પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

જમૈકાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ

Posted On: 01 OCT 2024 6:35PM by PIB Ahmedabad

આદરણીય મહામહિમ પ્રધાનમંત્રી શ્રી એન્ડ્ર્યુ હોલનેસ, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયા સહયોગીઓ, નમસ્કાર!

મને પ્રધાનમંત્રી હોલનેસ અને તેમના પ્રતિનિધિમંડળને ભારતમાં આવકારતા આનંદ થાય છે. આ પ્રધાનમંત્રી હોલનેસની ભારતની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. એટલા માટે અમે આ મુલાકાતને ખાસ મહત્વ આપીએ છીએ. પ્રધાનમંત્રી હોલનેસ લાંબા સમયથી ભારતનાં મિત્ર રહ્યાં છે. મને ઘણી વખત તેમને મળવાની તક મળી છે. અને દરેક વખતે, મેં ભારત સાથેના સંબંધોને મજબૂત કરવા માટે તેમના વિચારોમાં તેમની પ્રતિબદ્ધતાનો અહેસાસ કર્યો છે. મને વિશ્વાસ છે કે તેમની આ મુલાકાત આપણા દ્વિપક્ષીય સંબંધોમાં નવી ઊર્જા લાવશે અને સાથે સાથે સમગ્ર કેરેબિયન ક્ષેત્ર સાથે જોડાણ વધારશે.

મિત્રો,

 
ભારત અને જમૈકાના સંબંધોના મૂળમાં આપણા સહિયારા ઇતિહાસ, સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને લોકો વચ્ચેનાં મજબૂત સંબંધો રહેલાં છે. આપણી ભાગીદારીની લાક્ષણિકતા ચાર 'સી' – કલ્ચર, ક્રિકેટ, કોમનવેલ્થ અને કેરિકોમ (CARICOM) છે. આજની બેઠકમાં અમે તમામ ક્ષેત્રોમાં અમારા સહકારને મજબૂત કરવા ચર્ચા કરી હતી અને કેટલીક નવી પહેલોની ઓળખ કરી હતી. ભારત અને જમૈકા વચ્ચે વેપાર અને રોકાણ વધી રહ્યાં છે. જમૈકાની વિકાસ યાત્રામાં ભારત હંમેશા વિશ્વસનીય અને પ્રતિબદ્ધ વિકાસનું ભાગીદાર રહ્યું છે. આ દિશામાં અમારા તમામ પ્રયાસો જમૈકાના લોકોની જરૂરિયાતોની આસપાસ કેન્દ્રિત છે. આઇટીઇસી અને આઇસીસીઆર શિષ્યાવૃત્તિઓ મારફતે અમે જમૈકાનાં લોકોનાં કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણમાં પ્રદાન કર્યું છે.

અમે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લઘુ ઉદ્યોગો, જૈવઇંધણ, નવીનતા, સ્વાસ્થ્ય, શિક્ષણ, કૃષિ જેવા ક્ષેત્રોમાં જમૈકા સાથે અમારો અનુભવ વહેંચવા માટે તૈયાર છીએ. અમે સંરક્ષણના ક્ષેત્રમાં જમૈકાના સૈન્યની તાલીમ અને ક્ષમતા નિર્માણમાં આગળ વધીશું. સંગઠિત અપરાધ, માદક દ્રવ્યોની દાણચોરી, આતંકવાદ આપણા સામાન્ય પડકારો છે. અમે આ પડકારોનો સાથે મળીને સામનો કરવા સંમત થયા છીએ. અવકાશ ક્ષેત્રમાં અમારા સફળ અનુભવને જમૈકા સાથે પણ વહેંચવામાં અમને આનંદ થશે.

સાથીઓ,

 
આજની બેઠકમાં અમે કેટલાક વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી છે. અમે સંમત છીએ કે તમામ તણાવ અને વિવાદો વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ. આપણે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા સંયુક્તપણે પ્રયાસો ચાલુ રાખીશું. ભારત અને જમૈકા એ બાબતે સંમત થયા છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સહિત તમામ વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા કરવા અનિવાર્ય છે. અમે આ સંસ્થાઓને આધુનિક બનાવવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.

મિત્રો,

 
ભારત અને જમૈકા ભલે વિશાળ સમુદ્રોથી અલગ હોય, પરંતુ આપણા મન, આપણી સંસ્કૃતિઓ અને આપણા ઇતિહાસ એકબીજા સાથે જોડાયેલા છે. આશરે 180 વર્ષ અગાઉ ભારતથી જમૈકા સ્થળાંતર િત થયેલા લોકોએ અમારા લોકો વચ્ચેના સંબંધોનો મજબૂત પાયો નાખ્યો હતો. આજે ભારતીય મૂળના લગભગ 70,000 લોકો જમૈકાને ઘર કહે છે, જે આપણા સહિયારા વારસાનું જીવંત ઉદાહરણ છે. હું પ્રધાનમંત્રી હોલનેસ અને તેમની સરકારનો તેમની સારસંભાળ લેવા બદલ આભાર માનું છું. આજે ભારતીય મૂળના લગભગ 70,000 લોકો જમૈકાને ઘર કહે છે, જે આપણા સહિયારા વારસાનું જીવંત ઉદાહરણ છે. હું પ્રધાનમંત્રી હોલનેસ અને તેમની સરકારનો તેમની સંભાળ અને સમુદાયને ટેકો આપવા બદલ આભાર માનું છું.

જે રીતે યોગ, બોલિવૂડ અને ભારતમાંથી લોકસંગીતને જમૈકામાં અપનાવવામાં આવ્યું છે, તેવી જ રીતે જમૈકાનું "રેગે" અને "ડાન્સહોલ" પણ ભારતમાં લોકપ્રિય બની રહ્યું છે. આજે આયોજિત સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ આપણી પારસ્પરિક નિકટતાને વધારે મજબૂત કરશે. અમે દિલ્હીમાં જમૈકા હાઈ કમિશનની સામેના રસ્તાને "જમૈકા માર્ગ" નામ આપવાનું નક્કી કર્યું છે. આ રસ્તો આપણી સ્થાયી મૈત્રી અને આવનારી પેઢીઓ માટે સહયોગનું પ્રતીક બની રહેશે.

ક્રિકેટ પ્રેમી રાષ્ટ્રો તરીકે, રમતગમત એ આપણા સંબંધોમાં એક ખૂબ જ મજબૂત અને મહત્વપૂર્ણ જોડાણ કડી રહી છે. "કર્ટની વોલ્શ"ની લેજન્ડરી ફાસ્ટ બોલિંગ હોય કે પછી "ક્રિસ ગેલ"ની જ્વલંત બેટિંગ હોય, ભારતના લોકોને જમૈકાના ક્રિકેટરો પ્રત્યે ખાસ લગાવ છે. અમે રમતગમતમાં અમારા સહકારને વધુ ગાઢ બનાવવા પર પણ ચર્ચા કરી હતી. મને ખાતરી છે કે આજની ચર્ચાના પરિણામો આપણા સંબંધોને "ઉસૈન બોલ્ટ" કરતા પણ વધુ ઝડપે આગળ ધપાવશે, જે આપણને સતત નવી ઊંચાઈઓ પર પહોંચવાની તક આપશે.

મહામહિમ,

ફરી એક વાર, હું તમને અને તમારા પ્રતિનિધિમંડળને ભારતમાં હાર્દિક આવકાર આપું છું.

તમારો ખૂબ ખૂબ આભાર!

AP/GP/JD



(Release ID: 2060911) Visitor Counter : 38