પડકારોનો સામનો કરી શકે તે માટે ઘણા કાયદા રદ કરવામાં આવી રહ્યા છે અથવા તેમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.

સરકારે અત્યાર સુધીમાં પંદરસોથી વધુ જૂના બિનજરૂરી કાયદાઓ રદ કર્યા છે. ગુલામી કાયદા નાબૂદ કરવામાં આવ્યા, અને દંડ સંહિતાને ન્યાયિક સંહિતા દ્વારા બદલવામાં આવી.

'જનતાનો વિશ્વાસ' અને 'જનભાગીદારી' સાથે, મારી સરકાર લોકોના જીવનને સરળ બનાવવા માટે કામ કરી રહી છે. વિવાદોના ઉકેલ માટે, 'વિરોધ સે વિશ્વાસ' ની પહેલ કરવામાં આવી છે.

આ ભાવના સાથે, સરકારે ચાલીસ હજારથી વધુ નિયમો ઘટાડ્યા છે અથવા સરળ બનાવ્યા છે અને પાંત્રીસસો જોગવાઈઓને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કાઢી છે.

મારી સરકારે દેશના સૌથી પછાત વિસ્તારોમાં મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ શરૂ કરીને સુશાસનનો એક અનોખો પ્રયોગ કર્યો છે. આ કાર્યક્રમના પરિણામે આ જિલ્લાઓમાં આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ જેવા વિવિધ પરિમાણોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. યુએનડીપીના એક અહેવાલમાં આ પહેલની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. આ સફળતાથી પ્રેરિત થઈને, દેશના પાંચસો મહત્વાકાંક્ષી બ્લોક્સમાં હવે સર્વાંગી વિકાસ માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સુશાસન પર ધ્યાન કેન્દ્રિત કરીને, સરકારી કર્મચારીઓને તેમની કાર્યક્ષમતા વધારીને કર્મયોગી બનવા માટે પ્રોત્સાહિત કરવા માટે i-GOT કર્મયોગી ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર સત્તરસો અભ્યાસક્રમો ઉપલબ્ધ છે અને અત્યાર સુધીમાં બે કરોડથી વધુ તાલીમ પૂર્ણ થઈ ગઈ છે.

માનનીય સભ્યો,

આ વર્ષે દેશ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. તેમની પ્રેરણાથી, મારી સરકાર 'રાષ્ટ્ર પ્રથમ' ની ભાવના સાથે આગળ વધી રહી છે.

સરકારે દેશની સરહદોનું રક્ષણ કરવા અને આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઐતિહાસિક પગલાં લીધાં છે.

ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતામાં આપણને ખૂબ જ પ્રોત્સાહક પરિણામો મળ્યા છે.

આપણે 'મેક ઇન ઇન્ડિયા' થી 'મેક ફોર ધ વર્લ્ડ' તરફ આગળ વધ્યા છીએ. આનાથી દેશમાં રોજગારની નવી તકો પણ ઉભી થઈ રહી છે.

થોડા દિવસો પહેલા એક ઐતિહાસિક ક્ષણમાં, બે સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજો અને એક સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા હતા.

દેશમાં સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોર સ્થાપિત કરીને અને સંરક્ષણ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપીને, આપણે આત્મનિર્ભરતા અને સ્વરોજગારને મજબૂત બનાવી રહ્યા છીએ.

સરહદોનું રક્ષણ કરવાની સાથે, દેશના સરહદી વિસ્તારોનો વિકાસ પણ અમારી વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સરહદી વિસ્તારના રસ્તાઓ અને અટલ ટનલ, સેલા ટનલ, સોનમર્ગ ટનલ જેવા આધુનિક માળખાગત સુવિધાઓએ સંરક્ષણ અને પર્યટનને વેગ આપ્યો છે. સરહદ પર સ્થિત દેશના પહેલા ગામડાઓમાં "વાઇબ્રન્ટ વિલેજ" કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

ડાબેરી ઉગ્રવાદને સમાપ્ત કરવાનો અંતિમ તબક્કો પણ શરૂ થઈ ગયો છે. સરકારના પ્રયાસોને કારણે, ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા હવે એકસો છવીસથી ઘટીને અડત્રીસ થઈ ગઈ છે.

માનનીય સભ્યો,

વૈશ્વિક અસ્થિરતાના વાતાવરણમાં, ભારત આર્થિક, સામાજિક અને રાજકીય સ્થિરતાનો આધારસ્તંભ બનીને વિશ્વ સમક્ષ એક ઉદાહરણ રજૂ કરી રહ્યું છે. G7 સમિટ હોય, ક્વાડ હોય, BRICS હોય, SCO હોય કે G20 હોય, આખી દુનિયાએ ભારતની ક્ષમતાઓ, નીતિઓ અને ઇરાદાઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આજે, ભારત સૌથી મોટા વૈશ્વિક પ્લેટફોર્મ પર પણ પોતાના હિતોને મજબૂતીથી રજૂ કરે છે. G20નું સફળ સંગઠન અને દિલ્હી ઘોષણા આના ઉદાહરણો છે. ત્રીજા ગ્લોબલ સાઉથ સમિટ, ઇન્ડિયા-આસિયાન સમિટ અને ઇન્ડિયા-કેરિકોમ સમિટમાં, અમે ગ્લોબલ સાઉથ સંબંધિત મુદ્દાઓ પર અભિવ્યક્તિ આપી છે. અમે ભવિષ્યના શિખર સંમેલનમાં ભારતનું "ભવિષ્ય માટેનું વિઝન" રજૂ કર્યું છે.

આ મહિને મારી સરકારે ભુવનેશ્વરમાં પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કર્યું.

પ્રવાસી ભાઈઓ અને બહેનોની સુવિધા અમારી પ્રાથમિકતા છે, તેથી છ નવા દૂતાવાસ અને ચાર નવા વાણિજ્યિક કોન્સ્યુલેટ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિશ્વ ભાઈ તરીકેની પોતાની છબીને મજબૂત બનાવતા, ભારતે વિશ્વના ઘણા આપત્તિગ્રસ્ત વિસ્તારો માટે તાત્કાલિક મદદનો હાથ લંબાવ્યો છે.

ભારતે ઘણા દેશો સાથે તેનું ડિજિટલ જાહેર માળખાગત સુવિધા શેર કરી છે અને જન ઔષધિ કેન્દ્રો સ્થાપ્યા છે.

માનનીય સભ્યો,

મારી સરકાર વર્તમાન અને ભવિષ્યની પેઢીઓને ધ્યાનમાં રાખીને નિર્ણયો લઈ રહી છે. આપણે દેશને ગ્રીન ફ્યુચર, ગ્રીન જોબ્સ તરફ લઈ જઈ રહ્યા છીએ.

2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ ઊર્જા ક્ષમતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે છેલ્લા છ મહિનામાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રૂ. 75 હજાર કરોડના ખર્ચે છત પર સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 7.5 લાખ ઘરોમાં રૂફટોપ સોલાર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આનાથી રોજગારની તકોમાં પણ વધારો થયો છે.

"નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન" હેઠળ 8 લાખ કરોડ રૂપિયાનું રોકાણ અને છ લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવામાં આવશે.

અમે પરમાણુ ઊર્જાના વિસ્તરણ પર પણ ઝડપથી કામ કરી રહ્યા છીએ.

મારી સરકારે વાહન સ્ક્રેપિંગ નીતિ લાવી છે જેથી જૂના વાહનોનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરી શકાય અને તેનાથી રોજગારની નવી તકો પણ ઊભી થઈ શકે.

આ ક્રમમાં, 'એક પેડ મા કે નામ' અભિયાન 2024ના વિશ્વ પર્યાવરણ દિવસ પર શરૂ કરવામાં આવ્યું હતું. આ પહેલમાં કરોડો દેશવાસીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આ અભિયાનની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ છે.

માનનીય સભ્યો,

આપણો ભારત 140 કરોડની વસ્તી ધરાવતો દેશ છે. આપણા રાજ્યો અલગ અલગ છે, પ્રદેશ અલગ અલગ છે, ભાષાઓ અલગ અલગ છે, પરંતુ એક રાષ્ટ્ર તરીકે આપણી એક જ ઓળખ છે - ભારત.

અને આપણો ફક્ત એક જ સંકલ્પ છે, ફક્ત એક જ ધ્યેય છે - વિકસિત ભારત!

આપણે બધા આવનારા વર્ષોમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કટિબદ્ધ છીએ. આ ઠરાવમાં દેશના શહીદોની પ્રેરણા, પૂજ્ય બાપુના માનવીય આદર્શો અને સરદાર પટેલ જેવા ભારત માતાના સપૂતો દ્વારા આપણને આપવામાં આવેલી એકતાની શપથ સામેલ છે. આ પ્રેરણાઓને આગળ ધપાવતા આપણે એકતાની આ શક્તિથી વિકસિત ભારતનો સંકલ્પ પૂર્ણ કરવાનો છે.

ચાલો ફરી એકવાર ભારતના સપનાઓને સાકાર કરવા માટે એક થવા અને પ્રતિબદ્ધ બનવાના આપણા સંકલ્પને પુનઃપુષ્ટ કરીએ!

જ્યારે આપણે સાથે મળીને આગળ વધીશું, ત્યારે આપણી ભાવિ પેઢીઓ 2047માં ચોક્કસપણે વિકસિત, મજબૂત, સક્ષમ અને સમૃદ્ધ ભારત જોશે.

આપ સૌને શુભકામનાઓ.

આભાર,

જય હિન્દ,

જય ભારત !

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2097909) Visitor Counter : 36